Saturday, October 9, 2021

મારી કેસ ડાયરી : રાઘવજીકાકા

પ્રિય વાંચકમિત્રો,


“કેટલીક ઘટનાઓ એવી બને છે જે આપણને વિચારવા માટે મજબૂર કરી મુકે.” હાથમાં રહેલ કોફીના મગમાંથી એક સીપ ભરીને એડવોકેટ અજયભાઈએ વાત શરૂ કરી. રજાનો દિવસ હોવાથી કોઈ ખાસ કામ ન હતું. અજયભાઈની ચેમ્બરમાં અભિજાત અને ચિંતન બેઠા હતા. આમ તો, એવું બન્યું હતું કે, અજયભાઈ દિવાળીની રજાના દિવસોમાં એમના વતન ગયા હતા અને લગભગ એક અઠવાડિયું ત્યાં રોકાયા હતા. ત્યાંથી પાછા આજે સવારે જ આવ્યા હતા અને એ જ સાંજે ઓફિસમાં ડાયરો જામ્યો હતો. ચિંતને એના સ્વભાવગત જ પૂછી લીધું હતું કે, “સાહેબ, બહુ દિવસે મળ્યા, કંઇક નવાજૂની થવા દો.” અને ચિંતનની વાતના અનુસંધાનમાં અજયભાઈએ વાત શરૂ કરી હતી.

“રાઘવજીકાકા અમારા ગામના એક પ્રતિષ્ઠિત ખેડૂત. એમના પિતા તરફથી તો એમને માંડ બે વીઘા જમીન જ વરસામાં મળી હતી. પણ, રાઘવજીકાકાએ એમની જાત મહેનત, બચત અને આવડતથી પોતાની જાત કમાણીની બીજી પચાસેક વીઘા જમીન ખરીદી અને ખેતી કરતા. એમના લગ્ન મેનાકાકી જોડે થયા હતા અને મેનાકાકી એ પણ ભેંસો રાખી પતિની સાથે જ ખભેખભો મિલાવી મહેનત કરી હતી. સંતાનમાં ત્રણ દીકરા. રાઘવજીકાકાએ ત્રણે દીકરાઓને ભણાવ્યા, સમયે સારું ઘર જોઈ પરણાવ્યા. બીજો દીકરો પરણાવ્યો એટલે પહેલા દીકરાને શહેરમાં ફ્લેટ લઇ આપ્યો અને એ જ રીતે નાના દીકરાને પરણાવ્યો એટલે બીજાને પણ શહેરમાં ફ્લેટ લઇ આપ્યો. થોડા સમય પછી નાના દીકરાને પણ શહેરમાં જ નોકરી મળી ગઈ એટલે એ પણ શહેરમાં રહેવા ગયો અને રાઘવજીકાકાએ એને પણ ફ્લેટ લઇ આપ્યો. ઉંમર થઇ એટલે એમણે જાતે ખેતી કરવાના બદલે એમના જ કુટુંબના એક છોકરા રમેશને ભાગીયો–સાથી તરીકે રાખ્યો. કાળનું કરવું અને રમેશના માં-બાપ એક જ વર્ષમાં ગુજરી ગયા. રમેશે રાઘવજીકાકા અને મેનાકાકીની સેવા સગા દીકરાની માફક જ કરી. રાઘવજીકાકાએ એને પણ પરણાવ્યો અને ગામમાં જ એનું મકાન કરી આપ્યું. બધું સરસ રીતે ગોઠવાઈ ગયું હતું. રમેશ રાઘવજીકાકાને ખેતીમાં મદદ કરે અને એની વહુ રમીલા મેનાકાકીને ઘરકામમાં.

સમય પસાર થતો ગયો અને રાઘવજી કાકાના ત્રણે સંતાનો શહેરની હવામાં રંગાઈ ગયા. જમીનોના વધતા જતા ભાવ ઉપર ત્રણેની દાનત બગડી રહી હતી. ત્રણે દિકરાઓએ શહેરમાં મોટા મકાન મોટી ગાડી અને આરામપ્રિય જીંદગીના સપના જોવાના શરૂ કરી દીધા. પણ, ત્રણેમાંથી એકની પણ હિંમત નહિ કે રાધવજી કાકાને જમીન વેચી તેના ભાગ પાડી આપવાનું કહે. 

આખરે, ત્રણે જણાએ એક યોજના બનાવી, દિવાળીના વેકેશનમાં ત્રણે દિકરાઓ એમની ધર્મપત્નીઓ અને સંતાનો સહિત ગામમાં રોકાવા આવ્યા. રાઘવજી કાકા અને મેનાકાકીના મનમાં આનંદ આનંદ છવાઈ ગયો. દિવાળીના તહેવારના દિવસો સરસ રીતે સુખ શાંતિથી પૂરા થયા. એક સાંજે, ત્રણે દિકરાઓ વાળુ પરવારીને ફળિયામાં ખાટલા ઉપર ગોઠવાઈ ગયા. ત્રણેમાંથી કોઈ બોલતું ન હતું એટલે અનુભવી રાઘવજી કાકાએ પૂછ્યું , "કંઈ મુંઝવણ છે? કંઈ કહેવું છે? તો મુંઝાયા વગર બોલો."   
આખરે શબ્દો ગોઠવીને નાનાએ વાત શરૂ કરી, "બાપુજી, હવે તમારી અને બાની પણ ઉંમર થઈ. તો એક કામ કરીએ તો, બધી જમીન વેચી નાખીએ અને તમે બંને અમારા ભેળા રહેવા આવી જાવ. દરેક  છોકરાના ભેગા ચાર ચાર મહિના રહેવાનું." 
રાઘવજી કાકા કંઈ બોલે એ પહેલા જ વચેટ દિકરાની વહુ બોલી, "આમ પણ આ મિલકત ઉપર વહેલો કે મોડો અમારો જ હક છે ને." 
છોકરા અને વહુના મનોભાવો સમજી ગયેલ જમાનાના અનુભવી રાઘવજીકાકાએ એટલું જ કીધું, "સારૂ વિચારીએ."

દિવાળી પછી હું પણ મારા વતન ગયો હતો. ત્યારે રાઘવજી કાકાએ મને બોલાવ્યો હતો. મને પૂછ્યું કે, "મારા સંતાનોનો ભાગ મારી બધી જ મિલકતમાં પડે?" સવાલ સીધો હતો અને પાછળની વેદના અસહ્ય એટલે મેં વિસ્તારે વાત પૂછી ત્યારે મને હકીકતની ખબર પડી. મેં કાકાને કીધું કે, "તમારી વડીલો પાર્જિત મિલકતમાં તમારા સંતાનોનો વારસાઈની રૂઈએ હક લાગે પણ તમારી સ્વપાર્જિત મિલકતોનો વહીવટ તમે ઈચ્છો તે રીતે તમે કરી શકો." મારા જવાબથી તેમને સંતોષ થયો. અમારા ગામમાં હજુ પણ કેટલાક પ્રશ્નો માટે સરપંચ કહે તે નક્કી રાખવું પડે છે. 
રાધવજી કાકા સરપંચને મળ્યા અને વાત જણાવી સાથે સાથે કાયદાની જોગવાઈ મુજબ મારો અભિપ્રાય પણ સરપંચને જણાવ્યો. સરપંચે મને પણ બોલાવ્યો અને મારી સાથે ચર્ચા કરી.  એ સાંજે રાઘવજીકાકાએ એમના ત્રણે દિકરાને કહ્યું કે, આવતીકાલે સરપંચ જે કહે તે મુજબ કરીશં. તમારી વાત સરપંચને કરી, સરપંચે પણ કહ્યું કે છોકરાઓની વાત ખોટી નથી. એટલે આવતીકાલે તમારા મુદ્દા ઉપર પંચાયતમાં નિર્ણય કરવાનો એવું નક્કી કર્યું છે. 

બીજા દિવસે સાંજે પંચાયત ભરાઈ હતી. હું પણ એમાં હાજર હતો. ગામના ચોરે ખાટલાઓ ગોઠવાઈ ગયા હતા. વચ્ચેના ખાટલા ઉપર સરપંચ બેઠા એક બાજુ રાઘજી કાકા અને એમનો પરિવાર અને બીજી બાજુ ગામના અન્ય આગેવાનો. 
સરપંચે બોલવાનું શરૂ કર્યું, "કળિયુગમાં દિકરા બાપની કદર કરે, દેખભાળ કરે એ ભગવાનની દયા જ ગણાય. આપણા જ ગામના રાઘવજી ભાઈ અંહિયા તેમના પત્ની સાથે રહે છે અને ત્રણે દિકરાઓ શહેરમાં તેમના પરિવાર સાથે. દિકરાઓને ચિંતા થઈ કે ઘડપણમાં બા બાપુજીનું શું? એટલે, છોકરાઓ રાઘવજીભાઈની ભેળા રહેવા માંગ છે. બરાબરને છોકરાઓ?"  સરપંચે રાઘવજી કાકાની બાજુમાં ઉભા રહેલ ત્રણે છોકરાઓ સામે જોઈને કહ્યું. ત્રણે એ લગભગ સાથે જ જવાબ આપ્યો, "હા બરાબર." 
"અને આ આપણા ગામનો છોકરો અજય જે શહેરમાં બહુ મોટો વકીલ છે એનું કહેવું એવું છે કે કાયદા મુજબ રાઘવજી કાકાની વડીલોપાર્જિત મિલકતમાં આ ત્રણે છોકરાઓનો અને રાઘવજી ભાઈના પત્નીનો સરખો હક લાગે." સરપંચે વાત આગળ વધારતા કહ્યું. "છોકરાઓની લાગણી અને માંગણી અને રાઘવજી ભાઈની ઉંમર જોતાં .. ..." સરપંચે થોડો વિરામ લીધો જાણે વિચાર કરતા હોય તેમ અને પછી કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા હોય તે રીતે સરપંચે રાઘવજીકાકાની સામું જોયું અને બોલ્યા, “રાઘવજીભાઈ, તમારે ચાર-ચાર મહિના વારફરથી આ ત્રણ છોકરાઓ ભેગા રહેવાનું.” આટલી વાત સાંભળી ત્રણે છોકરાઓ અને વહુઓના મોઢા હસું હસું થઇ ગયા જાણે એમની મનની મુરાદ પૂરી થઇ. થોડી વાર અટકી સરપંચે પૂછ્યું, “પાક્કું?”

“હા.” રાઘવજીકાકાએ જવાબ આપ્યો.

“બસ તો રાઘવજીકાકા, તમારે તમારી બે વીઘા જમીન બજાર ભાવે વેચી દેવાની. એની જે રકમ આવે એના ચાર ભાગ પાડવાના અને એક ભાગ તમારો રાખી બાકીના ભાગ તમારા દીકરાઓને આપી દેવાના.”

એ પછી રાઘવજીકાકા બોલ્યા, “સરપંચજી, ભેગા ભેગું એ પણ આ કપતારોને કહી દો કે વારાફરથી એક એક મારી ભેળો રહેવા આંય આવે, ચાર મહિના માટે હું એમનો બાપ એમને ખવડાવીશ. પણ બાકીના આઠ મહિના મારી સામું આશા નો રાખે અને આ બે વીઘા જમીનના એમના ભાગના જે રૂપિયા આવે ઈમાંથી એમને મકાન સારુ જે રકમ આપી એ હું બાદ કરી દઈશ. છોકરાઓ ભેગા ક્યાં રહેવું એ નિર્ણય મારે લેવાનો છે. ”

સરપંચ પણ હસી પડ્યા અને બોલ્યા, "હા ભાઈ એ તો તમારો જ  નિર્ણય ને લોકશાહી દેશ છે. તમારો અધિકાર છે. છોકરાઓ હવે તમે નક્કી કરો કે કોણ કયા ચાર મહિના રાઘવજીભાઈ ભેગા અંહિયા રહેવા આવશે? બાકી ગામમાં કોઈ માણહ ક્યારેય એકલું નથી હોતું. અંહિયા તો એક અવાજ ઉપર મદદ માટે ગામના બધા જ ઘરના લોકો આવીને ઉભા રહી જાય છે.  લ્યો તારે સભાને રામ રામ.. " કહી સરપંચ ઉભા થઈ ગયા. અને રાઘવજી કાકાના ખભે હાથ મૂકીને  કહે, "ચાલ દોસ્ત મંદિરે જઈને બેસીએ." રાઘવજી કાકાના ત્રણે દિકરાઓ વીલા મોઢે બંને મિત્રોને જતા જોઈ રહ્યા. 

એ પંચાયત કદાચ આખી જીંદગી યાદ રહી જાશે. રાઘવજીકાકાની વાત ખોટી તો ન જ હતી. જે બાપે મિલકત વસાવી, ભણાવ્યા, પરણાવ્યા, મકાન કરી આપ્યા એને જ હેરાન કરવાનો? એ દિવસે સરપંચજીની કોઠા સૂઝ પર માન થઇ આવ્યું. ગામઠી માણસ કોઠા ડાહ્યા હોય એ સાંભળ્યું હતું એ પંચાયતમાં અનુભવી પણ લીધું.”

હાથમાં રહેલો કોફીનો મગ ટીપોઈ ઉપર મુકતા અજયભાઈએ વાત પૂરી કરી.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : રાઘવજીકાકા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

No comments:

Post a Comment