Saturday, November 7, 2020

મારી કેસ ડાયરી : કૃતિ - સુભાષ

પ્રિય વાંચકમિત્રો,



મહિનાનો ચોથો શનિવાર હતો અને કોર્ટોમાં આજે રજા હોઈ એડવોકેટ અજય પટેલની ઓફિસમાં પ્રમાણમાં શાંતિનો માહોલ હતો. સવારની શીડ્યુલ્ડ મીટીંગ્સ ઓન ટાઇમ થઇ રહી હતી અને લંચ પહેલા પહેલા તો લગભગ બધી જ મીટીંગ્સ પૂરી થઇ ગઈ હતી. એવા સમયે જ ઓફીસના લેન્ડ લાઈન ઉપર રીંગ વાગી અને પંક્તિએ ફોન રીસીવ કરી “હેલો” કહ્યું. “હું હર્ષદ બોલું છું, આજે સાહેબને મળવું છે. સાહેબ મળશે?” સામે છેડેથી કોઈ પણ પ્રકારની ફોર્માલીટી વગર સીધો જ સવાલ પૂછાયો. “એક મિનીટ ચાલુ રાખો હું સાહેબને પૂછી જોઉં.” એટલું બોલી ફોન હોલ્ડ પર રાખી ઇન્ટરકોમ પર પંક્તિએ અજયભાઈને સાંજનો શીડ્યુલ પૂછ્યો અને લેન્ડ લાઈન પર કોઈ હર્ષદભાઈ છે જે મળવા માંગે છે એમ જણાવ્યું. “શાર્પ ૪.૦૦ વાગે બોલાવી લો અને કહેજો લેટ ના કરે. સાંજે ૫.૩૦ વાગે ચિંતન આવવાનો છે.” અજયભાઈએ સુચના આપી. “ઓકે, સર” કહી પંક્તિએ ઇન્ટરકોમ કટ કરી લેન્ડલાઈન પર સમય આપ્યો.

વકીલાતના વ્યવસાયમાં એક બાબત નોંધવા જેવી છે, જે માણસ વકીલના સમયની કદર કરે છે વકીલ એ વ્યક્તિના કેસની વધુ કદર કરે છે. ૩.૪૫ વાગે હર્ષદભાઈ એડવોકેટ અજય પટેલની ઓફિસમાં આવી ગયા. ઉંમર ત્રીસ-પાંત્રીસની આસપાસ. કપડા અને દેખાવ પરથી કોઈ પ્રતિષ્ઠિત વેપારી જેવા લાગે. લાંબો ચહેરો મનમાં ચાલી રહેલ વ્યથાની ચડી ખાતો હતો. રામજીએ ઓફીસના શિષ્ટાચાર મુજબ પાણી આપ્યું. એક જ શ્વાસે પાણી પી લઇ બીજું માંગ્યું. રામજી આવનારની વ્યથા સમજી ગયો અને બીજો ગ્લાસ પાણી અને સાથે કોફી પણ લેતો આવ્યો. કેટલીક વખત શબ્દો જે ના કહી શકે તે વાત વ્યક્તિની આંખો કહી આપતી હોય છે. આવનારની આંખો પણ આભારની લાગણી વ્યક્ત કરી રહી હતી અને આ બધી જ ઘટના અજયભાઈ એમના લેપટોપમાં સીસીટીવીના માધ્યમથી જોઈ રહ્યા હતા. વ્યવસાયિક અનુભવે એમણે જાણી લીધું કે આવનાર ભારે માનસિક તાણ અનુભવી રહેલ છે. આવનારે કોફી પી લીધી એ સીસીટીવી પર જોઇ લીધા પછી ઇન્ટરકોમ પર પંક્તિને આવનારને અંદર મોકલવા સુચના આપી, જેનું પંક્તિએ પાલન કરતાં એ વ્યક્તિને ચેમ્બર તરફ ઈશારો કરી કહ્યું, “આપને સાહેબ અંદર બોલાવે છે.”

“જી, થેંક્યુ.” કહી આવનાર ચેમ્બરમાં જવા ઉભો થયો અને ચેમ્બરનો ફૂલ હાઈટનો ગ્લાસ ડોર ખોલી અંદર આવવાની પરવાનગી માંગતા કહ્યું, “અંદર આવું, સાહેબ.”

“આવો, બેસો.”

આવનારે એક નજર અજયભાઈની ચેમ્બરમાં ફેરવી નિરીક્ષણ કર્યું અને એ જ સમયે અજયભાઈએ આવનારનું નિરીક્ષણ કયું અને આવનાર અજયભાઈની સામેની ખુરશી પર ગોઠવાઈ ગયો.

“બોલો હું તમારી શું મદદ કરી શકું?” અજયભાઈએ પૂછ્યું.

“સર,  મારું નામ હર્ષદ પંચાલ છે. હું મારી નાની બહેન માટે આપની સલાહ લેવા આવ્યો છું.” એટલું બોલી એણે એની વીતક કથા કહેવાનું શરૂ કર્યું. લગભગ એકાદ કલાક એની વાત સાંભળીને અજયભાઈએ કીધું, “આ સંજોગોમાં તો મારી દ્રષ્ટીએ છુટાછેડા લઇ બીજે સારું પાત્ર શોધી નવેસરથી જીવનની શરૂઆત કરવી એ જ યોગ્ય છે.”

“સાહેબ, આપ કેસ હાથમાં લેશો? આપની ફી કેટલી રહેશે?” હર્ષદભાઈએ પૂછ્યું.

“હા, પણ એક વખત તમે તમારા નાના બહેનને લેતા આવો એમને પણ મળી લઈએ. રહી વાત ફીની તો એ અભિજાતભાઈ તમને જણાવશે.”

“ઓકે સર.” કહી હર્ષદભાઈએ વિદાય લીધી અને લગભગ એ જ સમયે ચિંતને ઓફિસમાં પ્રવેશ કર્યો અને અજયભાઈની ચેમ્બરમાં “આવું સાહેબ.” કહી પ્રવેશ લીધો.

“આવ ચિંતન, તું નસીબદાર છે. આજે પણ તારે જાણવા માટે એક નવી વાર્તા છે. આ જે વ્યક્તિ ગયો એની જ વાત છે. ઉંમરની નાદાનિયતના હિસાબે કરેલી ભૂલનું પરિણામ ઘણી વખત બહુ લાંબા સમય સુધી ચુકવવું પડે છે. આ ગયા એ ભાઈનું નામ હર્ષદભાઈ અને એમની નાની બહેન કૃતિ જયારે કોલેજના પ્રથમ વર્ષમાં હતી એ સમયે એના જ સમાજના એક પ્રસંગમાં એનાથી લગભગ ૧૦ વર્ષ મોટા એક છેલબટાઉ વ્યક્તિ સુભાષની નજર એના પર પડી. કૃતિ શ્યામવર્ણ ઘાટીલો દેહ ધરાવતી મુગ્ધ યુવતી. શિકારી શિકાર શોધી જ લે છે. બસ સુભાષે એની રીતે કૃતિના પારિવારિક બેકગ્રાઉન્ડની તપાસ કરી. કૃતિની કોલેજની, કોલેજ આવવા-જવાના સમય અને સાધન વગેરેની ઝીણામાં ઝીણી માહિતી ભેગી કરી. ધીમે ધીમ સુભાષે કૃતિની નજીક આવવાનું શરૂ કર્યું. શરૂઆત સામાન્ય હાય હેલ્લોથી અને પછીથી રોજ કોલેજ છૂટવાના સમયે સુભાષ કોલેજના ગેટની બહાર હાજર જ હોય. ફેશનેબલ કપડા, રોજ અલગ અલગ બાઈક, ગોગલ્સ અને વાતચીતની અલગ છટા. કૃતિ ધીમે ધીમે સુભાષની ચાલમાં ફસાતી ગઈ. સુભાષ ધીમે ધીમે કૃતિના દિલ દિમાગ પર છવાઈ ગયો. સુભાષની ચાલમાં ફસાઈને કૃતિને એવું લાગવા લાગ્યું કે, સુભાષ એને દિલોજાનથી પ્રેમ કરે છે. મુગ્ધાવસ્થાનો પ્રેમ આંધળો હોય છે. બસ કૃતિનું કોલેજ ભણવાનું બાજુએ રહી ગયું અને એણે અને સુભાષે કોર્ટમાં લગ્ન કરી લીધા. લગ્નના એક વર્ષ સુધી બંનેએ લગ્ન છુપાવ્યા અને આ સમયગાળા દરમ્યાન સુભાષે કૃતિના તમામ ઓળખપત્રમાં નામ બદલાવવાની કાર્યવાહી પૂર્ણ કરી અને એ પછી એક દિવસ કૃતિ એના પિતાનું ઘર છોડીને આંખોમાં સુંદર ભવિષ્યના સપના લઈને સુભાષના ઘરે ચાલી ગઈ એની પત્ની તરીકે રહેવા. એના પિતાએ અને બીજા સગોઓએ એ સમયે એને ઘણું સમજાવ્યું પણ સુભાષના પ્રેમમાં આંધળી બનેલ કૃતિને એને સમજાવનારા બધા જ એના હિતશત્રુઓ લાગ્યા. શરૂઆતના છ મહિના બધું બરાબર ચાલ્યું પણ પછી સુભાષનો અસલ રંગ દેખાવા લાગ્યો. જે બાઈક પર એ કૃતિને મળવા કોલેજ આવતો એ પણ એના મિત્રના ગેરેજ પરથી લઈને આવતો. લગ્ન પહેલા જણાવેલ કે, એનું પોતાનું રેડીમેડ કપડા બનાવવાનું કારખાનું છે એ વાત ખોટી નીકળી. એક સામાન્ય કારીગરથી વિશેષ એ કંઈ જ ન હતો. આવક એટલી પણ ન હતી કે આખા મહિનાનું કરિયાણું, દૂધ અને શાકભાજીનો ખર્ચ એક સાથે નીકળે. કૃતિને એની ભૂલ સમજાઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચુક્યું હતું. પ્રેમ લગ્નમાં એક વસ્તુ મેં નોંધી છે ચિંતન, જયારે પણ છોકરીને એહસાસ થાય કે એણે ભૂલ કરી છે એ સમયે પણ એ એના પિતાને તરત જાણ નથી કરતી અને પોતાની જાતે જ પોતાની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે અને આ ભૂલ એને બહુ જ નડે છે. કૃતિના કિસ્સામાં પણ એવું જ થયું. કૃતિએ ઘણી વખત વિચાર કર્યો કે એ પાછી જતી રહે એના પપ્પાના ઘરે પણ, પપ્પા શું કહેશે? સમાજ શું કહેશે? એ વિચારવામાં બીજો સમય પસાર થઇ ગયો અને કૃતિ એક બાળકીની મા બની ગઈ. બે જણાનું જ્યાં માંડ માંડ પૂરું થતું હોય ત્યાં બીજા એક સભ્યનો વધારો. ઘરખર્ચમાં પહોંચી નહીં વળતા સુભાષે વધુ મહેનત કરવાના બદલે આંકડા રમવાનું શરુ કર્યું અને એમાં એ દેવાના ડુંગરમાં દબાતો ગયો. પરિણામે ઘરમાં કંકાસ અને કજિયા વધવા લાગ્યા અને પછી "નબળો ધણી બૈરી પર શુરો" એ કહેવતની જેમ સુભાષ કૃતિ ઉપર હાથચાલાકી કરવા લાગ્યો. કૃતિ પોતાનું નસીબ સમજીને બધું સહન કરતી રહી અને એક વખત સુભાષનો માર સહન ના થતાં એણે એના ભાઈ એટલે કે આ હર્ષદભાઈને ફોન કર્યો. પોતાના બહેનની પરિસ્થિતિ જાણ્યા પછી હર્ષદભાઈ સુભાષને મળ્યા અને સુભાષને બે વિકલ્પ આપ્યા. કાં તો સુભાષ હર્ષદભાઈના કારખાનામાં મેનેજર તરીકે જોડાઈ જાય અથવા જો સુભાષ મહેનત કરવા તૈયાર હોય તો હર્ષદભાઈ એને રેડીમેડ કપડાં બનાવવાનું કારખાનું નાખી આપે અને સુભાષ અને હર્ષદભાઈ બંને એમાં ભાગીદાર બને. પરંતુ, સુભાષ બનેમાંથી એક પણ વિકલ્પ માટે તૈયાર ના થયો. કારણ, એનામાં આળસ ઘર કરી ગઈ હતી અને એને કમાવાની દાનત ન હતી. બેનનું ઘર સારી રીતે ચાલે એ હેતુથી હર્ષદભાઈએ ત્રણ વર્ષ સુધી કૃતિને કરિયાણું અને ઘરખર્ચની મદદ કરી. પણ, આનું પરિણામ વિપરીત રીતે એવું આવ્યું કે સુભાષે કામ પર જવાનું જ છોડી દીધું. આખરે કૃતિ અને હર્ષદભાઈ બંને કંટાળ્યા અને પાંચ વર્ષના લગ્નજીવન પછી હવે શું કરવું એ માટે આ હર્ષદભાઈ આપણી ઓફીસ આવ્યા હતા. હવે તું બોલ, આ કેસમાં શું કરાય?” અજયભાઈએ ચિંતનને પૂછ્યું.

“સાહેબ, આવા માણસ જોડે રહીને આખી જીંદગી ના બગાડાય. ડિવોર્સ લઇ લેવા જોઈએ મારા હિસાબે.” સુભાષ પ્રત્યેનો તિરસ્કાર ચિંતનના મોઢા પર દેખાઈ આવ્યો અને એણે એની સમજ મુજબ અભિપ્રાય આપ્યો.

“બરાબર, મેં પણ એ જ કીધું છે. ચાલ, બીજો એક કપ કોફી થઇ જાય.” બોલી રામજીને ઇન્ટરકોમ પર કોફીની સુચના આપી. 



આશિષ એ. મહેતા



********************************************************************************************
********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : કૃતિ - સુભાષ by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment