“આનંદના શું સમાચાર છે?”
શહેરની સહુથી મોટી કોર્પોરેટ હોસ્પિટલના આઈ.સી.યુ.ની બહાર ડોક્ટરના
રૂમમાં શહેરના મશહુર નામાંકિત ડોક્ટર સમીરને એની સામે બેઠેલા એમની જ ઉંમરના એક
બિઝનસમેન જેવા દેખાતા વ્યક્તિએ પૂછયું.
“બહુ દિવસ નથી એની પાસે. સાલો કહેતો હતો કે, “હું પહેલો જવાનો.” આપણે મજાકમાં લેતા હતા અને એ આજે એની અંતિમ સફર તરફ બહુ જ આગળ નીકળી ગયો છે.” ડોક્ટર સમીર કંઈક અંશે લાગણીભીના ગુસ્સાથી બોલી ઉઠ્યા.
એ શબ્દો સાંભળીને સામે બેઠેલ શહેરના પ્રતિષ્ઠિત બિઝનસમેન કર્મણના ગળે પણ ડુમો ભરાઈ આવ્યો, “સાલો *** આપણને મૂકીને હસતા હસતા જઈ રહ્યો છે.” સમીર અને કર્મણ લગભગ જોડે આંખોમાં આવેલ પાણી લૂછ્યાં.
“એણે મને આ એક સીડી આપી છે. ગઈ કાલે કહેતો હતો કે એ જાય પછી આપણે બંનેએ જોડે જોવાની છે.”
બીપ...બીપ... નો અવાજ આવતા ડોક્ટર સમીરે ટેબલ ઉપરના મોનીટરમાં નજર
કરી અને તરત જ ઉભો થઈને લગભગ દોડતો આઈ.સી.યુ. બેડ નં. 1 તરફ પહોંચ્યો. દરવાજાની
સહુથી નજીકનો બેડ. ત્યાંના મોનીટરમાંથી બીપ..બીપના અવાજ આવી રહ્યા હતા.
આસિસ્ટન્ટ ડોક્ટર જાત-જાતના ઈન્જેક્ષન ભરેલી ટ્રે લઈને આવી ગયા, એક પછી એક સીરીંજો
ભરાવા લાગી અને ડોક્ટર સમીર એક પછી એક ઈન્જેકશન વીગોથી પેશન્ટના બોડીમાં દાખલ કરતા
ગયા. “કાર્ડિયાક એરેસ્ટ, બ્રીંગ ધ મશીન ક્વીક” ડોક્ટર સમીરે
આસિસ્ટન્ટને બૂમ પાડીને સૂચના આપી. મોનીટરમાંથી આવતા અવાજો તીવ્ર થઈ રહ્યા હતા અને
ડોક્ટર સમીર સમય સાથે જાણે જંગે ચઢ્યા હોય તેટલી ત્વરાથી કામ કરતા હતા અને એટલી જ
ત્વરાથી એમનો અનુભવી સ્ટાફ એમની મદદ કરી રહ્યો હતો. મોનીટરમાં પેશન્ટનું બી.પી.
240 બતાવી રહ્યુ હતું તે ઝડપથી ઘટી રહ્યું હતું. પેશન્ટનો શ્વાસ ચઢી રહ્યો હતો.
છેલ્લા બે દિવસથી જે પેશન્ટે આંખો નહતી ખોલી એણે અચાનક જ આંખ ખોલી. સામે ડોક્ટર
સમીરને જોયા અને સંતોષનો ભાવ એની આંખમાં દેખાયો. પેશન્ટે ડોક્ટરનો હાથ પક્ડયો અને બીજી
બાજુ નજર કરી. ડોક્ટર સમીર સમજી ગયા, એમણે તરત જ આઈ.સી.યુ.ના દરવાજાને અડીને ઉભેલા અને
આ બધી પ્રક્રિયા જોઈ રહેલાં કર્મણને ઈશારાથી અંદર બોલાવ્યો. કર્મણ આવીને તે પેશન્ટ
પાસે ઉભો રહ્યો. પેશન્ટે બીજા હાથે કર્મણનો હાથ પકડ્યો અને એના ચહેરા ઉપર એક સ્મિત
આવી ગયું, આંખો ચમકી ઉઠી, હોઠ મલકાઈ ગયા. બસ એ સાથે જ શ્વાસનો એક છેલ્લો આંચકો અને એ
પેશન્ટના દેહમાંથી પ્રાણ નીકળી ગયા. મોનીટરના બીપ બીપના અવાજો બંધ થઈ ગયા અને
ડિસ્પલેની બધી જ લાઈનો ચઢાવ-ઉતારના બદલે સીધી રેખામાં દેખાવા લાગી.
સમીર અને કર્મણ બંનેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હજુ પણ એમના
હાથમાં પેશન્ટના એક-એક હાથ હતા. આસિસ્ટન્ટ ડોક્ટરે આવીને ડોક્ટર સમીરના હાથ ઉપર
હાથ મૂક્યો. ડોક્ટર સમીર સ્વસ્થ થયા. પોતાનો હાથ પેશન્ટના હાથમાંથી છોડાવી, ચેમ્બર
તરફ ગયા અને પાછળ પાછળ કર્મણ પણ.
ચેમ્બરમાં પહોંચતાં જ ડોક્ટર સમીર અને કર્મણ બંને નાના બાળકોની જેમ
છૂટા મોઢે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા “જતો જ રહ્યો, આપણને મૂકીને…”
.... વધુ આવતા અંકે...
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment