Saturday, October 16, 2021

મારી કેસ ડાયરી : ફુલાજી અને મનુભાઈ

 પ્રિય વાંચકમિત્રો,



“સાહેબ, આપણે આપણી સ્ટાઇલ મુજબ કારીગરી કરી નાખી અને ખેડૂતોની સહિઓ લઇ લીધી. બાનાખત તૈયાર અને આ એની નકલ. હવે આગળ કેસ તમારે લડવાનો અને જે તોડ થાય એમાં તમારો ભાગ.”

ભગવાન કે કુદરતનો કેટલાક વ્યક્તિઓને કોઈ જ ડર નથી લાગતો અગર તો તેઓ રાખતા નથી.

વર્કિંગ દિવસની એક વ્યસ્ત સાંજે અજયભાઈની ઓફિસમાં એમની ચેમ્બરમાં અજયભાઈ અને અભિજાત બેઠા હતા. સામેના સોફામાં ચિંતન બેઠો હતો અને અજયભાઈની સામેની ખુરશી પર સફેદ ખાદીના પેન્ટ-શર્ટમાં આશરે ૫૫-૫૮ વર્ષની વયના એક વ્યક્તિ બેઠા હતા. વાતચીતમાં જાણવા મળ્યું કે એમનું નામ મનુભાઈ છે અને એ જમીનના ખરીદ વેચાણનો ધંધો કરે છે. સાથે સાથે જરૂરિયાત વાળા, લોભી અને લાલચુ વ્યકિતઓને વ્યાજે પૈસા આપી એમની જોડેથી કારીગીર દ્વારા કોરા પાના પર સહીઓ લઇ લેવાની અને પછી જમીનના કે મકાનના પેપર તૈયાર કરાવી એના આધારે કેસ દાખલ કરવાનો અને તોડ કરવાનો. મનુભાઈએ અજયભાઈને આવા જ એક બનાખતની નકલ આપી અને વાત આગળ ચલાવી.

“સાહેબ, એવું છે કે કેટલાક લોકો જોડે લક્ષ્મીમાતા જાય એ યોગ્ય નથી. આપણે ખોટી જગ્યાએ ગયેલા લક્ષ્મીમાતાને કારીગરી દ્વારા આપણી જોડે લાવી યોગ્ય ઉપયોગ કરીએ છીએ. હવે, આ જ પેપર જુઓ. જેના નામે જમીન છે એને મહેનત કરવી નથી. એની સવાર જ દેશી દારૂથી પડે છે. પાનના ગલ્લે આખો દિવસ પસાર થાય. બીડી-મસાલા અને દારૂ એ એની દૈનિક જીવન શૈલીનો હિસ્સો. એને વ્યાજે પૈસા જોઈતા હતા. આપણે એને પૈસા આપ્યા અને કોરા પેપરમાં સહિ મેળવી લીધી. એની જમીનની નકલ અને આધાર કાર્ડ પરથી આ બાનાખત તૈયાર થઇ ગયું. હવે આગળ તમારે કેસ દાખલ કરવાનો અને લડવાનો. આપણે કેસ જલ્દી પૂરો કરવાની કોઈ ઉતાવળ નથી.”

ચિંતન આભો બનીને આ આખી વાત સાંભળી રહ્યો હતો. સામે પક્ષે અજયભાઈ એમના સ્વભાવ અને અનુભવના કારણે સ્થિતપ્રજ્ઞ બનીને આખી વાત સાંભળી રહ્યા હતા.

એ જ સમયે ઇન્ટરકોમ રણકી ઉઠ્યો. પંક્તિએ સુચના આપી કે, “સર, ફુલાજી આવ્યા છે.”

“એમને કોન્ફરન્સ રૂમમાં બેસાડો. ચા-કોફી જે કહે એ આપો અને જો એ બીડી પીવે તો ના ન પડતા ખાલી સ્મોક ડીટેકટર બંધ કરી દેજો.”

થોડી વાતચીત બાદ અજયભાઈની સામે બેસેલ વ્યક્તિએ વિદાય લીધી એટલે અજયભાઈએ ફુલાજીને અંદર બોલાવ્યા.

“જય શ્રી કૃષ્ણ, સાહેબ, કેમ છો?”

પાતળો, ઉંચો દેહ, ત્વચાનો રંગ તડકામાં કરેલ સખત મહેનતની સાબિતી આપતો હોય તેવો કાળો, દેશી ધોતી, ઉપર આખી બાંયનું સફેદ પહેરણ અને માથે ગાંધી ટોપી, ઉંમર લગભગ ૭૦ ઉપરની પણ સખત મહેનતના કારણે બિલકુલ ટટ્ટાર દેહ.

અજયભાઈને નમસ્કાર કરી, એમની સામે બેસી વાત શરૂ કરી, “સાહેબ તમે જાણો જ છો કે, મેં મારી જમીન પર તમારા બાપુજી જોડેથી પૈસા લીધા હતા અને એ હજુ પાછા નથી આપી શક્યો. હવે મારી ઉમર થઇ. મને મારા સંતાનો પર ભરોસો નથી અને તમારા બાપુજી અને મારા વચ્ચે પણ કોઈ લખાણ નથી. વિનંતી કરું કે, તમે મારી જોડે જમીનનો હિસાબ કરી જમીન તમારા નામે કરાવી લો.”

“કાકા, તમે નાહક ચિંતા કરો છો. મારે જમીન નથી લેવી અને મને તો આ આખી વાતની કોઈ જ જાણ નથી. તમે જ મને જણાવ્યું. કાકા, વર્ષો પહેલાની વાત છે આ અને મને પણ મારા પપ્પાએ આની કોઈ જ વાત નથી કરી તો તમે પણ ભૂલી જાવ ને. આજે પ્રભુ કૃપાથી અને આપ જેવા વડીલોના આશીર્વાદથી મારી પર લક્ષ્મીજીની અને સરસ્વતીજીની બંનેની કૃપા છે.”

“સાહેબ, મારે માથે ઋણ લઇને મરવું નથી. તમારા બાપુજીએ મને જે રકમ આપી હતી એ રકમમાં એ સમયે તેઓ મારી જમીન ખરીદી શક્યા હોત, પણ એમણે લખાણ ના કર્યું. ખાલી મારી જબાન પર ભરોસો રાખીને પૈસા આપ્યા અને મારો એ નબળો સમય કાઢી આપ્યો. આજે જમીનના ભાવ આસમાને છે અને મારા સંતાનો પર મને ભરોસો નથી. તમે તમારી રીતે રસ્તો કાઢો અને મારા સહિ-મત્તા લઇ લો.”

“સારું કાકા. આવતા રવિવારે હું ગામડે આવું એટલે ભેગા થઇ રસ્તો કાઢીએ.”

“ભલે સાહેબ, જય શ્રી કૃષ્ણ.” કહી ફૂલાજીએ વિદાય લીધી.

ફુલાજી વિદાય થયા પછી અજયભાઈએ ચિંતન સામે જોયું. ચિંતનના ચહેરા પર અસમંજસ હતી.

“દુનિયા છે ચિંતન, રામ અને રાવણ બંને અહિયાં જ આપણામાં જ છે. વ્યક્તિના વર્તન પરથી ખબર પડે કે એના અંતરમનમાં રામ છે કે રાવણ. જોને આજની જ બે ઘટના, એક વ્યક્તિએ બીજાને ગેરમાર્ગે દોરીને પેપર તૈયાર કરાવ્યા અને બીજા છે કે જેમણે મારા પપ્પા પાસેથી પૈસા લીધા એ સમયે કોઈ જ લખાણ કર્યું ન હતું અને આજે આટલા વર્ષો બાદ પણ મને જુના ભાવે જમીન લઇ લેવા જણાવે છે.”

“સાહેબ, કેટલીક વખત વિચારે ચઢી જવાય છે કે આજનો ભણેલો માનવી સારો કે જુના જમાનાના દેશી માણસો સારા. પણ, એ વાત સાચી કે રામ અને રાવણ બંને આપણી અંદર જ છે.”

“ચાલ, નીકળીએ, આઠ વાગી ગયા.” અજયભાઈએ જણાવ્યું અને રામજીને ઓફીસ વસ્તી કરવા સુચના આપી.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : ફુલાજી અને મનુભાઈ    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

No comments:

Post a Comment