Wednesday, September 30, 2009

ગુજરાતી શેરો શાયરી

The below content is Gujarati Version of the collection of Gujarati Sher SMS and Gujarati Shayri SMS, which I have received in English language. As I liked it very much, I have published here to share with you all. 


  • તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
    તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું,
    તુ જો આવીને મને સજીવન કરે,
    તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું.



  • દિવસો બદલાયા અને રાતો પણ બદલાઈ ગઈ,
    એક એક કરતા બધાની નજરો પણ બદલાઈ ગઈ,
    મળ્યા કેટલાય મોકા બદલાવાના પણ,
    તમને યાદ કરવાની આદત કદી ના બદલાઈ.



  • જરા આંખ ખોલો થોડી ઉજાસ મોકલું છું,
    ફુલોના રંગ તમારી આસપાસ મોકલું છું,
    ના વિચારો કે ભુલી જઈશું તમને,
    નિભાવશુ સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું.



  • વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ,
    યુવાન હૈયાની આ મજબુરી છે આ પ્રેમ,
    ના માનો તો કાંઈ નથી પણ માનો તો,
    દ્વારકાધીશની પણ મજબુરી છે આ પ્રેમ.



  • સંબંધો આપણા સચવાય એવું કરજો,
    વફાના ફુલો ના કરમાય એવું કરજો,
    બહુ ઓછી મુલાકાતોમાં બંધાય છે સંબંધો,
    પણ જીંદગીભર ના ભુલાય એવું કરજો.



  • કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને,
    જો હોય મહત્વ અમારૂં તો યાદ કરી લેજો અમને,
    માન્યું કે જીંદગીના રસ્તા હશે ઘણા લાંબા,
    ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને.



  • જાણે કેમ અમારી યાદ જુની થઈ ગઈ,
    તમારી યાદ માં અમારી આંખ ભીની થઈ ગઈ,
    એવી તે કઈ વાત થઈ ગઈ,
    કે તમને અમારી યાદ આવતી જ બંધ થઈ ગઈ.



  • સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
    સાગર પુછે રેતીને, ભીંજવું તને કે કેમ?
    રેતી મનમાં રોઈ પડી, આમ કંઈ પુછી પુછીને થતો હશે પ્રેમ.



  • કોઈને પ્રેમની ખબર નથી હોતી,
    તો કોઈને પ્રેમની અસર નથી હોતી,
    બહુ થોડાને મળે છે સાચો પ્રેમ,
    પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી.



  • સમય સાથે બધુજ વહી જશે,
    માત્ર પ્રેમભરી યાદો રહી જશે,
    હોઠો પર ના લાવો તો કંઈ નહીં,
    અમને ખબર છે કે દિલમાં નામ જરૂર રહી જશે.



  • પંખીની જેમ એક દિવસ ઉડી જાસુ,
    સાથે વિતાવેલી પળો સમેટીને લઈ જાસુ,
    ભીંજવીને તમારી આ સુંદર આંખો,
    ફક્ત સોનેરી યાદો છોડીને જાસુ.



  • દરેક શબ્દમાં બહુ ફરક હોય છે,
    ટૂંકા વાક્યોને પણ ઘણા અર્થ હોય છે,
    એક પણ સવાલ સહેલો હોતો નથી,
    અને આપેલા જવાબમાં પણ પ્રશ્નાર્થ હોય છે.



  • ક્યારેક આ જીંદગી હસતા મુકી દે છે,
    ક્યારેક આ જીંદગી રડતા મુકી દે છે,
    ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ દુઃખોના,
    બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ મુકી દે છે.

Saturday, September 26, 2009

"સ્વાર્થી દુનિયાનું આ જ તો ચલણ છે, ગળે મળેલા દોસ્તોના જ હાથમાં ખંજર છે."

રોજની જેમ ફરીથી, આજે વહેલી પરોઢે જ્યારે તમારી આંખ ખૂલી રોહિત, ત્યારે ઘડિયાળમાં સવારના ચાર વાગ્યાનો સમય થયો હતો અને એ પછી તમે તમારી દૈનિક ક્રિયાઓ પતાવીને તમારા રાઈટીંગ ટેબલ પરની રીડીંગ લેમ્પની સ્વીચ ઓન કરી વાંચવાનું શરૂ કર્યું, ત્યારે ઘડિયાળ દરરોજની જેમ જ આજે પણ ચાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટનો સમય દર્શાવી રહી હતી. વહેલી પરોઢનો તમારો આ નિત્યક્રમ છેલ્લા એક બે નહીં પણ એકવીસ વર્ષથી સતત અવિરત અને અતૂટ ચાલ્યો આવતો હતો.

શ્રીમાન રોહિત શાહ, આજે તો તમે અડતાલીસ વર્ષની વય વટાવી ચૂકેલા એક પીઢ અને અનુભવી વ્યક્તિ છો. પરંતુ આજથી લગભગ એકવીસ વર્ષ પહેલા ગુજરાતી વિષયની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરીને અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી ગવર્મેન્ટ તરફથી ગ્રાન્ટ મેળવતી એક સામાન્ય શાળામાં શિક્ષક તરીકે નિમણૂંક પામ્યા, તેના થોડાક જ વર્ષોમાં તમારી ભણાવવાની આગવી અદા, ક્રાંતિકારી વિચારો, વ્યવહાર કુશળતાના કારણે વિદ્યાર્થીઓ જેને એક સામાન્ય વિષય ગણતા હતા તેવા ગુજરાતી વિષયને એક રસપ્રદ સાહિત્યનો વિષય બનાવી દીધો હતો. વિદ્યાર્થીઓને સતત કંઈક નવું શીખવવાની લાગણીના કારણે તમે રોહિત શાહ, એક વિદ્યાર્થીપ્રિય શિક્ષક બની ગયા અને તમારી શાળાના પ્રિન્સિપલના મનમાં તમારી એક ઉમદા અને હોંશિયાર શિક્ષક તરીકે ની છાપ પણ ઊભી થઈ ગઈ. મળતાવડા સ્વભાવના કારણે એ પછીના વર્ષોમાં તમારા મિત્રવર્ગમાં પણ ઘણો મોટો વધારો થયો રોહિત અને તમારા પરોપકારી સ્વભાવને આધીન તમે તમારી સમક્ષ જે મિત્રોએ મદદ માંગી તેને તમે તમારાથી શક્ય બનતી બધી જ રીતે મદદ કરી.

હા, સાથે સાથે તમારા સુવાંગ વ્યક્તિત્વ અને તમારી શાળામાં તમારા ઉંચા માન-મોભા અને વિદ્યાર્થીપ્રિયતાના કારણે તમારી ઈર્ષા કરનાર વ્યક્તિઓનો વર્ગ પણ મોટો થતો ગયો હતો. એરે એટલું જ નહિં પણ એવા ઘણા વ્યક્તિઓ હતા કે જે તમારા મિત્ર હોવાનો દાવો કરતા હતા અને તમારી જ પીઠ પાછળ તમારી બદનામી કરવામાં વ્યસ્ત રહેતા હતા.

રોજની જેમ જ આજે સવારે રોહિત તમે તમારૂં વાંચનકાર્ય પૂર્ણ કરી સવારનો નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયા ત્યારે ઘડિયાળ છ વાગ્યાને પંદર મિનિટનો સમય બતાવી રહી હતી અને ડાઈનીંગ ટેબલ પર  નાસ્તો કરતાં કરતાં તમને અચાનક જ યાદ આવ્યું કે તમારા જ સાથી મિત્ર અને તમારી જ સાથે તમારી જ શાળામાં હિન્દી અને સંસ્કૃતના શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજય પટેલે ગઈ કાલે તમારી પાસેથી દસ હજાર રૂપિયા હાથ ઉછીના માંગ્યા હતા, જે તેને તમે આજે આપવાનું કહ્યું હતું. નાસ્તો પતાવીને તમે રોહિત શાહ તમારી તિજોરીમાંથી સંજય પટેલને આપવા માટે સોની નોટોનું એક બંડલ કાઢી તમારા ખિસ્સામાં મૂકી તમે ફરજ પર જવા ઘરેથી નીકળી ગયા.

સારું છે કે માણસ ભવિષ્યની ઘટનાઓ વર્તમાનમાં જોઈ શકતો નથી. બાકી જો રોહિત શાહ તમને કદાચ ખબર હોત કે સ્વભાવે શાંત અને સૌમ્ય તથા તમારો મિત્ર હોવાનો દાવો કરનાર આ જ સંજય પટેલ, નજીકના ભવિષ્યમાં તમારા જ આપેલા આ દસ હજાર રૂપિયાની મદદથી જ તમારી ખૂબ જ હલકી કક્ષાની બદનામી કરવાનો છે, તો તમે કદાચ એને મદદ ન કરી હોત.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, September 23, 2009

"સમીર છું ને સમીરની જેમ ચાલ્યો જઈશ, યાદોમાં સાથે કેદ તને કરીને જઈશ."

ઘડિયાળના કાંટા તેમની નિયમીત ટક ટક કરી રહ્યા હતા અને આ ફરતા કાંટાઓની સાથે તમે સ્મિતા શુક્લ આજે કંઈક વધુ ચીવટ અને ઝડપથી તમારૂં કામ કરી રહ્યા હતા. તમારા પ્રેમાળ, સ્માર્ટ અને હેન્ડસમ પતિ તેજસ શુક્લએ આજે સવારે જ ઓફિસ જતાં પહેલા જણાવ્યું હતું કે સાંજે તેમની સાથે તેમના નવા બોસ સમીર બક્ષી ડિનર પર ઘરે આવવાના છે.

પવનની હળવી લહેરખીની જેમ સરકી જતા સમયે સાત વાગ્યાનો સમય ઘડિયાળમાં દર્શાવ્યો અને લગભગ એ સાથે જ તમારા બંગલાની પોર્ચમાં ગાડી આવીને ઊભી રહી. એના પરિચિત અવાજ પરથી તમે જાણ્યું કે તમારા પતિ તેજસ આવી ચુક્યા છે અને તમે તેમને આવકારવા મેઈન-ડોર સુધી ગયા. તેજસે તમને તેની સાથે આવેલ તેના બોસ સમીર બક્ષીનો પરિચય કરાવ્યો અને જ્યાં તમારી અને સમીર બક્ષીની નજર એક થઈ ત્યાં તમે એક આંચકો અનુભવી ગયા. પણ પછી તરત જ સ્વસ્થતા કેળવી સસ્મિત ભારતીય પરંપરા મુજબ તમે સમીર બક્ષીને આવકાર્યા અને પછી ડિનરની તૈયારી હેતુ રસોડામાં ગયા અને સાથે સાથે તમારા કોલેજના ભૂતકાળમાં પણ...

શહેરના શ્રીમંત પરિવારોમાંના એક કૃષ્ણકાંત દિવાનના વ્હાલસોયા દીકરી સ્મિતા દિવાન તમે કોલેજમાં આવવા-જવા માટે ગાડીની સગવડ ભોગવતા હતા. ત્યારે તમે ભણવામાં બેહદ હોંશિયાર અને  આખી કોલેજમાં ફર્સ્ટ આવતા નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારના સામાન્ય દેખાવ ધરાવતા અને બસમાં આવતા જતા તમારા સહાધ્યાયી સમીર તરફ આકર્ષાયા હતા.

તમારૂં એ આકર્ષણ પરિચય અને પ્રણયમાં પરિણમ્યું. પરંતુ તમારા અને સમીર વચ્ચેની આભ-જમીન જેવી આર્થિક અસમાનતાના કારણે તમારો પ્રણય પરિણય સુધી નહિં પહોંચે તેવી ખાત્રી થતાં જ તમે તે સંબંધને પૂર્ણવિરામ આપ્યો અને તમને બરાબર યાદ છે સમીરે તમારા સાથેની છેલ્લી મુલાકાતમાં તમારો નિર્ણય જાણ્યા પછી કહ્યું હતું
          "સમીર છું ને સમીરની જેમ ચાલ્યો જઈશ,
                     યાદોમાં સાથે કેદ તને કરીને જઈશ."

