Saturday, October 3, 2020

ચાલ ફરી અજાણ્યા થઈને મળીએ

ચાલ ફરી અજાણ્યા થઈને મળીએ,
એક બીજાને ફરીથી ઓળખીએ,
સમજણના આ આવરણ છોડીએ,
નવેસરથી ફરી એકબીજાને જાણીએ.

ગધાપચીસીની ઉંમરે આપણે મળ્યાતા,
બધું જ જાણીએ છીએ-સમજીએ છીએ,
ખબર પડે છે અમને બધી જ,
એ વહેમ સાથે મળ્યાતા.

એક-બીજાને જોઈને પસંદ કર્યા હતા,
આપણે ક્યાં એક-બીજાને જાણ્યા હતા,
લગ્નજીવનના એ તબકકામાં,
કેટલા રીસામણા મનામણાં કર્યા હતા.

મેં સંભાળી આર્થિક જવાબદારી,
તેં સંભાળ્યું ઘર અને પરિવાર,
મને તો વાર તહેવારે રજા પણ મળી,
પણ તારી તો જવાબદારી વધતી જ ચાલી.

પસાર થતા સમયની સાથે બાળકો મોટા થયા,
એમના લગ્ન થતાં એ પણ એમના પરિવારમાં ગોઠવાયા,
ઉંમર થતાં આંખે ચશ્માં આવ્યા અને માથે ધોળા દેખાયા,
વડીલોની વિદાય થઇ અને આપણે વડીલ કહેવાયા.

બાળકો એમના પરિવાર સાથે ચાલ્યા ગયા,
અને આપણે બંને ઘરમાં એકલા રહ્યા,
આર્થિક જવાબદારીમાંથી હું નિવૃત થયો,
તારી પ્રવૃત્તિમાં પણ હવે થોડો સમય બચ્યો.

ચાલ, તારા અને મારા બાકી શોખ પુરા કરીએ,
જિંદગીના આ પડાવે દુઃખની પળો ભૂલીએ,
હસી-ખુશીથી આપણે ફરી એક-બીજાને સમજીએ,
ચાલ ફરી અજાણ્યા થઈને મળીએ.



આશિષ એ. મહેતા


Creative Commons License



ચાલ ફરી અજાણ્યા થઈને મળીએ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment