સાંજના સાત વાગ્યા હતા અને નિયમ પ્રમાણે સ્વામી પ્રસન્નચિત્ત તમારા આશ્રમમાં આરતીનો ઘંટારવ શરૂ થયો. સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી, એમાંય સિદ્ધ ટેકરી તરીકે ઓળખાતો ગરવો ગઢ ગીરનાર અને એની તળેટીમાં આવેલ શાંત અને રમણીય આશ્રમ એટલે નિરાકાર આશ્રમ. નિરાકાર આશ્રમના હાલના વહીવટકર્તા અને ગાદીપતિ એટલે તમે સ્વામી પ્રસન્નચિત્ત. ઉંમરની દ્રષ્ટિએ વનપ્રવેશ કરી ચૂકેલ પુરા છ ફૂટની હાઈટ, નિયમિત યોગાસન અને પ્રાણાયામના કારણે મજબૂત અને સુદ્રઢ બાંધો, કરુણાસભર આંખો, ચપળ ચાલ, સફેદ દાઢી અને ખભા સુધી આવતા કાળા સફેદ વાળ, શ્વેત વસ્ત્રોનું આવરણ, ચહેરા પરનું તેજ. સ્વાભાવિક રીતે જ જોનારને વંદન કરવા પ્રેરે એવી પ્રતિભા એટલે સ્વામી પ્રસન્નચિત્ત. આજે પણ આશ્રમના નિયમ મુજબ આરતીમાં આપે હાજરી આપી અને આરતી પુરી થયા બાદ આપ આપની ગાદી પર બેઠા અને આશ્રમના નિવાસી સેવકો અને મુલાકાતીઓ તમને લાઈનમાં જય નિરંકારી કહી વિદાય લઇ રહ્યા હતા. ગઈ કાલની જેમ આજે પણ એ યુવતી સૌથી છેલ્લે લાઈનમાં ઉભી હતી અને સૌથી છેલ્લે તમને જય નિરંકારી કહ્યું. એના અવાજમાં રહેલ નિરાશા તમે પારખી અને એકદમ પ્રેમાળ સ્વરે જય નિરંકારીનો પ્રતિસાદ આપી પૂછ્યું, "કંઈ વિશેષ મૂંઝવણ છે? કોઈ વાત કરવી છે?"
"હા, મારે દીક્ષા લેવી છે. આપ મને દીક્ષા આપો."
"પણ હું કોઈને દીક્ષા નથી આપતો અને દીક્ષા લેવાનું કારણ?"
"બસ, સંસારમાં મન નથી લાગતું." અનુભવના આધારે તમે જાણી લીધું કે, કંઈક તો એવું છે જે હાલ આ યુવતી બોલી નથી શકતી અગર તો કહેવા નથી માંગતી. તમારો ધ્યાનનો સમય થવા આવ્યો હતો એટલે તમે એ યુવતીને જણાવ્યું કે, "કાલે સાંજે પ્રવચન પતે તે પછી સાંજે 5.00 વાગે અહીંયા જ મળીશું."
"પણ, મારે આપને એકાંતમાં મળવું છે."
"હું કોઈને એકાંતમાં મળતો નથી. જે કહેવું હોય એ જાહેરમાં જ કહેવું પડશે." અને તમે સ્વામી પ્રસન્નચિત્ત તમારા ધ્યાન કક્ષ તરફ જતા રહ્યા.
બીજા દિવસે તમારી ધારણા પ્રમાણે જ પ્રવચન પત્યા પછી એ યુવતી આપની ગાદી પાસે આવીને ઉભી રહી. તમે આશ્રમના એક સેવક પાસે ખુરશી મંગાવી અને એ યુવતીને એક અંતરે બેસવા ઇશારાથી સૂચવ્યું. ખુરશી પર બેઠા પછી એણે બોલવાનું શરૂ કર્યું, "સ્વામીજી, મારું નામ અભિપ્સા છે. હું 35 વર્ષની છું. મેં એચ.આર.માં એમ.બી.એ. કર્યું અને એક મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરું છું. પગાર ખુબ જ સારો છે. અમદાવાદમાં પોતાનું મકાન છે, કાર છે અને સારું એવું બેંક બેલેન્સ પણ. સ્વામીજી, બે વર્ષ પહેલા સુધી જિંદગી સરસ રીતે ચાલી રહી હતી. મારી કમાણીમાંથી નાના ભાઈને ભણાવ્યો અને ફોરેન મોકલ્યો. માતા-પિતા અને હું અમે ત્રણ જણ સુખેથી રહેતા હતા પણ...." અભિપ્સાનું ગળું ભરાઈ આવ્યું છે એવું સમજતા તમને વાર ના લાગી અને તમે બાજુમાં ઉભેલા સેવકને ઇશારાથી, અભિપ્સાને પાણી આપવા સૂચવ્યું.
પાણી પીને સહેજ ગળું સાફ કરીને વાતનો દોર આગળ ચલાવતા અભીપ્સાએ વાત આગળ વધારી. "બે વર્ષ પહેલાં અમારી કંપનીમાં મિનેષ સાહની, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જોડાયો. મિનેષ સાહની એક સોહામણો મારી જ ઉંમરનો પહેલી જ નજરે કોઈને પણ ગમી જાય એવો હેન્ડસમ યુવાન. થોડાક જ દિવસોમાં અમે કલિગમાંથી મિત્રો બન્યા અને હું એના પ્રેમમાં પડી. અમે નોકરીના સમય બાદ પણ એકબીજાને મળવા લાગ્યા અને મને એનું વળગણ થઇ ગયું. મને એવું લાગવા લાગ્યું કે, જાણે એ જ મારી દુનિયા છે, હું એના પ્રેમમાં પાગલ બની ગઈ. હું એની સાથે લગ્ન કરવા માંગતી હતી. મેં પ્રેમમાં પાગલ બની એને મારુ સર્વસ્વ ધરી દીધું."
થોડોક વિરામ લઈને અભીપ્સાએ એની વાત આગળ વધારી. "સ્વામીજી, આજથી લગભગ છ મહિના પહેલાં મિનેષ મને ડિનર ઉપર લઇ ગયો અને છુટા પડતા સમયે મને કહ્યું, "હું કાલે અમદાવાદ છોડીને જઉં છું. કાયમ માટે, મારા પરિવાર પાસે કેનેડા. મારી પત્ની અને બાળકો ત્યાં જ છે. કંપનીમાં આજે નીકળતા પહેલાં ઇ-મેઇલ કરી દીધો છે. નોટિસ પે ની કોઈ પડી નથી. ગૂડ બાય. ટેક કેર." બસ આટલું કહી એ ચાલ્યો ગયો. જાણે એને મારી કોઈ જ પડી ના હોય. બસ, સ્વામીજી, ત્યારથી જ હું માનસિક તૂટી ગઈ છું. કોઈ કામમાં મન નથી લાગતું. મારે સંસાર છોડી દેવો છે. આપના આશ્રમમાં હું ચોથી વખત આવી. મને આપના પ્રવચનથી માનસિક શાંતિ મળે છે. આપ મને દીક્ષા આપો." આટલું કહી અભિપ્સાએ એની વાત પૂર્ણ કરી.
પળવાર માટે આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લઇ તમે સ્વામી પ્રસન્નચિત્ત ધીમા શાંત સ્વરે બોલ્યા, "નિરંકારી કલ્યાણ કરે, બેટા અભિપ્સા. આ આખી ઘટનામાં વાંક તમારો જ છે. આજના આધુનિક પ્રવાહમાં કેરિયરને પ્રાધાન્ય આપવામાં તમે કુદરત અને કુદરતી જરૂરિયાતને અવગણો છો. તમે મિનેષના પ્રેમમાં હતા જ નહીં અને એને પણ તમારી સાથે કોઈ જ પ્રેમ ન હતો. મિનેષને જોઈને તમારામાં દબાઈને રહેલી લાગણીઓએ અને કુદરતી જરૂરિયાતોએ બળવો પોકાર્યો અને તમે મિનેષ તરફ આકર્ષાયા. મિનેષ વિષે તમે કોઈ જ પ્રાથમિક તપાસ પણ ના કરી અને મિનેષને તમારી સાથે કોઈ જ પ્રેમ ન હતો. એણે તકનો લાભ લીધો અગર તો એમ કહો કે એણે તમારી કુદરતી દૈહિક જરૂરીયાત પૂર્ણ કરી. લગ્ન કરવાની તૈયારી તમારી હતી, મિનેષની નહીં. શું એણે તમને ક્યારેય કહ્યું હતું કે એ તમારી સાથે લગ્ન કરવા માંગે છે? ના ને. એક વાત માનો, જે થઇ ગયું એમાંથી શીખી જીવનમાં આગળ વધો. સારું પાત્ર શોધી એની સાથે તમે ઘરસંસાર શરુ કરો. મનને થોડુંક ભક્તિ અને ધાર્મિક કાર્યોમાં વાળો અને તમારા પરિવાર પ્રત્યેની તમારી ફરજો અને જવાબદારીઓ ઈશ્વર તરફથી સોંપાયેલ છે એમ માનીને નિભાવો. દીક્ષા લેવાની કોઈ જરૂર નથી. નિરંકારી કલ્યાણ કરે અને તમારો માર્ગ પ્રસસ્થ કરે."
આશીર્વાદની મુદ્રામાં હાથ ઉઠાવી તમે સ્વામી પ્રસન્નચિત્ત અભિપ્સાને વિદાય કરી અને જાણે મનને સંતોષ થયો હોય એવી ભાવના સાથે અભિપ્સાએ પણ વિદાય લીધી. અભિપ્સાની વિદાય બાદ તમે બાજુમાં ઉભેલા સેવકની સામે જોયું અને કહ્યું, "ભૌતિક સુખ પાછળની આંધળી દોડમાં કેટકેટલી યુવાન જિંદગીઓ બરબાદ થઇ રહી છે. ઈશ્વર સર્વનું કલ્યાણ કરે." અને તમે તમારા કક્ષ તરફ વિદાય થયા અને મનમાં વિચારતા હતા, "કેટલાય યુવક, યુવતીઓ હશે જે કારકિર્દી અને ભૌતિકતાની દોડધામમાં, માનસિક તણાવભરી જિંદગી જીવતા હશે. જાણે અજાણે કુદરતના નિયમોનું ઉલ્લંધન કરતા હશે અને પછી પસ્તાવો કરતા હશે. ખબરનહી, આ યુવાધન ક્યારે સમજશે કે, મનુષ્યનો દેહ ઘડાય એ પહેલાં જ ઈશ્વરે એનું ભાગ્ય ઘડ્યું હોય છે. પૈસા પાછળની આ ખોટી દોડધામ ક્યારે અટકશે?"
આશિષ એ. મહેતા
સ્વામી પ્રસન્નચિત્ત by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
No comments:
Post a Comment