રાબેતા મુજબની જ એક બોઝિલ સાંજ હતી અને એડવોકેટ અજય પટેલની ઓફિસમાં એ
જ રૂટીન ઓફીસ વર્ક ચાલુ હતું. આજના કેસની ફાઈલો ગોઠવવી, આવતીકાલના બોર્ડની
ફાઈલો તૈયાર કરવી, આજે જેમના કેસ હતા
એ કલ્યાનટ્સને ફોન દ્વારા આગામી તારીખની જાણ કરવી, જેમની ફી બાકી હોય એવા કલ્યાનટ્સને
ફીનું યાદ કરાવવું, વગેરે જેવી રોજીંદી કામગીરી ચાલી રહેલ હતી. અભિજાતના માર્ગદર્શન હેઠળ
ઓફીસ સ્ટાફ આ કામગીરી કરી રહેલ હતો. કોઈ ખાસ વિઝીટર ન હતા. એ સમયે, ચિંતને એના
વિશેષાધિકાર મુજબ ઓફિસમાં પ્રવેશ કર્યો. પંક્તિએ એની પેટન્ટ સમું સ્માઈલ આપી
ચિંતનનું સ્વાગત કર્યું અને સીધા જ ચેમ્બરમાં જવા જણાવ્યું.
“અંદર આવી શકું, સાહેબ?” હંમેશની જેમ ઉત્સાહિત સ્વરે ચિંતને ગ્લાસ ડોર ખોલી સસ્મિત પરવાનગી માંગી.
“અરે ચિંતન, આવ આવ, બેસ.” અજયભાઈએ કીધું.
રામજી પણ ચિંતનની પાછળ જ પાણીનો ગ્લાસ લઈને દાખલ થયો અને કોફીનું
પૂછ્યું અને અજયભાઈએ ૩ આંગળીથી ઈશારો કર્યો અને રામજી બહાર નીકળી ગયો. એ જ સમયે ઇન્ટરકોમ રણક્યો અને અજયભાઈએ ફોન ઉપાડ્યો. સામે પંક્તિએ
કહ્યું, “સર, પી.જે. સાહેબની ઓફિસેથી આપને મળવા આવ્યા છે.”
“મોકલ એમને.” કહી અજયભાઈએ ફોનનું રીસીવર ક્રેડલ પર મુક્યું.
“આવું સાહેબ” એવું કહી એક આધેડ વયનો માણસ ચેમ્બરમાં દાખલ થયો.
“મારૂં નામ યાસીન મેમણ છે. મને તમારા સીનીયર પી.જે. સાહેબે તમારી
પાસે મોકલ્યો છે. આ ફાઈલ અને ચિઠ્ઠી આપી છે અને ૪૦૦૦ રૂપિયા આપવાનું કીધું છે.
તમારે દાવો તૈયાર કરી, દાખલ કરી સ્ટે લેવાનો છે.”
કોફી આવી જતાં અજયભાઈએ એક કોફી અને પાણી લાવવાની રામજીને સુચના કરી
અને આવેલ આગંતુકને પૂછ્યું, “બીજું શું કહ્યું છે સાહેબે?”
“સાહબ, પી.જે. સાહબ કે સાથ હમારા ઘર જૈસા રીસ્તા હૈ. મેરે અબ્બા કો વો
મામા બોલતે હૈ. અબ વો તો હાઈકોરટ સે નીચે કા કેસ લેતે જ નહીં, ઈસકે લીયે મુઝે આપકે પાસ ભેજા
ઔર મુઝે ઇતના ખર્ચા કરના પડા, વરના વો તો હમસે ફી ભી નહીં લેવે.” અશુદ્ધ હિન્દીમાં થોડા
ગુમાનભેર આગંતુકે વાત વધારી.
પાણી અને કોફી આવી જતાં એને ન્યાય આપી એણે કહ્યું, “અચ્છા સાહબ, મેં
ચાલતા હું.” કહી એ વિદાય થયો.
એના ગયા પછી તરત જ અભિજાત થોડી નારાજગી સાથે બોલ્યો, “તને મેં ના પાડી છે
કે પી.જે.નું કામ નહીં લેવાનું. એ પૂરી ફી તો જવાદે પણ ખર્ચા જેટલી રકમ પણ
નથી આપતો અને એ કઈ રીતે આપણને એના જુનિયર ગણાવે છે.”
“શાંત થા.” અભિજાતને શાંત પડતાં અજયભાઈએ કીધું. પણ અભિજાત ચેમ્બરમાંથી મીટીંગ રૂમમાં જતો રહ્યો અને આ બધી જ ઘટના ચિંતન જોઈ રહ્યો હતો. આટલા
વર્ષોમાં પહેલી વખત આજે અજયભાઈની ઓફિસમાં આવો સીન ભજવાયો હતો. એના ચહેરા પરની
વિસ્મયતા જોઈ અજયભાઈએ એને કહ્યું, “આ પી.જે.ની વાત જાણવી છે? રસપ્રદ વાત છે.”
“જણાવો સાહેબ, જે વ્યક્તિ વિષે તમારા બંને સાહેબોના વચ્ચે મતભેદ છે એ કંઈક ખાસ જ હશે.”
“પી.જે.નું પુરૂં નામ છે પ્રબુદ્ધ જોરાવર. આમ તો એ અભિજાતના કુટુંબના
કોઈ સગાના ભાણેજ જમાઈ થાય. વ્યક્તિ જયારે પોતાનું વ્યક્તિવ વિકસાવે ત્યારે એ
આદરપાત્ર બને છે. પણ પી.જે.નો અહમ એના કદ કરતા વધારે. એ કાયમ એવું જ દર્શાવે કે સામેવાળા કરતાં એ કોઈક રીતે નહીં પણ
બધી રીતે ચડિયાતો-શ્રેષ્ઠ છે. અભિજાતે વકીલાત શરૂ કરી અને અમે બંને જોડે કામ કરતા
થયા એ પહેલાં પી.જે.એ અભિને થોડો સમય
પોતાની જોડે રાખ્યો હતો. ક્લાયન્ટને બાટલીમાં કેમનો ઉતારાય એ પી.જે. જોડેથી શિખવા જેવું છે. એક ફાઈલમાંથી ત્રણ થી ચાર ફાઈલ બનાવી લે અને દરેકને એમ જ કહે કે, આટલા અંગત સંબંધમાં તમારી પાસેથી મારાથી ફી થોડી લેવાય? પણ
કોર્ટના ખર્ચા જેટલા જ લઈશ. એમ જણાવી દરેક મહીને લગભગ દરેક ક્લાયન્ટ પાસેથી ઓછામાં
ઓછા હજાર રૂપિયા લઇ લે. આમ કરતાં કરતાં એની પાસે મહીને ચાલીસ-પચાસ હજાર પણ થઇ જાય.
પણ અભિને કે એના કોઈ જ જુનિયરને મહીને ૨૦૦૦ થી વધારે ના આપે. કોર્ટમાં પણ દિવાળી
વહેંચવાની આવે એ સમયે જ એના કુટુંબમાં શોક આવે. હોય કંઈ નહીં, બસ રૂપિયા હાથથી છૂટે નહીં. આમને આમ આશરે પાંચેક વર્ષ નીચેની કોર્ટમાં પ્રેક્ટીસ કરી હશે અને પછી એને હાઈકોર્ટના
કોઈ ઉંમરલાયક વકીલનો ભેટો થઇ ગયો અને આ પી.જે.એ એમને પણ બાટલીમાં ઉતારી દીધા અને
એવા ઉતર્યા કે પેલા સાહેબ બહાર જ ના આવી શક્યા. પી.જે. રોજ એમને ઘરે લેવા અને
મુકવા જાય, એમનું બોર્ડ ગોઠવે અને બીજું કામ કરે. એનો સીધો ફાયદો પી.જે.ને એવો મળ્યો કે બે જ
વર્ષમાં પેલા સીનીયર સાહેબે નિવૃત્તિ લઇ લીધી અને બધી જ ફાઈલો પી.જે.ને મળી ગઈ. બસ,
ત્યાંથી એની આવકની ગંગોત્રી ખુલી ગઈ. હવે એ નીચેની કોર્ટની મેટર નથી લેતા અને આવી
કોઈક મેટર આવી જાય તો એ મને કે બીજા કોઈ વકીલને સોંપી દે છે. અભિજાતની નારાજગી સાચી છે.
હિસાબ કરીએ તો અભિજાતે ફી પેટે પી.જે. પાસેથી લગભગ બે લાખ રૂપિયા લેવાના નીકળે. પણ, પૈસા આપે તો એમને પી.જે. ના કહેવાય.”
“તો સાહેબ આ ફાઈલનું શું કરશો?”
“કંઈ નહીં. કાલે રામજી જોડે ફાઈલ, ચિઠ્ઠી અને પૈસા પી.જે.ની ઓફીસે મોકલાવી દઈશ અને કહી દઈશ કે સાહેબ મારાથી આ કેસમાં ધ્યાન આપી શકાય એમ નથી, તમે તમારા બીજા કોઈ જુનિયરને આ ફાઈલ આપી દો.” અજયભાઈએ જણાવ્યું.
“સાહેબ, ફાઈલ પરત જ કરવાની હતી તો હાથમાં કેમ લીધી?” કુતુહલતાવશ ચિંતને
પૂછ્યું.
હસીને અજયભાઈએ જવાબ આપ્યો, “કલ્યાન્ટની સામે કોઈ વકીલનું
નીચું ના પડવા દેવાય. આપણા વ્યવહારથી કોઈની પ્રતિષ્ઠા ખરાબ ના થવી જોઈએ.”
“આ વાત શિખવા જેવી છે તમારી પાસેથી.” ચિંતને જવાબ આપ્યો.
“લે જો કોઈ કામ ના હોય તો જોડે જ નીકળીએ બધા” કહી અજયભાઈએ ઇન્ટરકોમ
પર વાત કરી દરેકની કામગીરી વિષે પૂછ્યું અને ઉભા થતાં કહ્યું, “ચાલ નીકળીએ." અને
અભિજાતને પણ નીકળવા માટે કહ્યું.