Saturday, March 20, 2021

મારી કેસ ડાયરી : દીપક-સુહાની

પ્રિય વાંચકમિત્રો,


ગુરુવારની સાંજે ચિંતનનો મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન ઉપર અજયભાઈ ઓફીસ નામ ફ્લેશ થયું અને ચિંતને ફોન રીસીવ કર્યો અને હેલ્લો કહ્યું. એના અંદાજ મુજબ જ સામે છેડે પંક્તિ હતી, “હેલ્લો, ચિંતન સર એક મિનીટ હોલ્ડ કરો, સાહેબ વાત કરવા માંગે છે.” એટલી સુચના આપી અજયભાઈને લાઈન આપી. 

“હેલો ચિંતન, શુક્રવાર અને શનિવારનું શું શીડ્યુલ છે તારું? અનુકુળતા હોય તો આવ આવતીકાલે, ભરૂચ એક મીટીંગમાં જવાનું છે તો ત્યાંથી આગળ સિલવાસા જતા આવીએ શનિવારે સાંજે અગર રાત્રે પરત.”

“સાહેબ, માર્કેટીંગ પર્સન છું એટલે બહુ વાંધો નથી આવતો. કાલે કેટલા વાગે અને ક્યાં આવી જાઉં?” ચિંતને પ્રત્યુત્તર આપ્યો.

"ઓકે. સવારે ૬.૦૦ વાગે તારા ઘરે તને લેવા આવીશ.” અજયભાઈએ સૂચના આપી અને ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે શાર્પ ૬.૦૦ વાગે અજયભાઈ એમની સફેદ ફોર્ચ્યુનર કર લઇ ચિંતનના એપાર્ટમેન્ટના ગેટ પાસે પહોંચ્યા અને ચિંતન પણ એમની રાહ જોઇને જ ઉભો હતો. ડ્રાઈવર સીટ પર અજયભાઈ અને એમની બાજુની સીટમાં અભીજાત હતો. પાછળની સીટમાં ચિંતન ગોઠવાઈ ગયો અને ફોર્ચ્યુનર એક્ષપ્રેસ હાઇવે તરફ આગળ વધી. ટોલ ટેક્ષ ભરપાઈ કરી ગાડી આગળ વધી અને લગભગ ૧૦૦-૧૨૦ની સ્પીડ પર વડોદરા તરફ આગળ વધી રહી હતી. ગાડીમાં ધીમા અવાજે ઓલ્ડ ઈઝ ગોલ્ડ સોંગસ વાગી રહ્યા હતા. વડોદરા ક્રોસ કર્યા બાદ એક હોટલ પર ચા-નાસ્તાનો હોલ્ટ કરી ભરૂચ તરફ આગળ વધ્યા. લગભગ ૧૦.૪૫ વાગે અજયભાઈ એમની કાર સાથે ભરૂચ જીલ્લા અદાલતના કેમ્પસમાં દાખલ થયા. અગાઉની ગોઠવણ મુજબ ત્યાં અજયભાઈના એક જુનિયર હાર્દિક દવે હાજર હતા. કોર્ટ કાર્યવાહીમાંથી આશરે ૧.૩૦ વાગે ફરી આગળની યાત્રા શરૂ થઇ. હાઇવે પરની એક હોટલમાં જમવાનું પતાવી આગળ વધ્યા સિલવાસા તરફ. સાંજે આશરે ૫.૦૦ વાગે કાફલો અજયભાઈ અને અભિજાતના કોલેજના મિત્ર શેખરના સિલવાસાના આલીશાન બંગલામાં બેઠા હતા.

ગરમાગરમ મેથીના ગોટા અને ચાને ન્યાય આપ્યા બાદ વધુ સમય ના બગડતા અજયભાઈએ શેખરને પૂછ્યું, “તારા મિત્ર કેટલા વાગે આવશે?” 

"બસ તૈયારી." આશરે ૫.૩૦ વાગ્યાની આસપાસ એક કાર આવી શેખરના બંગલાની બહાર ઉભી રહી અને એમાંથી ચાલીસેક વર્ષની આસપાસનું એક દંપતી વીલા મોઢે ઉતારીને કંઈક ક્ષોભ સાથે બંગલામાં દાખલ થયું. શેખરે આવનારનો પરિચય કરાવતા અજયભાઈને કહ્યું, “આ મારા મિત્ર દીપક અને એમના પત્ની સરિતા.” 

અજયભાઈએ દીપક સાથે હેન્ડશેક કર્યા અને કીધું, “કોઈ જ પ્રકારની મૂંઝવણ રાખ્યા વગર જે હોય એ જણાવો. તમે શેખરના મિત્ર એટલે અમારા પણ મિત્ર. આ મારી ટીમ છે, આ અભિજાત અને આ ચિંતન.”

“સર, વાત જાણે એમ છે કે....." થોડા કચવાટ સાથે દીપકભાઈએ વાતની શરૂઆત કરી, “હું પહેલા અમદાવાદમાં જ રહેતો હતો અને ત્યારે લગ્ન પણ ન હતા થયા. કોલેજમાં હતો ત્યારે પહેલી વખત સુહાનીનો પરિચય થયો, એ મારાથી એક વર્ષ સીનીયર. જોડે જ બસમાં આવવા જવાનું થયું હતું. એક જ સ્ટેન્ડથી બસ પકડતા અને આવ-જા કરતા. પરિચય પ્રેમમાં પરિણમ્યો. અમે લગ્ન પણ કરવા માંગતા હતા, પણ મારા મમ્મી-પપ્પાને જ્ઞાતિ બાધ હતો. હું એક્નુંએક સંતાન એટલે મમ્મી-પપ્પાની ઉપરવટ જવાનો પ્રશ્ન જ ન હતો અને અમારા લગ્ન માટે એ માન્યા નહીં. હું અને સુહાની અમારા સંબંધમાં તમામ મર્યાદા વટાવી ચુક્યા હતા. હું મારા મમ્મી-પપ્પાની ઉપરવટ જઈ લગ્ન નહીં કરું એ વાતની મેં સુહાનીને સ્પષ્ટતા કરી દીધી હતી, એ પછી જ અમે અમારા સંબંધમાં આગળ વધ્યા હતા. મારી કોલેજ પૂરી થઇ ત્યાં સુધી અમારા સંબંધ રહ્યા. એ પછી મારા પપ્પાએ એમના એક મિત્રની ફેકટરીમાં મને અહીંયા સિલવાસા નોકરી લગાડી દીધો. અમદાવાદ છૂટી ગયું અને સુહાનીને પણ ધીમે-ધીમે ભૂલી ગયો. સમય પસાર થયો અને મેં સરિતા સાથે લગ્ન કરી લીધા. દશેક વર્ષ પસાર થઇ ગયા. નોકરી સાથે કમીશનનું નાનું નાનું કામ કરતા કરતા મેં મારો પોતાનો ધંધો કર્યો અને પ્રભુ કૃપાથી સફળ પણ થયો. ગયા વર્ષે એક બિઝનસ કોન્ફરન્સમાં મુંબઈ જવાનું થયું. ત્યાં સુહાની મળી ગઈ. એ કોઇ કંપનીની મેનેજર તરીકે આવેલ હતી. એક ફોર્મલ હાય હેલો કરી હું મારા કામમાં લાગ્યો. બીજા દિવસે ફરી અમે મીટીંગમાં ભેગા થઇ ગયા. એણે મારી કંપનીનો પોર્ટફોલિયો માંગ્યો અને મેં આપી દીધો. એ દિવસે સાંજે એણે મને ડીનર પર જોડાવાનું આમંત્રણ આપ્યું. બસ એના આમંત્રણનો સ્વીકાર કર્યો એ જ મારાથી ભૂલ થઇ ગઈ. સાંજે ડીનર પછી એક ડ્રીંક અમે જોડે લીધું અને પાછા હોટલ પર આવી ગયા. મને એક જ ડ્રીંકમાં કંઈક વધુ અસર થઇ ગઈ હતી. કદાચ એણે મારા ડ્રીંકમાં કંઈક મીલાવી દીધું હશે. અમે હોટલમાં આવ્યા અને સુહાની મને એના જ રૂમમાં લઇ ગઈ. હું ત્યાં જ સુઈ ગયો. બીજા દિવસે સવારે ઉઠ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું મારા રૂમમાં નથી. બાથરૂમમાં પાણીનો અવાજ આવતો હતો. થોડીવારે સુહાની બહાર આવી અને મને કહ્યું, “થેંક્યુ, મારી સાથે રાત વિતાવવા બદલ અને મેં આ યાદગાર રાતને મારા મોબાઈલમાં રેકર્ડ કરી લીધી છે.” મેં મોબાઈલ જોવા માંગ્યો પણ એણે મને ના આપ્યો. એ પછી સુહાનીના અવાર-નવાર મેસેજ અને ફોન કોલ આવવા લાગ્યા. મારે અનિચ્છાએ પણ એની સાથે સમય પસાર કરવા જવું પડતું. સરિતા સાથે જુઠ્ઠું બોલવું પડતું અને અવારનવાર અમદાવાદ કે મુંબઈ સુહાની બોલાવે ત્યાં જવું પડતું. એણે મને બ્લેકમેઈલ કરીને પૈસા પણ પડાવ્યા છે. એની માંગણી મુજબના પૈસા મેં એના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. હું થાકી ગયો એટલે મેં સરિતાને આખી વાત જણાવી અને સરિતા સાથે ચર્ચા કર્યા પછી શેખરને અને શેખરે તમને અહીં બોલાવ્યા."

“બસ આટલી જ વાત. જુઓ દીપકભાઈ, જરાય ગભરાવાની જરૂર નથી. સુહાની તમને કોઈ પણ રીતે બોલાવે તમારે મળવા જવાની કે વધારાના પૈસા આપવાની જરૂર નથી. રહી વાત પોલીસ કેસ કે કોર્ટ કાર્યવાહીની તો એનાથી ગભરાવવાની જરૂર નથી. જયારે થાય ત્યારે જોઈ લઈશું. હા, બસ તમે જે જે તારીખે સુહાનીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરેલ છે એની યાદી તૈયાર કરી રાખજો." અજયભાઈએ પોતાની વાત પૂરી કરી.

થોડી વાર બીજી આડી અવળી વાતો કરી દીપક અને સરિતા એ વિદાય લીધી. શેખરના બંગલે રાત્રે ડીનર લીધા પછી અજયભાઈ, અભિજાત અને ચિંતન ગેસ્ટ રૂમમાં હતા. ચિંતને પૂછ્યું, “સાહેબ, શું લાગે છે આ દીપકભાઈની વાતનું?”

“જો ચિંતન, આ દુનિયામાં કોઈ સત્ય નથી બોલતું. બધા જ અર્ધસત્ય બોલે છે. દીપકનું પણ એવું જ છે. સુહાનીને જોઈ એનો જુનો પ્રેમ જાગી ઉઠ્યો અને એણે પેરેલલ સંસાર માણવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈક રીતે સરિતાના ધ્યાનમાં આ વાત આવી ગઈ એટલે એણે પોતે હની ટ્રેપનો ભોગ બન્યો હોવાનું સરિતાના મનમાં ઠસાવી દીધું. સુહાનીએ દીપકને બ્લેક મેઈલ કર્યો જ નથી કે પૈસા પણ નહીં પડાવ્યા હોય. આખી વાતમાં સરિતા કશું જ બોલી નથી એ વાત તેં નોંધી જ હશે. બીજું, જો સુહાની દીપકને બ્લેક મેઈલ કરવા માંગતી જ હોય તો એણે જયારે દીપક કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે જ કંઈક પગલા લીધા હોત. ચાલ રાત બહુ વીતી ગઈ છે. સુઈ જા."

બીજા દિવસે બપોરે લંચ લઈને શેખરના ઘરેથી પ્રેમ પૂર્વક વિદાય થયા અને રાત્રે અમદાવાદ પરત આવ્યા.


આશિષ એ. મહેતા



********************************************************************************************
********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : દીપક-સુહાની by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment