પ્રિય વાંચકમિત્રો,
********************************************************************************************
“પંક્તિ, હમણાં મૃગાંકભાઈના ત્યાંથી કોઈ ભાઈ આવશે. એમને થોડી વાર માટે બહાર બેસાડજે અને હું ઇન્ટરકોમ પર એમને મોકલવાનું કહું ત્યારે જ અંદર મોકલજે. એ
આવ્યા છે એવી સુચના ઇન્ટરકોમ પર આપવાનું કહે તો પણ ફોન ના કરતી.” થોડા અણગમા સાથે
વર્કિંગ દિવસની એક સાંજે અજયભાઈએ એમની ચેમ્બરમાંથી પંક્તિને ફોન પર સુચાના આપી.
સામેના સોફા પર બેસીને પોતાનું કામ કરી રહેલ ચિંતન અને અજયભાઈની બાજુમાં બેઠેલ અભિજાત
બંનેએ અજયભાઈની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
“આ મૃગાંકભાઈની ઓફીસમાંથી કોઈ આવે તો બેસાડવાની સુચના કેમ આપી એ જ
જાણવું છે ને તારે?” અજયભાઈએ ચિંતનની આંખોમાં છલકી રહેલ જીજ્ઞાશાને પામી જઈને કહ્યું.
“હા સાહેબ.” ચિંતને પોતાનું લેપટોપ બંધ કરતા કહ્યું.
“સંભાળ,” વાતનો દોર પોતાના હાથમાં લેતા અજયભાઈએ સામેની દીવાલ ઘડિયાળ
તરફ નજર કરી. જાણે ભૂતકાળમાંની કોઈ ઘટના જોઈ રહ્યા હોય,
“વાત એ સમયની છે જયારે અભિજાતે વકીલાતની સનદ લીધી ન હતી અને મેં મારી
પોતાની સ્વતંત્ર પ્રેક્ટીસ નવી નવી જ શરૂ કરી હતી. કદાચ અભિજાતનું એલ.એલ.બી.નું
છેલ્લું વર્ષ હતું. મારી ઓફીસ તો હતી નહિ. કોર્ટમાં બેસતા અને નાનું મોટું જે કામ
મળે એ કરતા. એ સમયે આ મૃગાંકભાઈ બિલ્ડીંગ કોન્ટ્રકટર તરીકે કામ કરતા. એક સમય એ
જેમની પાસે કામ કરાવતા હતાં એ વકીલ સાહેબ નહિ આવ્યા હોય કે પછી બીજું કોઈ પણ કારણ હોય
એમણે મને એક કરાર તૈયાર કરી આપવા કહ્યું. મેં હા પડી અને કરાર તૈયાર કરાવી આપ્યો. એ
સમયે ટાઈપીસ્ટ જોડે કામ કરાવેલ. મૃગાંકભાઈને લખાણ ગમી ગયું. કામ પત્યા પછી મેં ફી
માંગી અને એમણે આપી પણ ખરી. પણ મારો ખર્ચો બાદ કર્યા પછી મને માંડ વીસ રૂપિયા જ મળ્યા
હશે. એ પછી મૃગાંકભાઈ મને નિયમિત રીતે કરારોનું
કામ આપતા ગયા, પણ ફી બાબતે તો એમનું વલણ એવું જ કંજૂસ રહ્યું. ધીમે-ધીમે એમના
સર્કલમાંથી પણ કામ આવવા લાગ્યું. મૃગાંકભાઈએ એ પછી કન્સ્ટ્રકશનના ધંધામાં હાથ
અજમાવ્યો. લગભગ એ સમયે હું અને અભિજાત જોડે પ્રેક્ટીસ શરૂ કરી ચુક્યા હતા. એ સમયે
રેરા એક્ટ અમલમાં ન હતો. મૃગાંકભાઈએ એમની ઓફીસ શરૂ કરી અને એમના સર્કલમાંથી કામ
આવતું હોવાથી મૃગાંકભાઈનું ડ્રાફટીંગનું કામ કરવા મેં એમની ઓફીસ જવાનું રાખ્યું. એ
સમયે એમણે એમનો રંગ બતાવવાનો શરૂ કર્યો. નાના કામ માટે પણ એ મને એમની ઓફીસના
વેઈટીંગમાં ખુબ લાંબો સમય બેસાડી રાખતા. એમની બીજી એક ખાસિયત મને યાદ છે. કોઈ પણ
નવી સ્કીમ મુકે એટલે મને બોલાવે. સ્કીમને લગતા તમામ ડ્રાફટ બનાવડાવી લે અને પછી મને કહે,
ભાગીદારો જોડે ચર્ચા કરી લઉં એટલે પ્રોજેક્ટનું બધું જ કામ તમારે કરી આપવાનું. અને
મને એ સમયે ડ્રાફટ દીઠ ૫૦૦-૦૦ રૂપિયા આપતા કહે, તમારો સમય કિંમતી હોય, હાલ આટલા
રાખો.” બસ એ ડ્રાફટ બને પછી સીધો જ બીજી સ્કીમ વખતે ફોન આવે બીજા ડ્રાફટ માટે. આવી
ચાર પાંચ સ્કીમના ડ્રાફટ મેં એમને બનાવી આપ્યા હશે. એ સમયે મેં અને અભિજાતે
નિર્ણયનગરમાં ઓફીસ ભાડે લીધી અને મૃગાંકભાઈની ઓફીસ જવાનું બંધ કર્યું અને સામે
એમના ત્યાંથી પણ કામ આવતું બંધ થયું.”
આટલી વાત કરી અજયભાઈએ ઇન્ટરકોમ પર રામજીને
પાણી આપી જવા કહ્યું અને ઓફીસના સી.સી.ટી.વી.માં કોઈ અજાણ્યા વ્યક્તિને ઓફીસના
વેઈટીંગ એરિયામાં બેઠેલો જોયો. રામજી આવી પાણી આપી ગયો. પાણી પી વાત આગળ વધારતા
અજયભાઈએ કહ્યું, “એ પછી ઘણી વખત મૃગાંકભાઈના ફોન આવ્યા. ફોન પર સલાહ માંગે એટલે
હું ઓફીસ બોલવું. જે સ્ટાઇલ એમણે શીખવાડી એ જ સ્ટાઇલ આપણે એમના પર અજમાવી. હમણાં
થોડા દિવસ પહેલા રેરાની ઓફિસમાં જવાનું થયું હતું. ત્યાં ફરી મૃગાંકભાઈ મળી ગયા.
વાતમાંથી વાત નીકળી ત્યારે જાણ્યું કે, એમની કોઈ એક સ્કીમમાં એ ભાઈ ભરાઈ ગયા છે.
આપણા જુના ડ્રાફટ પરથી ડ્રાફટ બનાવતા હતા, એમાં ક્યાંક ઊંધું વેતરાઈ ગયું છે. એટલે
ફરી એમણે મને ઓફીસ આવવા જણાવ્યું. સામે મેં આપણી ઓફીસનું કાર્ડ આપ્યું. એ પણ સમજી
ગયા કે હું એમને આપણી ઓફીસ બોલાવી રહ્યો છું. એટલે એમણે કહ્યું, "હું આ સ્કીમની
માસ્ટર ફાઈલ મોકલાવી આપું છું. બહાર જે ભાઈ આવીને બેઠા છે એ મૃગાંકભાઈની
ઓફીસમાંથી જ આવ્યા છે અને એ ફાઈલ આપવા જ આવ્યા છે.”
“તો સાહેબ હવે તમે શું કરશો? ફાઈલ જોઇને કામ કરી આપશો.” ચિંતને એના
સ્વભાવગત પૂછ્યું.
“હા કામ કરવું હોય તો ફાઈલ તો જોવી જ પડે ને. હવે તને વિદાય કરીશ. તું
બહાર જઈશ એટલે એને અંદર બોલાવીશ. ફાઈલ એની સામે જ રામજીભાઈને આપી અને પેન્ડીંગ
રેકમાં મુકવા કહીશ અને એને આપણી ફીનું પ્રિન્ટેડ લીસ્ટ આપી દઈશ એટલે જેવું
મૃગાંકભાઈ લીસ્ટ જોશે એટલે એમનો ફોન આવશે. ફીની રકમનો ચેક આવે એ પછી કામ આગળ ચાલુ
કરવાનું. એ એક સમયે આપણને શીખવાડતા હતા. આજે આપણે એમને શીખવાડવાનું છે. એમને ખબર
પડવી જોઈએ કે ટાઇપ આવડી જવાથી અને કોઈના ડ્રાફટ મેળવી લેવાથી વકીલના થઇ જવાય. એમને
ખબર પડવી જોઇએ કે સુંઠના ગાંગડે ગાંધી ના થવાય.”
“વાહ સાહેબ, જોરદાર સ્ટાઇલ છે.” કહી ચિંતને વિદાય લીધી.
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
********************************************************************************************
********************************************************************************************
મારી કેસ ડાયરી : મૃગાંકભાઈ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
No comments:
Post a Comment