રોજની જેમ ફરીથી, આજે વહેલી પરોઢે જ્યારે તમારી આંખ ખૂલી રોહિત, ત્યારે ઘડિયાળમાં સવારના ચાર વાગ્યાનો સમય થયો હતો અને એ પછી તમે તમારી દૈનિક ક્રિયાઓ પતાવીને તમારા રાઈટીંગ ટેબલ પરની રીડીંગ લેમ્પની સ્વીચ ઓન કરી વાંચવાનું શરૂ કર્યું, ત્યારે ઘડિયાળ દરરોજની જેમ જ આજે પણ ચાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટનો સમય દર્શાવી રહી હતી. વહેલી પરોઢનો તમારો આ નિત્યક્રમ છેલ્લા એક બે નહીં પણ એકવીસ વર્ષથી સતત અવિરત અને અતૂટ ચાલ્યો આવતો હતો.
શ્રીમાન રોહિત શાહ, આજે તો તમે અડતાલીસ વર્ષની વય વટાવી ચૂકેલા એક પીઢ અને અનુભવી વ્યક્તિ છો. પરંતુ આજથી લગભગ એકવીસ વર્ષ પહેલા ગુજરાતી વિષયની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરીને અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી ગવર્મેન્ટ તરફથી ગ્રાન્ટ મેળવતી એક સામાન્ય શાળામાં શિક્ષક તરીકે નિમણૂંક પામ્યા, તેના થોડાક જ વર્ષોમાં તમારી ભણાવવાની આગવી અદા, ક્રાંતિકારી વિચારો, વ્યવહાર કુશળતાના કારણે વિદ્યાર્થીઓ જેને એક સામાન્ય વિષય ગણતા હતા તેવા ગુજરાતી વિષયને એક રસપ્રદ સાહિત્યનો વિષય બનાવી દીધો હતો. વિદ્યાર્થીઓને સતત કંઈક નવું શીખવવાની લાગણીના કારણે તમે રોહિત શાહ, એક વિદ્યાર્થીપ્રિય શિક્ષક બની ગયા અને તમારી શાળાના પ્રિન્સિપલના મનમાં તમારી એક ઉમદા અને હોંશિયાર શિક્ષક તરીકે ની છાપ પણ ઊભી થઈ ગઈ. મળતાવડા સ્વભાવના કારણે એ પછીના વર્ષોમાં તમારા મિત્રવર્ગમાં પણ ઘણો મોટો વધારો થયો રોહિત અને તમારા પરોપકારી સ્વભાવને આધીન તમે તમારી સમક્ષ જે મિત્રોએ મદદ માંગી તેને તમે તમારાથી શક્ય બનતી બધી જ રીતે મદદ કરી.
હા, સાથે સાથે તમારા સુવાંગ વ્યક્તિત્વ અને તમારી શાળામાં તમારા ઉંચા માન-મોભા અને વિદ્યાર્થીપ્રિયતાના કારણે તમારી ઈર્ષા કરનાર વ્યક્તિઓનો વર્ગ પણ મોટો થતો ગયો હતો. એરે એટલું જ નહિં પણ એવા ઘણા વ્યક્તિઓ હતા કે જે તમારા મિત્ર હોવાનો દાવો કરતા હતા અને તમારી જ પીઠ પાછળ તમારી બદનામી કરવામાં વ્યસ્ત રહેતા હતા.
રોજની જેમ જ આજે સવારે રોહિત તમે તમારૂં વાંચનકાર્ય પૂર્ણ કરી સવારનો નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયા ત્યારે ઘડિયાળ છ વાગ્યાને પંદર મિનિટનો સમય બતાવી રહી હતી અને ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરતાં કરતાં તમને અચાનક જ યાદ આવ્યું કે તમારા જ સાથી મિત્ર અને તમારી જ સાથે તમારી જ શાળામાં હિન્દી અને સંસ્કૃતના શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજય પટેલે ગઈ કાલે તમારી પાસેથી દસ હજાર રૂપિયા હાથ ઉછીના માંગ્યા હતા, જે તેને તમે આજે આપવાનું કહ્યું હતું. નાસ્તો પતાવીને તમે રોહિત શાહ તમારી તિજોરીમાંથી સંજય પટેલને આપવા માટે સોની નોટોનું એક બંડલ કાઢી તમારા ખિસ્સામાં મૂકી તમે ફરજ પર જવા ઘરેથી નીકળી ગયા.
સારું છે કે માણસ ભવિષ્યની ઘટનાઓ વર્તમાનમાં જોઈ શકતો નથી. બાકી જો રોહિત શાહ તમને કદાચ ખબર હોત કે સ્વભાવે શાંત અને સૌમ્ય તથા તમારો મિત્ર હોવાનો દાવો કરનાર આ જ સંજય પટેલ, નજીકના ભવિષ્યમાં તમારા જ આપેલા આ દસ હજાર રૂપિયાની મદદથી જ તમારી ખૂબ જ હલકી કક્ષાની બદનામી કરવાનો છે, તો તમે કદાચ એને મદદ ન કરી હોત.
લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ
No comments:
Post a Comment