એ પછી તમે એક મલ્ટી-નેશનલ કંપનીની ગુજરાત ઓફિસના એકાઉન્ટ મેનેજર તેજસ શુક્લ સાથે લગ્ન કરી સ્મિતા દિવાનમાંથી સ્મિતા તેજસ શુક્લ બન્યા. તેજસનો અવાજ સાંભળતાજ તમે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યા અને ડ્રોઈંગરૂમમાં વાતોમાંથી પરવારી ડિનર ટેબલ પર ગોઠવાયેલા તમારા પતિ અને તેના બોસ સમીરને ડિનર સર્વ કરવા લાગ્યા; ત્યારે તેજસે સમીરનો વધુ પરિચય કરાવતાં જણાવ્યું કે સમીર બક્ષીએ સી.એ. અને એમ.બી.એ.ની ડિગ્રી હાંસલ કરેલી છે અને તેઓ આખા વેસ્ટ ઝોનના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના જનરલ મેનેજર છે. ડિનર દરમ્યાન જ્યારે તેજસે સમીરને તેમના અનમેરીડ હોવાનું કારણ પુછયું તો નિખાલસતાથી સમીરે એક નજર તમારી સામે કરી જણવ્યું કે, "કોલેજમાં એક શ્રીમંત છોકરી સાથે પ્રણય હતો, પણ આર્થિક પરિસ્થિતીએ પ્રણયને પરિણયનું પરિણામ ન આપ્યું અને મેં એ પ્રણયની યાદમાં પરિણય વગર જીવવાનું નક્કી કર્યું." ત્યારે સ્મિતા તમને જાણે એક ક્ષણ ઠંડી કંપારી આવી ગઈ.

વિદાય સમયે તેજસે તેના બોસને તેઓ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે હોટલના બદલે પોતાના જ ઘરે ઉતરવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ઓફિસી સ્માઈલ સાથે તેના બોસે આમંત્રણનો અસ્વીકાર કરી ફરી ક્યારેય તેના ઘરે નહિં આવે તેવું જણવ્યું અને આજના ડિનર માટે થેંક્સની સાથે કહ્યું
          "સમીર છું ને સમીરની જેમ ચાલ્યો જઈશ,
                     યાદોમાં સાથે કેદ તને કરીને જઈશ."

હા, સ્મિતા દિવાન, તેજસ શુક્લના સમીર સર એ જ કોલેજકાળનો તમારો પ્રેમ, સમીર હતો.

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Saturday, September 19, 2009

"કોઈની આશનું શું કામ છે? જ્યારે સાબૂત તન, મન અને શ્વાસ છે."

ખંજરના ઉંડા પડેલા ઘાવ પર મીઠું ભભરાવતા જેવી દર્દનાક વેદના થાય તેવી જ વેદના વિપ્લવ તમારૂં હૃદય અનુભવી ગયું. પરંતુ, સંઘર્ષ અને સંયમમાં જીવન પસાર કરી નાખનાર વિપ્લવ તમે તરત જ વેદનાને હૃદયમાં દબાવી દીધી અને તમારી ખુમારીએ તમારી માનસિક ઉંમર ફરીથી ત્રીસ વર્ષની બનાવી દીધી.

જી હા, વિપ્લવ - વિપ્લવ ત્રિપાઠી, સાંસ્કૃતિક નગરી વડોદરાના એક પરા વિસ્તારમાં બાળપણ અત્યંત ગરીબીમાં પસાર કરી, રસ્તા પરની સ્ટ્રીટ લાઈટના અજવાળામાં શિક્ષણ લઈ વડોદરાની મ.સ. યુનિવર્સીટીમાં યુવાન વયે તમે પ્રવેશ મેળવ્યો હતો. અન્ન અને દાંતને વેર હોય તેવા પરિવારમાં તમે મોટા થયા હતા વિપ્લવ, પરંતુ તમે ક્યારેય કોઈની મદદ ન સ્વિકારવાનો સ્વભાવ કેળવી અેક સંપૂર્ણ સ્વમાની વ્યક્તિ તરીકેનું જીવન જીવતા હતા. એ વાત પણ એટલી જ સત્ય છે વિપ્લવ કે આ સ્વમાની જીવન જીવવા તમે રોજના દસ કલાલ એક ફેક્ટરીમાં મજૂરી કરતા હતા.

વડોદરાની મ.સ. યુનિવર્સીટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તમે વિપ્લવ એક નાના પાયા પર તમારો પોતાનો એસિડ-ફિનાઈલ, ગળી-ડિટર્જન્ટ, વગેરે ઘર-વપરાશી વસ્તુઓ બનાવી વેચવાનો ધંધો શરૂ કર્યો અને તમારા માયાળુ અને સાલસ સ્વભાવ તથા અથાક મહેનતના પરિણામે તમે તમારૂં પોતાનું એક રૂમ રસોડાનું મકાન વડોદરા શહેરમાં લીધું. જીવનની કેડી પર અત્યાર સુધી એકલા જ ચાલતા આવેલા વિપ્લવ ત્રિપાઠી તમને ઘણીા વખત અકસ્માતમાં મૃત્યુ પામેલા તમારા માતા-પિતાની યાદ આવી જતી હતી ત્યારે તમારી આંખ ભીની થઈ જતી હતી. માતા-પિતાનું છત્ર ગુમાવ્યું ત્યારે તમે માત્ર આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા વિપ્લવ. એકલતા દૂર કરવા તમે તમારી એઠ્યાવીસ વર્ષની ઉંમરે જીવનસાથીની તલાશ શરૂ કરી હતી એને થોડાક જ સમયમાં તમારી જ જેમ એકલતાની કેડી પર ચાલનાર વિદ્યાના સંપર્કમાં તમે આવ્યા અને પરસ્પર લગ્ન ગ્રંથીથી જોડાઈ સંસાર સફર શરૂ કરી.

કુદરત જાણે એ સમયે તમારા પર મહેરબાન થઈ ગઈ વિપ્લવ. તમે તમારો ધંધો વિકસાવ્યો. એક લોડિંગ રીક્ષા લીધી અને તમારા સંસાર જીવનના બીજા વર્ષે તમને પુત્ર રત્નની પ્રાપ્તી થઈ. તેનું નામ પણ તમે કેવું સરસ રાખ્યું હતું - વિશ્વેશ. લગભગ વિશ્વેશના જન્મ પછી બાજા ત્રણ વર્ષે તમારા ઘરે પુત્રી ઝંકારનો જન્મ થયો, ત્યારે તમને લાગ્યું કે સંસારમાં તમારાથી સુખી કોઈ જ નહિં હોઈ શકે.

તમારો પરિવાર સુખી હતો. વિશ્વેશે અભ્યાસમાં સ્કોલરશીપ મેળવી હતી અને પોતાની ઓળખ ડૉ. વિશ્વેશ ત્રિપાઠી તરીકેની બનાવી વધુ અભ્યાસ માટે લંડન ગયો, ત્યારે તમારી છાતીમાં હરખ સમાતો ન હતો. જ્યારે તમને વિશ્વેશે સમાચાર આપ્યા કે તેણે લંડનમાં જેનેટ નામની સ્થાનીક ગોરી યુવતી સાથે લગ્ન કરી લીધા છે, ત્યારે ક્ષણિક તો તમને આઘાત લગ્યો. પણ તમે એ આઘાત પચાવી ગયા દિકરાના સુખી ગૃહસ્થ જીવન માટે પ્રાર્થના કરીને વિપ્લવ.

પણ આજે વિપ્લવ તમે વિશ્વેશને ફોન પર, બિમાર અને મરણ પથારી પર પડેલી તેની જન્મદાત્રી અને તમારી પત્ની વિદ્યાની ખબર પૂછવા તથા નજીકના સમયમાં તમારી દિકરી ઝંકારના 'ચટ મંગની, પટ બ્યાહ' જેવા લગ્નના પ્રસંગે તેને વડોદરા પાછા આવવા કહ્યું ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા ડૉ. વિશ્વેશે જણવ્યું કે તેની પાસે સમય નથી તેથી તે નહિં આવી શકે. તેના જવાબથી તમારૂં હૃદય કકળી ઉઠ્યું હતું વિપ્લવ, પણ તરત જ તમારી ખુમારીએ તમને યાદ અપાવ્યું કે કોઈની આશનું શું કામ છે? જ્યારે સબૂત તન, મન અને શ્વાસ છે.


લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

Wednesday, September 16, 2009

આંખ આપો તો ટૂચકા વંચાવું

  • પ્રેમ, ઈશ્ક અને મહોબ્બત... એ બધું સ્ટોક માર્કેટ જેવું છે,

    એમાં તો એવું છે ને કે.... ફાવી ગયા તો હર્ષદ મહેતા... નહિંતર નરસિંહ મહેતા....



  • શિક્ષક - જરા વિચારો બાળકો, ચિનના અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી, તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઇએ?

    બાળકો (હર્ષનાદ સાથે) - ચિન જવા માટે...



  • ટીચરઃ ટેરરીસ્ટ એટલે શું?

    બાપુઃ ટેરરીસ્ટ એવા પ્રવાસી છે જે બીજા દેશમાંથી આપણા દેશમાં દિવાળી ઉજવવા આવે છે...



  • લેટેસ્ટ ગુજરાતી શાયરી

    હૈયામાં ગમ રાખું છું,
    દિલમાં તારૂં નામ રાખું છું,

    તારી યાદમાં દુખે છે મારૂં માથું,
    ત્યારે તું કહીશ મા ઝંડુ-બામ રાખું છું..



  • ચોર પકડવાનું મશિન સોધાયું.

    અમેરિકામાં એક દિવસમાં ૧૫ ચોર પકડાયા
    રશિયામાં ૨૦
    ચિનમાં ૩૦

    ભારતમાં એક કલાકમાં તો મશિન જ ચોરાઈ ગયું...



  • કોઇકે કાકાને પૂછ્યું, તમે આવતા જન્મે શું બનવા માંગો છો?

    કાકા - વાંદો

    કેમ?

    કાકાએ ખાનગી માહિતી આપી, કારણકે તારા કાકી ફક્ત વાંદાથી જ ડરે છે..



  • ચિત્રગુપ્તઃ આપણો ટારગેટ પુરો કેમ થતો નથી?

    યમરાજઃ ટારગેટ ક્યાંથી પુરો થાય.. મારો પાડો પહોંચે એ પહેલાં નરેન્દ્ર મોદીની ૧૦૮ પહોંચી જાય છે...



  • બાપુ બિલ ગેટ્સને - તમે યાર માણસ વિચિત્ર છો.

    ગેટ્સ - કેમ?

    બાપુ - તમે અટક દરવાજા (GATES) ની રાખો છો અને ધંધો બારીઓ (WINDOWS) નો કરો છો.!



  • એક ભાઈએ બાપુને તેમની ઉંમર પુછી તો બાપુએ પોતાની ઉંમર ૩૦ વર્ષ કહી...

    પેલો ભાઈ આશ્ચર્ય સાથે - પાંચ વર્ષ પહેલા મેં તમારી ઉંમર પુછી તો તમે મને એ વખતે પણ ૩૦ વર્ષ કહી હતી અને આજે પણ એટલી જ કહો છો?

    બાપુ - એમે બાપુ છીએ એક વાર બોલીએ પછી ફરી ના જઈએ..

Saturday, September 12, 2009

શિયાળાની સવારનો તડકો

કોણે કહ્યું રવિને રૂપ નથી?
કોણે કહ્યું રવિને લય નથી?
પૂછો મૂક્ત ગગનના પંખીને,
શું એને એનો અનૂભવ નથી?

નવોઢાના ચહેરા પર, શરમની રતાશ બનીને,
સૂરજમૂખીના ફૂલ પર, ચાતકની પ્યાસ બનીને,
અંધારી ધરતી પર ફેલાય છે એ, પ્રભાતનું ઊજાસ બનીને,
લાવે છે કંઈક નવા શમણાં, શિયાળામાં સવાર બનીને.

અસહ્ય લાગતો જે ઊનાળામાં,
આવકારે છે લોકો એને શિયાળામાં,
નાના બાળક જેવો પ્યારો,
     સોહામણો લાગે છે એ સવારમાં.

અદૄભૂત છે અનુભૂતિ એની,
અદૄભૂત છે આગમન એનું,
શું હું ખોટું કહું છું,
     શિયાળાની સવારના તડકાની બાબતમાં?

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ મનિષા એ. પટેલ

Saturday, September 5, 2009

આભાર

દર્દ પર દર્દ આપવાનો આભાર;
મિત્ર બની મિત્રદ્રોહ કરવાનો આભાર,

મિત્ર બની જીવનમાં આવવાનો આભાર;
શત્રુ પણ ન કરે એવો દ્રોહ કરવાનો આભાર,

ચાર કદમ જીંદગીના સાથે ચાલવાનો આભાર;
મુસીબતોમાં સાથ છોડી દેવાનો આભાર,

સ્વપ્નમાં આવી પ્રેમ વરસાવવાનો આભાર;
સન્મુખ આવી નફરત વરસાવવાનો આભાર,

કવચ તરીકે અમારો ઉપયોગ કરવાનો આભાર;
શસ્ત્ર બની આમારા પર વાર કરવાનો આભાર,

દર્દ પર દર્દ આપવાનો આભાર;
મિત્ર બની મિત્રદ્રોહ કરવાનો આભાર.

કવિઃ આશિષ એ. મહેતા