Saturday, August 21, 2021

મારી કેસ ડાયરી : કાંતીકાકા

પ્રિય વાંચકમિત્રો,


“ચિંતન આવ, અને તમે કાંતીકાકા જરાય ચિંતા ના કરો, આપણે રેન્ટ એક્ટ મુજબનો જોરદાર દાવો તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી દઈશું, બહાર રીસેપ્શન પર પંક્તિ મેડમ હશે એમને ઓન એકાઉન્ટ ફી નો ચેક આપતા જજો.”

આજે અજયભાઈની ઓફીસમાં એમની ચેમ્બરમાં એક સાથે બે ઘટના ઘટી, એક એમનો ખાસ મિત્ર ચિંતન ચેમ્બરમાં દાખલ થયો અને એજ સમયે એમની સામેની ખુરશીમાંથી એક ઉંમરલાયક કાકા જવા માટે ઉભા થયા અને અજયભાઈએ ચિંતનને આવકાર્યો અને પેલા કાકાને આશ્વાસન આપ્યું.

કાંતિકાકા રીસેપ્શન પર ચેક આપી વિદાય થયા અને લીફ્ટમાં ગયા એ તમામ ઘટના સી.સી.ટી.વી.ના માધ્યમથી અજયભાઈએ એમના કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈ. કાંતીકાકાને લીફ્ટમાં વિદાય થતા જોયા એ જ સમયે એમને બેલ મારી ઓફીસ બોય રામજીને બોલાવ્યો અને ત્રણ કમ શક્કર કડક કોફી આપવા કીધું. આ દરમ્યાન ચિંતને અજયભાઈની ચેમ્બરમાં સામેની તરફ મીની કોન્ફરન્સ માટેના ગોઠવેલ સોફા પર બેઠક લીધી અને અજયભાઈ પણ સોફા પર ગોઠવાયા અને સાથે જ અજયભાઈનો પાર્ટનર અને અંગત મિત્ર અભિજાત પણ. રામજી આવીને પાણીની બોટલ સાથે કોફી મૂકી ગયો. કોફીની એરોમા શ્વાસમાં લઇ એક નાનો સીપ ભરી કપ પાછો સેન્ટ્રલ ટીપોઈ ઉપર મૂકી અજયભાઈ બોલ્યા, “કાંતિકાકા એમના હાથે જ એમના ધોળામાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે.“

“શું વાત કરો છો સાહેબ, કાંઈ વિગતે કહો તો સમજ પડે.” ચિંતને એની ઉત્સુકતાવશ કહ્યું.

અભિજાત કાયમની જેમ મુક સાક્ષીભાવે જોઈ-સાંભળી રહ્યો હતો.

“આ કાંતિકાકા, અમારા જુના પાડોશી, મારા પિતા અને અમારો પરિવાર જયારે ભાડે રહેતા હતા ત્યારથી અમારા પરિચયમાં. એ સમયે હું કદાચ આઠમા-નવમાં ધોરણમાં ભણતો હતો. ત્યારનો પરિચય. કાંતિકાકા દરજીનો ધંધો કરે અને અમારા ઘરની નજીકમાં જ એક નાની કદાચ પાંચ બાય પંદર ફૂટની ભાડાની દુકાનમાં એ કામ કરે. નવા વાડજના ચોરા વચ્ચે દુકાન એટલે લગભગ આજુબાજુના તમામ ફળિયા, મહોલ્લાના લોકો એમને ઓળખે. મહેનતુ માણસ એમાં ના નહિ. એમને એમની આવડતથી ધંધો જમાવેલો અને સંબધો પણ. એમના બીજા ત્રણે ભાઈઓને એમણે દરજી કામના ધંધામાં તૈયાર કર્યા. સગવડતા મુજબ દરેકને પહેલા ભાડાની દુકાનો લઇ આપી પછી એમણે એમના દીકરા અને ભત્રીજાઓને તૈયાર કર્યા. સંયુક્ત કુટુંબમાં ચારે ભાઈઓનો પરિવાર રહે. એમાંથી ધીમે ધીમે દરેક ભાઈઓના પોતાના મકાનો કર્યા. આ જ કાંતિકાકાની દેખરેખ નીચે ઘરના નાના મોટા થઇ ને આશરે ૧૫ થી વધુ અવસર પાર પડ્યા. આજે કાંતિકાકાના પરિવારમાં જોઈએ તો લગભગ આઠ મકાન અને આઠ દુકાન છે. બધી જગ્યાએ થઇને આશરે વિસ જેટલા કારીગર કામ કરતા હશે. એમના જ કહેવા મુજબ જયારે કાંતિકાકા અમદાવાદમાં આવ્યા ત્યારે ખીસામાં રૂપિયા દશ, એક મેજર ટેપ અને એક કાતર લઈને આવ્યા હતા. અમદાવાદમાં નવા વાડજની દુકાનમાં પચાસ વર્ષ ધંધો કર્યો. કાંતિકાકા નવા વાડજની દુકાનમાં એમના નાના ભાઈ જોડે બેસતા. હમણાં લગભગ એકાદ મહિના પહેલા એમના નાના ભાઈનું અવસાન થયું. દુકાન લગભગ એકાદ મહિનો બંધ રહી. કાંતિકાકાને પણ વર્ષ ૭૫ થયા. દુકાન માલિકે કાકાને કીધું કે કાકા, હવે દુકાન ખાલી કરી આપો મારે મારા માટે જરૂર છે. પણ કાંતિકાકાની બુદ્ધિ બગડી, એમણે દુકાન ખાલી કરવાના બદલે દુકાન માલિક સાથે ઝગડો કર્યો. તું માનીશ દુકાનનું ભાડું છે મહીને માત્ર ૪૫૦૦-૦૦ રૂપિયા એ પણ આ કાકાને વધારે લાગે છે.”

વાતને થોડી અટકાવી બાકીની કોફી પૂરી કરી ખાલી કપ ટીપોઈ પર મૂકી અજયભાઈએ બોટલમાંથી થોડું પાણી પીધુ અને વાત આગળ ચલાવી

“આમ તો મેં પણ પહેલા કાકા ને એ જ કીધું કે કાકા, હવે કમાવવાની કોઈ જરૂર નથી. છોકરાના ઘરે પણ છોકરા છે અને બધા વેલ સેટ છે. તો મને જવાબ આપ્યો કે, “મારે કામ નથી કરવું, ઉંમરના હિસાબે હવે થોડું ઓછુ દેખાય છે પણ દુકાન મેં પચાસ વર્ષ વાપરી એ એમને એમ કેવી રીતે ખાલી કરું? હું ખાલી કરું એટલે એને મારાથી ડબલ ભાડું આપનાર મળે તો મને પણ કંઈક મળવું જોઈએને.” એમનો જવાબ સાંભળી એમના પ્રત્યે જે આદરભાવ હતો એ ઉતરી ગયો એટલે વ્યવસાયિક અભિગમ રાખી મેં ભાડુઆત તરીકેના પુરાવા માંગ્યા, એમની પાસે ભાડા કરાર નથી, ભાડું રોકડામાં ચૂકવેલ છે, ભાડું ચૂકવ્યાની પહોંચ નથી, છેલ્લા દશ વર્ષના ટેક્સ બીલ ભર્યાની પહોંચ છે અને મને મારી ફી જે થાય એ આપવા તૈયાર છે. બસ, મેં ફી પેટે ઓન એકાઉન્ટ ચેક લઇ લીધો અને ટેક્સ ભર્યાની પહોંચની નકલો લઇને આવ્યા હતા એની ફાઈલ બનાવી દીધી. કેસ તૈયાર કરી દાખલ કરાવી દઈશ. યાર, મેં પણ તો સદાવ્રત નથી ખોલ્યું ને! હું કેસ નહિ લઉં તો બીજો કોઈક વકીલ લેશે. એમના દુકાન માલિકને પણ હું ઓળખું છું. એને પણ આમ જોવા જાવ તો આ દુકાનની કોઈ જરૂર નથી અને મહત્વની વાત એ છે કે, દુકાન માલિક અને આ ભાડવાત કાંતિકાકા બંનેને ખબર છે કે, દુકાન કપાતમાં જાય છે. પણ, સો વાતની એક વાત કાંતિકાકાએ એમની જાતે જ એમના ધોળામાં ધૂળ નાખવાનું કાર્ય કર્યું છે.”

“સાચે જ સાહેબ, કાકાની બુદ્ધિ બગડી લાગે છે. હું જાઉં હવે મારે એક કામ છે.” કહી ચિંતન વિદાય થયો.

“આવજે” કહી અજયભાઈ સોફા પરથી એમની ચેર પર બેઠા.



આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : કાંતીકાકા  by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

No comments:

Post a Comment