Saturday, October 30, 2021

મારી કેસ ડાયરી : બિંદુબા ઝાલા

 પ્રિય વાંચકમિત્રો,



“ચિંતન, આવતીકાલે સવારે શાર્પ ૮.૦૦ વાગે તૈયાર રહેજે. હું અને અભિજાત તને તારા ઘરે લેવા આવીશું. આપણે દરબારગઢ જવાનું છે અને ફોર્મલ કપડા પહેરજે.”

શનિવારની મોડી સાંજે અજયભાઈએ ચિંતનને આદેશાત્મક સ્વરે ફોન પર જણાવ્યું અને સામેથી કોઈ જ પ્રતિભાવની અપેક્ષા વગર ફોન કટ કરી નાખ્યો.

ચિંતન આવા ફોનથી ટેવાયેલો હતો અને જાણતો પણ હતો કે, જયારે જયારે આવી સુચના અજયભાઈ તરફથી મળે ત્યારે એક નવી જ ઘટના, એક નવા જ વ્યક્તિ-વ્યક્તિત્વનો પરિચય થવાનો છે.

બીજા દિવસે એટલે કે રવિવારની સવારે અજયભાઈ એમની સફેદ ફોર્ચ્યુનર લઇને સવારે ૮.૦૦ વાગે ચિંતનના ફ્લેટની બહાર આવી ગયા અને ચિંતન પણ તૈયાર જ હતો. અજયભાઈએ ગાડી એસ.જી. હાઇવેથી ગાંધીનગર તરફ વાળી, કારમાં ઓલ્ડ ઇસ ગોલ્ડ ડ્યુએટ ધીમા અવાજે વાગી રહ્યા હતા. અજયભાઈ ડ્રાઈવીંગ કરી રહ્યા હતા અને એમની બાજુની સીટ પર અભિજાત અને પાછળની સીટ પર ચિંતન બેઠો હતો. હાઇવે પર ગાડી પાણીના રેલાની જેમ આગળ વધી રહી હતી અને ચિંતને એની આદત મુજબ ઉત્સુકતાપૂર્વક સવાલ પૂછ્યો, “સાહેબ, દરબારગઢ એટલે ક્યાં જવાનું છે?”

“હું રાહ જ જોઈ રહ્યો હતો કે તું ક્યારે સવાલ પૂછીશ?” હસતા-હસતા અજયભાઈએ જવાબ આપ્યો અને અભિજાતે પણ હાસ્યમાં એનો સુર પુરાવ્યો.

“સાંભળ, આપણે હિંમતનગર પાસેના એક જુના રજવાડામાં જઈ રહ્યા છીએ. દરબારગઢ એટલે એક સમયનો મહેલ. હાલ ત્યાં બિંદુબા ઝાલા રહે છે. બિંદુબા એટલે એટલા વિસ્તારનું જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં મહિલા કલ્યાણ કાર્યો બાબતે જાણીતું નામ. એક વિરલ વ્યક્તિત્વ. આજે એમના ત્યાં પૂજા રાખી છે અને આપણને બોલાવ્યા છે.”

“થોડુંક ડીપમાં જણાવોને, સાહેબ” ચિંતને કીધું.

“હમમ, આજે લગભગ બિંદુબાની ઉંમર ૫૫ આસપાસ હશે. એમને એ સમયે એમના પિતાજીએ ભણાવ્યા જયારે સમાજમાં દીકરીઓને શાળાએ કોઈ મોકલતું ન હતું. બિંદુબા એ ડબલ પી.એચ.ડી. કર્યું. કાયદાના સ્નાતક, પણ વકીલાત નથી કરતા. અભ્યાસ પૂર્ણ થયો અને એમના લગ્ન થઇ ગયા પાર્થિવસિંહજી જોડે. જાણે રામ-સીતાની જોડી. સમાજ કલ્યાણની વિચારધારા બંનેના લોહીમાં વહે એવું કહીએ તો પણ ખોટું નથી. તું સમન્વય તો જો, માતા શક્તિના સંતાનો જેમણે માતા સરસ્વતીની આરાધના કરી અને એમના ઉપર માતા લક્ષ્મીજીની પણ અનહદ કૃપા. બંને પતિ-પત્નીએ અનાથ અને ત્યજી દેવાયેલ બાળકીઓને દત્તક લેવાનું શરૂ કર્યું અને એના માટે એક ટ્રસ્ટ બનાવ્યું. ધીમે ધીમે ટ્રસ્ટની કાર્ય પ્રવૃત્તિ વિકસી અને બિંદુબાએ ત્યકતા અને વિધવા સ્ત્રીઓને પણ આશ્રય આપવાનું શરૂ કર્યું. કન્યા કેળવણી અને નારી સશક્તિકરણની માત્ર વાતો કરનારાઓએ એક વખત બિંદુબા અને પાર્થિવસિંહજીને મળવું જ રહ્યું. આજે એમના ટ્રસ્ટમાં પ્રાથમિક શિક્ષણથી લઇ કૌશલ્યવર્ધન અંગેની તમામ કામગીરી કરવામાં આવે છે. અનાથ બાળકીના પાલક માતા-પિતા બની તેમને યોગ્ય ઠેકાણે પરણાવવા અને લગ્ન બાદ પણ આવી દિકરીને તકલીફ ના પડે એનું પણ ધ્યાન રાખે છે. એમના સંતાનો હર્ષવર્ધનસિંહ અને અનિરુધ્ધસિંહ પણ આ સેવા કાર્યને આગળ વધારી રહ્યા છે. સારા કાર્યમાં સહુ સાથ આપે એ મુજબ વિદેશથી પણ હાલમાં ઘણી આર્થિક સહાયની ઓફર આવે છે અને બિંદુબાના રેફરન્સથી એમના ટ્રસ્ટની આશ્રિત દિકરી કે મહિલાને નોકરી પણ લાયકાત હોય તો પ્રમાણમાં સરળતાથી મળી જાય છે. આજે ટ્રસ્ટની સ્થાપનાને ત્રીસ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે પૂજા રાખેલ છે.” અજયભાઈએ જણાવ્યું.

“સાહેબ, આમાં આપણે ક્યાં વચ્ચે આવ્યા એ ખ્યાલ ના આવ્યો?”

“તું ખરેખર ખોટી લાઈનમાં છે. માર્કેટિંગની લાઈન છોડ અને મારી ઓફીસ જોઈન કરી લે.” સહેજ સ્મિત સાથે અજયભાઈએ કહ્યું અને આગળ જણાવ્યું, “લગભગ બે વર્ષ પહેલા હું અને બિંદુબા ફેમીલી કોર્ટમાં અનાયાસે જ ભેગા થઇ ગયા હતા. હું મારા અસીલ વતીથી મેટર આર્ગ્યુ કરી રહ્યો હતો અને એ એમના ટ્રસ્ટની કોઈ સ્ત્રી વતીથી એના ભરણપોષણ માટે આવ્યા હતા અને એમના વકીલ ગેરહાજર હતા એટલે એમણે પેલી સ્ત્રી વતીથી રજૂઆત કરી. જજ સાહેબે એમની લોકસ સ્ટેન્ડી અંગે સવાલ પૂછ્યો ત્યારે એમણે એમનો પરિચય આપ્યો. એમના ટ્રસ્ટ “ઝાલા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ” વિશે મેં પણ એક-બે દિવસ પહેલા જ વાંચ્યુ હતું એટલે એમની વાત પતી એ પછી કોર્ટ હાઉસની બહાર મેં એમની સાથે પરિચય કેળવ્યો. એમણે મને કહ્યું, “તમારા આર્ગ્યુમેન્ટસ સારા હતા, પણ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાનો ઉલ્લેખ કરવા જેવો હતો.” હું એમની વાત સાંભળી આશ્ચર્યચકિત થઇ ગયો, શું અભ્યાસ અને જાણકારી! બસ, એ પછી મારી પાસે કોઈ પણ જરૂરિયાત વળી સ્ત્રી આવે ત્યારે એને હું બિંદુબા ઝાલાના ટ્રસ્ટનું સરનામું આપી દેતો અને અમદાવાદમાં કોઈ મહિલાને કાયદાકીય મદદની જરૂર હોય તો બિંદુબા ઝાલા આપણી ઓફીસનું સરનામું આપી દે. બસ આ જ પરિચય.”

હિંમતનગરથી થોડેક પહેલાં ગાડી એક સિંગલ પટ્ટી રોડ પર વળી અને થોડાક વળાંકો પછી સામે દેખાયો દરબારગઢ. બિંદુબા ઝાલા અને પાર્થિવસિંહજીનું નિવાસ સ્થાન અને “ઝાલા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ”નું મુખ્ય કાર્યાલય અને એના આશ્રિતોનું નિવાસસ્થાન.

“આજના સમયમાં પણ આવા વ્યક્તિ ખરેખર માની ના શકાય. થેંક યુ, સાહેબ, આજે તમે મને જોડે લીધો એ બદલ.” ચિંતને જણાવ્યું.

“અલા, એમાં શેનું થેંક યુ? તું ક્યાં બહારનો છે.” અજયભાઈએ કહ્યું અને સામે દરવાને જે જગ્યા બતાવી ત્યાં ગાડી પાર્ક કરી. ગાડીમાંથી બુકે લઇ દરબારગઢમાં દાખલ થયા. મુખ્ય દરવાજાની સામેના વિશાળ ચોકમાં મંડપ બાંધેલ હતો. તેની ચારે તરફ આમંત્રિતો માટે સોફા ગોઠવેલ હતા. અસલ રજવાડી પોષાકમાં સજ્જ ઘણા બધા દરવાનો મહેમાનોની સેવામાં હતા. અજયભાઈ, અભિજાત અને ચિંતનને આવતા જોઈ જીવનના પાંચ-પાંચ દાયકાના અનુભવ લીધેલ એક દંપતી સામે સ્વાગત માટે આવ્યા. બંનેમાં પ્રથમ નજર જે સામ્ય હતું તે, તેજસ્વી આંખો, રજવાડી પોષાક, ટટ્ટાર અને ખુમારી સભર ચાલ, ચહેરા પર એક હળવું સ્મિત. અજયભાઈએ ચિંતનને પરિચય આપ્યો, “આ છે બિંદુબા ઝાલા અને પાર્થિવસિંહજી" અને એમને ચિંતનનો પરિચય આપ્યો, "આ છે અમારો ખાસ મિત્ર ચિંતન. આપની પરવાનગી કે સુચના વગર લાવ્યો એ બદલ દિલગીરી.”

“આવો, આવો, સાહેબ, જય માતાજી અને સારું કર્યું આપના મિત્રને પણ લાવ્યા. અમને પણ આનંદ થયો કે આપે અમારા પ્રસંગને આપનો પ્રસંગ ગણ્યો અને પારિવારિક સંબંધોમાં દિલગીરી ના હોય.”

એ પૂરો દિવસ દરબારગઢની મહેમાનગતિ માણી, ક્યારેય ના ભૂલી શકાય તેવી.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License



મારી કેસ ડાયરી : બિંદુબા ઝાલા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

No comments:

Post a Comment