Saturday, October 31, 2020

પ્રેમ અને લાગણી એક તરફ અને ધંધો બીજી તરફ રાખવો એમાં જ સમજદારી છે

"હું તો તને પહેલેથી જ ના પડતો હતો કે આ રસ્તે આગળ ના વધ, પણ તું માન્યો જ નહિ. આશુ, મેં તને કેટલી વખત સમજાવ્યો કે તારો લાગણીશીલ સ્વભાવ જ તને નડશે."

અમદાવાદ શહેરના પ્રખ્યાત એસ.જી. હાઇવે પર થલતેજ પાસે આવેલ એક પ્રખ્યાત ચાની કીટલી પાસે મિટિંગ જામી હતી. રાતના આશરે 10.00 વાગ્યાનો સમય હશે. દિવસભર ચિક્કાર રહેતો એસ.જી. હાઇવે પરનો ટ્રાફિક ધીમો પડી ગયો હતો. એવા સમયે હાઇવેને અડીને આવેલ એક પ્રખ્યાત ચાની કીટલીની બાજુમાં ઢાળેલા ખાટલા પર સામસામે બે મિત્રો બેઠા હતા. એક જે સહેજ લાગણીભીના ગુસ્સાથી બીજાને કહી રહેલ તે સુજય પટેલ, અને સુજયની વાત સાંભળનાર હતો આશુ એટલે કે આશુતોષ વૈષ્ણવ. ચાની કીટલીવાળાને પણ જાણે આજે આ બે મિત્રોની વાતોમાં રસ પડયો હોય એમ ઘરે જવાની કોઈ ઉતાવળ ન હતી, ઉલ્ટાનું એ આ બંને મિત્રોની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને એને જે સમજ પડી હતી એ મુજબ આ બંને મિત્રોની વાતના મૂળ આજથી લગભગ ત્રીશ-પાંત્રીશ વર્ષ પહેલાં રોપાયા હતા.

હા, એનું અનુમાન સાચું જ હતું. પચાસ વટાવી ચૂકેલ આ બંને મિત્રો ત્યારે કદાચ પંદર-સોળ વર્ષના તરૂણો હશે. હશે નહિ હતા જ. 1980 નો દાયકો હતો અને ત્યારે તો ગોતા વિસ્તાર અમદાવાદનું પરૂં ગણાતો અને હજુ સ્ટ્રીટ લાઈટ વગરના ધૂળિયા રસ્તાવાળું ગામ હતું. એ ગામમાં જ, ગામની શેરી અને માટીમાં જોડે જ રમીને બાળપણ પસાર કરેલ એ બે મિત્રો એટલે સુજય પટેલ, ગામના મુખીનો દિકરો, અને બીજો આશુતોષ વૈષ્ણવ. બંને ગાઢ મિત્રો. રમવાનું પણ જોડે અને ભણવાનું પણ જોડે. દશમા ધોરણ સુધીનો અભ્યાસ ગામની શાળામાં પૂરો કરી બંનેએ ઘાટલોડિયા ગામની શાળામાં અગિયારમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી જ આજની આ ચર્ચાના બીજ રોપાયા હતા.

કુદરત પણ ક્યારેક અજીબ પરિસ્થિતિનું નિર્માણ કરતી હોય છે. સુજય અને આશુતોષની સાથે એ જ શાળામાં એક અન્ય વ્યક્તિએ પણ પ્રવેશ લીધો હતો, કવિતા ગોસ્વામી, ગોતા ગામના રામજી મંદિરના મહંતની દીકરીની દીકરી. કવિતાનું મોસાળ ગોતા ગામ હોઈ એ લગભગ દર વેકેશનમાં ગામમાં આવતી અને એટલે સુજય, આશુતોષ અને કવિતા એકબીજાને ઓળખતા હતા.

બે વર્ષ જોડે અભ્યાસ કર્યો એમાં આશુતોષ અને કવિતા એકબીજાની વધુ નજીક આવ્યા અને એમની મિત્રતા પ્રેમમાં પરિણામી. એ સમય આજના જેવો એડવાન્સ નહીં, એટલે એ બંનેએ એકબીજાની સામે પોતપોતાની લાગણીઓનો એકરાર કર્યો નહોતો. શાળાનો અભ્યાસ પૂરો થયો અને આશુતોષ અને સુજય આગળ અભ્યાસમાં લાગ્યા અને આશુતોષે વિચારી રાખેલું કે કોલેજ પૂરી થાય અને સારી જોબ મળી જાય એટલે પોતાના ઘરમાં પોતાના અને કવિતાના સંબંધની વાત કરવી. પણ, કોલેજનું પહેલું વર્ષ પૂરું પણ નહોતું થયું અને કવિતાના લગ્ન થઇ ગયા. કોલેજ પૂરી થયા પછી સુજય એના પિતાના જમીન અને પાર્ટી પ્લોટના ધંધામાં લાગી ગયો અને આશુતોષ સી.એ. બન્યો અને થોડો સમય નોકરી કર્યા પછી પોતાની સ્વતંત્ર ઓફિસ કરી અને પછી આશુતોષ જિંદગીની દોડધામમાં લાગી ગયો અને ઘર અને પરિવારના તમામ સભ્યોને ગોઠવવામાં લાગી ગયો, પણ આશુતોષે લગ્ન ના કર્યા. આશુતોષના આ નિર્ણયની પાછળનું કારણ કોઈ જાણતું હોય તો એ હતો એના બાળપણનો મિત્ર સુજય. આશુતોષ અને કવિતાનો સમાજ તો એક જ હતો, પણ સમાજનો એક નિયમ હતો કે એક જ ગામના સમાજના છોકરા-છોકરીઓ ભાઈ-બહેન ગણવા. એક તો આ નિયમ અને બીજું આશુતોષ પોતાના ઘરમાં કવિતા વિષે વાત કરે તે પહેલા તો કવિતાના લગ્ન થઇ ગયા અને આશુતોષે આખી જિંદગી એકલા રહેવાનો નિર્ણય કર્યો.

એકાદ વર્ષ પહેલાં સમાજના કોઈ એક પ્રસંગમાં આશુતોષ અને કવિતા ભેગા થઇ ગયા. કવિતા એની એકની એક દીકરી તન્વી સાથે આવી હતી, જે હાલમાં સી.એ.ના ફાઇનલ યરમાં હતી. આશુતોષે એને પોતાની ઓફિસમાં ટ્રેઈની તરીકે સારા સ્ટાઈપેન્ડથી રાખી લીધી અને એ સાંજે જ સુજયે આશુતોષને ચેતવણી આપી હતી કે, "આશુ, તેં આ નિર્ણય લાગણીમાં કર્યો છે, ધ્યાન રાખજે."

અને આજે આશુતોષને સુજયની વાત સાચી લાગી રહી હતી. આશુતોષે તન્વીને પોતાની ઓફિસમાં રાખી, ધંધો શીખવાડ્યો અને પોતાના ધંધાની લગભગ તમામ આંટીઘૂંટી શીખવાડી અને એને માત્ર 3 વર્ષમાં જ એક હોંશિયાર સી.એ. બનાવી દીધી. આશુતોષે લાગણીમાં આવી જઈને તન્વી ઉપર જરૂર કરતા વધારે વિશ્વાસ રાખ્યો અને પોતાની ઓફિસમાં પોતાના પછીનું સ્થાન તન્વીને આપ્યું. આશુતોષ માટે તન્વીએ પોતાની જ દીકરી હતી અને તન્વી પણ આશુતોષે સોંપેલા કામ પૂરતું ધ્યાન દઈને કરતી અને કેટલાક નાના નાના કામ આશુતોષ તન્વીને બારોબાર જ સોંપી દેતો હતો.

બધું જ બરાબર ચાલી રહ્યું હતું પણ આશુતોષે પારિવારિક કારણોસર વીસ દિવસ બહારગામ જવાનું થયું અને તમે રૂટિન ધંધાકીય કામકાજ સરળતાથી ચાલી રહે તે હેતુથી તન્વીને કેટલાક કોરા પેપરો પર પોતાની સહીઓ કરી આપી. બસ, અહીં જ આશુતોષની ભૂલ થઇ ગઈ અને તન્વીની પણ. તન્વી આશુતોષની સહી વાળા કોરા પેપર પોતાના ઘરે લઇ ગઈ અને એણે એના પતિ અંકિતને આ પેપર બતાવ્યા અને અંકિતે એ પેપરમાંથી એક પેપર લઇ આશુતોષની પાવર ઓફ એટર્ની પોતાના નામે બનાવી દીધી અને એ બનાવટી પાવર ઓફ એટર્ની દ્વારા આશુતોષની ઓફિસ એના પોતાના નામે કરી લીધી. આશુતોષના સદ્દનસીબે અંકિત કાયદાની પ્રક્રિયાથી પૂરેપૂરો માહિતગાર ના હોવાથી તે પોતાના બદઇરાદામાં પૂરેપૂરી રીતે સફળ ના થઇ શક્યો અને આશુતોષને તેના અંગત સૂત્રો દ્વારા આખી ઘટનાની તુરંત જ ખબર પડી ગઈ અને એણે તરત જ સુજયને જાણ કરી અને સુજયે પોલીસખાતાના કોન્ટેક્ટથી અંકિતને તરત જ પોલીસ કસ્ટડીમાં મુકાવી દીધો. આશુતોષ બનતી ત્વરાએ પરત આવી ગયો.

પરંતુ, તન્વીએ આશુતોષને કોઈ આજીજી કરી ના હોવા છતાં આશુતોષે પોતે જ અંકિતના જામીન કરાવી દીધા. એટલું જ નહીં, તન્વીને પણ બીજા દિવસથી ઓફિસ આવવાનું કહ્યું. સુજયને આ ના ગમ્યું અને દુન્યવી દ્રષ્ટિએ પણ આશુતોષનું આ પગલું વ્યવહારિક હતું જ નહીં.

એ રાત્રે જ સુજયે આશુતોષને ચાની કીટલીએ બોલાવ્યો અને આશુતોષને દુનિયાદારી સમજાવવાનો એક નિષ્ફ્ળ પ્રયાસ કર્યો. હકીકતે, સુજય પણ જાણતો જ હતો કે આશુતોષ તન્વીને પોતાની સગી દીકરી જ ગણતો હતો અને એટલે જ પેલી કહેવતની જેમ, "છોરૂં કછોરૂં થાય, પણ માવતર કમાવતર ના થાય." એ મુજબ આશુતોષ તન્વી પ્રત્યેની પોતાની લાગણીને કોઈ પણ સંજોગોમાં અટકાવી શકવાનો નથી.

પણ, સુજયની એક વાત બહુ જ સાચી હતી. હવેનો જમાનો મતલબી લોકોથી ભરેલો છે, લાગણીશીલ લોકોથી નહિ. પ્રેમ અને લાગણી એક તરફ અને ધંધો બીજી તરફ રાખવો એમાં જ સમજદારી છે.


આશિષ એ. મહેતા


Creative Commons License



પ્રેમ અને લાગણી એક તરફ અને ધંધો બીજી તરફ રાખવો એમાં જ સમજદારી છે by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment