Saturday, June 19, 2021

મારી કેસ ડાયરી : મનોહર-માલા

પ્રિય વાંચકમિત્રો,


“સાહેબ, આજે એવી કોઈ વાત થવા દો જે માનવના મૂળભૂત સ્વભાવથી પ્રથમ નજરે વિપરીત લાગતી હોય.” વર્કિંગ દિવસની એક મોડી સાંજે એડવોકેટ અજયભાઈને એમની જ ચેમ્બરમાં એમના ખાસ મિત્ર ચિંતને કહ્યું.

હમણાં થોડી જ વાર પહેલા આવેલ ગરમા-ગરમ કોફીની સોડમ વાતાવરણમાં જણાઈ આવતી હતી. કોર્ટ કાર્યવાહીઓ અને મીટીંગથી ફ્રી થઈને અજયભાઈ એમની ચેર છોડી સામે ગોઠવેલ સોફા પર બેઠા હતા. એમની એક બાજુના સોફામાં ચિંતન અને બીજી તરફના સોફામાં અભિજાત બેઠક જમાવી ચુક્યા હતા.

હાથમાં રહેલ કોફીના કપમાંથી એક સીપ લઇ બંને આંખો બંધ કરી થોડી વાર એમ જ બેસી રહ્યા પછી જાણે કોઈ મરજીવાને મોતી હાથ લાગ્યું હોય અને એના ચહેરા પર જેવી ચમક આવે એવી ચમક અજયભાઈના ચહેરા પર આવી અને એમને આંખો ખોલી વાતની શરૂઆત કરી.

“માનવ વર્તણુક અને માનવ સ્વભાવ એના પર ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે, ઘણું લખાયું છે, પણ માનવ સ્વભાવ વિષે હજુ ઘણા રહસ્યો અકબંધ રહેલા છે એવું મારું માનવું છે. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ છે એટલું જ નહિ પણ કોઈ એક જ વ્યક્તિ અલગ અલગ પરિસ્થિતિમાં એક જ વ્યક્તિને અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. અગાઉ પણ હું કહી ચુક્યો છું કે સ્ત્રીને સમજવી એ બહુ જ અઘરી બાબત છે. વાત એ સમયની છે જયારે મેં અને અભિજાતે આ ઓફીસ નવી નવી જ શરૂ કરી હતી. એ સમયે એક દંપતી આવેલું. ભાઈનું નામ મનોહર અને એની સાથે એની પત્ની માલા. ઉંમરના આશરે પાંચેક દાયકા પુરા થઇ ગયા હશે. એમની સમસ્યા બહુ જ અલગ હતી. બંને એક ચોક્કસ સમાજના જેમાં અભ્યાસનું કોઈ જ મહત્વ નહિ. એવા સમાજમાં પણ મનોહર એના પ્રાથમિક શાળાના શિક્ષકની સહાય અને સરકારી શિષ્યવૃત્તિથી ખુબ જ સારું ભણ્યો અને સરકારી અધિકારી તરીકે નોકરી લાગ્યો. સમાજની રૂઢી અનુસાર મનોહરના બાળ લગ્ન માલા સાથે થઇ ગયા હતા. સરકારી નોકરી લાગ્યા બાદ મનોહર માલાને લઇને એની નોકરીના સ્થળે તાલુકા ક્વાર્ટરમાં રહેવા આવી ગયો અને માલા પણ ધીમે ધીમે થોડા જ સમયમાં શહેરી રહેણી-કરણી અને રીત-ભાત શીખી ગઈ. બંનેને જોઈને પહેલી નજરે કોઈ કહી ના શકે કે આ બંને આ ચોકકસ સમાજના છે. એમને લગ્ન જીવનના ફળ સ્વરૂપ બે બાળકો પણ હતા અને એક સુખી સંપન્ન પરિવાર હતો. એ બંને જયારે અમને મળવા આવ્યા ત્યારે સમસ્યા માલાને મનોહરથી હતી. એક વાત જણાવી દઉં તને કદાચ એવું લાગ્યું હશે કે, મનોહરને કોઈ કુટેવ અગર કોઈ લગ્નેત્તર સંબંધ હશે, પણ એવી કોઈ તકલીફ ન હતી. મનોહરના સમાજમાં દારૂનું વ્યાસન જ્યાં સામાન્ય ગણાતું હતું ત્યાં મનોહરને ધાણા-દાળની પણ ટેવ નહિ. ચા-કોફી કે અન્ય કોઈ વ્યસન નહિ તેમજ કોઈ જ પ્રકારના લફડા કે લગ્નેત્તર સંબંધ નહિ. પગાર સારો. આવક અને પ્રતિષ્ઠા પણ સારી.”

“તો પછી એ બંને તમને કેમ મળવા આવેલા?” ઉત્સાહિત ચિંતને પૂછ્યું.   

ખાલી કપ ટીપોઈ પર મૂકીને અજયભાઈ હસ્યા અને વાત આગળ વધારી.

“એ બને મારી ઓફીસ આવ્યા હતા અને એમની સમસ્યા પણ વિચિત્ર જ હતી. માલાને મનોહરથી એક ફરિયાદ હતી અને એ હતી કે, “મનોહર ક્યારેય મારા ઉપર ગુસ્સો નથી કરતા અને આજ સુધી એક પણ વખત મને એમણે થપ્પડ પણ નથી મારી.” મેં જયારે આ ફરિયાદ સાંભળી ત્યારે મને પણ માન્યામાં ન આવ્યું કે આ શું ફરિયાદ છે? પણ, તરત જ ખ્યાલ આવી ગયો કે જે સમાજમાંથી મનોહર અને માલા આવે છે એ સમાજમાં પત્ની પર ગુસ્સો કરવો અને એને મારવું એ એક સામાન્ય બાબત ગણાય છે. માલાએ એના પિતાને પણ આમ જ કરતા જોયા હશે. માત્ર એના પિતા નહિ પણ એમના સમાજના દરેક પુરુષને આ રીતે જ વર્તતા જોયા હોય એ સ્વાભાવિક છે. સામે પક્ષે મનોહરની દલીલ એવી હતી કે, “સાહેબ, જે સ્ત્રી એ મારું ઘર, મારો પરિવાર, મારા બાળકો સાચવી લીધા હોય, મારી નાનામાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખતી હોય, મારી આવકમાંથી ઘર ચલાવવાની સાથે સાથે બચત પણ કરતી હોય એના પર મારે શા માટે ગુસ્સો કરવો અને જ્યાં ગુસ્સો કરવાનું જ કોઈ કારણ ના હોય ત્યાં એના પર હાથ ઉપાડવાની તો વાત જ ક્યાંથી આવે.”

સામે માલાએ એક વાક્ય એવું કીધું કે માનવ સ્વભાવની વિચિત્રતા જણાઈ આવે. માલાએ એવું કીધું કે, “સાહેબ, કાયમ પતિ તરીકે જ વર્તે એ ના પણ ગમે ક્યારેક ધણી તરીકે પણ વર્તે તો વધારે ગમે ને.”

કેવી વિસંગતતા..!  પતિને કોઈ વ્યસન નહિ, સારી આવક અને ફરિયાદ કેવી કે પતિ ગુસ્સો નથી કરતો અને ક્યારેય હાથ પણ નથી ઉપાડ્યો.

“પછી સાહેબ તમે શું સલાહ આપી.” ચિંતને પૂછ્યું.

“એ સમયે આટલો અનુભવ નહિ, પણ એવું કીધું હતું કે, “બેન, તમે નસીબદાર છો. આવો વ્યક્તિ જીવનસાથી તરીકે મળે એના માટે તો સ્ત્રીઓ પ્રાર્થના કરતી હોય છે.”

“ખરેખર, સાહેબ આ વાત તો માન્યામાં જ ન આવે.” ચિંતને કહ્યું.

એ સમયે જ રામજી ચેમ્બરમાં દાખલ થયો અને પૂછ્યું, “સર, વાર લાગશે?”

“ના, વસ્તી કરવાનું શરૂ કરો.” અજયભાઈ એ ઉભા થતા કહ્યું અને એમની સાથે જ અભિજાત અને ચિંતન પણ ઉભા થયા.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : મનોહર-માલા  by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment