રોજના નિયમ મુજબ આજે પણ તમે ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા ગયા. રોજ જેની પાસેથી પૂજા માટેના ફૂલ ખરીદ કરતા હતા, તે મણીલાલની જગ્યાએ આજે એક નાનો છોકરો બેઠો હતો. એકદમ નાની ઉંમરના છોકરાને જોઈને તમે કેદાર થોડા ખચકાયા. જાણે તમારો ચહેરો વાંચી લીધો હોય એમ એ ટેણીયાએ સસ્મિત તમને કહ્યું, "આવો સાહેબ." અને તરત જ ફૂલનું એક પડીકું તમારી સામે ધરી દીધું. કંઈ પણ બોલ્યા વગર તમે કેદાર તે અજાણ્યા માણસ પાસેથી ફૂલનું પડીકું લઇ, મંદિરમાં ગયા અને તમારા નિયમ મુજબ પૂજા-પ્રાર્થના કરવા લાગ્યા.
કેદાર દવે, વડોદરા શહેરના એક પ્રતિષ્ઠિત મોટા ગજાના વેપારી. તમારા દૈનિક નિત્ય નિયમોનું ઉદાહરણ વેપારી આલમમાં લેવામાં આવતું. માતા લક્ષ્મીની અનહદ કૃપા તમારા પર વરસતી હતી અને તમે કેદાર લક્ષ્મીની કૃપાનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે પણ સારા એવા પ્રમાણમાં નિયમિત કરતા હતા. સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તમે યથાશક્તિ યોગદાન આપતા હતા. સાઈઠની ઉંમરે પણ તમે એક યુવાન જેવી સ્ફૂર્તિથી કામ કરતા હતા અને માત્ર કામ કરતા હતા એટલું જ નહિ સમયની પાબંધી સાથે કામ કરતા હતા.
નિત્ય નિયમ અનુસારની પૂજા પૂર્ણ કરી તમે પાછા પગલે મંદિરની બહાર આવ્યા અને ભોળાનાથને પગે લાગી પગથિયાં ઉતરી ચંપલ પેહરી પાછા પેલા ફૂલવાળા છોકરા પાસે આવ્યા અને પૂછ્યું, "કેમ આજે મણિલાલ દેખાતા નથી?" છોકરાએ એક માંદલા હાસ્ય સાથે કહ્યું, "પપ્પા બીમાર છે અને દવાખાને દાખલ કર્યા છે." એક લાગણીસભર અવાજે કેદાર તમે એને પૂછ્યું, "કયા દવાખાનામાં? જોડે કોણ છે?" એ છોકરાએ જણાવ્યું, "સિવિલમાં છે અને જોડે કોઈ નથી, હું અને મારા પપ્પા અમારા બે જણનો જ પરિવાર છે. પપ્પા દવાખાને છે અને હું અહીં ફૂલ વેચવા આવ્યો છું. ધંધો થશે તો પૈસા આવશે અને પૈસા આવશે તો પપ્પાની દવા થશે." જમાનાના અનુભવી એવા કેદાર તમે એક જ વાક્યમાં પરિસ્થિતિ પામી ગયા અને તમારા ડ્રાઇવર જનકને દવાખાનાનું સરનામું લઇ લેવા સૂચના આપી. દિવસભરનો કાર્યભાર પૂરો કરી ઢળતી સાંજે તમે ઘરે નીકળવાના સમયે જનકને સૂચના આપી ગાડી સિવિલ હોસ્પિટલ લેવડાવી. વડોદરા શહેરની ભીડભરી સડકો પરથી તમારી ગાડી પસાર થતી રહી અને સિવિલ હોસ્પિટલ આવી પહોંચી. શહેરના એક પ્રતિષ્ઠિત સજ્જન એકાએક સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યાનું જાણી સિવિલના વહીવટી સ્ટાફમાં એક અજીબ ચહલપહલ મચી ગઈ અને મેડિકલ ઓફિસર તરત જ તેમની ચેમ્બરમાંથી નીકળી વોર્ડબોયની સાથે તમને મળવા આવ્યા. જનકને સાથે લઈને તમે સીધા જ જનરલ વોર્ડ તરફ આગળ વધ્યા અને સીધા જ મણિલાલના પલંગ સુધી આવ્યા. કાયમના ઘરાકને આવેલ જોઈ માંદગીના બિછાને પડેલ મણિલાલે પરાણે ઉભા થવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. મણિલાલના પલંગ પાસે ઉતાવળે પગલે આવી પહોંચેલ મેડિકલ ઓફિસરને તમે મણિલાલની હાલત પૂછી અને જવાબમાં મેડિકલ ઓફિસરે કેસ પેપર જોઈ માત્ર તમારી સામે શુન્યમનસ્કપણે જોયું અને જણાવ્યું કે છેલ્લા સ્ટેજનું બ્લડ કેન્સર છે, બચવાની કોઈ આશા નથી. બાજુમાં ઉભેલા નાના ટેણીયા કે જેને તમે સવારે મળેલા તેના માથે પ્રેમથી હાથ ફેરવી પૂછ્યું, "શું નામ છે બેટા તારું?" "ચિરાગ" એક ટૂંકો જવાબ. મેડિકલ ઓફિસરને સૂચના આપી કે, "સારામાં સારી દવા કરો" અને જનકને સૂચના આપી કે, "મણિલાલ અને ચિરાગનું પૂરતું ધ્યાન રાખવાનું છે." અને તમે કેદાર ઘરે પરત આવી ગયા. બીજા દિવસે તમારા નિત્યક્રમમાંથી સમય કાઢીને તમે મણિલાલની તબિયતના ફોનથી હાલ પૂછ્યા અને ત્રીજા દિવસે તો મેડીકલ ઓફિસરનો ફોન આવ્યો કે મણિલાલ હવે આ દુનિયામાં નથી રહ્યા. ફોન પર મળેલ આ સમાચારનો સીધો અર્થ એ હતો કે, ચિરાગનું હવે આ દુનિયામાં કોઈ નથી. જનકને તમે સૂચના આપી કે, "સિવિલ જઈને જરૂરી વિધિ પતાવી ચિરાગને લઈને ઓફિસ આવ, હું મારી રીતે ઓફિસ જતો રહીશ." સાંજે આશરે 4.00 ના સુમારે ચિરાગ અને જનક તમારી સામે ઉભા હતા. ચિરાગના માથે પ્રેમથી હાથ ફેરવી તમે જનકને સૂચના આપી કે આને ભણવાની તમામ સગવડ કરી દે અને સાંજે એ ઓફિસ આવશે અને એને જે ફાવે એ કામ શિખવાડજે. તમારા આ સ્વભાવથી પરિચિત જનકને કોઈ જ નવાઈ ના લાગી અને તમે કેદાર તમારી ચેમ્બરમાં જઈ તમારા પિતા પ્રતાપરાય દવેની આદમ કદની છબી સામે ઉભા રહ્યા અને ભૂતકાળમાં સરી પડ્યા. વર્ષો પહેલાં પ્રતાપરાય દવેએ અનાથાલયમાંથી એક બાળકને દત્તક લઈને ભણાવીને આગળ વધાર્યો હતો એ બાળક એટલે આજના શહેરના પ્રતિષ્ઠ નાગરિક કેદાર દવે.
ન જાના કિસીને ભી કે તકદીર કિસ કી જોરો પર હૈ, આજ મેરી જોરો પર હૈ, કલ તેરી જોરો પર હોગી.... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.