પૂર ઝડપે દોડી રહેલી ટ્રકના અજીબ ચિત્કારી કરતા પૈડાના અવાજોની સાથે કંઈક આવેશ સભર સતત ગીયર ચેન્જ કરી રહેલા તમને તમારા ટ્રકનો ક્લીનર લાખો આજે પ્રથમ વખત જ આવા આવેશમાં જોઈ રહ્યો હતો, કાળુસિંહ રાજપૂત.
એક રાજપૂતને શોભે તેવું કદાવર, મજબૂત બાંધાનું શરીર, અણિયાળુ નાક, મોટું કપાળ, બન્ને કાનમાં વાળીઓ, તલવાર કટ મૂછ, શ્યામ રંગ, વાંકળિયા વાળના માલીક કાળુસિંહ તમે જ્યારે "બી.આર. ટ્રાન્સપોર્ટ" નામની લગભગ આખા પશ્ચિમ ભારતમાં ધંધો કરતી શેઠ શ્રી બદ્રીપ્રસાદ રાયચંદ ત્રિવેદીની પેઢીમાં જોડાયા ત્યારે ઓગણીસ વર્ષના નવયુવાન હતા. અનુભવી શેઠ શ્રી બદ્રીપ્રસાદે તમારા હીરને એક જ નજરે પારખીને તમને ક્લીનર તરીકે નોકરી આપી દીધી હતી. એકવીસ વર્ષની યુવાન વયે તમારા લગ્ન પ્રસંગમાં શેઠ જાતે આવ્યા હતા, અને લગ્ન બાદ તમને ક્લીનરમાંથી ડ્રાઈવરનું પ્રમોશન આપ્યું હતું. તમારી પ્રામાણિકતા અને વફાદારીથી તમે બહુ જ થોડા વર્ષોમાં શેઠના અત્યંત વિશ્વાસુ ડ્રાઈવર અને કંઈક અંશે કંઈક હદે મિત્ર જેવા બની ગયા હતા અને એટલે જ તો જ્યારે તમારા ઘરે તમારા પુત્ર પ્રતાપસિંહનો જન્મ થયો ત્યારે તમારા શેઠને તેમના ઘરે પૌત્રનો જન્મ થયો હોય તેવો આનંદ થયો હતો.
આજે ટ્રક ચલાવતા કાળુસિંહ આ બધી જ ઘટના તમારી સામે એક ચિત્રકથાની જેમ રજૂ થઈ રહી હતી. એક ઉડતી નજર તમે તમારા ટ્રકની જમણી તરફના બેકવ્યુ મીરર પર નાખીને તમે ડ્રાઈવર કેબીનમાંના મીરરમાં તમારો ચહેરો જોયો. વનપ્રવેશ કરી ચૂકેલા કાળુસિંહ તમારા માથા અને મૂછના વાળમાંથી સફેદી છલકી રહી હતી અને તમારી પાણીદાર આંખો આજે ઉજાગરાના કારણે નહિં પરંતુ ગુસ્સાના કારણે લાલ હતી. વડોદરાના આકોટા રોડ પર આવેલી તમારી બી.આર. ટ્રાન્સપોર્ટની ઓફિસેથી નિકળતી વખતે જ તમારો મૂડ બદલાયેલો હતો અને મસ્તમિજાજી કાળુસિંહને આજે પ્રથમ વખત જ ગુસ્સામાં લાખો જોઈ રહ્યો હતો.
ફરી તમારા સ્મૃતિપટ પરથી ઘટનાઓ પસાર થવા લાગી; તમારી પાંત્રીસીની આઘેડ વયે તમારા શેઠ બદ્રીપ્રસાદે જ્યારે નિવૃત્ત જીવન જીવવાનું વિચારી તેમના પચ્ચીસ વર્ષના યુવાન પુત્ર કેદારને પેઢીનો વહીવય સોંપ્યો ત્યારે શેઠ બદ્રીપ્રસાદે તમને કહેલા શબ્દો તમારા કાનમાં ગુંજી ઉઠ્યા, "કાળુસિંહ, કેદાર તારા નાના ભાઈ જેવો છે અને તું મારા મિત્ર જેવો છે. કેદારને સંભાળજે અને તેનું ધ્યાન રાખજે." આ ઘટનાના સત્તર વર્ષ પછી પણ તમને આ શબ્દો બરાબર યાદ છે અને આજે આ ઘટના જ એવી બની હતી કે તમને ભૂતકાળ યાદ આવી રહ્યો હતો.
આજે સવારે તમે તમારા શેઠ કેદાર ત્રિવેદી પાસે તમારા યુવાન પુત્ર પ્રતાપસિંહની કોલેજની ફી ભરવા માટે ઉપાડ માંગ્યો હતો અને મહેનત વગરની સિધ્ધિ પામેલ શેઠ કેદારે તમને જે રીતે ના પાડી હતી તેના કારણે આજે તમને લાગી આવ્યું હતું. કાળુસિંહ આટલા વર્ષોની તમારી ઈમાનદારીનું આવું અપમાનજનક પરિણામ. પ્રતાપસિંહની કોલેજની ફી આજે તમારે કોઈ પણ સંજોગોમાં જોઈતી હતી અને એટલે જ સાંજે અમદાવાદથી વડોદરા પરત ફરતી વખતે તમે પેસેન્જર બેસાડવાનું વિચારી રહ્યા હતા.
પણ કાળુસિંહ તમને જાણ ક્યાંથી હોય, આજે જ તમારા શેઠ બદ્રીપ્રસાદ પેઢી પર અમસ્તા આંટો મારવા આવ્યા હતા, ત્યારે તો તમે અમદાવાદ તરફ નીકળી ચૂક્યા હતા, પરંતુ જ્યારે તેમણે તમારા જેવા જ વિશ્વાસુ પેઢીના મુનીમ પાસેથી આ ઘટના જાણી ત્યારે તેમણે કેદારને પિતા સહજ ઠપકો આપ્યો અને તેઓ જાતે જ તેમની ગાડીમાં તમારા ઘરે ગયા હતા અને કોમર્સમાં ગ્રેજ્યુએટ થઈ ગયેલ અને આગળ માસ્ટર ડિગ્રીનો વધુ અભ્યાસ કરવા ઈચ્છતા તમારા પુત્ર પ્રતાપસિંહની કોલેજની ફી તેના હાથમાં આપી અને સાથે સાથે તમારી પેઢીમાં જ પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટની નોકરી પણ.
અને અત્યારે કાળુસિંહ, કેદાર શેઠ અને પ્રતાપસિંહ બંન્ને તમારી રાહ જોઈ રહ્યા છે. કેદાર શેઠ નાના ભાઈની જેમ દિલથી માફી માંગવા અને તમારો પુત્ર પ્રતાપસિંહ નોકરી અને ફી મળી ગયાની બેવડી ખુશીના સમાચાર આપવા. પણ એ તો તમે સાંજે અમદાવાદથી પરત ફરશો ત્યારે જ તમને ખબર પડશે.
લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