બીરજુ બીરવા ભાગ – 22
રઘુનંદન ઉર્ફે રઘાને બોલતો સાંભળીને જગજીવન ઉર્ફો જગાએ બંનેને કહ્યું, “મારે, તમારા અને
અજયના સંબંધો ક્યારથી છે અને એ આપણા વિશે શું જાણે છે અને તમે પોલીસ સાથે કેમ
ઘરોબો કેળવ્યો બધી જ માહિતી જોઈએ છે. ટોળીના સરદાર તરીકે આ મારો હુકમ પણ છે.”
રઘુનંદન ઉર્ફે રઘો એના પિતા જગાના બુલંદ અવાજથી આદેશાત્મક રીતે
પૂછાયેલ આ સવાલનો જવાબ આપવો કે નહિ
? તે અંગે સહેજ વિચારમાં પડ્યો. બીરવાએ
રઘુનંદનના ચહેરાની સામુ જોઈને જાણે એની મનોસ્થિતીનો તાગ મેળવી લીધો હોય તેમ તરત
જવાબ આપ્યો, “સરદાર આપના હુકમ અને ટોળીના પ્રસ્થાપિત નિયમો વચ્ચે પરસ્પર વિરોધાભાસ
થાય છે. ટોળીનો નિયમ છે કે, “ટોળીની બહારના કોઈપણ વ્યક્તિ દ્વારા ટોળીને કે તેના કોઈપણ સભ્યને મદદ
મળતી હોય અગરતો આવી મદદ મળી હોય તો તે સભ્યનું નામ અને માહિતી ટોળીના સરદારને પણ
આપવાની મનાઈ છે.” તે છતાં આપની આમાન્યા જાળવતા હું એટલું કહીશ કે, રાજસ્થાનની ઘટનામાં
અજયે આપણને મદદ કરી હતી. તેમજ અમારા ભાઈ-બહેનના સંબંધો અને રઘુનંદન તથા અજય
વચ્ચેની મિત્રતાના સંબંધોના કારણે ટોળીને કોઈ જ નૂકશાન નથી કે આગળ પણ કોઈ ભય નથી
અને આ વાત ઉપર હવે આગળ કોઈ જ ચર્ચા કરવી મને જરૂરી લાગતી નથી.” બીરવાના દ્વારા
સરદારને યાદ કરાવેલ નિયમથી વાત વણસી જાય તેવું વાતાવરણ થતું જોઈને મંગળદાસ ઉર્ફે
મંગાએ કીધું. “બીરજુ, બેટા, સમજી વિચારીને સંબંધોમાં આગળ વધવું. ટોળીનો નિયમ બરાબર
છે અને તમે એ પાળ્યો એ પણ સારી વાત છે. પણ સરદાર પૂછે એ માહિતી આપવી જોઈએ એમ હું
માનું છું. તમે હાલ આપવા ન માંગતા હોવ તો વાંધો નહિ.” બીરવા અને રઘુનંદન
બંને એ એકબીજા સામું જોયું અને પછી જગજીવન ઉર્ફે જગા તથા મંગળદાસ ઉર્ફે મંગાની રજા
માંગી બંને રૂમમાંથી નીકળી ગયા.
થોડીવાર વાતાવરણમાં નીરવ શાંતિ ફેલાઈ ગઈ. જગાને પોતાનું અપમા થયું
હોય તેવું લાગ્યું. મંગળદાર ઉર્ફે મંગાએ જગાના ચહેરાને વાંચી લીધો. થોડીવારની
શાંતિ પછી મંગાએ જગાને કહ્યું, “છોકરાઓ આપણા કરતા પણ હોંશિયાર છે. જે કરે છે તે વિચારીને જ કરે છે.
જો એક વાત સમજ, હાલના જમાનામાં જૂની પધ્ધતિ અને વિચારધારા કામની નથી. આજે આપણે એક
પ્રતિષ્ઠા ભર્યું જીવન જીવીએ છીએ તો તેના મૂળમાં આ છોકરાઓ જ છે અને બીજી વાત, ટોળીના
નવી પેઢીના બધા જ છોકરાઓએ બીરજુને પોતાની સરદાર ગણી લીધી છે. રઘાએ પણ. એટલે આપણે
આપણી મર્યાદા સચવાય તેવી રીતે જ વાત કરવી પડે. તારી વાત સાચી છે. આજે પોલીસ
અધિકારી છેક આપણા આંગણે આવી રાત રોકાઈ અવસર માણીને ગયો. પોલીસનો ભરોસો નહિ એ સાચી
વાત. પણ એણે પણ અંહિયા આવતા પહેલા પોતાની નોકરી, હોદ્દા અને સામાજિક પ્રતિષ્ઠાના
જોખમનો અંદાજ લગાવ્યો જ હશે અને પછી એને અંહિ આવવાનું યોગ્ય લાગ્યું હશે તો જ
આવ્યો હશે અને હવે આપણે પણ ક્યાં આપણા જૂના ધંધામાં છીએ.” જગાને મંગાની
વાત સાચી લાગી એના મનને શાંતિ થઈ અને ચહેરા ઉપર સ્મિત આવ્યું. બીરવા અને
રઘુનંદનના લગ્નના પંદર દિવસ પૂરા થઈ ગયા
હતા. ઉદય ટ્રસ્ટની પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહેલ હતી.
બીરવા અને રઘુનંદનના લગ્નનો પ્રથમ મહિનો પૂરો થયો એ સાંજે જગજીવને
પોતાની ટોળીના સભ્યો માટે એક સમૂહ ભોજનનું આયોજન કર્યું, મંગાને પણ કારણની ખબર ન
હતી. સમૂહ ભોજન બાદ જગાએ બુલંદ અવાજે કહ્યું, સહુને જય માતાજી આજે તમને બધાને એક
ખાસ વાત કહેવાની છે. પોતપોતાના ગ્રુપમાં રહેલ બધાનું ધ્યાન જગજીવન ઉર્ફે જગા તરફ
ગયું ધીમે ધીમે બધા જ જગાની નજીક આવી ગયા. ટોળીના સરદાર આજે કંઈક જણાવવા માંગતા
હતા. બધાને નજીક આવી ગયેલા જોઈ તે અંગેની ખાતરી કરી લીધા બાદ, જગાએ આગળ કહ્યું,
માતાજીની દયાથી આપણે બધા આજે એક ખૂબ સારી રીતે જીવી રહ્યા છીએ. આપણા ભૂતકાળના જીવન
એ સમયની રઝળપાટ એ તમને બધાને યાદ હશે જ. તમારામાંથી કેટલાક એ વખતે બહુ નાના હતા
અને કેટલાકનો તો જન્મ પણ નહતો થયો. મારી પેઢીના લોકોને એ રઝળપાટ અને સતત વિચરણ અને
એ બધી જ ઘટનાઓ યાદ હશે. સમય બદલાયો અને બીરજુની કળા જોઈને એની ભણવાની માંગણી જોઈને
મેં બીરજુ સહિત તમને બધાનો ભણાવવાનું નક્કી કર્યું સાથે સાથે વારસાગત જે શીખ્યા હતા
જે આવડતું હતું તે બધું જ તમને જણાવ્યું શીખવ્યું. મારી અગાઉના સરદારે મને તેમની
હયાતીમાં જ સરદાર તરીકેની જવાબદારી આપી અને મેં આ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી,
સમય થઈ ગયો છે કે, હું પણ નવા સરદારની નિમણુંક કરી નિવૃત્ત થઈ જાવું. આટલુ કહ્યા
પછી જગજીવને એક વિરામ લીધો અને સામે ઉભેલા એની ટોળકીના સભ્યોના ચહેરા ઉપર એક નજર
ફેરવી. લગભગ દરેકના ચહેરા ઉપર આશ્ચર્યના ભાવ હતા. થોડાક વિરામ બાદ જગજીવને આગળ
કહ્યું, મારી આગળના સરદારે મને નિયુક્ત કર્યો હતો હું ટોળકીના નવા સરદાર તરીકે
બીરજુ એટલે બીરવાને નિયુક્ત કરું છું. જગજીવનની જાહેરાત સાંભળીને ટોળકીના સર્વેએ
તાળીઓ પાડી નવા સરદારને વધાવી લીધા. બીરજુ ઉર્ફે બીરવાએ આગળ આવીને પોતાના પિતા
મંગળદાસ ઉર્ફે મંગાના તથા સસરા જગા ઉર્ફે જગજીવનના ચરણ સ્પર્શ કર્યા. એ પછી
ટોળકીના સર્વે વડીલોના ચરણ સ્પર્શ કર્યા, નવી પેઢીના લોકોએ બીરજુને શુભેચ્છાઓ આપી.
મોડી રાત સુધી વાતોનો દોર ચાલ્યો આખરે બીરજુ ઉર્ફે બીરવાએ દરેકને આરામ કરવા જવા
જણાવ્યું અને સમારંભ પૂરો થયો.