પ્રિય વાંચકમિત્રો,
********************************************************************************************
“આવ, ચિંતન, આજે થોડું મોડું થયું?” એડવોકેટ અજયભાઈએ એમની ચેમ્બરમાં ચિંતનને આવકારતા કીધું.
“અરે, જવા દો ને સાહેબ. આ અધિકારી વર્ગના લોકો ગ્રાસ રૂટ પરની
કામગીરી સમજે નહિ અને ખાલી મગજ ખરાબ કરે.” સામાન્ય રીતે સદાય હસતો ચહેરો ધરાવનાર
ચિંતને આજે વ્યગ્રતા પૂર્વક કહ્યું.
ઓફીસના ઇન્ટરકોમ પર રામજીને અજયભાઈએ અંદર આવવા સુચના આપી.
“યસ સર,” કહી દરવાજો ખોલીને રામજી અંદર આવ્યો અને આદેશની રાહ જોતા
બોલ્યો.
“આ લે પૈસા અને ઓફિસમાં બધા માટે આઇસક્રીમ લઇ આવ.”
“કેમ સાહેબ શું છે આજે? આઇસક્રીમ!” ચિંતને પૂછ્યું.
“નવી વાર્તા જાણવા મળશે. પહેલા ફ્રેશ થઇ જા, મૂડ બનાવી લે.” અજયભાઈએ
ચિંતનને કહ્યું.
ચિંતન ફ્રેશ થઇને આવ્યો અને થોડી જ વારમાં રામજી આઇસક્રીમ લઇ ને સર્વ
કરી ગયો.
“આજે એક ખાસ વાતની આ પાર્ટી છે.” અજયભાઈએ જણાવ્યું અને ચિંતન અને
અભિજાતે એક-બીજાની સામે જોયું. બંને જાણતા હતા કે જયારે પણ અજયભાઈનું કોઈ અનુમાન
લાંબા સમયે સાચું પડે ત્યારે આવી પાર્ટી થઇ જાય છે.
“અભિ, તને સાધના અને સુધીર વાળો કેસ યાદ છે ને? આ એની પાર્ટી છે. બંને
જણ હાલમાં ભેગા રહે છે.” અજયભાઈએ કહ્યું.
“વ્હોટ!?” એક આશ્ચર્ય સાથે અભિજાતે પૂછ્યું.
“યસ.”
“પણ સાહેબો મને તો વાત જણાવો..” ચિંતને કીધું
“સાંભળ, આજથી લગભગ પાંચેક વર્ષ પહેલા સુધીરની ફેમીલી કોર્ટની મેટર
લીધી હતી. સાધનાએ એના ઉપર દહેજ અને ભરણપોષણના કેસ કર્યા હતા. આપણે સુધીર તરફે
હાજર થયા હતા. એ કેસની એક ખાસિયત મને એ લાગી હતી કે સુધીર ક્યારેય એકલો મળવા નહતો
આવતો. એના મમ્મી અને પપ્પા કાયમ એની જોડે જ હોય પછી ભલે એ કોર્ટમાં આવે કે અહિયાં
ઓફિસમાં મળવા આવે. સુધીરના પપ્પા નિવૃત્ત જજ સાહેબ હતા. ડિગ્રી હોય પણ વ્યવહારિકતા
ના હોય એનું ઉદાહરણ જેવા. સુધીર અને સાધનાના લગ્નને બાર વર્ષનો સમય થઇ ગયો હતો
અને એમને એક દીકરો પણ હતો, જે એ સમયે ત્રીજા ધોરણમાં ભણતો હતો. સુધીરના માતા
પિતાની કાયમ સાધના વિરુદ્ધ ફરિયાદ જ હોય. એ સવારે અમારાથી વહેલી નથી ઉઠતી, અમારા
સગા કોણ ક્યાંના છે એ એને યાદ નથી રહેતું, રસોઈ સરસ બનાવે છે પણ આટલા માણસ માટે
કેટલી રસોઈ બનાવવાની એની એને ખબર નથી પડતી, ઘરની ખૂટતી વસ્તુ જાતે લઇ આવે પણ આખા
મહિનામાં કેટલી વસ્તુઓની જરૂર પડશે એનો એને અંદાજ નથી આવતો, આવી આવી સુધીરના પપ્પાની
સાધના સામે ફરિયાદો. મેં એમને કીધું પણ હતું કે, “સાહેબ, આ બધી ફરિયાદો ના કહેવાય
અને આપ જે કહો છો એમાં મને સાધનાનો કોઈ વાંક દેખાતો નથી.” પણ કેટલાક સરકારી અધિકારીઓ
નિવૃત્તિ બાદ પણ ઘરમાં જાણે સરકારી અધિકારી જ હોય એ રીતે વર્તતા હોય છે. સુધીરના
પપ્પા પણ એમાંના એક હતા અને સુધીરની મમ્મી એક સરકારી અધિકારીની પત્ની. મેં સુધીરને
એકાદ બે વખત ઈશારો પણ કર્યો કે એકલો મળવા આવ, પણ એ એકલો મળવા ના જ આવ્યો. ખેર, કોર્ટ
અને કેસ એની રીતે જ ચાલ્યા, સાધનાના વકીલ એટલે આપણા એન.એન. શાહ સાહેબ. એમના
પ્રયત્નોથી આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થયું. સાધનાએ દહેજનો કેસ પરત ખેંચી લીધો.
સાધના અને સુધીરે ડાયવોર્સની અરજી દાખલ કરી, બાળક સાધના જોડે રહેશે એવું નક્કી
થયું અને સાધનાને ઉચ્ચક ભરણપોષણ પેટે ચોક્કસ રકમ ચૂકવવાનું નક્કી થયું. સુધીરના
ચહેરા પર એક નારાજગી જણાઈ આવતી હતી અને મને ઊંડે ઊંડે એવું લાગી રહ્યું હતું કે આ
નારાજગી એના પિતા અને માતાના વર્તનથી છે. આજથી એકાદ વર્ષ પહેલા બધી જ કોર્ટ
કાર્યવાહી પૂર્ણ થઇ, કોર્ટે બંનેના લગ્ન રદ જાહેર કરતો હુકમ કર્યો. એના થોડા દિવસ પછી સુધીરના પિતા ઓફીસ આવ્યા અને જણાવ્યું કે સુધીર
દક્ષિણ ભારતના એક પ્રખ્યાત આશ્રમમાં કાયમી સેવા માટે જતો રહ્યો છે. પૌત્ર
ગુમાવવાનું દુઃખ હતું એનાથી વધુ પુત્ર ગુમાવવાનું દુઃખ એમની વાતોમાં જણાઈ આવતું
હતું.” અજયભાઈએ એ વાત અટકાવી આઇસક્રીમ પૂર્ણ કર્યો.
“પણ એમાં આ પાર્ટીની વાત ક્યાં આવી?” ચિંતને એના ઉત્સાહિત સ્વભાવવશ
પૂછ્યું અને હસીને અજયભાઈએ વાત આગળ ચલાવી.
“મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં જેમને મળવું જ હોય એમને કોઈ રોકી નથી
શકાતું. ડિવોર્સની પીટીશન ચાલી રહી હતી એ સમયે પણ સાધના અને સુધીર મેસેજ દ્વારા એક
બીજાના સંપર્કમાં હતા. સુધીર બહુ જ સારું ભણેલો હતો. પણ એ એના સરકારી અધિકારી
પિતાના પ્રભાવથી દબાયેલો હતો. સુધીરની પોતાની આવક પણ સારી જ હતી. વળી, આશ્રમના
ગુરૂજી સુધીરને ઓળખતા હતા. સુધીર જયારે આશ્રમમાં રહેવા ગયો ત્યારે તેને આશ્રમનું
વહીવટી કામ સોંપવામાં આવ્યું. એના ગુરૂજીએ એને એક અલગ રૂમ ફાળવી આપ્યો અને કહ્યું “સહપરિવાર
અહિયાં જ રહેજો.” સુધીરે ઘર છોડ્યું હતું પણ દિલથી પોતાનો પરિવાર નહતો છોડ્યો.
સાધનાને આ સમાચાર મળ્યા. એમના બાળકનું શૈક્ષણિક વર્ષ પત્યું અને સાધના પણ એના
બાળકને લઈને આશ્રમમાં રહેવા ચાલી ગઈ. આજે જ સુધીરનો ફોન હતો. સાધના પણ આશ્રમમાં
રહેવા આવી ગઈ એ એણે જ જણાવ્યું. એમનું બાળક આશ્રમના ગુરુકુળમાં ભણી રહ્યું છે અને
બંનેએ હવે આજીવન આશ્રમમાં રહી સેવા કરવાનું નક્કી કર્યું છે. અને હા, સુધીરે એના
માતા-પિતાને કહી દીધું “તમારે અહિયાં આશ્રમમાં આવવાની જરૂર નથી અને કદાચ આવો તો પણ
મને મળવાનો પ્રયત્ન કરવો નહિ. તમારો પુત્ર અને પરિવાર સાથે મજામાં છે અને એ
તમારાથી દૂર રહેશે ત્યાં સુધી મજામાં રહેશે.”
"સુધીર અને સાધના જીવન સફરમાં ફરી ભેગા થઇ ગયા એની ખુશાલીનો આ
આઇસક્રીમ છે.”
“સાહેબ, જોરદાર આવું તો જગતમાં ક્યાંય નહિ બન્યું હોય. ખરેખર, તમારી
પેલી વાત સાચી જ છે, જગતમાં જેટલા માનવી એટલી જ નવી કહાની. ચાલો હું પણ મારા કામે
નીકળું હવે.” કહી ચિંતન વિદાય થયો.
આશિષ એ. મહેતા
********************************************************************************************
********************************************************************************************
મારી કેસ ડાયરી : સાધના-સુધીર by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
No comments:
Post a Comment