Saturday, June 27, 2020

કેટલાક ગુના પુરવાર નથી થઈ શકતા.....

શાંત અને રળિયામણા એવા અમરપુરા ગામમાં હજુ તો માંડ પરોઢ પોતાનું અજવાળું પથારી રહ્યું હતું, એવા સમયે ગામના પાદરે આવેલ રામજી મંદિરમાં અકારણ ઘંટારવ થયો અને અકારણ થયેલ આ ઘંટારવથી જાગી ઉઠેલ ગ્રામજનો કઈંક અમંગળના એંધાણ સમજી રામજી મંદિરના પરિસરમાં ભેગા થવા લાગ્યા. એક અમાનવીય દ્રશ્ય ત્યાં હતું અને જેણે જેણે એ દ્રશ્ય જોયું એના મોઢામાંથી અરેરાટીભર્યા ઉદ્દગાર સરી પડ્યા. મંદિરના પગથિયાથી મંદિરના મહંત રામદાસબાપુની ઓરડી તરફ જતા રસ્તા પર પગથિયાથી દસેક કદમ દૂર રામદાસબાપુની લાશ એમના જ ખાટલામાં પડી હતી. પહેલી નજરે જ સ્પષ્ટ થતું હતું કે ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી વાર કરવામાં આવેલ છે. તાલુકાના પોલીસ મથકમાં જાણ કરાતાં પોલીસ અધિકારીઓની તપાસ ટીમ આવી પહોંચી. પંચનામું કર્યા બાદ રામદાસબાપુની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી. રામદાસબાપુના ધર્મપત્ની હીરાબા સ્તબ્ધ અને શૂન્યમનસ્ક થઇ ગયા હતા. ડૉગ સ્કવૉડૅ રામજી મંદિરની પાછળના ભાગે આવેલ કુવા તરફ દિશા સૂચન કરતા અનુભવી પોલીસ અધિકારીને કુવામાં કોઈ સગડ હોવાનો અંદાજ થતા કુવામાં તરવૈયાને ઉતારવામાં આવ્યો. થોડી શોધખોળ પછી એક છરી મળી આવી. ગુનામાં વપરાયેલ હથિયાર મળી જતા તેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું. બીજા દિવસે પોસ્ટ મોર્ટમ થઇ ગયા બાદ રામદાસબાપુની લાશ પોલીસે પરત સોંપી અને ગ્રામજનોએ સાંજે રામદાસબાપુને અંતિમ સંસ્કાર આપવા એવું નક્કી કર્યું. રામદાસબાપુની અંતિમયાત્રા શરુ થઇ. ગામનો પુરૂષવર્ગ ગમગીન હતો પણ હીરાબાના ચહેરા પર એક ન કળી શકાય એવી શાંતિનો ભાવ હતો.

દશમા, બારમા અને તેરમાની વિધિ પૂરી થઇ અને એક દિવસ પોલીસની ટીમ પાછી અમરપુરા આવી અને આ વખતે પોલીસ ટીમમાં મહિલા અધિકારીને જોઈને ગ્રામજનોને નવાઈ લાગી. પી.આઈ. પટેલ સાહેબે રામજી મંદિરમાં દર્શન કરી હીરાબાને બોલાવતા, કોન્સ્ટેબલ હીરાબાને લઈને આવ્યો. સાઈઠની નજીક પહોંચવા આવેલ હીરબાની સ્વસ્થતા અને ચહેરા પરની શાંતિ ગજબ હતી. પટેલ સાહેબે હીરાબાને સીધું જ પૂછ્યું, "બા, કેમ તમારે આવું કરવું પડ્યું?" અને જાણે આ જ સવાલનો જવાબ આપવો હોય તેમ હીરાબાઈ પૂછ્યું, "સાહેબ, તમારી પાસે મને સાંભળવાનો કેટલો સમય છે?" અનુભવી પી.આઈ. પટેલ સાહેબે કહ્યું, "બા નિરાંત લઈને જ આવ્યો છું, આપ નિરાંતે જણાવો."

અને રામજી મંદિરની આસપાસનું વાતાવરણ પણ જાણે આજે હીરાબાને સાંભળવા માંગતું હોય એવી રીતે શાંત થઇ ગયું. મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની પ્રતિમાને વંદન કરી હીરાબા જાણે અતીતમાં ઝાંખીને કહી રહ્યા હોય એ રીતે તેમણે વાતની શરૂઆત કરી.

"સાહેબ, હું માંડ વિસ વર્ષની થઇ હઈશ અને મારા લગન કરી નાખવામાં આવ્યા. લગનના એક વર્ષમાં તો મને ખબર પડી ગઈ કે, મારા લગન જેની જોડે થયા છે એ માત્ર જન્મે જ રામાનંદી સાધુ છે, બાકી રાતનાં અંધારામાં એ કપટી અને લંપટ વ્યક્તિ છે. દિવસનો સાધુ અને રાતનો રાક્ષસ. એમની નજર હંમેશા નાની નાની બાળાઓ પર રહેતી અને તક મળતા અડપલાં કરતા સહેજવાર વિચાર ન કરે. અમે મૂળ તો સૌરાષ્ટ્રના એક નાના ગામ ધોરીયાના વતની. પણ, એક રાતે મંદિરમાં ભજન પુરા થયા બાદ એમણે એમના સ્વભાવગત ગામના મુખીની પૌત્રીને અડપલાં કર્યા અને મુખી એને જોઈ ગયા. મૂળ અમે સાધુ સમાજના હોઈ કોઈ હોબાળો ના થાય એ હેતુથી અમને ગામ છોડી જતા રહેવાનું કહ્યું અને અમે રાતનું અંધારું ઓઢી ગામ છોડી દીધું અને ફરતા ફરતા અહીં અમરપુરા આવી ચઢ્યા. અમારા નસીબ જુવો સાહેબ, અમે અહીં આ ગામમાં આવ્યા એના પંદર દિ પેહલા જ આ મંદિરના મહંત બ્રહ્મચારીબાપુ દેવ થયા હતા અને ગામના મુખી, કાળુભાએ અમને ગામમાં આશરો આપ્યો અને મંદિરની સેવા સોંપી. જીવનના અઢી દાયકા રામજીની સેવામાં આ જ ગામમાં અમે કાઢ્યા પણ સાહેબ એમની અવળચંડાઈ ન ગઈ તે ન જ ગઈ. મેં ઘણી વખત સમજાવ્યા કે, "સાધુ છીએ મર્યાદામાં સારા લાગીએ." પણ સાહેબ કૂતરાની પૂંછડી સીધી થાય તો એમનો સ્વભાવ બદલાય. સાહેબ, એમની નજર હું ઓળખું એટલે બહુ મહેનતે એમની અને મારી આબરૂ ગામમાં જાળવી રાખી. એમના હાથે અનેક વખત માર ય ખાધો પણ સાહેબ ગાડું ચલાવે રાખ્યું. સાહેબ ઉંમર થતા સુધારી જશે એમ હું માનતી હતી, પણ એ ખોટી વાત હતી. સાંઇઠ પુરા થઇ ગયા પણ એ ના સુધર્યા. ગામની ઘણી બધી નાની બાળાઓને એમણે અડપલાં કરવાનો પ્રયત્ન કર્યો અને કદાચ મારી જાણ બહાર પણ કર્યા હશે. સાહેબ, હું એમની આ લંપટ વૃત્તિથી કંટાળી ગઈ હતી. તે રાત્રે પણ ગામમાં ભજન હતાં, રાતનાં બાર વાગ્યા પછીનો સમય હશે, કાળુબાપાની પૌત્રી બાથરૂમ કરવા ગઈ અને એ એની પાછળ ગયા, હું સમય વર્તી ગઈ અને હું પણ એમની પાછળ પાછળ ગઈ. મને આવતી જોઈ એ ભજનમાં પાછા આવી ગયા અને હું મુખીબાપાની પૌત્રીને લઈને પાછી આવી ગઈ. સાહેબ, ભજન પુરા થયા બાદ એમણે મારા ઉપર હાથ ઉપાડ્યો. સાહેબ, મારી પણ સહન કરવાની હદ હોય ને? બસ, એ સુધરે એમ હતા નહિ અને હું એમને હવે વધુ સમય સુધી સહન કરી શકું કે સાચવી શકું એમ ન હતી. બસ સાહેબ, મેં પણ એમની જેમ રાતના અંધારાનો લાભ ઉઠાવ્યો. મને મારો ગુનો કાબુલ છે સાહેબ. જે કર્યું એ વિચારીને કર્યું, જે કર્યું એનો કોઈ જ અફસોસ નથી."

પી.આઈ. પટેલ સાહેબે બાજુમાં ઉભેલા મહિલા પી.એસ.આઈ. વૈષ્ણવ સામે જોઈ એક સૂચક સ્મિત કર્યું અને મહિલા પી.એસ.આઈ.એ એક કાગળ હીરબાની સામે ધર્યો. હીરાબાએ કાગળ વાંચ્યો અને પી.આઈ. પટેલ સાહેબ સામે જોયું, પટેલ સાહેબે કીધું, બા સહી કરી દો અને બધું ભૂલી જાઓ. હીરાબાએ સહી કરી અને પટેલ સાહેબ એમની તપાસ ટીમ સાથે પાછા જતા રહ્યાં.

હા, જતા જતા કાળુભા મુખીની વાડીએ મુખીને મળતા ગયા. મુખીને મળવાનું કારણ એટલું જ કે, મુખીની પૌત્રી પાછળ રામદાસબાપુને જતા મુખીએ પણ જોયા હતા, એમના કાને પણ રામદાસની લંપટલીલાની વાત આવી હતી પણ પ્રમાણ ન હતું. એ રાત્રે અંધારાની આડમાં મુખી પણ ત્યાં જ હતા અને જે કામ હીરાબાએ કર્યું એ કામ મુખી પણ કરવા માંગતા હતા. હીરાબાના દુર્ગા સ્વરૂપને એમણે નજરે જોયું હતું અને પોતાની વગ વાપરીને પટેલ સાહેબને પણ એમણે જ સમજાવ્યા હતા કે કેટલાક ગુના પુરવાર નથી થઈ શકતા, એમાં સીધી સજા જ કરવી યોગ્ય ગણાય અને બધા ગુના ઉકેલાઈ જાય એવું ના પણ બને. હીરબાની વાત સાંભળીને પી.આઈ. પટેલ સાહેબને હવે કાળુભા મુખીની વાત સમજાઈ ગઈ.


આશિષ એ. મહેતા


Creative Commons License

કેટલાક ગુના પુરવાર નથી થઈ શકતા..... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.


1 comment: