"કભી કિસીકો મુક્કમિલ જહાં નહિ મિલતા, કહીં જમીં તો કહીં આસમાં નહિ મિલતા"
"રવિયા,
જો અને
તો થી જ ભરેલી જિંદગી છે આ....."
અમદાવાદથી રાજકોટ હાઇવે પર રંગીલા શહેર રાજકોટ તરફ ટાટા નેક્શન જાણે હવા સાથે વાતો કરી રહી હોય એમ દોડી રહી હતી. કારની મ્યુઝિક સિસ્ટમમાં ધીમા અવાજે મુકેશ અને લતાના ગીતો વાગી રહ્યા હતા. કારમાં પચાસની નજીકની ઉંમરે પહોંચેલ બે મિત્રો અને એમની વાતો સિવાય અન્ય કોઈની હાજરી ન હતી.
રવિ ત્રિપાઠી, મૂળ અમદાવાદનો જ છોકરો પણ શાળા જીવન પૂર્ણ કરી વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો અને આજે આશરે પાંત્રીસ વર્ષ પછી અમદાવાદ પરત આવેલો. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યાં મોટેલના ધધામાં ઝંપલાવ્યું. મહેનત અને તકદીરે તેને સાથ આપ્યો અને રવિ ઓસ્ટ્રેલિયામાં ખુબ જ સારું કમાયો અને પાંત્રીસ વર્ષ પછી વતનમાં પરત આવ્યો હતો. એની સાથે જે ગાડી ચલાવી રહ્યો હતો એ રવિનો સ્કૂલ ટાઇમનો જીગરજાન મિત્ર અવિનાશ વ્યાસ, અમદાવાદના પ્રતિષ્ઠિત બિઝનેસમેનમાં જેની ગણના થાય એ. શાળા છોડ્યા બાદ પણ શરૂમાં પત્ર દ્વારા અને મોબાઈલ આવતા બંને જણ ફોન દ્વારા સતત સંપર્કમાં રહેતા.
રવિ, એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો તેજસ્વી અને મહેનતુ છોકરો. એના માતા-પિતાનું અકસ્માતે મૃત્યુ થયેલ અને એ એના દાદી સાથે રહેતો. બીજું કોઈ નજીકનું સગું નહીં. શાળામાં કાયમ પ્રથમ નંબર લાવે અને એના જ ક્લાસમાં એની સાથે ભણતો અવિનાશ, અભ્યાસમાં એ પણ હોશિયાર. બંને વચ્ચે કાયમ એકાદ-બે માર્કનો જ ફેર પડે, જોડે જ શાળાએ જવાનું, ટિફિન પણ જોડે જ કરવાનું અને સાંજે હોમવર્ક અને રમવાનું પણ જોડે જ. બસ એક જ ફેર, રવિની આર્થિક સ્થિતિ થોડી નબળી એટલે અવિનાશના પિતા રવિના અભ્યાસનો ખર્ચ ઉપાડતા. અવિનાશ અને રવિ બંને એક-બીજાની મનની વાત પણ સમજી જાય એટલા અંગત મિત્રો.
અવિનાશને જેટલી સારી મિત્રતા રવિ જોડે હતી એટલી જ સારી મિત્રતા તન્વી જાની જોડે પણ હતી. તન્વી પણ અવિનાશની સ્કૂલમાં અને એના જ ક્લાસમાં ભણે અને અવિનાશની જ સોસાયટીમાં રહે. તન્વીને અવિનાશ પ્રત્યે એક વિશેષ લગાવ. તન્વી એના ટીફીનમાંથી અવિનાશને રોજ આગ્રહ કરી જમાડે. તન્વી અને અવિનાશને ઓળખતા બધાને એમ જ હતું કે આ બંને વહેલા-મોડા લગ્ન કરી જ લેશે. શાળાજીવન પૂર્ણ થયું અને રવિની કારકિર્દીથી પ્રભાવિત એક સજ્જને એને ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ માટે મોકલી દીધો અને લગભગ પાંત્રીસ વર્ષો પછી રવિ એના વતન એટલે કે સતત ધબકતા અને જાગતા અમદાવાદ શહેરમાં આવ્યો હતો. અવિનાશ એને એરપોર્ટ ઉપર લેવા ગયો હતો અને સીધો જ એના ઘરે લઇ ગયો હતો.
સમયના પ્રવાહમાં રવિને જયારે સમાચાર મળ્યા કે અવિનાશે કોઈ અવની સાથે લગ્ન કરી લીધા ત્યારે રવીને એના કાન ઉપર ભરોસો નહતો બેઠો, પણ જયારે લગ્નના ફોટાગ્રાફસ જોયા ત્યારે માનવું જ પડ્યું. એક જ સવાલ સાવ નિરુત્તર રહ્યો કે અવિનાશે અવની સાથે કેમ લગ્ન કર્યા? જેનો જવાબ આપી શકે એવો એક માત્ર વ્યક્તિ અવિનાશ પોતે જ હતો અને આ સવાલ ફોન પર કે અન્ય કોઈની પણ હાજરીમાં પૂછવો રવિને યોગ્ય ના લાગ્યો.
અવિનાશના ઘરે અવનીએ ખુબ જ સારી રીતે રવિને આવકાર્યો અને અવનીનો સ્વભાવ પણ ખુબ સારો. અવિનાશના પૂરા પરિવારનું ધ્યાન ખુબ જ સારી રીતે રાખતી અને અવની અને અવિનાશને પણ એક બીજા સાથે ખુબ જ સારું બનતું. રવિને સમય જ ના મળ્યો સવાલ પૂછવાનો અને આજે અચાનક જ અવિનાશે રવિને વહેલી સવારે પૂછ્યું, "તારે કંઈ ખાસ કામ ના હોય તો ચાલ મારી સાથે રાજકોટ મારે એક મિટિંગ છે, પછી ફોઈના ત્યાં અને બહેનને મળવાનું છે અને આવતીકાલે પાછા આવી જઈશું. આમ પણ હું એકલો જ જઈ રહ્યો છું. તું જોડે હોઈશ તો કંપની રહેશે." ભાવતું હતું અને વૈધે કીધું. રવિ પોતાનો સવાલ પૂછવાની તક શોધી રહ્યો હતો અને એને એ તક મળી ગઈ. રવિ તૈયાર થઇ ગયો અને આજે સવારે રવિ અને અવિનાશ બંને અવિનાશની ટાટા નેક્શનમાં રાજકોટ તરફ જઈ રહ્યા હતા.
વાતની શરૂઆત અવિનાશે જ કરી, "રાજકોટ કંઈ જ કામ નથી, પણ હું જાણું છું કે તારે મને કંઈક પૂછવું છે."
"તો તને એ પણ ખબર જ હશે કે મારે શું પૂછવું છે." રવિએ જવાબ આપ્યો.
"મને કેવી રીતે ખબર હોય? હું ભગવાન કે સાઈકોલોજીસ્ટ નથી." નાટકીય સ્મિત સહીત અવિનાશે જવાબ આપ્યો.
એ સાથે જ રવિએ અવિનાશના ખભા પર જોશથી ધબ્બો માર્યો અને કીધું, "હવે બોલવા માંડ અને આ ક્યા ફોઈ? કારણકે તારે કોઈ ફોઈ નથી એ હું જાણું છું."
"પહેલાં દર્શન હોટલ પર ચા-નાસ્તો કરી લઈએ, પછી વાત કરીએ."
દર્શન હોટલ પર ચા-નાસ્તો કરી બંને ચોટીલા તરફ આગળ વધ્યા અને વાત પણ આગળ વધી.
રવિ, તને ખબર જ છે કે મારા ખાસ મિત્ર તરીકે તું અને તન્વી બે જ હતા અને આપણે ત્રણે જણ સ્કૂલમાં જોડે જ ભણ્યા. મારી અને તન્વી વચ્ચે પહેલાંથી જ નક્કી હતું કે લાઈફમાં સેટ થઇ જઈએ પછી ઘરે વાત કરી અને પરિવારની સંમતિ મેળવીને જ લગ્ન કરવા, ત્યાં સુધી માત્ર મિત્ર જ. તું ઓસ્ટ્રેલિયા ભણવા જતો રહ્યો એ જ વર્ષે તન્વીના પપ્પાને હાર્ટ એટેક આવ્યો. તન્વીના પપ્પા બચી ના શક્યા અને તન્વીના કાકાએ ધંધામાંથી પણ એમને જુદા કર્યા. એક હસતો રમતો પરિવાર એકદમ જ વિખરાઈ ગયો. તન્વીને ભણાવવા એના મમ્મી નોકરી કરવા લાગ્યા. પણ આફત જયારે આવે ત્યારે ચારે બાજુથી આવે છે એમ એક દિવસ તન્વીના મમ્મી નોકરીથી ઘરે આવવા બસમાં ચઢી રહ્યા હતા એ સમયે જ બસ વાળાએ બસ આગળ વધારી અને તન્વીના મમ્મી પડી ગયા અને માંડ માંડ પાછળ પૈડામાં આવતા રહી ગયા, પગે ફેક્ચર થયું. નસીબ સારા કે મારા પપ્પા પાછળ જ હતા એ તરત જ એમને દવાખાને લઇ ગયા. દવા કરાવી અને પાટો બંધાવ્યો અને મારા ઘરે જાણ કરી. મારા મમ્મી મને ઘરનું ધ્યાન રાખવાનું કહી ટિફિન લઈને દવાખાને ગયા. ચાર-પાંચ દિવસ સુધી દવાખાને રહ્યા પછી તન્વીના મમ્મી ઘરે આવ્યા.
રવિ, ગામ હોય ત્યાં ઉકરડો હોય જ એ કહેવત ખાલી સાંભળી હતી, પરંતુ તે સમયે આ કહેવત અનુભવી પણ ખરી. આપણી સોસાયટીના નાકે નવરી બજાર જેવા બેસી રહેતા મગનકાકાએ પપ્પા અને તન્વીની મમ્મીને લઈને વાતો ઉડાડવાની શરૂ કરી અને અફ્વાના પડીકા અમારા ઘર સુધી અને તન્વીના ઘર સુધી પણ આવ્યા. "ગામના મોઢે ગરણા ના બંધાય." .....
ચોટીલા આવ્યું, તને ખબર છે અંહિ લાલા રઘુવંશીનું કાઠિયાવાડી બહુ જ ફેમસ છે. એક બીજી વાત એના મલિક મનસુખભાઇ શેઠ જાતે આગ્રહ કરી કરીને જમાડે .. ચાલ જમી લઈએ.
"યાર, સાચે જ આટલું સરસ જમવાનું અને આટલી વાજબી કિંમત... આજ ખાસિયત છે આપણા દેશની અને કેટલા આગ્રહથી જમાડ્યા.... હવે આગળ બોલ... "
અવિનાશે કાર સ્ટાર્ટ કરી અને વાત પણ...
"... મારા મમ્મી પરિસ્થિતિ જાણી ગયા અને એમને એક રસ્તો બતાવ્યો... પંદર દિવસ પછી ભારતીય સંસ્કૃતિમાં જ આવે છે એ વિશિષ્ઠ તહેવાર ઉજવવાનું મારા પપ્પા અને તન્વીના મમ્મીને જણાવ્યું.
શ્રાવણ મહિનાની પૂનમ-રક્ષા બંધન. તન્વીના મમ્મી પૂજાની થાળી અને રાખડી સાથે અમારા ઘરે આવ્યા અને ખાસ મગનકાકાને જય શ્રી કૃષ્ણ કહીને મારા ઘરે આવી મારા પપ્પાને રાખડી બાંધી. પપ્પા પણ ખુશ થઇ ગયા અને પપ્પા અને તન્વીના મમ્મીના કહેવાથી તન્વીએ મને પણ રાખડી બાંધી. બસ મિત્ર તરીકેના સંબંધમાં એક નવો સંબંધ ઉમેરાઈ ગયો ભાઈ-બહેનનો. શરૂ શરૂમાં બહુ અજીબ લાગ્યું પણ ગોઠવાઈ ગયા. એ પછી મારા પપ્પાએ જ તન્વીના લગ્ન એક ડૉક્ટર જોડે કરાવી આપ્યા અને મેં અવની સાથે લગ્ન કર્યા.
સામાન્ય રીતે ભાઈ-બહેન હોય એ એકબીજાના સારા મિત્રો હોય છે અમારા કિસ્સામાં સારા મિત્રો ભાઈ-બહેન બન્યા છીએ. તન્વીને ખબર છે તું મારા ઘરે રોકાયો છે અને આપણે અત્યારે રાજકોટ જઈ રહ્યા છીએ.
મિટિંગ પતે પછી આપણે મારા ફોઈ એટલે તન્વીના મમ્મીને જ મળવા જવાનું છે. એ તન્વી અને એના ડૉક્ટર પતિ સાથે રાજકોટમાં જ રહે છે.
"આ હિસાબે જો તન્વીના પપ્પાને હાર્ટ એટેક ના આવ્યો હોત તો અવિનાશ કદાચ તમે તમારા સંબંધમાં આગળ વધ્યા હોત એમ જ ને ....."
"રવિયા જો અને તો થી જ ભરેલી જિંદગી છે આ, જે થાય એ સારા માટે જ થાય એમ જ માનીને જીવવાનું બહુ નહીં વિચારવાનું સમજ્યો....."
"લે, આ ગ્રીનફિલ્ડ ચોકડી આવી ગઈ. રંગીલા શેહર રાજકોટમાં તારું સ્વાગત છે મારા દોસ્ત રવિ"