Saturday, November 7, 2009

"વાત કરવાને હું અને એ છીએ તત્પર પણ, વાત કરવાની કોણ ભલા શરૂઆત કરે?"

ઘડીયાળમાં એક ટકોરો પડ્યો અને તમે એક નજર ઘડીયાળ તરફ નાખી. બપોરના સાડા ત્રણનો સમય દર્શાવતી ઘડીયાળ તરફથી નજર પરત ફેરવી તમારી સામેની દિવાલ પર લટકતા કેલેન્ડર પર તમારી નજર આપોઆપ જ પડી. કેલેન્ડર આજે સોમવારનો દિવસ બતાવતું હતું અને પંક્તિ એક સ્મિત તમારા ચહેરા પર આવી ગયું. દરેક સોમવારનો તમને બહદ ઈંતજાર રહેતો હતો, કુમારી પંક્તિ ઉપાધ્યાય.

અમદાવાદ શહેરની એસ.વી. કોલેજ કેમ્પસની ઈવનીંગ લાૅ કોલેજના મોસ્ટ રેગ્યુલર વિદ્યાર્થીની તરીકે તમારી એક આગવી પ્રતિષ્ઠા કોલેજના તમારા સાથી-મિત્રો, સહઅભ્યાસુઓ અને પ્રાદ્યાપકોમાં હતી. જેવી તમારી રેગ્યુલારીટી હતી તેવી જ તમારી ઈન્ટેલીજન્સી પણ હતી. આથી જ એલએલ.બી.ના પ્રથમ અને દ્વિતીય વર્ષમાં તમે કોલેજ ફર્સ્ટ રહ્યા હતા. પણ તમારા સિવાય તમારા મિત્ર વર્તૃળમાં કોઈને જરાય ખબર ન હતી કે શા માટે તમને સોમવારનો આટલો ઈંતજાર રહેતો હતો? જે લાૅ કોલેજના પ્રથમ વર્ષના પ્રથમ સત્રથી આજ સુધી એવો જ જળવાયો હતો.

આજે પણ તમે કોલેજ જવા કંઈક વિશિષ્ટ તૈયાર થયા. બહુ જ સુંદર નહિં, પરંતુ સામાન્ય કદ અને દેખાવ ધરાવતા પંક્તિ ઉપાદ્યાય તમે હળવો મેક-અપ કરીને તમારા પ્રતિબિંબને તમારા રૂમના આદમ કદ અરિસામાં નીરખી રહ્યા હતા. થોડી વાર આમ જ પોતાના પ્રતિબિંબને નીરખી રહ્યા બાદ, તમે પંક્તિ તમારૂં સ્કુટી સ્ટાર્ટ કરી શાહપુરના ગીચ વિસ્તાર, રસ્તા અને ભીડ વચ્ચેથી નીકળી, તમારી કોલેજ તરફ આગળ વધી રહ્યા હતા અને તમારા મનમાં ઉઠતા અનેક વિચારો પણ એજ દિશામાં ઝડપથી આગળ વધતા હતા. વિચારો-વિચારોમાં રસ્તો ક્યાં કપાઈ ગયો એનો તમને અણસાર પણ ન આવ્યો અને તમે તમારી કોલેજના કેમ્પસમાં પહોંચી ગયા. તમારી આંખો કોઈને શોધી રહી હતી. પણ કોને?

લાૅ કોલેજના પ્રથમ વર્ષથી જ કોલેજમાં માત્ર હાજરી પૂરાવવા જ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ આવતા, પરંતુ દર સોમવારે નિયમીત રીતે આવતા, મજબુત બાંધો, મધ્યમ દેખાવ અને અન-ક્લીન શેવ્ડ ચહેરો ધરાવતા યુવાન પ્રમેશ પંડ્યાનું વ્યક્તિત્વ જ કંઈક અનેરૂં હતું. અત્યંત વાચાળ અને બોલકો સ્વભાવ ધરાવનાર પ્રમેશ કોલેજ કેમ્પસમાં આવે તેટલો સમય સદાય સિનીયર-જુનીયર મિત્રોથી ઘેરાયેલો રહેતો, પરંતુ પ્રમેશનું એક ખાસ વિશિષ્ટ લક્ષણ એ હતું કે તેના મિત્ર વર્તૃળમાં માત્ર અને માત્ર પુરૂષ મિત્રો જ રહેતા.

પંક્તિ ઉપાદ્યાય એ તો માત્ર તમે અને તમે જ જાણતા હતા કે તમને ઈંતજાર સોમવારનો નહિં પરંતુ ખરા અર્થમાં પ્રમેશનો રહેતો. કારણ કે તમારી નજરોમાં તે તમારો કટ્ટર પ્રતિસ્પર્ધી તથા અન્ય સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખતો એક સારો સહાદ્યાયી મિત્ર પણ હતો. પંક્તિ તમે જો લાૅ કોલેજના બંને વર્ષમાં કોલેજ ફર્સ્ટ રહ્યા હતા તો પ્રમેશ તમારાથી થોડા જ અંતરે કોલેજ સેકન્ડ રહેલ હતો. તમારી એક ઈચ્છા હતી પંક્તિ કે પ્રમેશ સાથે સાચા અર્થમાં એક સહાદ્યાયી મિત્ર તરીકે મિત્રતાનો સંબંધ પ્રસ્થાપિત થાય, પરંતુ તમને થોડીક નિરાશા અને થોડીક ચીડ એ વાતની હતી કે પ્રમેશ ક્યારેય છોકરીઓ સાથે વાત કરતો ન હતો.

પંક્તિ ઉપાદ્યાય, નિરાશ ન થશો. કોણ જાણે એવું પણ હોય કે જેવી સારી મિત્રતા તમે ઈચ્છો છો એવીજ પ્રમેશ પણ ઈચ્છતો હોય. આજે સોમવાર છે. પંક્તિ, મિત્રતાની પહેલ કરો.....

લેખકઃ આશિષ એ. મહેતા
એડીટરઃ અજય એમ. પટેલ

1 comment:

  1. Well done, Ashishbhai... I like your story very much... Please keep it up to post short stories like this one...

    ReplyDelete