પ્રિય વાંચકમિત્રો,
********************************************************************************************
“સાહેબ, ફીની
ચિંતા ના કરો પણ આનો રસ્તો કાઢી આપો.” વર્કિંગ દિવસની એક સાંજે એડવોકેટ અજયભાઈની
ઓફિસ ચેમ્બરમાં અજયભાઈની સામે બેઠેલ વ્યક્તિ અજયભાઈને કહી રહ્યો હતો. દેખાવ અને
પહેરવેશ પરથી એ કોઈ મોટા બીઝનસમેન અગર કોઈ મોટા રાજકારણી જણાઈ આવતા હતા. પ્રભાવશાળી
ચહેરો અને અનુભવી આંખો એક અલગ વર્ચસ્વી આભા ઉભી કરતા હતા. વેઈટીંગ એરિયામાં
પંક્તિ, ચિંતન અને રામજી સહીત બીજા બે વ્યક્તિઓ જે ચેમ્બરમાં બેઠેલ વ્યક્તિની સાથે આવેલ હતા તે પણ બેઠા હતા.
“ફી મહત્વની નથી, વ્યાસ સાહેબ. મારા માટે તમારું કામ થાય અને તમારું
ઈચ્છિત પરિણામ મળે તે વધુ મહત્વનું છે.” અજયભાઈએ એમની શિષ્ટભાષામાં જવાબ આપ્યો
અને એમના જવાબથી વ્યાસ સાહેબને હૈયે જાણે ટાઢક વળી.
“ફોન પર થયેલ વાતચીતની
સીડી, જે મેસેજ આવ્યા છે એની પ્રિન્ટ કોપી અને પેલી ડીબેટની સીડી આપ મને લાવી આપો, આપણે
માનહાનિનો દાવો કરી દઈએ.” અજયભાઈએ આગળ વાત કહી.
એ પછીની થોડી ફોર્મલ વાતો કરીને
લગભગ દશેક મીનીટમાં વ્યાસ સાહેબ ચેમ્બરની બહાર આવ્યા. એમની પાછળ અજયભાઈ ઓફીસના
મેઈન ગેટ સુધી એમને વળાવવા આવ્યા. વ્યાસ સાહેબની સાથે જ એમની સાથે આવેલ બંને વ્યક્તિઓએ
પણ વિદાય લીધી અને ચેમ્બરમાં જતા જ અજયભાઈએ ચિંતનને અંદર આવવા ઈશારો કર્યો.
“સાહેબ, આ કોણ હતી હસ્તી. એકદમ અલગ જ લગતા હતા.” ઉત્સાહી ચિંતને એના
સ્વભાવવશ પૂછી લીધું.
“એ હતા શહેરના જાણીતા બિઝનેસમેન અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ
હિતેશ વ્યાસ. માણસનું કદ જેટલું મોટું એટલી એની સમસ્યા અને અપેક્ષા પણ. વ્યાસ
સાહેબના મલ્ટીપલ બિઝનેશ છે અને વર્ષે કરોડોનું ટર્ન ઓવર અને મોટા પાયા પર મસાલા ફોરેન મોકલે છે. એવું
કહી શકાય કે સરસ્વતીના આ પુત્ર પર લક્ષ્મીજી પણ મહેરબાની છે. આવનારા ઇલેકશનના
અનુસંધાને વેપારી પ્રતિનિધિ તરીકે શાશક પક્ષ તરફથી એમને એક લાઇવ ડીબેટ શોમાં
જવાનું થયું. આ ડીબેટ ત્રણ દિવસ પહેલા હતી. સામે વિરોધ પક્ષના વેપારી આગેવાન હતા.
ડીબેટમાં જેમ થાય છે એમ જ શાશક પક્ષના પ્રતિનિધિ સરકારના વખાણ કરે અને વિરોધ પક્ષના
પ્રતિનિધિ સરકારની નિષ્ફળતાની છડી પોકારે. વ્યાસ સાહેબની સામે ડીબેટમાં કાતરાવાલા સાહેબ
હતા. એ પણ વેપારી આલમમાં મોટું નામ. વ્યાસ સાહેબની પહેલા એ ચેમ્બર ઓફ કોમર્સના
પ્રેસિડેન્ટ હતા. વ્યાસ સાહેબ અને કાતરાવાલા સાહેબની વેપારી સ્પર્ધા આખા વેપારી
વર્ગમાં જાણીતી છે. છેલ્લા સાત વર્ષમાં કાતરાવાલા સાહેબના લગભગ બધા જ સપ્લાય ટેન્ડર
વ્યાસ સાહેબે મેળવી લીધેલા. ઓછા ભાવે સારી ગુણવત્તાવાળો માલ વેચવાનું શરુ કર્યું.
વ્યાસ સાહેબનો સ્વભાવ પણ નમ્ર, જયારે કાતરાવાલા સાહેબ થોડા ઘમંડી. કેટલાક લોકોના
મતે વ્યાસ સાહેબના ઘણા ધંધામાં એક મોટા ગજાના નેતા પડદા પાછળના ભાગીદાર છે. ડીબેટમાં
ચર્ચા ઉગ્ર થઇ ગઈ. કાતરાવાલા સાહેબ ભૂલી ગયા કે આ રાજકીય ડીબેટ છે અને એમણે ચાલુ
ડીબેટમાં સીધો જ વ્યાસ સાહેબ પર આક્ષેપ કરતા તુંકારો કરી કીધું કે, “તારા માથા
પરથી પેલા નેતાનો હાથ ઉઠી જાયને તો તારી ઔકાત બે કોડીની પણ નથી.” આ વાક્ય રેકોર્ડ
પણ થઇ ગયું અને લાઇવ શો હતો એટલે ટેલીકાસ્ટ પણ. એક જ વાક્યમાં કાતરાવાલા સાહેબે તુંકારો, નેતા સાથેના સંબંધ અને વ્યાસ સાહેબની ઔકાત એવા ત્રણ મુદ્દા ઉઠાવ્યા. વ્યાસ
સાહેબ ત્યાં સુધી તો કાંઈ ના બોલ્યા અને આક્ષેપો વિનયપૂર્વક નકાર્યા, પરંતુ કાતરાવાલા
સાહેબે એ પછી પણ આ જ મુદ્દા પર વ્યાસ સાહેબને બે મેસેજ કર્યા અને ફોન પર પણ આ જ વાતનું
રીપીટેશન કરતા કહ્યું કે, “તું મૂળ તો જાતનો માગણ જ ને.” બસ, વ્યાસ સાહેબનો પિત્તો
ગયો અને સ્વાભાવિક જ છે કોઈ પણ સજ્જન ગુસ્સે થઇ જાય. વ્યાસ સાહેબે આજે સવારે મને ફોન
કર્યો અને સાંજે આપણી ઓફિસમાં. એ પુરાવા આપી જાય એટલે આપણે કાતરાવાલા સાહેબ પર
માનહાનિનો દાવો દાખલ કરીશું, પુરા સો કરોડનો. મેટર મીડિયામાં પણ સારી એવી ચગવાની
છે.” અજયભાઈએ વાત પૂરી કરતા જણાવ્યું.
“એક-એક કપ કોફી થઇ જાય?” અભિજાત અને ચિંતનની સામે જોઈને પૂછ્યું અને
જવાબની રાહ જોયા વગર જ રામજીને ઇન્ટરકોમ પર ત્રણ કોફી લાવવાની સુચના આપી.
“સાંજ સુધરી ગઈ આજે.” ચિંતને હસીને જણાવ્યું.
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
********************************************************************************************
********************************************************************************************
મારી કેસ ડાયરી : વ્યાસ સાહેબ-કાતરાવાલા સાહેબ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
No comments:
Post a Comment