Saturday, April 30, 2022

આનંદપ્રિયા : ભાગ-1

આનંદના શું સમાચાર છે?

શહેરની સહુથી મોટી કોર્પોરેટ હોસ્પિટલના આઈ.સી.યુ.ની બહાર ડોક્ટરના રૂમમાં શહેરના મશહુર નામાંકિત ડોક્ટર સમીરને એની સામે બેઠેલા એમની જ ઉંમરના એક બિઝનસમેન જેવા દેખાતા વ્યક્તિએ પૂછયું.

બહુ દિવસ નથી એની પાસે. સાલો કહેતો હતો કે, હું પહેલો જવાનો.” આપણે મજાકમાં લેતા હતા અને એ આજે એની અંતિમ સફર તરફ બહુ જ આગળ નીકળી ગયો છે.” ડોક્ટર સમીર કંઈક અંશે લાગણીભીના ગુસ્સાથી બોલી ઉઠ્યા.

એ શબ્દો સાંભળીને સામે બેઠેલ શહેરના પ્રતિષ્ઠિત બિઝનસમેન કર્મણના ગળે પણ ડુમો ભરાઈ આવ્યો, સાલો *** આપણને મૂકીને હસતા હસતા જઈ રહ્યો છે. સમીર અને કર્મણ લગભગ જોડે આંખોમાં આવેલ પાણી લૂછ્યાં.

એણે મને આ એક સીડી આપી છે. ગઈ કાલે કહેતો હતો કે એ જાય પછી આપણે બંનેએ જોડે જોવાની છે.

બીપ...બીપ... નો અવાજ આવતા ડોક્ટર સમીરે ટેબલ ઉપરના મોનીટરમાં નજર કરી અને તરત જ ઉભો થઈને લગભગ દોડતો આઈ.સી.યુ. બેડ નં. 1 તરફ પહોંચ્યો. દરવાજાની સહુથી નજીકનો બેડ. ત્યાંના મોનીટરમાંથી બીપ..બીપના અવાજ આવી રહ્યા હતા. આસિસ્ટન્ટ ડોક્ટર જાત-જાતના ઈન્જેક્ષન ભરેલી ટ્રે લઈને આવી ગયા, એક પછી એક સીરીંજો ભરાવા લાગી અને ડોક્ટર સમીર એક પછી એક ઈન્જેકશન વીગોથી પેશન્ટના બોડીમાં દાખલ કરતા ગયા. કાર્ડિયાક એરેસ્ટ, બ્રીંગ ધ મશીન ક્વીક ડોક્ટર સમીરે આસિસ્ટન્ટને બૂમ પાડીને સૂચના આપી. મોનીટરમાંથી આવતા અવાજો તીવ્ર થઈ રહ્યા હતા અને ડોક્ટર સમીર સમય સાથે જાણે જંગે ચઢ્યા હોય તેટલી ત્વરાથી કામ કરતા હતા અને એટલી જ ત્વરાથી એમનો અનુભવી સ્ટાફ એમની મદદ કરી રહ્યો હતો. મોનીટરમાં પેશન્ટનું બી.પી. 240 બતાવી રહ્યુ હતું તે ઝડપથી ઘટી રહ્યું હતું. પેશન્ટનો શ્વાસ ચઢી રહ્યો હતો. છેલ્લા બે દિવસથી જે પેશન્ટે આંખો નહતી ખોલી એણે અચાનક જ આંખ ખોલી. સામે ડોક્ટર સમીરને જોયા અને સંતોષનો ભાવ એની આંખમાં દેખાયો. પેશન્ટે ડોક્ટરનો હાથ પક્ડયો અને બીજી બાજુ નજર કરી. ડોક્ટર સમીર સમજી ગયા, એમણે તરત જ આઈ.સી.યુ.ના દરવાજાને અડીને ઉભેલા અને આ બધી પ્રક્રિયા જોઈ રહેલાં કર્મણને ઈશારાથી અંદર બોલાવ્યો. કર્મણ આવીને તે પેશન્ટ પાસે ઉભો રહ્યો. પેશન્ટે બીજા હાથે કર્મણનો હાથ પકડ્યો અને એના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું, આંખો ચમકી ઉઠી, હોઠ મલકાઈ ગયા. બસ એ સાથે જ શ્વાસનો એક છેલ્લો આંચકો અને એ પેશન્ટના દેહમાંથી પ્રાણ નીકળી ગયા. મોનીટરના બીપ બીપના અવાજો બંધ થઈ ગયા અને ડિસ્પલેની બધી જ લાઈનો ચઢાવ-ઉતારના બદલે સીધી રેખામાં દેખાવા લાગી.

સમીર અને કર્મણ બંનેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હજુ પણ એમના હાથમાં પેશન્ટના એક-એક હાથ હતા. આસિસ્ટન્ટ ડોક્ટરે આવીને ડોક્ટર સમીરના હાથ ઉપર હાથ મૂક્યો. ડોક્ટર સમીર સ્વસ્થ થયા. પોતાનો હાથ પેશન્ટના હાથમાંથી છોડાવી, ચેમ્બર તરફ ગયા અને પાછળ પાછળ કર્મણ પણ.

ચેમ્બરમાં પહોંચતાં જ ડોક્ટર સમીર અને કર્મણ બંને નાના બાળકોની જેમ છૂટા મોઢે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા જતો જ રહ્યો, આપણને મૂકીને…”

.... વધુ આવતા અંકે...

 

આશિષ એ. મહેતા



Creative Commons License



આનંદપ્રિયા : ભાગ-1   by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, April 23, 2022

ખ્વાઈશ

હતી જીવનની ખ્વાઈશો જે સઘળી તે જાતે જ દફનાવી દીધી,
તકદીરમાં લખેલ હશે તે થશે જ તે વાત સ્વીકારી લીધી.
 
મળે જો રહેવા હવે રાણાનો મહેલ તો પણ શું કામનો,
પ્રયત્નના બદલામાં કંઈક પામવાની આશ જ્યારે છોડી દીધી.
 
કરી લે સિતમ જીંદગી તું પણ જે કરી શકે,
વાત મારા હોવાની પણ મેં હવે છોડી દીધી.
 
ઘણું મળ્યું મને મારી સફરમાં એ જીંદગી,
સારું કે ખરાબ ઓછુ કે વધુ તેની ગણતરી હવે છોડી દીધી.
 
ગીતાના નિષ્કામ કર્મની વાત હવે સ્વીકારી લીધી,
શ્વાસ સાથે આશ રાખવી હવે છોડી દીધી.
 
હતી જીવનની ખ્વાઈશો જે સઘળી તે જાતે જ દફનાવી દીધી,
તકદીરમાં લખેલ હશે તે થશે જ તે વાત સ્વીકારી લીધી.


આશિષ એ. મહેતા




Creative Commons License



Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, April 16, 2022

મારી કેસ ડાયરી : મૌલિક

પ્રિય વાંચકમિત્રો,

કેવા મા-બાપ કહેવાય?”

અજયભાઈની ઓફિસની ચેમ્બરના અડધા ખૂલેલા દરવાજામાંથી આ શબ્દો અંદર આવી રહેલા કેયુર અને ચિંતન બંનેએ સાંભળ્યા.

કોઈ જ જાતની ફોર્માલીટી વગર ચિંતન અને કેયુર અજયભાઈની ચેમ્બરમાં દાખલ થઈને અજયભાઈના ટેબલની સામેના સીટીંગ એરેંજમેન્ટના સોફા ઉપર ગોઠવાઈ ગયા.

જુલાઈ-2021નો ચોથો શનિવાર હતો. કોર્ટ બંધ હતી. અજયભાઈ મોટાભાગની મીટીંગ ઓનલાઈન કરી લેતા હતા. પણ, આજે ચિંતન અને કેયુર ઓફિસમાં દાખલ થયા એ જ સમયે એક આશરે 21 વર્ષનો યુવાન અજયભાઈની ઓફિસમાંથી બહાર નીકળ્યો હતો.

અજયભાઈએ ઓફિસના ઈન્ટરકોમ ઉપર રામજીને ચાર કોફી અને પાણી લાવવાની સુચના આપી અને પોતે પણ એમની ચેર ઉપરથી ઉભા થઈ સામે સીટીંગ માં ગોઠવાઈ ગયા અને અભિજાત પણ એમની જ સાથે એમની બાજુના સોફામાં.

ચિંતનના ઉત્સુકતાસભર સ્વભાવથી પરિચીત અજયભાઈએ એની સામે સ્મિત વેર્યુ અને લગભગ એ જ સમયે રામજી કોફી લઈને અજયભાઈની ચેમ્બરમાં દાખલ થયો.

ટીપોઈ ઉપર મૂકેલ કોફીનો કપ ઉઠાવીને અજયભાઈએ વાતની શરૂઆત કરી,

મને ખબર છે, ચિંતન કે તને અભિજાતે જે હમણાં કીધું કે કેવા મા-બાપ કહેવાય?” એની વાતમાં રસ છે. તો સાંભળ…..

આ જે છોકરો મળવા આવેલ તેનું નામ મૌલિક. પોતે બેંકમાં નોકરી કરે છે અને એના લગ્નને હજુ માંડ બે વર્ષ થયા છે.

તો આટલી વારમાં ફેમીલી પ્રોબ્લેમ થઈ ગયો?” ચિંતને પૂછ્યુ.

હા... હા...... હા... ,” અજયભાઈ હસ્યા...

મને હતું જ કે હું આ રીતે વાત કરીશ એટલે તું આવો જ તર્ક લગાવીશ. ના આ કેસમાં એવું કંઈ નથી. મૌલિક એના ફોઈ, પત્ની, બા અને દાદા સાથે અમદાવાદ ગાંધીનગરની વચ્ચેના એક ડેવલપીંગ વિસ્તારમાં રહે છે. એના દાદા પહેલેથી સુખી એટલે એક ટેનામેન્ટ અને એક ફ્લેટ એમ બે મિલકત છે. બંને દાદાના નામ ઉપર છે. મૌલિકના ફોઈ અનમેરીડ છે. મૌલિકની દેખરેખ કરવા માટે એના ફોઈએ લગ્ન નથી કર્યા.

કેમ મૌલિકની દેખરેખ માટે?” કેયુરે પૂછયું.

મને પણ આ જ પ્રશ્ન થયો હતો.

મૌલિકના કહેવા મુજબ એ લગભગ બે વર્ષનો હતો ત્યારથી એના માતા-પિતા એનાથી દૂર છે. મૌલિકના મમ્મી-પપ્પા વચ્ચેનું લગ્નજીવન ખટરાગથી ભરેલું જ હતું અને મૌલિક એના મમ્મી-પપ્પા સાથે ફ્લેટમાં રહે. નાની મોટી વાતોમાં સતત બોલાચાલી થયે રાખતી. એમાં મૌલિકના બીજા જન્મદિવસની ઉજવણીની રાત્રે બંને વચ્ચે કંઈક બાબતે માથાકૂટ થઈ બસ એ રાત એ બંનેની છેલ્લી રાત. બીજા દિવસે સવારે મૌલિકના પપ્પા અને મમ્મી બંને ઘર છોડીને ચાલ્યા ગયા. મૌલિકને કે ઘરના કોઈ જ સભ્યને આની કોઈ જ ખબર નહિ. ફ્લેટનો દરવાજો બંધ અને ચાવી પડોશમાં આપી રાખેલી. મૌલિક સવારે ઉઠ્યો અને ઘરમાં કોઈ દેખાયું નહિ એટલે બાળ સહજ રોવાનું શરૂ કર્યું. એના સતત રડવાના અવાજના કારણે પાડોશીએ દરવાજો ખોલ્યો અને જોયું તો મૌલિક ઘરમાં એકલો. એ સમયે લેન્ડલાઈન ફોનનો જમાનો. પાડોશીએ ફોન કર્યો મૌલિકના દાદાને અને મૌલિકના દાદા અને ફોઈ બંને આવી ગયા. સતત રડવાના કારણે મૌલિકને તાવ આવી ગયેલ. દવાખાને લઈ ગયા અને બસ એ દિવસ અને આજનો દિવસ, મૌલિકના મમ્મી-પપ્પા ક્યાં છે જીવે પણ છે કે નહિ કોઈ કશું જાણતું નથી. હવે મૌલિકના દાદાનો પ્રશ્ન એ છે કે જે ટેનામેન્ટ અને ફ્લેટ એમના નામ ઉપર છે એ સીધા જ મૌલિકના નામે કેવી રીતે કરવા. કોફીનો ખાલી કપ ટીપોઈ ઉપર મૂકતા અજયભાઈએ કહ્યું.

અભિજાત પણ ઉભો થયો અને કીધું, “આવતીકાલની મેટરની આર્ગ્યુમેન્ટ તૈયાર છે. એક વખત નજર નાખી લે.” ચિંતન પોતાના કામમાં લાગ્યો અને કેયુર પણ એની ઓફિસમાં જવા ઉભો થયો અને બોલ્યો, કેવા કેવા માણસો હોય છે. લોકો છોકરા માટે પથ્થર એટલા દેવ કરે અને આજની ઘટનામાં બે વર્ષના છોકરાને મૂકીને જતા રહેતા મા-બાપનો જીવ સહેજ પણ કચવાયો નહિ.

માનવ સ્વભાવની વર્તણુંક વિશે હજુ ઘણા રહસ્યો વણઉકલ્યા છે. અભિજાતે કહ્યું અને ફાઈલ લઈને સામેના કોન્ફરન્સરૂમમાં ગયો.


આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License


મારી કેસ ડાયરી : મૌલિક     by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/

Saturday, April 9, 2022

જસ્ટીસ મહેતા

“ડેડ, પ્રોફેસર આયુષી આચાર્ય અમારા પ્રોફેસર છે અને એમના વિષે જજમેન્ટ આપતા પહેલા એક વખત આખા કેસ પર ફરીથી વિચારી લેવા, પરિસ્થિતિનું ફરીથી અવલોકન કરી લેવા વિનંતી.” સેશન્સ જજ મહેતાસાહેબના ઘરે સાંજે ડીનર બાદ મહેતાસાહેબની લાડકી પુત્રી એડવોકેટ નવ્યા મહેતાએ વિનંતીના સૂરમાં કહ્યું.

જમવાનું પતી ગયું હતું અને મહેતાસાહેબ એમના રોજીંદા નિયમ મુજબ એમના સરકારી બંગલાના ગાર્ડનમાં ચાલવા માટે ગયા અને સાથે સાથે માનસિક રૂપથી આજે ચાલેલ કોર્ટ કેસમાં પણ....

સીરીયલ નંબર ......... બેલીફે પોકાર કર્યો અને કોર્ટ હાઉસમાં એક પીન ડ્રોપ સાઈલેન્સ પથરાઈ ગયું. પોલિસ અધિકારી, સરકારી વકીલ સહીત તમામ વ્યક્તિઓ શાંતિથી હવે પછીની ઘટનાના સાક્ષી બનવા તૈયાર થઇ રહ્યા હતા.

“પ્રોફેસર આયુષી આચાર્ય, તમારા પર તમારા સાસુ કાવેરીબેન પર જાન લેવા હુમલો કરવાનો આરોપ છે. તમારે કઈ કહેવું છે આ વિષે?” મહેતાસાહેબે પોતાની ફરજના ભાગ રૂપ સવાલ પૂછ્યો.

સવાલ પૂછયા બાદ મહેતાસાહેબના મનમાં પણ આનો જવાબ જાણવાની એટલી જ ઈંતેજારી હતી જેટલી કોર્ટ રૂમમાં હાજર અન્ય દરેક વ્યક્તિના મનમાં હતી.

પ્રોફેસર આયુષી આચાર્યએ નીચું ઢાળી રાખેલ મસ્તક ઉંચું કરી પૂછયુ, વિસ્તારપૂર્વક જણાવવા માંગુ છું, જો નામદાર પરવાનગી આપે તો.

બોલો જસ્ટીસ મહેતાસાહેબે કહ્યું.

નામદાર, એક મધ્યમ વર્ગીય પરિવારની દિકરી તરીકે આ સંસારમાં મેં પ્રથમ શ્વાસ લીધો હતો. મારા માતા-પિતાએ કઠોર પરિશ્રમ વેઠીને મને ભણાવી અને એમની મહેનતમાં મેં મારી મહેનત ઉમેરી અને પ્રભુ કૃપાથી શિક્ષણના ઉચ્ચ શિખરો સર કરતાં કરતાં લૉ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી લાગી. આ સફરમાં કાળક્રમે મારા માથા ઉપરથી મારા માતા-પિતાનો હાથ દૂર થઈ ગયો અને હું એકલી રહી ગઈ, મારી ડિગ્રી અને મારી નોકરી સાથે. એ જ સમયગાળામાં મારો પરિચય થયો શૈલેન્દ્ર આચાર્ય જોડે. મારા સાથી પ્રોફેસર. અમારો પરિચય ગાઢ બન્યો અને પ્રણયમાં પરિવર્તન પામ્યો અને અમે બંનેએ સાદાઈથી લગ્ન કરી લીધા. અંધકારમાં વિસરાઈ ગયેલી મારી જીંદગીમાં ફરીથી પ્રકાશનું આગમન થયું. પણ, કિસ્મતના ખેલ અજીબ હોય છે. અમારા લગ્નની પ્રથમ વર્ષગાંઠ અમારા માટે બમણી ખુશીઓ લઈને આવી હતી. એક લગ્નની પ્રથમ એનીવર્સરીની અને બીજી મારી પ્રેગનન્સીના સારા સમાચારની. જીવન ફરીથી આનંદના રથ ઉપર સવાર થઈ ગયું હતું. મારે સાતમો મહિનો જતો હતો અને એ સમયે કોલેજમાંથી પિકનીકનું આયોજન થયું. મારી તબિયતને ધ્યાને લઈને હું પિકનીક ન ગઈ. પિકનીકમાંથી આવતા રાતના લગભગ 2.30 વાગી ગયા અને બધા જ સ્ટુડન્ટ્સના નીકળ્યા પછી શૈલેન્દ્રને નીકળતા લગભગ 3.00 વાગ્યા હશે એણે મને મેસેજ કર્યો અને ઘરે આવવા નીકળ્યો, પણ ઘર સુધી આવી ન શક્યો. વહેલી સવારે સીવીલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે આ જેમનો મોબાઈલ છે એમને દાખલ કરેલ છે. હું સીવીલ પહોંચી. ત્યાં જાણ્યું કે ઘરે આવતા રસ્તા રી-સરફેસ કરવાની કામગીરીમાં રોડનું લેવલીંગ બરાબર નહતું થયું, પરિણામે શૈલેન્દ્રની કાર પલટી ખાઈ ગઈ અને એમાં શૈલેન્દ્રને હેમરેજ થઈ ગયું હતું. જીંદગી અને મોત વચ્ચેનો જંગ શરૂ થઈ ચૂક્યો હતો. પૂરા 14 દિવસ આ જંગ ચાલ્યો. પરંતુ, અંતે જીંદગી સામે મૃત્યુની જીત થઈ અને ઘરે આવવા નીકળેલો શૈલેન્દ્ર ભગવાનના ઘરે ચાલ્યો ગયો. પાછળ રહી ગયા હું અને મારા સાસુ અને મારા ઉદરમાં રહેલી શૈલેન્દ્નની નિશાની. શૈલેન્દ્રના ગયા પછી મારૂ જીવન બદલાઈ ગયું. જે સાસુ મને માન સન્માન પ્રેમ આપતા હતા, તેમણે મને મેણાં મારવાનું શરૂ કર્યુ, તું મારા છોકરાને ભરખી ગઈ.” પિયરમાં તો કોઈ હતું નહિ અને જીવનસાથી પણ મને એકલો મૂકીને અનંતની વાટે ચાલી ગયો હતો. માનસિક સતત તણાવ અનુભવતી હતી, પરંતુ, જાણતી પણ હતી કે જો હું માનસિક રીતે મક્કમ નહીં થઉં તો આવનાર બાળકને તકલીફ પડશે. મારી લાગણીઓને મનમાં દાબી રાખીને પણ મેં મારા બાળક માટે થઈને ખુશ રહેવાના પ્રયત્ન કર્યા અને પૂરા મહિને મને શૈલેન્દ્રની નિશાની તરીકે પુત્ર કૈરવની પ્રાપ્તિ થઈ. મારી નોકરીની આવક  અને શૈલેન્દ્રનું પેન્શન અમારા ત્રણ જણનું પૂરૂ કરવા માટે પૂરતા હતા. સાસુના કટુ વચનો સાંભળવાની આદત કેળવી લીધી અને જીવન ગુજારવાનું શરૂ કર્યું. કૈરવની દેખરેખ કરવા માટે હું નોકરી પર હોઉં એ સમયે બાઈ પણ રાખી લીધી. કોણ જાણે કેમ પણ મારા સાસુના મનમાં કૈરવના જન્મથી આનંદના બદલે કડવાહટ વ્યાપી ગઈ હોય તેમ મારા સાસુ સતત મને એમ કહ્યા કરતા કે આ મારા છોકરાનો છોકરો નથી. સીધો અર્થ મારા ચારિત્ર ઉપર કીચડ ઉછાળ્યો. સમય સમયની રીતે પસાર થતો ગયો અને કૈરવ ત્રણ વર્ષનો થઈ ગયો. એ દિવસે હું નોકરી ઉપરથી ઘરે આવી હતી. એક યુવાન વિધવાને રોજ આ સંસારમાં મનુષ્યના રૂપમાં છૂપાયેલ વાસનાભૂખ્યા વરૂઓથી બચીને ચાલવુ અને રહેવું પડે છે તે જ રીતે બચીને હું ઘરે આવી હતી. નોકરીનું પ્રેશર હતું અને ઘરમાં ઘુસતા જ મેં જે જોયું સાંભળ્યું એમાં મારા મનનો કાબૂ હું ગુમાવી બેઠી. મારા સાસુ કૈરવને મારી રહ્યા હતા અને કહી રહ્યા હતા, કોણ જાણે તારી માએ કોનું પાપ મારા છોકરાના માથે માર્યુ છે?” બસ, સાહેબ, મારો પિત્તો છટક્યો અને મેં મારા સાસુને ધક્કો માર્યો, તે પડી ગયા અને ડાઈનીંગ ટેબલની ધાર તેમના માથાના ભાગે વાગી એમને લોહી નીકળ્યું અને પડી જવાના કારણે થાપાના ભાગ ઉપર ફ્રેકચર થયું. હાલ તે હોસ્પિટલમાં છે. હું મારો ગુનો કબૂલ કરૂ છું. પરંતુ, મારાથી જે ગુનો થયો તેની પાછળનો મારો હેતુ ઈજા પહોંચાડવાનો ન હતો. મારા નાના બાળક કૈરવને મારા સાસુ મારતા હતા અને મને સતત મહેણાં મારી ઉશ્કેરતા હતા એ ઘટનાનો પ્રત્યાઘાત સ્વરૂપે મારાથી થયેલ અકસ્માત હતો.

ચૂકાદો બીજા દિવસ પર મૂલતવી રાખીને જસ્ટિસ મહેતાસાહેબે કોર્ટ બરખાસ્ત કરી અને ઘરે આવ્યા. કોર્ટ રૂમમાં બીજા બધાની સાથે એમની લાડલી દિકરી એડવોકેટ નવ્યા મહેતા પણ હાજર હતી. રાત્રિના ડિનર પછી એણે જ કહ્યું હતું, “ડેડ, પ્રોફેસર આયુષી આચાર્ય અમારા પ્રોફેસર છે અને એમના વિષે જજમેન્ટ આપતા પહેલા એક વખત આખા કેસ પર ફરીથી વિચારી લેવા, પરિસ્થિતિનું ફરીથી અવલોકન કરી લેવા વિનંતી.” 

ઓચિંતો પાછળથી અવાજ આવ્યો, હજુ કેટલી વાર છે, ડેડ?” ઓચિંતા આવેલ અવાજે જસ્ટિસ મહેતાનું ધ્યાનભંગ થયું અને તે ગાર્ડન ચેર સાથે અથડાઈ ગયા અને પડતા પડતા બચ્યા. સવાલ પૂછનાર નવ્યા મહેતાએ નજર સામે જ બનેલ ઘટનાને તરત દલીલના સ્વરૂપમાં પરિવર્તિત કરી, બસ આમ જ એ દિવસે અચાનક જ ઘટના બની ગઈ હશે, તમને એવું નથી લાગતું ડેડ?”

જવાબ આપવાના બદલે સ્મિત કરીને મનમાં ચૂકાદો લખી નાખ્યો, આરોપી પ્રોફેસર આયુષી આચાર્ય દ્વારા આચરવામાં આવેલ ગુનો તે ઈરાદાપૂર્વકનો નહિ, પરંતુ, ફરીયાદીના સતત માનસિક ત્રાસ અને મહેણાંના કારણે તેમજ પોતાના નાના બાળક કૈરવને માર મારતા જોવાના કારણે આવેશમાં આવીને કરવામાં આવેલ કાર્ય છે. જેના બદલે તેમને ગંભીર ગુનાના ગુનેગાર ઠેરવી શકાય તેમ નથી. તેમ છતાં આરોપીએ પોતે જાતે પોતાનો ગુનો કબૂલ કરેલ છે તથા હાલ તેમના સાસુ એટલે ફરીયાદી બાઈ હોસ્પિટલમાં છે જેમની સેવા કરનાર અન્ય કોઈ નથી એટલે આરોપી પ્રોફેસર આયુષી આચાર્યને ..... દિવસની સાદી કેદની સજા ફરમાવવામાં આવે છે.

ચહેરા ઉપર નિરાંતનો ભાવ આવ્યો અને જસ્ટિસ મહેતા તેમના શયનખંડમાં ચાલ્યા ગયા.

 

આશિષ એ. મહેતા


Creative Commons License



જસ્ટીસ મહેતા    by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/ 

Saturday, April 2, 2022

મારી કેસ ડાયરી : નિશીતા

 પ્રિય વાંચકમિત્રો,

તારે જે લખાણ તૈયાર કરવુ હોય તે રીતે કર, પણ મારી એક વાત ધ્યાન રાખજે, હું આ દુનિયામાં ન હોઉ ત્યારે આ નાલાયક માણસને મારી મિલકતમાંથી એકપણ રૂપિયો મળવો ન જોઈએ.

શનિવારની સાંજ હતી. લોક ડાઉન હજુ સંપૂર્ણપણે ખુલ્યુ ન હતું. કોર્ટ કાર્યવાહી ઓન-લાઈન ચાલી રહેલ હતી. અજયભાઈ એમની ઓફિસમાં હતા. ચિંતન એની આદત મુજબ જ અજયભાઈની ચેમ્બરમાં દાખલ થયો અને એને આ વાક્ય સાંભળ્યુ. એના માન્યામાં ન હતું આવતું કે, અજયભાઈને એમની જ ચેમ્બરમાં કોઈ તુકારો કરીને વાત કરતું હોય અને તો પણ અજયભાઈ શાંતિથી હસતા ચહેરે સાંભળી રહ્યા હોય. ચિંતનને જોઈ અભિજાત એની ચેરમાંથી ઊભો થયો અને ચિંતન અંદર દાખલ થાય તે પહેલા એને બહાર લઈ ગયો.

લગભગ અડધો કલાક પછી અજયભાઈ એમની ચેમ્બરમાંથી બહાર આવ્યા, સાથે એમની જ ઉંમરની લગભગ 40-42 ની આસપાસની એક સ્ત્રી હતી. ઉંમરના પ્રમાણમાં ફિટનેસ સારી હતી અને પહેરવેશ પરથી આર્થિક રીતે સુખી સંપન્ન જણાઈ આવતી હતી. અજયભાઈએ ચિંતનનો પરિચય કરાવ્યો ફોર્મલ હાય કરીને એણે અજયભાઈને પૂછયુ, અજય, તારી ફી કેટલી એ મને જણાવી દે જે.

સારૂ કહી દઈશ. બસ પણ તું મગજ ઠંડુ રાખ. અજયભાઈએ સામે જવાબ આપ્યો.

ઓકે બાય, ભાઈ, અને ધ્યાન રાખજે તારૂ અને ઘરે બધાનું.

હા માતા, આવજે.”

અજયભાઈ અને સામેની સ્ત્રી બંનેના ચહેરા ઉપર એક લાગણીસભર સ્મિત આવી ગયું અને અજયભાઈએ આવનારને વિદાય કરી વેઈટીંગ રૂમમાં બેઠેલા ચિંતન અને અભિજાતને કોન્ફરન્સ રૂમમાં આવવા જણાવ્યું અને પંક્તિને સૂચના આપી કે, બાજુમાંથી કેયુરને બોલાવી લો, જોડે કોફી પીવા.

થોડીવારમાં રામજી કોફી લઈને આવ્યો અને એ જ સમયે કેયુર પણ. કોન્ફરન્સ રૂમમાં કોફીની એરોમા ફેલાઈ રહી હતી અજયભાઈએ એમનો કપ ઉઠાવ્યો અને ચિંતનની સામે જોઈને એક સ્મિત કર્યું.

સાહેબ, હવે તમને ખબર જ છે કે મને વાતો જાણવાની ઈંતેજારી હંમેશા રહે છે, તો જલ્દી કહોને.

હમ્મ..,”

સાંભળ, આ જે મને મારી ચેમ્બરમાં તું કારો કરીને બોલાવતી હતી એ મારા ગામની ભાણી-નિશી - નિશીતા, અમે ખૂબ સારા મિત્રો, એના મમ્મી મારા પપ્પાને રાખડી બાંધે અને એ મને. મારુ ઘર અને એનું મોસાળ એક જ દિવાલે. અભ્યાસ ધોરણ 12 સુધીનો, આગળ ભણવું હતું પણ ઘરનાએ લગ્ન કરાવી દીધા, એ પછી અનેક વર્ષ સુધી કોઈ જ સંપર્ક ન થયો. બે વર્ષ પહેલા સોશીયલ મીડીયા દ્વારા ફરીથી અમે મળ્યા. ત્યારે જાણ્યું કે, પોતાની જાત કમાણીથી અમદાવાદમાં બે મકાન લીધા છે. એના શ્રીમાન છે તો ખરા, પણ કમાવવાની બાબત હોય કે વ્યવહારની બાબત કે અન્ય કોઈ, કોઈ જ કામના નહિ. હમણાં ઘરમાં કંઈક માથાકૂટ થઈ છે. એટલે, એનું વીલ બનાવવા માંગે છે કે એ આ દુનિયામાં ન હોય તો એની બધી જ સ્થાવર જંગમ મિલકત એના એકના એક દિકરા કેતવને મળે અને એના શ્રીમાનને કંઈ જ મળવું ન જોઈએ.

તો હવે ભાઈ તમે શું કરશો?” ચિંતનની બાજુમાં બેઠેલા કેયુરે ચિંતનની જેમ જ ઉત્સુકતાવશ પૂછ્યું.

સબંધ અને ધંધો બંને વચ્ચે સમતુલા જાળવીશ.

કંઈક સમજાય એવું બોલોને ભાઈ.

જો એ સબંધની રીતે બહેન છે એટલે ફી વાજબી લેવાની અને કામ એની ઈચ્છા મરજી મુજબનું કરી આપવાનું. સિમ્પલ કોફીનો ખાલી કપ ટેબલ ઉપર મૂકતા અજયભાઈએ કીધું.

ચાલો, બેક ટુ વર્ક થઈએ. અજયભાઈ ઉભા થયા અને એમની ચેમ્બરમાં ગયા. કેયુર એની ઓફિસમાં, ચિંતન એના કામમાં અને અભિજાત એની સુટેવ મુજબ બીજા દિવસના કેસની ફાઈલો ગોઠવવામાં લાગ્યો.

 

આશિષ એ. મહેતા



********************************************************************************************



Creative Commons License


મારી કેસ ડાયરી : નિશીતા     by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.

Based on a work at http://www.gujjustuff.com/.

Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/