પ્રિય વાંચકમિત્રો,
********************************************************************************************
“ચિંતન, એક કામ
કર, તું થોડી વાર બહાર રીસેપ્શન સાચવ અને પંક્તિને અંદર મોકલ. પ્લીઝ” માનવ મંદિરની
નજીક વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક બહુમાળી કોમર્શિયલ બિલ્ડીંગના સાતમા માળે આવેલ
પોતાની માલિકીની ઓફિસની ચેમ્બરમાં બેઠા સી.સી.ટી.વી. જોઈ રહેલ અમદાવાદના ખ્યાતનામ
સિવિલ વકીલ અજયભાઈએ એમના મિત્ર ચિંતન જોશીને ઉપરની સુચના આપી.
આજે પહેલી જ વખત અજયભાઈએ
ચિંતનને રીસેપ્શન પર બેસવા અને પંક્તિને અંદર મોકલવા કહ્યું. કોઈ પણ પ્રકારની
દલીલ કે તર્ક કર્યા વગર ચિંતને પંક્તિને અજયભાઈની ચેમ્બરમાં મોકલી અને પોતે
રીસેપ્શનીસ્ટ તરીકે ગોઠવાઈ ગયો અને પંક્તિ ચેમ્બરમાં ગઈ. પંક્તિ માટે પણ આ નવી અને
પ્રથમ વખત બનેલી ઘટના જ હતી કે અજયભાઈએ ઇન્ટરકોમનો ઉપયોગ કર્યા વગર ચિંતન દ્વારા
સંદેશો કહેવડાવ્યો હોય. ઓફીસના સી.સી.ટી.વી.માં પેસેજનું વિઝન દર્શાવતા સ્ક્રીનમાં
એક ચહેરા પર એ જ સમયે અભિજાતની નજર પડી અને એના મોઢા પર અણગમો પથરાઈ ગયો.
પંક્તિ ચેમ્બરમાં
દાખલ થઇ એટલે અજયભાઈએ એને ટેબલ પર પડેલ બે ફાઈલ આપી અને કહ્યું, “સામે કોન્ફરન્સ
રૂમમાં બેસી અને આ બંને કેસ પર લેટેસ્ટ ચુકાદા શોધી નાખો, ઓછામાં ઓછા પાંચ-પાંચ
અને મળી જાય પછી મને ઇન્ટરકોમ પર જાણ કરો, હું ત્યાં આવી જઈશ.”
“ઓકે સર.” કહી
પંક્તિ કોન્ફરન્સ રૂમ માં ગઈ અને લગભગ એ જ સમયે ઓફિસનું મેઈન ડોર ખોલી એક આધેડ
વયનો વ્યક્તિ ઓફિસમાં પ્રવેશ્યો. સફેદ ઝભ્ભો લેંઘો, પગમાં સેન્ડલ ઉપર કોટી, ચહેરાનો
વર્ણ ડામરને પણ પોતાના રંગ ઉપર માન ઉપજે એવો કાળો, આંખોમાં લુચ્ચાઈ દેખાઈ આવતી હતી
અને ચહેરા પર ખંધુ સ્મિત એનું વ્યક્તિત્વ દર્શાવતું હતું. પહેલી નજરે જ જણાઈ
આવે કે આ કોઈ રાજકીય પાર્ટીનો તકવાદી ચામાચીડિયા જેવો કોઈ સ્થાનિક ક્ષેત્રનો બની
બેઠેલો નેતા છે.
“ક્યાં છે, તમારા સાહેબ?” ચિંતનને એણે પૂછ્યું અને ચિંતન સમજી ગયો કે,
“આજે કેમ અજયભાઈએ એને બહાર બેસવાનું કહ્યું.
માર્કેટિંગના અનુભવી ચિંતને તરત જ જવાબ આપ્યો, “સાહેબ વિડીઓ કોન્ફરન્સ
પર વ્યસ્ત છે. આપ બેસો સામે.”
“એમ? એવું તો શું છે કે વિડીઓ કોન્ફરન્સ ચાલુ છે?” પેલા આગંતુકે
બેસવું પડશે એના અણગમાથી સહેજ ચિડાઈને પૂછ્યું.
“સાહેબ સુપ્રીમ કોર્ટના એક વકીલ સાહેબ જોડે વાત કરી રહ્યા છે અને
બીજા પણ કોઈ બે મોટા વ્યક્તિઓ જોડે વાત ચાલુ છે. આપ એક કામ કરો. આપનું કાર્ડ આપો, હું
અંદર આપી આવું.”
“એમને કહે કે મકવાણાભાઈ આવ્યા છે. કાર્ડ નથી ” પેલાએ જવાબ આપ્યો.
“આમાં આપનું પૂરું નામ અને ક્યાંથી આવો છો એ વિગત લખી આપો.” કહી
ચિંતને એક કોરી સ્લીપ આપી અને પેલા ભાઈએ પોતાનું નામ મકવાણા બચુજી પી. લખી
બાજુમાં માજી-સરપંચ અને ગાંધીનગર જીલ્લાના છેવાડાના એક ગામનું નામ લખ્યું.
એ
ચીઠ્ઠી લઇ ચિંતને અંદર ચેમ્બરમાં આપી અને બહાર આવી બચુજીને સામે બેસવાનું કહ્યું
અને ઇન્ટરકોમ પર રામજીને પાણી લાવવા જણાવ્યું. લગભગ વીસ મિનીટ પસાર થઇ અને એટલી
વારમાં બચુજી પાંચેક વખત પૂછી ચુક્યા કે, “ક્યારે મળશે તમારા સાહેબ.”
ઇન્ટરકોમ પર અજયભાઈએ ચિંતન જોડે વાત કરી. ચિંતન અંદર ચેમ્બરમાં ગયો
અને બહાર બચુજીને એણે જે સુપ્રીમ કોર્ટના વકીલ સાહેબ અને અન્ય બે મોટા વ્યક્તિઓ જોડે
વિડીઓ કોન્ફરન્સની કેપ્સુલ આપી હતી એ વિગત આપી. અજયભાઈએ સ્માઈલ કર્યું અને એને
અંદર મોકલવા જણાવ્યું.
ચિંતને બચુજીને અંદર જવા જણાવ્યું અને બચુજી અંદર ગયા. લગભગ પંદરેક
મીનીટમાં જ બહાર નીકળ્યા અને ઇન્ટરકોમ પર અજયભાઈએ પંક્તિને એની જગ્યાએ જવા અને
ચિંતનને ચેમ્બરમાં મોકલવા સુચના આપી. ચિંતન ચેમ્બરમાં દાખલ થયો એ જ સમયે અભિજાત
આક્રોશપૂર્વક અજયભાઈને કહી રહ્યો હતો, “કોઈ જ જરૂર નથી આનો કેસ લેવાની.”
“આવું સાહેબ,” દરવાજો ખોલીને અંદર દાખલ થતા પહેલા ચિંતને અભીજાત અને
અજયભાઈની વાતચીતના થોડા શબ્દો સાંભળીને સહેજ ખચકટપૂર્વક પૂછ્યું.
“આવ ને બેસ.” અજયભાઈએ કહ્યું અને ચિંતન એમની સામેની ખુરશી પર
ગોઠવાયો.
“આજે નવાઈ લાગી ને તને.”
“હા” ચિંતને કહ્યું.
“સાંભળ. આ બચુજી પી. મકવાણા એ એક રાજકીય પાર્ટીનો ગાંધીનગર તાલુકાનો એક સમયનો
આગળ પડતો કાર્યકર અને એના ગામનો એ સરપંચ પણ રહી ચુકેલ. એનું અને મારું ગામ
બાજુબાજુમાં એટલે પાર્ટીના કાર્યક્ર્મ હોય ત્યારે એ અમારા ગામમાં પણ આવે અને એ
રીતે એ મારા પિતાને ઓળખે. પહેલેથી તકવાદી અને મતલબી માણસ. આજે પણ એના મતલબ માટે જ
આવ્યો હતો. અભિજાતની અકળામણ સાચી છે. અમે
જયારે ભેગા કામ કરવાની શરૂઆત કરી ત્યારે અમને આ બચુજી મળી ગયેલ. એ સમયે આસપાસના
ઘણા ગામની વેચાઈ ગયેલી જમીનમાં તોડ કરવાની દાનતથી ખોટી ખોટી રેવન્યુ તકરારો દાખલ
કરાવી હતી અમારી જોડે. લગભગ દરેક કેસમાં એને અમને ખર્ચા જેટલા જ પૈસા આપ્યા હતા
એનો પણ અમને વાંધો નહતો પણ, જે કેસમાં એણે તોડ કર્યો હોય એમાં પણ બધી મલાઈ એ એકલો
જ ચાટી ગયો. જમીન માલિકને પણ કંઈ ના આપ્યું. પાછો આ માણસ કાછડીનો છુટ્ટો. આસપાસના
ગામની વિધવા કે ત્યકતાને સરકારી મદદ અપાવે અને પોતે પણ લેવાય એટલો લાભ
લઇ લે. એની નજર જ ચોરની. અભિજાતનો મુદ્દો સાચો કે, “એણે આપણી મદદથી ખુબ પૈસા
બનાવ્યા. તો એણે આપણને પણ સમજીને ફી આપવી જોઈએ.” બસ, હમણાં હું બહાર પેસેજમાં સિગરેટ પીવા ગયો હતો ત્યાં મેં આને એની
ગાડીમાંથી ઉતરતા જોયો એટલે તરત જ અંદર આવી તને પંક્તિની જગ્યાએ બેસવા કીધું અને
પંક્તિ એની નજરમાં ના આવે એટલે એને અંદર બેસાડી. બાકી જો પંક્તિ બહાર હોત તો આ પંક્તિને
પણ દાણા નાખવાનું ચાલુ કરત.”
“સાહેબ, પણ જો એ ફરી આવે અને પંક્તિને મળે તો?” ચિંતને એક સ્વાભાવિક
સવાલ પૂછ્યો.
“એ ફરી લગભગ તો નહિ જ આવે. બરાબરને અભિ. આ અભિજાતે એને ચોખ્ખું કહી દીધું
“જુના લગભગ ૩૦ કેસની બાકી ફીના પચાસ લાખ પહેલા આપી જજો અગર મોકલાવી દેજો અને એ પણ
ના શક્ય બને તો આ બેંક ડીટેઇલ, સીધા ખાતામાં ભરી દેજો, પછી ફોન પર સમય લઇને આવજો અને
હવે અમે ફી એડવાન્સ લઈએ છીએ.” એટલે એને પરસેવો વળી ગયો. હવે એ કદાચ ફરી આવશે જ નહિ.”
અજયભાઈએ જવાબ આપ્યો.
“ માની ગયા સાહેબ તમને બંનેને. આ વાત પર એક કોફી થઇ જાય.” ચિંતને
કહ્યું.
“માની તો તને પણ ગયા ચિંતન, સાહેબ સુપ્રીમ કોર્ટના વકીલ સાહેબ જોડે
વિડીઓ કોન્ફરન્સ પર વ્યસ્ત છે. તેં જબરી કેપ્સુલ આપી. હા હા હા...” અભિજાતે કહ્યું.
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
********************************************************************************************
********************************************************************************************
મારી કેસ ડાયરી : બચુજી by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
No comments:
Post a Comment