Saturday, September 25, 2021

સમયની પહેલા હું જતો રહ્યો

સમયની પહેલા હું જતો રહ્યો,
ઓચિંતો એક સવારે હું મરી ગયો.

ઘરમાં થઇ ઘણી રોકકળ અને કરાઈ મારા મૃત્યુની જાણ,
મળવા જે નહતા આવતા, આવ્યા એ સર્વે અને સાથે "એ" પણ.

નવાઈ લાગતી હતી બધાને અને મને પણ,
કે સાવ આમ જ હું ઓચિંતો જતો રહ્યો!

જે થવાનું હતું એ થઇ ગયું હવે શું?
થોડા દિવસનો શોક બીજું શું?

કંઈ વાંધો નહિ કે સપના થોડા બાકી રહી ગયા,
આશા છે થઇ જશે પુરા સઘળા એ આવતા જન્મમાં.

તારી સાથે જીવવાનું શક્ય જે ના બન્યું આ જન્મમાં,
પ્રભુને પ્રાર્થના કરી શક્ય કરી લઈશ આવતા જન્મમાં.

રાહ જરૂરથી જોઇશ તારી બીજો જન્મ લેતા પેહલાં,
જેથી અંતર બહુ વધારે ના રહી જાય આપણા બેમાં.

ફરી તારી સાથે રમીશ અને ભણીશ,
હાથમાં મારા ફરી તારો હાથ પકડીને ફરીશ.

સાથ યુવાનીથી શરુ કરી છેલ્લા શ્વાસ સુધી આપીશ,
શક્ય જે બનશે એ સઘળું સુખ અને પ્રેમ હું તને આપીશ.

હું તો તને જોઈ રહ્યો છું રડતી અત્યારે પણ,
જોઈ રહ્યો છું નથી ગમતું તો પણ.

શું કરૂં, સમયની પહેલા હું જતો રહ્યો,
ઓચિંતો એક સવારે હું મરી ગયો.


આશિષ એ. મહેતા


Creative Commons License



સમયની પહેલા હું જતો રહ્યો    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/  

Saturday, September 18, 2021

મારી કેસ ડાયરી – રમણીકભાઈ

 પ્રિય વાંચકમિત્રો,

“સાહેબ, કોઈ રમણીકભાઈ કરીને આવ્યા છે. આપને મળવા માંગે છે.”

વર્કિંગ દિવસની એક સાંજે અજયભાઈની ચેમ્બરનો ઇન્ટરકોમ રણકી ઉઠ્યો અને સામા છેડેથી પંક્તિએ માહિતી આપી.

“એમને બેસાડ થોડી વાર, હું બોલવું છું.”

અજયભાઈએ સુચના આપી. અભિજાત આગામી દિવસની કોર્ટ કેસની ફાઈલો પર આખરી નજર નાખી રહ્યો હતો અને સામે સોફામાં ચિંતન એના લેપટોપ પર એનું કામ કરી રહ્યો હતો. થોડીવારમાં અભિજાતનું કામ પૂરું થતા અજયભાઈએ ઇન્ટરકોમ પર પંક્તિને સુચના આપી કે રમણીકભાઈને અંદર મોકલો. એની થોડી જ સેકંડોમાં એક આશરે ૫૫-૫૮ વર્ષની ઉંમરના એક વ્યક્તિએ ચેમ્બરમાં પ્રવેશ કર્યો.

“આ બાજુથી નીકળ્યો હતો તો થયું કે સાહેબને મળે બહુ સમય થઇ ગયો, લાવો મળતો જાઉં.” કોઈ જ પ્રકારની ફોર્માલીટી વગર આવનારે વાતની શરૂઆત કરી.

“શું નવા જૂની સાહેબ? મજામાં ને ઘરે બધા?” જાણે કેટલીય આત્મીયતા હોય એ રીતે રમણીકભાઈએ પોતાની વાત આગળ ચલાવી અને આવી રીતે એમને વાત કરતા સાંભળી ચિંતને એનું લેપટોપ સ્ટેન્ડબાય કરી વાતમાં ધ્યાન આપવાનું શરુ કર્યું.

“બસ રમણીકભાઈ, જુઓને પ્રભુ કૃપા છે. બધા મજામાં છીએ. તમે જણાવો, શું ચાલે છે આજકાલ?” અજયભાઈએ જવાબ આપવાની સાથે જ ઇન્ટરકોમનું રીસીવર ઉઠાવી રામજીને કોફીની સુચના આપી.

“અમારે તો શું હોય સાહેબ, આંટાફેરા અને કાગળિયાંની હેરફેર.”

રામજી કોફી મૂકી ગયો અને અજયભાઈએ અભિજાતને અને રમણીકભાઈને કોફી આપી રામજીએ ચિંતનને કોફી આપી.

“સાહેબ, એક જમીન આવી છે. ડખા વાળી છે પણ સમજોને કે તમારાથી એ ડખો દૂર થઇ જ જાય. તમે પડો એ જમીનમાં એટલે બધું ક્લીયર અને બજાર કરતા અડધી કિંમતે માલ મળી જાય એમ છે. ખેડૂત આપણે કહીએ એ બધા જ પેપરમાં સહિ કરી આપે.”

“હમમ, પછી” જાણે કે આવી જ કોઈ વાતનો અંદાજ હોય એમ અજયભાઈએ ટૂંકો પ્રત્યુત્તર આપ્યો.

“એમાં એવું છે ને કે જમીન અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચેના એક ગામની છે. મંદિર ટ્રસ્ટના નામ પર છે. ટ્રસ્ટીઓએ જમીન બીજાને ખેડવા આપી હતી અને ગણોતીયાએ વારસાઈ કરાવી. બીજી બાજુ મંદિરના જીર્ણોધ્ધાર માટે પૈસાની જરૂર હતી એટલે ટ્રસ્ટીઓએ એ જમીનના બે ચાર ચિઠ્ઠા કર્યા અને પૈસા લીધા. હવે એ ટ્રસ્ટીઓ આપણને પાવર ઓફ એટર્ની આપવા અને જમીનનું બાનાખત કરી આપવા તૈયાર છે. બજાર કિંમતના અડધા પૈસા આપવાના, બાકી બધા લઠ્ઠા આપણે ઉકેલવાના. જમીનના સાત-બાર લાવ્યો જ છું.”

“સરસ, એક કામ કરો, તમે સાત-બાર રામજીભાઈને આપી દો, એ ઝેરોક્સ કરી લેશે અને હું અનુકુળતાએ જોઈ લઈશ અને કોઈ ખરીદનાર હશે તો ચોક્કસ જણાવીશ.” કોફીનો કપ પૂરો કરી અજયભાઈએ જાણે વાત પણ પૂરી કરી હોય એમ બેલ મારી રામજીને બોલાવ્યો અને રામજીને રમણીકભાઈ પાસેથી પેપર લઇ એની ઝેરોક્સ કરી ફાઈલ કરવાની સુચના આપી.

“તો સાહેબ હું રજા લઉં. આમાં મહેનત કરીએ તો મળે એવું છે. થોડું ધ્યાન રાખજો.” ઉભા થતા થતા રમણીકભાઈ બોલ્યા અને રામજીની પાછળ ચાલ્યા.

અજયભાઈએ એક નજર અભિજાત તરફ અને ચિંતન તરફ કરી.

થોડાક અણગમા સાથે અભિજાત બોલ્યો, “આની પાસે ક્યારેય કોઈ ક્લીયર જમીનની વાત નથી હોતી, તો પણ તમે એને સમય ફાળવો છો.”

“જો ભાઈ, આવા લોકો જ માર્કેટમાં આપણી જાહેરાત કરે. કામ કરવું કે નહિ એ આપણે નક્કી કરવાનું ને. પણ જો એને બહારથી જ વિદાય કરીએ તો એ બીજાના ત્યાં જઈ આપણી નેગેટીવ ઈમેજ ઉભી કરે. હાલના સમયમાં કામ એ માર્કેટમાં આપણી જે ઈમેજ હોય એના કારણે આવે છે અને કામનું પરિણામ આપણી મહેનતના કારણે આવે. ક્યારેક એવું પણ બને કે કોઈક એવો માણસ પણ મળે જેને આવી તકરારી મિલકત ખરીદવામાં જ રસ હોય. ત્યારે આવા વ્યક્તિ આપણા કામમાં આવે. ચાલે રાખે.”

“સાહેબ, તમે લો ની સાથે એમબીએ માર્કેટિંગ પણ કર્યું છે કે શું?” ચિંતને હસતા હસતા પૂછ્યું.

“ના, પણ અનુભવે માર્કેટિંગના બેઝીક સિદ્ધાંતો પણ ખબર પડી ગયા.” હસીને અજયભાઈએ જવાબ આપ્યો અને અભિજાતને પૂછ્યું, “તારૂં કામ પતિ ગયું હોય તો નીકળીએ.”

“હા” અભિજાતે એના સ્વભાવ મુજબ ટૂંકમાં ઉત્તર આપ્યો અને અજયભાઈએ રામજીને ઓફીસ વસ્તી કરવાની સુચના આપી.



આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : લોક ડાઉન    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

Saturday, September 11, 2021

શબ્દ

શબ્દ દેહે શાશ્વત રહેવું છે, મારે મારી હયાતી બાદ પણ રહેવું છે,
જન્મ શબ્દ છે મૃત્યુ પણ શબ્દ છે, મારે શબ્દથી સદાય જીવંત રહેવું છે.

શબ્દની આરાધના કરી શબ્દની સાધના કરી નવું રચતા રહેવું છે,
મારે મારા બાદ પણ મારું અસ્તિત્વ કાયમ ટકાવી રાખવું છે.

મીર તકી, બેફામ, ઘાયલ અને ગાલિબ શબ્દ દેહે હજુય હયાત છે,
તુલસી, વાલ્મિકી, નરસિંહ અને મીરા પણ ક્યાં વિસરાય છે.

ગુરુબાણી પણ શબ્દ છે ગીતા અને બાઇબલ પણ શબ્દોથી છે,
શબ્દથી જ ઉપદેશ અને આદેશ છે, શબ્દ એક જ શાશ્વત છે.

શબ્દ ઉત્પત્તિ, શબ્દ પ્રલય, શબ્દ જ પાર બ્રહ્મ છે,
ભેદ જાણે જે શબ્દોનો જીવન એનું જ ધન્ય છે.

શબ્દોની નજાકતને શબ્દોથી સજાવવી છે,
લખી કૈક મારે લાગણી શબ્દો પ્રત્યે દર્શાવવી છે.

શબ્દથી જ નિત્ય સરસ્વાતીને પ્રાર્થના કરું છું આશિષ માંગુ છું,
કંઈક સારું રચી, મારા બાદ પણ યાદોમાં જીવંત રહેવા માંગુ છું.


આશિષ એ. મહેતા
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

Saturday, September 4, 2021

મારી કેસ ડાયરી : ગિરજાશંકર દવે

પ્રિય વાંચકમિત્રો,


“સાહેબ, મારે મારું વિલ બનાવવું છે.”

એક વર્કિંગ દિવસની સાંજે અજયભાઈ એમની ઓફિસમાં એમની ચેમ્બરમાં બેઠા હતા. હંમેશની જેમ અભિજાત બાજુની ચેરમાં હતો અને ઓફીસમાં ગમે ત્યારે આવવાનો અબાધિત અધિકાર ધરાવનાર ચિંતન સામેના સોફામાં બેઠો હતો અને એના લેપટોપ પર એનું કામ કરી રહ્યો હતો.

એ સમયે પહેલાથી જ નક્કી થયેલ એપોઇન્ટમેન્ટ મુજબ એક ઉંમર લાયક વડીલ ચેમ્બરમાં દાખલ થયા અને કોઈ પણ પ્રકારની ફોર્માલીટી વગર સીધી જ મુદ્દાની વાત શરૂ કરી અને કહ્યું, “સાહેબ, મારે મારું વિલ બનવું છે.”

“કાકા, પહેલા શાંતિથી બેસો કોફી પીવો અને પછી શાંતિથી વિગતવાર વાત કરો.” મૃદુ સ્વરે અજયભાઈએ જણાવ્યું. અને જાણે કોઈ પોતાનું માણસ મળી ગયું હોય અને એની સામે દિલ ખોલીને વાત થઇ શકશે એવી આશા બંધાઈ હોય એવા ભાવ સાથે આગંતુકે અજયભાઈની સામેની ખુરશીમાં બેઠક લીધી. અજયભાઈએ ઇન્ટરકોમ પર ઓફિસબોય રામજીને કોફી અને પાણી લાવવાની સુચના આપી. થોડી વારમાં રામજી કોફી અને પાણી લઇ આવ્યો. કોફી પીધા પછી કાકાએ વાતની શરૂઆત કરી.

“સાહેબ, મારું નામ ગિરજાશંકર દવે. હું મૂળ પાટણનો વતની. હાલ મારી ઉંમર ૬૭ વર્ષ છે. અમદાવાદમાં આવ્યો ત્યારે મારી ઉંમર માંડ ૧૦ વર્ષની હતી. એ સમયે અમદાવાદમાં મિલો ધમધોકાર ચાલતી હતી. આપને તો કદાચ ખ્યાલ નહિ હોય પણ એ સમયે લોકો બેંકમાં અધિકારી થવાના બદલે મિલમાં અધિકારી થવાનું વધુ પસંદ કરતા હતા. મારા પિતાજી પણ અમદાવાદમાં આવ્યા ત્યારે મિલમાં નોકરી લાગ્યા હતા. પગાર સારો હતો થોડા જ સમયમાં અમે અમદાવાદના કોટ વિસ્તારમાં એક પોળમાં હવેલી જેવું મકાન લઇ લીધું. ત્યારે સાહેબ, લેન્ડલાઈન ફોન એક બહુ મોટી સગવડ ગણાતી. એ સમયે અમારા ઘરે લેન્ડલાઈન ફોન હતો. શરૂઆતના પંદરેક વર્ષ કોઈ વાંધો ના આવ્યો. મેં કોલેજ સુધી એ જમાનામાં અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો થયો એટલે મને મારા પિતાજીએ ધંધો કરવા જણાવ્યું. મિલમાં કોલસાની માંગણી રહે એટલે થોડી મહેનત પછી કોલસાનો ધંધો કર્યો. અનુભવે ફાવટ આવતી ગઈ. પિતાજીના સંબધોના પરિણામે ઓર્ડર મળતા ગયા અને હું કમાતો ગયો. એ અરસામાં મારા લગ્ન થયા. સંતાનમાં મને બે દીકરી અને એક દીકરો છે. કાળક્રમે મારા માથા પરથી મારા માતા અને પિતાની છત્રછાયા જતી રહી. મારી બંને દીકરીઓને સારા ઠેકાણે મારી ક્ષમતા અનુસાર ધામધૂમથી પરણાવી, એમના આણા-જીયાણાના વ્યવહારો કર્યા. મારી બંને દીકરીઓ એમના સાસરે પ્રભુની કૃપાથી સુખી છે. મારા દીકરાને પણ મેં ભણાવ્યો. એ ભણ્યો પણ ખરો પણ સાહેબ, મન વગરનું ભણ્યો. મેં અને કહ્યું કે ભાઈ ભણશો તો જ આ ધંધો આગળ વધારી શકશો પણ એનું મન ના માન્યું. સારી જગ્યાએ એને પરણાવ્યો. એની પત્ની બહુ જ ડાહી, કોઠાસૂઝ વાળી અને સમજદાર છે એટલે એનું ઘર ટકી રહ્યું છે. બાકી બીજી કોઈ હોત તો ક્યારનીય ઘર છોડી પિયર જતી રહી હોત, કેસ કર્યા હોત અને મારી આબરૂ કોર્ટમાં ઉછાળી હોત. ગઈ સાલ મારા પત્નીનું અવસાન થયું. એ સમયે હું હિંમત હારી ગયો. એ સમયથી મારા દીકરાની દાનત મારી મિલકત પર છે. એણે બે વખત મને એના નામની પાવર ઓફ એટર્ની કરી આપવા જણાવ્યું, પણ મેં નથી કરી આપી.”

આટલી વાત કરી એ કાકાએ એમની બેગમાંથી કેટલાક કાગળ કાઢી ટેબલ પર મુક્યા અને વાતનો દોર આગળ વધાર્યો.

“આ કાગળમાં મારી બધી જ સ્થાવર અને જંગમ મિલકતની માહિતી છે, આમાં મારા પરિવારના દરેક સભ્યોના નામ, સરનામાં, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ છે, જંગમ મિલકતોમાં મારા બેંક ખાતા, થાપણો, પોસ્ટ ખાતા, મારી પત્નીના અને મારા દાગીના બધાની વિગત છે. મારી એટલી ઈચ્છા છે કે, મારી ગેરહયાતીમાં મારી મિલકતમાંથી મારા પુત્રને માત્ર હાથખર્ચ જેટલી જ રકમ મળે અને મારો ધંધો મારી ગેરહયાતીમાં મારી પુત્રવધુ અને બંને દીકરીઓ સંભાળે. તેમજ મારી તમામ મિલકતોનો વહીવટ મારી બંને દીકરીઓ અને પુત્રવધુ સંયુક્ત રીતે કરે એવી વ્યવસ્થા કરવાની છે. આ સાથે મારા મેનેજરનું આધારકાર્ડ અને મોબાઈલ નંબર પણ છે એને મારા વિલના વ્યવસ્થાપક તરીકે ગણવો અને આ મારો હેલ્થ રીપોર્ટ, જેથી હું માનસિક પૂર્ણ સ્વસ્થ છું એવું જણાવી શકો.”

“કાકા, તમે પુરતી તૈયારી સાથે જ આવ્યા છો.” અજયભાઈએ કહ્યું.

“શું કરીએ સાહેબ, જયારે મારો જ પુત્ર મારાથી વધુ મારી મિલકતને મહત્વ આપતો હોય તો પુરતી તૈયારી રાખવી જ પડે ને. હવે આપ જણાવો, આપણે વીલ રજીસ્ટર  કરવા ક્યારે જવું છે?”

“કાકા, બે ત્રણ દિવસમાં આપને જણાવું. આપનો નંબર આપતા જાવ.”

“આ લો સાહેબ, મારું કાર્ડ અને આપની ફી પેટે હાલ કેટલી રકમ આપવી એ જણાવો એટલે રકમ ભરી ચેક આપી દઉં.”

“બહાર રીસેપ્શન પર પંક્તિ મેડમ હશે એમને ચેક આપી દો.”

“સારું સાહેબ.” કહી ગિરજાશંકર દવે એ વિદાય લીધી.

અને ચિંતને એના ઉત્સાહી સ્વભાવગત અજયભાઈની સામે જોયું એની આંખોમાં કુતુહલતા દેખાઈ આવતી હતી.

“કેટલીક વખત છોકરાઓ લેણું વસુલ કરવા આવતા હોય છે. આ કાકાના કિસ્સામાં પણ એવું જ છે. સામાન્ય રીતે એવું જોયું છે કે વડીલો પુત્રવધુની ફરિયાદ કરતા હોય છે આ કિસ્સામાં પુત્રવધુના વખાણ થાય છે અને પુત્રની ફરિયાદ છે.”

“સંસાર છે, નીતનવા વ્યક્તિ અને નીતનવી કહાની છે.” અજયભાઈએ કાકાના પેપર હાથમાં લેતા કહ્યું.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : ગિરજાશંકર દવે     by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.


Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/