“તમે જો સત્યનો
પક્ષ લઇને આ કાર્ય કર્યું હશે તો મા ભવાની તમારી ભેળી ઉભી રહેશે. ખાલી ચિંતા નો
કરો.”
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં દરબાર ફળિયાની
એક ડહેલીની ઉપરના માળે આ સંવાદ થયો. બોલનાર અને સંભાળનાર બંને વચ્ચે ઉંમરનો એક
પેઢીનો તફાવત, એ બાદ કરતા ઘણી બધી સામ્ય6તા, એકવડો મજબૂત બાંધો, ઘઉંવરણી ત્વચા, મોટું
કપાળ, અણીયાળુ નાક, આંકડા ચઢાવેલી મૂછો, ઉભા ઓળેલા વાળ અને આંખોમાં સૂર્યવંશી
રાજપૂતનું તેજ અને ખુમારી.
બોલનાર હતા દિલુભા ઝાલા, નિવૃત ડી.વાય.એસ.પી. અને સંભાળનાર એમના પુત્ર
પી.આઈ. બ્રિજરાજસિંહ ઝાલા. અનુભવી પિતા એમના પુત્રને આશ્વાસન આપી રહ્યા હતા. વાત
એવી હતી કે, એક એન્કાઉન્ટરની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીમાં પી.આઈ. બ્રિજરાજસિંહ ઝાલાને ઇન્ક્વાયરી
પૂરી ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એ સમયે બે દિવસ માટે
બ્રિજરાજસિંહ એમના વતન આવ્યા હતા. સાંજે વાળુ પરવારીને, દિલુભા ઝાલા ડેહલીના ઉપરના
માળે એમના ઓરડામાં ગયા અને એમણે એમના પુત્રને પોતાના ઓરડામાં બોલાવ્યો હતો.
લાંબી કોઈ વાતચીત કે ચર્ચા કર્યા વગર દિલુભા ઝાલાએ બ્રિજરાજસિંહને એટલું
કીધું કે, “તમે જો સત્યનો પક્ષ લઇ ને આ કાર્ય કર્યું હશે તો મા ભવાની તમારી ભેળી
ઉભી રહેશે. ખાલી ચિંતા નો કરો.”
“જી, બાપુ.” રાજપૂત ખાનદાની મુજબનો ટૂંકો પ્રત્યુત્તર આપી
બ્રિજરાજસિંહે વિદાય માંગી અને પોતાના ઓરડામાં ગયા. ઢોલીયામાં આડા પડખે થયેલા બ્રિજરાજસિંહ સામેની દિવાલ પર જાણે
ભૂતકાળમાં બનેલી ઘટના જોઈ રહ્યા હતા.
લગભગ બે મહિના પહેલા ઘટનાની શરૂઆત થઇ હતી.
વહેલી પરોઢે પોતાના વિસ્તારમાં બાઈક ઉપર રાઉન્ડ મારીને અમદાવાદ
શહેરના એક છેવાડાના પોલીસ સ્ટેશનમાં પી.આઈ. બ્રિજરાજસિંહ પહોંચ્યા હતા. એમની આવી
આદતથી માહિતગાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ એલર્ટ તો ન હતો, પણ સાવ ઊંઘમાં પણ ન હતો.
સાહેબને આવેલ જોઈ તરત જ સ્ટાફ એલર્ટ થઇ ગયો. પી.એસ.ઓ.ને રાત્રે આવેલ ફરિયાદ અને
વાયરલેસ મેસેજ અંગે પૂછપરછ કરી, સર્વેલન્સ વિભાગના પી.એસ.આઈ.ને બોલાવી એની પાસેથી
માહિતી મેળવી. સબ સલામત હોવા અંગેની માહિતી મળી એટલે જમાદારને સ્ટાફ માટે
ચા-નાસ્તો લાવવાની સુચના આપી, પોતાની ચેરમાં રીલેક્સ થઇને બેઠા. ચા-નાસ્તો
પરવાર્યા જ હશે કે, કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો, મેસેન્જરે તરત બ્રિજરાજસિંહને
માહિતી આપી. પોલીસ સ્ટેશનની હદમાં એક તરૂણીની લાશ મળી આવી છે. ઘટનાની ગંભીરતા જોતા
સમય વેડફ્યા વગર બ્રિજરાજસિંહ ઝાલા, પી.એસ.આઈ. ગઢવી અને એમની ટીમ સાથે ઘટના સ્થળ
પર પહોંચ્યા. રાત્રે આ જ સ્થળ પાસેથી આશરે ૩.૦૦-૩.૩૦ વચ્ચે બ્રિજરાજસિંહ જાતે જ
પસાર થયા હતા એટલે બનાવ પરોઢના ૩.૩૦ પછીનો જ હોઇ શકે અથવા બનાવ અન્ય સ્થળે બન્યો હોય
અને લાશ અહિયાં ફેંકવામાં આવી હોય એવું બને. પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી
આપવામાં આવી. ડોગ સ્કોવર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, ફોટોગ્રાફર, વગેરે તમામ ટીમે
પોતાનું કામ કરી લીધું હતું. પ્રથમ નજરે જ બળાત્કાર અને હત્યા જણાઈ આવતી હતી.
હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોય એવું સ્પષ્ટ હતું અને ગળું દબાવવા માટે એ
તરૂણીના જ દુપટ્ટાનો ઉપયોગ કરવામાં આવેલ. દુપટ્ટો પણ ફોરેન્સિક લેબમાં ફિંગર
પ્રિન્ટ માટે મોકલી આપ્યો. તપાસના અંતે ખબર પડી કે મરનાર તરૂણી એના માતા-પિતાનું
એકમાત્ર સંતાન હતી અને ઘટના સ્થળથી થોડે દુર આવેલ ઝુપડપટ્ટીમાં રહેતી હતી અને
ગઈ કાલે રાત્રે દિશાએ જવા ગઈ એ પછી ઘરે પરત નહતી આવી. ગુનાની ગંભીરતા વધી ગઈ, અપહરણ,
બળાત્કાર અને હત્યા.
બ્રિજરાજસિંહે એમના સ્ટાફને કડક સુચના આપી કે, “ગુનેગાર કોઈ પણ હોય, છોડવાનો નથી.” જેવો ટીમનો કેપ્ટન એવું જ ટીમનું પ્રદર્શન. એ મુજબ, પી.એસ.આઈ. ગઢવીએ
ચોથા દિવસે સમાચાર આપ્યા, સ્થાનિક એમ.એલ.એ.ના દીકરા અને એના મિત્રોનું આ પરાક્રમ છે.
પોસ્ટમોર્ટમ રીપોર્ટથી સ્પસ્ટ થયું કે સામુહિક બળાત્કારની ઘટના હતી. બ્રિજરાજસિંહે
પુરાવા એકત્રિત કરવા જરૂરી સુચના આપી, ઘટના સ્થળ પરથી જે ગાડીના નિશાન મળ્યા હતા,
દુપટ્ટા પરથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા હતા એના આધારે શોધ આગળ વધારી અને પૂરતા
પુરાવા મેળવ્યા બાદ, બાતમીદારની માહિતીના આધારે સ્થાનિક એમ.એલ.એ.ના દીકરાને એના મિત્રો સાથે નડિયાદની
એક હોટલમાંથી ઉઠાવવામાં આવ્યો અને કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના રિમાંડ મેળવ્યા.
હત્યાનો મુખ્ય આરોપી એક સ્થાનિક એમ.એલ.એ.નો પુત્ર હતો એટલે કેસ ભીનો
સંકેલી લેવા અંગે રાજકીય દબાણ થયા. એક સાંજે પી.આઈ. બ્રિજરાજસિંહ ઝાલાને સાણંદ
પાસેના એક ફાર્મહાઉસ પર આવવા એક ઉપરી અમલદારે જણાવ્યું. શહેરથી દૂરનું સ્થળ હતું
એટલે બ્રિજરાજસિંહને કંઇક નવાજુની થશે એનો અંદાજ આવી જતા એમને એમની ગાડીની કી-ચેઈન
બદલી. સ્પાય કેમ વિથ રેકોર્ડર વાળું કી-ચેઈન લીધું અને એ લઇ જણાવવામાં આવેલ સ્થળ
પર પંહોચી ગયા. અપેક્ષા મુજબ જ જેમના પુત્રનું નામ આરોપી તરીકે હતું એ એમ.એલ.એ. હાજર
હતા. સાથે જ જે ઉપરી અમલદારે ફોન કર્યો હતો એ પણ હાજર હતા અને કેસ નબળો પાડવાની વાત
થઇ, બ્રિજરાજસિંહને ખુબ જ મોટી રકમની લંચ ઓફર કરવામાં આવી. પણ, બ્રિજરાજસિંહે એ
તમામ ઓફરને નકારી. પોતાના પાસા ઉલટા પડતા જોઈ એ એમ.એલ.એ. ઉશ્કેરાઈ ગયા અને
બ્રિજરાજસિંહને જોઈ લેવાની ધમકી આપી દીધી. રાજપૂતી ખૂન ઉકળી ઉઠ્યું અને એ ત્યાંથી
ઉભા થઇને નીકળી ગયા.
એ પછીના દિવસોમાં બ્રિજરાજસિંહને માહિતી મળી કે સાક્ષીઓને ફોડવાનું
અને પુરાવા નબળા પાડવાનું કામ એમ.એલ.એ. અને એના મળતિયાઓએ શરૂ કર્યું અને બ્રિજરાજસિંહને
લાગ્યું કે આરોપીઓને બેનીફીટ ઓફ ડાઉટ મળી જાય એ હદ સુધી પુરાવા નબળા પાડવા અને સાક્ષીઓને
હોસ્ટાઈલ કરવાનું કામ થઇ રહ્યું છે. રાત્રે આંખોમાંથી ઊંઘ હરામ થઇ ગઈ હતી, ભોગ
બનનાર એ તરૂણીનો ચહેરો સામે આવી રહ્યો હતો, એના માં-બાપનું રૂદન અને પોસ્ટમોર્ટમ
રીપોર્ટ..... પી.એસ.આઈ. ગઢવીને ફોન કર્યો અને બહાર એક જગ્યાએ મળવા બોલાવ્યા,
ગઢવીની માનસિક સ્થિતિનો પૂરો તાગ મેળવી લીધો.
બીજા દિવસે રિમાંડ પુરા થતા હતા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના
હતા. કુલ ચાર આરોપીઓ હતા. પોલીટીકલ પ્રેશર અને મીડિયામાં ચર્ચાયેલ કેસ હોઈ પી.આઈ.
બ્રિજરાજસિંહ અને પી.એસ.આઈ. ગઢવી બંને આરોપીઓની સાથે પોલીસવાનમાં બેઠા અને
પોલીસવાન કોર્ટના રસ્તે આગળ વધી. નવા જ બનેલા ટી.પી. ના રોડ ઉપર કોઈ ખાસ અવર-જવર ન
હતી.
થોડી વાર પછી પી.આઈ. બ્રિજરાજસિંહે કંટ્રોલરૂમમાં ફોન કર્યો અને પી.એસ.આઈ.
ગઢવી ગંભીર રીતે ઘાયલ થયેલ છે અને પોતાને પણ ડાબા હાથે બાવળાના ભાગે ગોળી વાગી હોવાનું
અને ચારે આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભગવા જતા પોલીસ ગોળીબારમાં મરણ ગયા હોવાનું જણાવી એમ્બ્યુલન્સ અને બીજી ટીમ મોકલવાનું
જણાવ્યું.
ચારે આરોપીઓના પગમાં અને પીઠમાં કરોડરજ્જુ ના ભાગમાં ગોળી મારવામાં
આવી હતી. પી.આઈ. બ્રિજરાજસિંહની સર્વિસ રિવોલ્વરની ૬ ગોળી વપરાઈ ગઈ હતી. વધારાની
બે ગોળી બ્રિજરાજસિંહની પર્સનલ રિવોલ્વરમાંથી ફાયર કરવામાં આવી હતી. પી.એસ.આઈ.
ગઢવીના ડાબા ખભાના ભાગે ગોળી વાગી હતી જે આરપાર થઇ ગઈ હતી. પી.આઈ. બ્રિજરાજસિંહના
ડાબા હાથે બાવળાના ભાગે પોઈન્ટ બ્લેન્ક રેંજથી ગોળી વાગી હતી.
ચારે આરોપીઓની લાશના પંચનામા થયા. પી.આઈ. બ્રિજરાજસિંહ અને પી.એસ.આઈ.
ગઢવીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા.
મીડિયામાં મુદ્દો ચર્ચવા લાગ્યો. રાજકીય દબાણ પણ આવ્યું એટલે પી.આઈ.
બ્રિજરાજસિંહ પર ડીપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી બેસી અને ઇન્ક્વાયરી ના પતે ત્યાં સૂધી
એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
બ્રિજરાજસિંહ પોતાનું સ્ટેટમેન્ટ યાદ કરી રહ્યા હતા. “બપોરે લગભગ ૨.૩૦ વાગે મેં પી.એસ.આઈ. ગઢવીને આરોપીઓને કોર્ટમાં લઇ
જવા તૈયારી કરવા સુચના આપી અને મારી સાથે આવવા જણાવ્યું. ચારે આરોપીઓને પોલીસવાનમાં
બેસાડ્યા બાદ પી.એસ.આઈ. ગઢવીને બેસવા જણાવ્યું. એ પછી ડ્રાઈવર હકાભા રાઠોડ અને એમની
સાથે કોન્સ્ટેબલ પ્રવીણસિંહ આગળ બેઠા. એ પછી હું પોલીસવાનમાં પાછળ, પી.એસ.આઈ. ગઢવીની
બાજુમાં બેઠો અને દરવાજો અંદરથી બંધ કર્યો. ટી.પી.નો નવો રોડ ઓછી અવર-જવર વાળો હોઇ
હકાભાએ એ રસ્તો લીધો. થોડે આગળ ગયા બાદ આરોપી નંબર ૧ એ પી.એસ.આઈ. ગઢવીની
સર્વિસ રિવોલ્વર ખેંચી લીધી અને પી.એસ.આઈ. ગઢવી પર ફાયરીંગ કર્યું. અચાનક થયેલ
ફાયરીંગથી હકાભાએ ગાડીને જોરથી બ્રેક મારી એટલે ગાડી આંચકો ખાઈને ઉભી રહી ગઈ. તક
નો લાભ લઇ, આરોપીઓએ પોલીસવાનનો દરવાજો અંદરથી ખોલી કાઢ્યો અને મને બહાર ધક્કો મારી
બહાર નીકળી ગયા. ચારે આરોપીઓના હાથમાં હાથકડી હતી. મેં એમને ઉભા રહેવા અને સરન્ડર
કરવા જણાવતા આરોપી નંબર ૧ એ મારા પર ફાયરીંગ કર્યું. હું સહેજ ખસી ગયો અને મને ગોળી
ડાબા હાથે બાવળાના ભાગ પર વાગી. ચારે આરોપીઓ ભાગી રહયા હતા એટલે એમને રોકવા મેં
એમના પગ પર ફાયરીંગ કર્યું. આરોપી નંબર ૧ એ ફરી ફાયર કર્યું અને મેં જવાબી ફાયર
કરેલ જેમાં આરોપી નંબર ૨ અને ૩ ને છાતીના ભાગે ગોળી વાગેલ. આરોપી નંબર ૧ એ ફરી
મારા પર ફાયર કરેલ. મારી સર્વિસ રિવોલ્વરની તમામ બુલેટ ફાયર થઇ ગઈ હોવાથી મેં મારા
જમણા પગના બૂટમાંથી મારી લાયસન્સ વળી પર્સનલ રિવોલ્વર કાઢી એમાંથી બે રાઉન્ડ ફાયર
કરતા આરોપી નંબર ૪ ને ગળાના ભાગે અને આરોપી નંબર ૧ ને કપાળમાં બે આંખની વચ્ચે
ઉપરના ભાગે ગોળી વાગેલ.”
એક સ્મિત બ્રિજરાજસિંહના મોઢા પર હાસ્ય આવી ગયું. મનમાં એક સંતોષ કે એક ગરીબ તરૂણીના ગુનેગારોને સજા આપી.
હકીકત માત્ર તમે અને ગઢવી જ જાણતા હતા. પોલીસવાનનો દરવાજો તમે બંધ જ
નહતો કર્યો અને ગઢવીની સર્વિસ રિવોલ્વર ફુલ્લી લોડેડ ન હતી સ્ટંટ ઉભો કર્યો હતો
અને સફળ પણ થયો હતો. પી.એસ.આઈ. ગઢવી પર અને પોતાની જાત પર ફાયરીંગ કરનાર તમે પોતે
જ હતા અને એ પછી રિવોલ્વર આરોપી નંબર ૧ ને આપી હતી.
રહી વાત પોલીસ ઇન્ક્વાયરીની તો એનું પરિણામ તમે જાણતા જ હતા. ખાતાકીય
તપાસ, પી.એસ.આઈ. ગઢવીની જુબાની, ડ્રાઈવર હકાભા અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહનું
સ્ટેટમેન્ટ અને તમારું નિવેદન. પી.એસ.આઈ. ગઢવીની સર્વિસ રિવોલ્વર પર આરોપી નંબર ૧
ના ફિંગર પ્રિન્ટ બધું જ મેચ થતું હોઇ પી.આઈ. બ્રિજરાજસિંહ નિર્દોષ પુરવાર થાય છે.
નોકરી જોડાયા એ સમયે, તમારા પિતા દિલુભા ઝાલાએ કહેલ વાત યાદ આવી ગઈ,
“બેટા, શાસ્ત્રમાં રાજપૂતને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવામાં આવ્યા છે. આ વર્દીનો
ઉપયોગ પૈસા બનાવવામાં ના કરતા. કોઈ ગરીબ, લાચાર, અબળા, શોષિતને બચાવવામાં કરજો,
પૈસા કમાવવા કરતા આશીર્વાદ કમાવવા એ વધુ યોગ્ય કહેવાય.”
બસ, મન શાંત થતા પડખું ફેરવી બ્રિજરાજસિંહ આરામથી સુઈ ગયા.