Saturday, May 29, 2021

ચપટો થઈ જાય તો શાલિગ્રામ અને લંબગોળ થઈ જાય તો શિવલિંગ કહેવાય છે.....

ચપટો થઈ જાય તો શાલિગ્રામ 
અને લંબગોળ થઈ જાય તો શિવલિંગ કહેવાય છે.

કેળવે જો લાયકાત તો આંહી
પથ્થર પણ ભગવાન બની જાય છે.

શીદને રડે ઓ માનવી તું પરિસ્થિતિના રોદણા
વિશ્વાસ મૂકીશ ઈશ્વરમાં તો વહાણ પણ તરશે રણમાં.

પાના ઇતિહાસના પલટાવીશ તો મળશે ઘણા ઉદાહરણો
ઈશ્વર પ્રાપ્તિનું બહુ જૂનું ઉદાહણ નથી ભક્ત બોડાણો.

સંબંધ તો સરખો જ હતો ભીમ અને અર્જુન સાથે કૃષ્ણનો
તોય સારથી અર્જુનના જ બન્યા કારણ ભાવ હતો અર્જુનનો.

છોડી દે સંશયો સઘળા તું નિજ મનના 
અર્પી દે જાતને હરિ શરણમાં.

લાયકાત કેળવી દે તારી એ પરમાત્મામાં
બસ પછી તું અનુભાવિશ પળેપળ છે એ તારી જ સંગમાં.


આશિષ એ. મહેતા



Creative Commons License



ચપટો થઈ જાય તો શાલિગ્રામ અને લંબગોળ થઈ જાય તો શિવલિંગ કહેવાય છે.....  by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, May 22, 2021

મારી કેસ ડાયરી : વ્યાસ સાહેબ-કાતરાવાલા સાહેબ

પ્રિય વાંચકમિત્રો,


સાહેબ, ફીની ચિંતા ના કરો પણ આનો રસ્તો કાઢી આપો.” વર્કિંગ દિવસની એક સાંજે એડવોકેટ અજયભાઈની ઓફિસ ચેમ્બરમાં અજયભાઈની સામે બેઠેલ વ્યક્તિ અજયભાઈને કહી રહ્યો હતો. દેખાવ અને પહેરવેશ પરથી એ કોઈ મોટા બીઝનસમેન અગર કોઈ મોટા રાજકારણી જણાઈ આવતા હતા. પ્રભાવશાળી ચહેરો અને અનુભવી આંખો એક અલગ વર્ચસ્વી આભા ઉભી કરતા હતા. વેઈટીંગ એરિયામાં પંક્તિ, ચિંતન અને રામજી સહીત બીજા બે વ્યક્તિઓ જે ચેમ્બરમાં બેઠેલ વ્યક્તિની સાથે આવેલ હતા તે પણ બેઠા હતા.

“ફી મહત્વની નથી, વ્યાસ સાહેબ. મારા માટે તમારું કામ થાય અને તમારું ઈચ્છિત પરિણામ મળે તે વધુ મહત્વનું છે.” અજયભાઈએ એમની શિષ્ટભાષામાં જવાબ આપ્યો અને એમના જવાબથી વ્યાસ સાહેબને હૈયે જાણે ટાઢક વળી. 

“ફોન પર થયેલ વાતચીતની સીડી, જે મેસેજ આવ્યા છે એની પ્રિન્ટ કોપી અને પેલી ડીબેટની સીડી આપ મને લાવી આપો, આપણે માનહાનિનો દાવો કરી દઈએ.” અજયભાઈએ આગળ વાત કહી.

એ પછીની થોડી ફોર્મલ વાતો કરીને લગભગ દશેક મીનીટમાં વ્યાસ સાહેબ ચેમ્બરની બહાર આવ્યા. એમની પાછળ અજયભાઈ ઓફીસના મેઈન ગેટ સુધી એમને વળાવવા આવ્યા. વ્યાસ સાહેબની સાથે જ એમની સાથે આવેલ બંને વ્યક્તિઓએ પણ વિદાય લીધી અને ચેમ્બરમાં જતા જ અજયભાઈએ ચિંતનને અંદર આવવા ઈશારો કર્યો.

“સાહેબ, આ કોણ હતી હસ્તી. એકદમ અલગ જ લગતા હતા.” ઉત્સાહી ચિંતને એના સ્વભાવવશ પૂછી લીધું.

“એ હતા શહેરના જાણીતા બિઝનેસમેન અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ હિતેશ વ્યાસ. માણસનું કદ જેટલું મોટું એટલી એની સમસ્યા અને અપેક્ષા પણ. વ્યાસ સાહેબના મલ્ટીપલ બિઝનેશ છે અને વર્ષે કરોડોનું ટર્ન ઓવર અને મોટા પાયા પર મસાલા ફોરેન મોકલે છે. એવું કહી શકાય કે સરસ્વતીના આ પુત્ર પર લક્ષ્મીજી પણ મહેરબાની છે. આવનારા ઇલેકશનના અનુસંધાને વેપારી પ્રતિનિધિ તરીકે શાશક પક્ષ તરફથી એમને એક લાઇવ ડીબેટ શોમાં જવાનું થયું. આ ડીબેટ ત્રણ દિવસ પહેલા હતી. સામે વિરોધ પક્ષના વેપારી આગેવાન હતા. ડીબેટમાં જેમ થાય છે એમ જ શાશક પક્ષના પ્રતિનિધિ સરકારના વખાણ કરે અને વિરોધ પક્ષના પ્રતિનિધિ સરકારની નિષ્ફળતાની છડી પોકારે. વ્યાસ સાહેબની સામે ડીબેટમાં કાતરાવાલા સાહેબ હતા. એ પણ વેપારી આલમમાં મોટું નામ. વ્યાસ સાહેબની પહેલા એ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ હતા. વ્યાસ સાહેબ અને કાતરાવાલા સાહેબની વેપારી સ્પર્ધા આખા વેપારી વર્ગમાં જાણીતી છે. છેલ્લા સાત વર્ષમાં કાતરાવાલા સાહેબના લગભગ બધા જ સપ્લાય ટેન્ડર વ્યાસ સાહેબે મેળવી લીધેલા. ઓછા ભાવે સારી ગુણવત્તાવાળો માલ વેચવાનું શરુ કર્યું. વ્યાસ સાહેબનો સ્વભાવ પણ નમ્ર, જયારે કાતરાવાલા સાહેબ થોડા ઘમંડી. કેટલાક લોકોના મતે વ્યાસ સાહેબના ઘણા ધંધામાં એક મોટા ગજાના નેતા પડદા પાછળના ભાગીદાર છે. ડીબેટમાં ચર્ચા ઉગ્ર થઇ ગઈ. કાતરાવાલા સાહેબ ભૂલી ગયા કે આ રાજકીય ડીબેટ છે અને એમણે ચાલુ ડીબેટમાં સીધો જ વ્યાસ સાહેબ પર આક્ષેપ કરતા તુંકારો કરી કીધું કે, “તારા માથા પરથી પેલા નેતાનો હાથ ઉઠી જાયને તો તારી ઔકાત બે કોડીની પણ નથી.” આ વાક્ય રેકોર્ડ પણ થઇ ગયું અને લાઇવ શો હતો એટલે ટેલીકાસ્ટ પણ. એક જ વાક્યમાં કાતરાવાલા સાહેબે તુંકારો, નેતા સાથેના સંબંધ અને વ્યાસ સાહેબની ઔકાત એવા ત્રણ મુદ્દા ઉઠાવ્યા. વ્યાસ સાહેબ ત્યાં સુધી તો કાંઈ ના બોલ્યા અને આક્ષેપો વિનયપૂર્વક નકાર્યા, પરંતુ કાતરાવાલા સાહેબે એ પછી પણ આ જ મુદ્દા પર વ્યાસ સાહેબને બે મેસેજ કર્યા અને ફોન પર પણ આ જ વાતનું રીપીટેશન કરતા કહ્યું કે, “તું મૂળ તો જાતનો માગણ જ ને.” બસ, વ્યાસ સાહેબનો પિત્તો ગયો અને સ્વાભાવિક જ છે કોઈ પણ સજ્જન ગુસ્સે થઇ જાય. વ્યાસ સાહેબે આજે સવારે મને ફોન કર્યો અને સાંજે આપણી ઓફિસમાં. એ પુરાવા આપી જાય એટલે આપણે કાતરાવાલા સાહેબ પર માનહાનિનો દાવો દાખલ કરીશું, પુરા સો કરોડનો. મેટર મીડિયામાં પણ સારી એવી ચગવાની છે.” અજયભાઈએ વાત પૂરી કરતા જણાવ્યું.

“એક-એક કપ કોફી થઇ જાય?” અભિજાત અને ચિંતનની સામે જોઈને પૂછ્યું અને જવાબની રાહ જોયા વગર જ રામજીને ઇન્ટરકોમ પર ત્રણ કોફી લાવવાની સુચના આપી.

“સાંજ સુધરી ગઈ આજે.” ચિંતને હસીને જણાવ્યું.


આશિષ એ. મહેતા



********************************************************************************************
********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : વ્યાસ સાહેબ-કાતરાવાલા સાહેબ  by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, May 15, 2021

ગુજરાતી શેર-શાયરી : 1

દિલને દ્વાર પર એક દસ્તક થઇ,

પરિચિત પછી એક હરકત થઈ,
નવા સંબંધ સાથે જૂની ઓળખાણ થઇ,
પ્રેમમાં ફરી એ જ દુર્ઘટના થઇ.


**********************************************************************


એક સાંજે એકાંતમાં મહેફિલ જમાવી બેઠો હતો,
હું અને મારો પડછાયો જ હતો,
વીતેલી યાદોનો સહારો હતો,
લોકોની નજરોમાં હું પીધેલો હતો.


**********************************************************************


અવકાશ લઈને આવ ફરી મળીએ,
બાળપણની એ જિંદગી ફરી જીવીએ,
એ ભમરડા એ લખોટી ફરી રમીએ,
જિંદગીની જવાબદારી બાજુએ મૂકી નિખાલસતાથી ફરી હસીએ.


**********************************************************************


દિલની લાગણીને કાબુમાં રાખ,
સમય બદલાયો છે થોડો સંયમ રાખ,
ખોટું વિચારતા લોકોની દુનિયા છે આ,
વાતનું વતેસર ના થાય એની કાળજી રાખ.


**********************************************************************


સમય બદલાયો  છે, સાથ નહિ
જમાનો બદલાયો છે, હું નહિ
શાંત છું હું, એની ફિકર ના કર
ઉંમરનો ઠહેરાવ છે, મારો અંત નહિ.


**********************************************************************


આશિષ એ. મહેતા



Creative Commons License



ગુજરાતી શેર-શાયરી : 1   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, May 8, 2021

હા, આજની દુનિયા મોબાઈલ અને ઇન્ટનેટની છે.....

"તને ખબર છે? જો તારી ગણતરી કે અનુમાન મુજબનો રિપોર્ટ ના આવ્યો તો પછીની તારી પરિસ્થિતિ શું હશે?" સાંજના આશરે સાત-સાડા સાતનો સમય, થલતેજ વિસ્તારમાં રિંગ રોડ પાસેની એક ચાની કીટલી પાસે બેઠેલ બે મિત્રો, ઉમર આશરે 30 વર્ષની આસપાસ. તેમની વચ્ચેનો ચાલી રહેલો સંવાદ અને શ્રોતા તરીકે ધ્યાનથી સાંભળું રહેલો હું. બસ બીજા કોઈ વ્યક્તિની હાજરી નહિ અને મારી હાજરીની જાણે એમને ફિકર નહિ.

"દોસ્ત આ મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયા દુષણથી ભરપૂર છે.આજના સમયમાં નરી આંખે જોયેલું હોય તો પણ સાચું નહિ માનવાનું. તો જ શાંતિથી જીવી શકાય. યાર, આપણે બધા દિવસના 12-12 કલાક નોકરી-ધંધામાં આપીએ છીએ, આપવા પડે છે. ઘરે માંડ સમય આપી શકીએ છીએ."

એ બંને મિત્રો વચ્ચેની વાતચીત પરથી મને અંદાજ આવી ગયો કે લગ્નેત્તર સંબંધોની વાત હશે. વાત કંઈક આવી હતી.

એ બે મિત્રોમાં જે શાંતિથી સાંભળતો હતો એનું નામ તેજસ અને જે સમજાવી રહ્યો હતો એનું નામ શ્રેયાંશ. બંને બાળપણના મિત્રો. સૌરાષ્ટ્રના નાના ગામમાંથી આવીને અમદાવાદના મહાનગરમાં સેટ થવા મથી રહ્યા હતા. બંનેએ સાથે જ અભ્યાસ કર્યો હતો અને એ સમયે બંને રૂમ પાર્ટનર પણ હતા. નોકરી લાગ્યા પછી તેજસે અમદાવાદમાં એના જ સમાજની પારૂલ નામની છોકરી સાથે લગ્ન કર્યા અને લોન લઇ ગોતા બાજુ એક ફ્લેટ ખરીદી તેમાં સંસારની શરૂઆત કરી. પતિ-પત્ની બંને નોકરી કરે. પહેલી નજરે ચકા-ચકીની વાર્તા જેવું લાગે પણ પેલી ઉક્તિ છેને કે, "સીધા દેખાય છે જ્યાં રસ્તા, ત્યાં જ નાજુક વળાંક આવે છે." એવું જ થયું.

કોર્પોરેટ ક્લચરમાં પારૂલનો પગ ક્યારે લપસી ગયો એની ખુદ પારૂલને પણ ખબર ના રહી. પારૂલ એની સાથે જ ઓફિસમાં કામ કરતા એક છેલબટાઉ યુવક આનંદના પરિચયમાં આવી અને આનંદે પરિચયને ગણતરી પૂર્વક આગળ વધાર્યો. ફ્લર્ટિંગના માસ્ટર આનંદે પારૂલને કોફી શોપ, ડિનર, શોપિંગ અને ગિફ્ટથી આકર્ષિત કરી અને એક યોજના બનાવી.

એક બપોરે તેજસે પારૂલની ઓફિસમાં કોઈ કારણસર ફોન કર્યો તો જાણવા મળ્યું કે, "આજે તો પારૂલ મેડમ રજા ઉપર છે." તેજસે તરત પારૂલના મોબાઈલ ઉપર ફોન કર્યો ખુબ જ રિંગ વાગી પછી ફોન રિસીવ થયો અને પારૂલે જવાબ આપ્યો, "ઓફિસમાં મિટિંગમાં છું, પછી ફોન કરું." આટલું કહી ફોન કાપી નાખ્યો. તેજસનું મગજ તરત કામે લાગી ગયું. સાંજે પારૂલ ઘરે આવી અને ફ્રેશ થવા ગઈ એટલા સમયમાં તેજસે પારૂલના મોબાઈલમાં એક એપ્લિકેશન નાખી દીધી. પારૂલના મોબાઈલનું લોકેશન, પારૂલના મોબાઈલ પરથી આવતા અને જતા બધા જ મેસેજ, ફોન કોલ અને વોટ્સએપ મેસેજની તેજસને પુરેપુરી માહિતી મળવા લાગી. તેજસને બીજા જ દિવસે એ સમજાઈ ગયું  કે પાંચ દિવસ પહેલા પારૂલ કઈ મિટિંગમાં વ્યસ્ત હતી અને કોની સાથે હતી.

આજે રવિવારની સવારે તેજસ પારૂલથી છૂટાછેડા લેવા વિચારી રહ્યો હતો અને પારૂલને તે અંગે પુરાવા સહિતની માહિતી આપવાનો હતો. એ જ સમયે પારૂલે તેજસને ગરમાગરમ ચાનો કપ હાથમાં આપતા સસ્મિત સમાચાર આપ્યા, "તેજસ, આઈ એમ પ્રેગ્નન્ટ."

તેજસ નક્કી નહતો કરી શકતો કે ખુશી વ્યક્ત કરવી કે તેનો નિર્ણય જણાવવો? તે બાળકનો ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનું વિચારી રહ્યો હતો. સામ પક્ષે શ્રેયાંશે બહુ જ વ્યવહારિક ઉકેલ બતાવ્યો, "તેજસ, તું પારૂલ જોડે પુરાવાના આધારે ચર્ચા જરૂર કર. પણ ડી.એન.એ. ટેસ્ટનું ના વિચારીશ. કારણ, જો તારી ધારણા મુજબ આ બાળક તારું ના નીકળે તો કોઈ વાંધો નહિ આવે પણ જો બાળક તારું જ હોય તો પારૂલ બાકીની આખી જિંદગી તારી ઉપર દાદાગીરી કરશે અને તું એને કશું નહિ કહી શકે..

હું પણ સાંભળી રહ્યો હતો. એક હદે મને પણ શ્રેયાંશનો ઉપાય વ્યવહારિક લાગ્યો અને હા, આજની દુનિયા મોબાઈલ અને ઇન્ટરનેટની છે અને ટેક્નોલોજી જેટલી સારી એટલી જ ખરાબ છે.

(સત્ય ઘટના પર આધારિત)



આશિષ એ. મહેતા



Creative Commons License



હા, આજની દુનિયા મોબાઈલ અને ઇન્ટનેટની છે.....   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, May 1, 2021

મારી કેસ ડાયરી : બચુજી

પ્રિય વાંચકમિત્રો,


ચિંતન, એક કામ કર, તું થોડી વાર બહાર રીસેપ્શન સાચવ અને પંક્તિને અંદર મોકલ. પ્લીઝ” માનવ મંદિરની નજીક વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક બહુમાળી કોમર્શિયલ બિલ્ડીંગના સાતમા માળે આવેલ પોતાની માલિકીની ઓફિસની ચેમ્બરમાં બેઠા સી.સી.ટી.વી. જોઈ રહેલ અમદાવાદના ખ્યાતનામ સિવિલ વકીલ અજયભાઈએ એમના મિત્ર ચિંતન જોશીને ઉપરની સુચના આપી.

આજે પહેલી જ વખત અજયભાઈએ ચિંતનને રીસેપ્શન પર બેસવા અને પંક્તિને અંદર મોકલવા કહ્યું. કોઈ પણ પ્રકારની દલીલ કે તર્ક કર્યા વગર ચિંતને પંક્તિને અજયભાઈની ચેમ્બરમાં મોકલી અને પોતે રીસેપ્શનીસ્ટ તરીકે ગોઠવાઈ ગયો અને પંક્તિ ચેમ્બરમાં ગઈ. પંક્તિ માટે પણ આ નવી અને પ્રથમ વખત બનેલી ઘટના જ હતી કે અજયભાઈએ ઇન્ટરકોમનો ઉપયોગ કર્યા વગર ચિંતન દ્વારા સંદેશો કહેવડાવ્યો હોય. ઓફીસના સી.સી.ટી.વી.માં પેસેજનું વિઝન દર્શાવતા સ્ક્રીનમાં એક ચહેરા પર એ જ સમયે અભિજાતની નજર પડી અને એના મોઢા પર અણગમો પથરાઈ ગયો.

પંક્તિ ચેમ્બરમાં દાખલ થઇ એટલે અજયભાઈએ એને ટેબલ પર પડેલ બે ફાઈલ આપી અને કહ્યું, “સામે કોન્ફરન્સ રૂમમાં બેસી અને આ બંને કેસ પર લેટેસ્ટ ચુકાદા શોધી નાખો, ઓછામાં ઓછા પાંચ-પાંચ અને મળી જાય પછી મને ઇન્ટરકોમ પર જાણ કરો, હું ત્યાં આવી જઈશ.”

“ઓકે સર.” કહી પંક્તિ કોન્ફરન્સ રૂમ માં ગઈ અને લગભગ એ જ સમયે ઓફિસનું મેઈન ડોર ખોલી એક આધેડ વયનો વ્યક્તિ ઓફિસમાં પ્રવેશ્યો. સફેદ ઝભ્ભો લેંઘો, પગમાં સેન્ડલ ઉપર કોટી, ચહેરાનો વર્ણ ડામરને પણ પોતાના રંગ ઉપર માન ઉપજે એવો કાળો, આંખોમાં લુચ્ચાઈ દેખાઈ આવતી હતી અને ચહેરા પર ખંધુ સ્મિત એનું વ્યક્તિત્વ દર્શાવતું હતું. પહેલી નજરે જ જણાઈ આવે કે આ કોઈ રાજકીય પાર્ટીનો તકવાદી ચામાચીડિયા જેવો કોઈ સ્થાનિક ક્ષેત્રનો બની બેઠેલો નેતા છે.

“ક્યાં છે, તમારા સાહેબ?” ચિંતનને એણે પૂછ્યું અને ચિંતન સમજી ગયો કે, “આજે કેમ અજયભાઈએ એને બહાર બેસવાનું કહ્યું.

માર્કેટિંગના અનુભવી ચિંતને તરત જ જવાબ આપ્યો, “સાહેબ વિડીઓ કોન્ફરન્સ પર વ્યસ્ત છે. આપ બેસો સામે.”

“એમ? એવું તો શું છે કે વિડીઓ કોન્ફરન્સ ચાલુ છે?” પેલા આગંતુકે બેસવું પડશે એના અણગમાથી સહેજ ચિડાઈને પૂછ્યું.

“સાહેબ સુપ્રીમ કોર્ટના એક વકીલ સાહેબ જોડે વાત કરી રહ્યા છે અને બીજા પણ કોઈ બે મોટા વ્યક્તિઓ જોડે વાત ચાલુ છે. આપ એક કામ કરો. આપનું કાર્ડ આપો, હું અંદર આપી આવું.”

“એમને કહે કે મકવાણાભાઈ આવ્યા છે. કાર્ડ નથી ” પેલાએ જવાબ આપ્યો.

“આમાં આપનું પૂરું નામ અને ક્યાંથી આવો છો એ વિગત લખી આપો.” કહી ચિંતને એક કોરી સ્લીપ આપી અને પેલા ભાઈએ પોતાનું નામ મકવાણા બચુજી પી. લખી બાજુમાં માજી-સરપંચ અને ગાંધીનગર જીલ્લાના છેવાડાના એક ગામનું નામ લખ્યું. 

એ ચીઠ્ઠી લઇ ચિંતને અંદર ચેમ્બરમાં આપી અને બહાર આવી બચુજીને સામે બેસવાનું કહ્યું અને ઇન્ટરકોમ પર રામજીને પાણી લાવવા જણાવ્યું. લગભગ વીસ મિનીટ પસાર થઇ અને એટલી વારમાં બચુજી પાંચેક વખત પૂછી ચુક્યા કે, “ક્યારે મળશે તમારા સાહેબ.”

ઇન્ટરકોમ પર અજયભાઈએ ચિંતન જોડે વાત કરી. ચિંતન અંદર ચેમ્બરમાં ગયો અને બહાર બચુજીને એણે જે સુપ્રીમ કોર્ટના વકીલ સાહેબ અને અન્ય બે મોટા વ્યક્તિઓ જોડે વિડીઓ કોન્ફરન્સની કેપ્સુલ આપી હતી એ વિગત આપી. અજયભાઈએ સ્માઈલ કર્યું અને એને અંદર મોકલવા જણાવ્યું.

ચિંતને બચુજીને અંદર જવા જણાવ્યું અને બચુજી અંદર ગયા. લગભગ પંદરેક મીનીટમાં જ બહાર નીકળ્યા અને ઇન્ટરકોમ પર અજયભાઈએ પંક્તિને એની જગ્યાએ જવા અને ચિંતનને ચેમ્બરમાં મોકલવા સુચના આપી. ચિંતન ચેમ્બરમાં દાખલ થયો એ જ સમયે અભિજાત આક્રોશપૂર્વક અજયભાઈને કહી રહ્યો હતો, “કોઈ જ જરૂર નથી આનો કેસ લેવાની.”

“આવું સાહેબ,” દરવાજો ખોલીને અંદર દાખલ થતા પહેલા ચિંતને અભીજાત અને અજયભાઈની વાતચીતના થોડા શબ્દો સાંભળીને સહેજ ખચકટપૂર્વક પૂછ્યું.

“આવ ને બેસ.” અજયભાઈએ કહ્યું અને ચિંતન એમની સામેની ખુરશી પર ગોઠવાયો.

“આજે નવાઈ લાગી ને તને.”

“હા” ચિંતને કહ્યું.

“સાંભળ. આ બચુજી પી. મકવાણા એ એક રાજકીય પાર્ટીનો ગાંધીનગર તાલુકાનો એક સમયનો આગળ પડતો કાર્યકર અને એના ગામનો એ સરપંચ પણ રહી ચુકેલ. એનું અને મારું ગામ બાજુબાજુમાં એટલે પાર્ટીના કાર્યક્ર્મ હોય ત્યારે એ અમારા ગામમાં પણ આવે અને એ રીતે એ મારા પિતાને ઓળખે. પહેલેથી તકવાદી અને મતલબી માણસ. આજે પણ એના મતલબ માટે જ આવ્યો હતો. અભિજાતની અકળામણ સાચી છે. અમે જયારે ભેગા કામ કરવાની શરૂઆત કરી ત્યારે અમને આ બચુજી મળી ગયેલ. એ સમયે આસપાસના ઘણા ગામની વેચાઈ ગયેલી જમીનમાં તોડ કરવાની દાનતથી ખોટી ખોટી રેવન્યુ તકરારો દાખલ કરાવી હતી અમારી જોડે. લગભગ દરેક કેસમાં એને અમને ખર્ચા જેટલા જ પૈસા આપ્યા હતા એનો પણ અમને વાંધો નહતો પણ, જે કેસમાં એણે તોડ કર્યો હોય એમાં પણ બધી મલાઈ એ એકલો જ ચાટી ગયો. જમીન માલિકને પણ કંઈ ના આપ્યું. પાછો આ માણસ કાછડીનો છુટ્ટો. આસપાસના ગામની વિધવા કે ત્યકતાને સરકારી મદદ અપાવે અને પોતે પણ લેવાય એટલો લાભ લઇ લે. એની નજર જ ચોરની. અભિજાતનો મુદ્દો સાચો કે, “એણે આપણી મદદથી ખુબ પૈસા બનાવ્યા. તો એણે આપણને પણ સમજીને ફી આપવી જોઈએ.”  બસ, હમણાં હું બહાર પેસેજમાં સિગરેટ પીવા ગયો હતો ત્યાં મેં આને એની ગાડીમાંથી ઉતરતા જોયો એટલે તરત જ અંદર આવી તને પંક્તિની જગ્યાએ બેસવા કીધું અને પંક્તિ એની નજરમાં ના આવે એટલે એને અંદર બેસાડી. બાકી જો પંક્તિ બહાર હોત તો આ પંક્તિને પણ દાણા નાખવાનું ચાલુ કરત.”

“સાહેબ, પણ જો એ ફરી આવે અને પંક્તિને મળે તો?” ચિંતને એક સ્વાભાવિક સવાલ પૂછ્યો.

“એ ફરી લગભગ તો નહિ જ આવે. બરાબરને અભિ. આ અભિજાતે એને ચોખ્ખું કહી દીધું “જુના લગભગ ૩૦ કેસની બાકી ફીના પચાસ લાખ પહેલા આપી જજો અગર મોકલાવી દેજો અને એ પણ ના શક્ય બને તો આ બેંક ડીટેઇલ, સીધા ખાતામાં ભરી દેજો, પછી ફોન પર સમય લઇને આવજો અને હવે અમે ફી એડવાન્સ લઈએ છીએ.” એટલે એને પરસેવો વળી ગયો. હવે એ કદાચ ફરી આવશે જ નહિ.” અજયભાઈએ જવાબ આપ્યો.

“ માની ગયા સાહેબ તમને બંનેને. આ વાત પર એક કોફી થઇ જાય.” ચિંતને કહ્યું.

“માની તો તને પણ ગયા ચિંતન, સાહેબ સુપ્રીમ કોર્ટના વકીલ સાહેબ જોડે વિડીઓ કોન્ફરન્સ પર વ્યસ્ત છે. તેં જબરી કેપ્સુલ આપી. હા હા હા...” અભિજાતે કહ્યું.


આશિષ એ. મહેતા



********************************************************************************************
********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : બચુજી by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/