“ડેડ, પ્રોફેસર આયુષી આચાર્ય અમારા પ્રોફેસર છે અને એમના વિષે જજમેન્ટ આપતા પહેલા એક વખત આખા કેસ પર ફરીથી વિચારી લેવા, પરિસ્થિતિનું ફરીથી અવલોકન કરી લેવા વિનંતી.” સેશન્સ જજ મહેતાસાહેબના ઘરે સાંજે ડીનર બાદ મહેતાસાહેબની લાડકી પુત્રી એડવોકેટ નવ્યા મહેતાએ વિનંતીના સૂરમાં કહ્યું.
જમવાનું પતી ગયું હતું અને મહેતાસાહેબ એમના રોજીંદા નિયમ મુજબ એમના
સરકારી બંગલાના ગાર્ડનમાં ચાલવા માટે ગયા અને સાથે સાથે માનસિક રૂપથી આજે
ચાલેલ કોર્ટ કેસમાં પણ....
સીરીયલ નંબર ......... બેલીફે પોકાર કર્યો અને કોર્ટ હાઉસમાં એક પીન
ડ્રોપ સાઈલેન્સ પથરાઈ ગયું. પોલિસ અધિકારી, સરકારી વકીલ સહીત તમામ વ્યક્તિઓ શાંતિથી
હવે પછીની ઘટનાના સાક્ષી બનવા તૈયાર થઇ રહ્યા હતા.
“પ્રોફેસર આયુષી આચાર્ય, તમારા પર તમારા સાસુ કાવેરીબેન પર જાન લેવા
હુમલો કરવાનો આરોપ છે. તમારે કઈ કહેવું છે આ વિષે?” મહેતાસાહેબે પોતાની ફરજના ભાગ
રૂપ સવાલ પૂછ્યો.
સવાલ પૂછયા બાદ મહેતાસાહેબના મનમાં પણ આનો જવાબ જાણવાની એટલી જ
ઈંતેજારી હતી જેટલી કોર્ટ રૂમમાં હાજર અન્ય દરેક વ્યક્તિના મનમાં હતી.
પ્રોફેસર આયુષી આચાર્યએ નીચું ઢાળી રાખેલ મસ્તક ઉંચું કરી પૂછયુ, “વિસ્તારપૂર્વક
જણાવવા માંગુ છું, જો નામદાર પરવાનગી આપે તો.”
“બોલો” જસ્ટીસ મહેતાસાહેબે કહ્યું.
“નામદાર, એક
મધ્યમ વર્ગીય પરિવારની દિકરી તરીકે આ
સંસારમાં મેં પ્રથમ શ્વાસ લીધો હતો. મારા માતા-પિતાએ કઠોર પરિશ્રમ વેઠીને મને
ભણાવી અને એમની મહેનતમાં મેં મારી મહેનત ઉમેરી અને પ્રભુ કૃપાથી શિક્ષણના ઉચ્ચ
શિખરો સર કરતાં કરતાં લૉ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી લાગી. આ સફરમાં કાળક્રમે
મારા માથા ઉપરથી મારા માતા-પિતાનો હાથ દૂર થઈ ગયો અને હું એકલી રહી ગઈ, મારી ડિગ્રી અને મારી નોકરી
સાથે. એ જ સમયગાળામાં મારો પરિચય થયો શૈલેન્દ્ર આચાર્ય જોડે. મારા સાથી પ્રોફેસર. અમારો પરિચય ગાઢ બન્યો અને પ્રણયમાં પરિવર્તન પામ્યો અને અમે બંનેએ સાદાઈથી લગ્ન
કરી લીધા. અંધકારમાં વિસરાઈ ગયેલી મારી જીંદગીમાં ફરીથી પ્રકાશનું આગમન થયું. પણ,
કિસ્મતના ખેલ અજીબ હોય છે. અમારા લગ્નની પ્રથમ વર્ષગાંઠ અમારા માટે બમણી ખુશીઓ
લઈને આવી હતી. એક લગ્નની પ્રથમ એનીવર્સરીની અને બીજી મારી પ્રેગનન્સીના સારા
સમાચારની. જીવન ફરીથી આનંદના રથ ઉપર સવાર થઈ ગયું હતું. મારે સાતમો મહિનો જતો હતો
અને એ સમયે કોલેજમાંથી પિકનીકનું આયોજન થયું. મારી તબિયતને ધ્યાને લઈને હું પિકનીક
ન ગઈ. પિકનીકમાંથી આવતા રાતના લગભગ 2.30 વાગી ગયા અને બધા જ સ્ટુડન્ટ્સના નીકળ્યા
પછી શૈલેન્દ્રને નીકળતા લગભગ 3.00 વાગ્યા હશે એણે મને મેસેજ કર્યો અને ઘરે આવવા
નીકળ્યો, પણ ઘર સુધી આવી ન શક્યો. વહેલી સવારે સીવીલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે આ
જેમનો મોબાઈલ છે એમને દાખલ કરેલ છે. હું સીવીલ પહોંચી. ત્યાં જાણ્યું કે ઘરે આવતા
રસ્તા રી-સરફેસ કરવાની કામગીરીમાં રોડનું લેવલીંગ બરાબર નહતું થયું, પરિણામે
શૈલેન્દ્રની કાર પલટી ખાઈ ગઈ અને એમાં શૈલેન્દ્રને હેમરેજ થઈ ગયું હતું. જીંદગી
અને મોત વચ્ચેનો જંગ શરૂ થઈ ચૂક્યો હતો. પૂરા 14 દિવસ આ જંગ ચાલ્યો. પરંતુ, અંતે
જીંદગી સામે મૃત્યુની જીત થઈ અને ઘરે આવવા નીકળેલો શૈલેન્દ્ર ભગવાનના ઘરે ચાલ્યો
ગયો. પાછળ રહી ગયા હું અને મારા સાસુ અને મારા ઉદરમાં રહેલી શૈલેન્દ્નની નિશાની. શૈલેન્દ્રના
ગયા પછી મારૂ જીવન બદલાઈ ગયું. જે સાસુ મને માન સન્માન પ્રેમ આપતા હતા, તેમણે મને
મેણાં મારવાનું શરૂ કર્યુ, “તું મારા છોકરાને ભરખી ગઈ.” પિયરમાં તો કોઈ હતું નહિ અને જીવનસાથી
પણ મને એકલો મૂકીને અનંતની વાટે ચાલી ગયો હતો. માનસિક સતત તણાવ અનુભવતી હતી, પરંતુ, જાણતી પણ હતી કે જો હું માનસિક રીતે મક્કમ નહીં થઉં તો આવનાર બાળકને તકલીફ પડશે.
મારી લાગણીઓને મનમાં દાબી રાખીને પણ મેં મારા બાળક માટે થઈને ખુશ રહેવાના પ્રયત્ન
કર્યા અને પૂરા મહિને મને શૈલેન્દ્રની નિશાની તરીકે પુત્ર કૈરવની પ્રાપ્તિ થઈ. મારી
નોકરીની આવક અને શૈલેન્દ્રનું પેન્શન
અમારા ત્રણ જણનું પૂરૂ કરવા માટે પૂરતા હતા. સાસુના કટુ વચનો સાંભળવાની આદત કેળવી
લીધી અને જીવન ગુજારવાનું શરૂ કર્યું. કૈરવની દેખરેખ કરવા માટે હું નોકરી પર હોઉં
એ સમયે બાઈ પણ રાખી લીધી. કોણ જાણે કેમ પણ મારા સાસુના મનમાં કૈરવના જન્મથી આનંદના
બદલે કડવાહટ વ્યાપી ગઈ હોય તેમ મારા સાસુ સતત મને એમ કહ્યા કરતા કે આ મારા છોકરાનો
છોકરો નથી. સીધો અર્થ મારા ચારિત્ર ઉપર કીચડ ઉછાળ્યો. સમય સમયની રીતે પસાર થતો ગયો
અને કૈરવ ત્રણ વર્ષનો થઈ ગયો. એ દિવસે હું નોકરી ઉપરથી ઘરે આવી હતી. એક યુવાન વિધવાને
રોજ આ સંસારમાં મનુષ્યના રૂપમાં છૂપાયેલ વાસનાભૂખ્યા વરૂઓથી બચીને ચાલવુ અને
રહેવું પડે છે તે જ રીતે બચીને હું ઘરે આવી હતી. નોકરીનું પ્રેશર હતું અને ઘરમાં
ઘુસતા જ મેં જે જોયું સાંભળ્યું એમાં મારા મનનો કાબૂ હું ગુમાવી બેઠી. મારા સાસુ
કૈરવને મારી રહ્યા હતા અને કહી રહ્યા હતા, “કોણ જાણે તારી માએ કોનું પાપ મારા
છોકરાના માથે માર્યુ છે?” બસ, સાહેબ, મારો પિત્તો છટક્યો અને મેં મારા સાસુને ધક્કો માર્યો, તે
પડી ગયા અને ડાઈનીંગ ટેબલની ધાર તેમના માથાના ભાગે વાગી એમને લોહી નીકળ્યું અને
પડી જવાના કારણે થાપાના ભાગ ઉપર ફ્રેકચર થયું. હાલ તે હોસ્પિટલમાં છે. હું મારો
ગુનો કબૂલ કરૂ છું. પરંતુ, મારાથી જે ગુનો થયો તેની પાછળનો મારો હેતુ ઈજા
પહોંચાડવાનો ન હતો. મારા નાના બાળક કૈરવને મારા સાસુ મારતા હતા અને મને સતત મહેણાં
મારી ઉશ્કેરતા હતા એ ઘટનાનો પ્રત્યાઘાત સ્વરૂપે મારાથી થયેલ અકસ્માત હતો.”
ચૂકાદો બીજા દિવસ પર મૂલતવી રાખીને જસ્ટિસ મહેતાસાહેબે કોર્ટ
બરખાસ્ત કરી અને ઘરે આવ્યા. કોર્ટ રૂમમાં બીજા બધાની સાથે એમની લાડલી દિકરી
એડવોકેટ નવ્યા મહેતા પણ હાજર હતી. રાત્રિના ડિનર પછી એણે જ કહ્યું હતું, “ડેડ, પ્રોફેસર આયુષી આચાર્ય અમારા પ્રોફેસર છે
અને એમના વિષે જજમેન્ટ આપતા પહેલા એક વખત આખા કેસ પર ફરીથી વિચારી લેવા,
પરિસ્થિતિનું ફરીથી અવલોકન કરી લેવા વિનંતી.”
ઓચિંતો પાછળથી અવાજ આવ્યો, “હજુ કેટલી વાર છે, ડેડ?” ઓચિંતા આવેલ
અવાજે જસ્ટિસ મહેતાનું ધ્યાનભંગ થયું અને તે ગાર્ડન ચેર સાથે અથડાઈ ગયા અને પડતા
પડતા બચ્યા. સવાલ પૂછનાર નવ્યા મહેતાએ નજર સામે જ બનેલ ઘટનાને તરત દલીલના
સ્વરૂપમાં પરિવર્તિત કરી, “બસ આમ જ એ દિવસે અચાનક જ ઘટના બની ગઈ હશે, તમને એવું નથી
લાગતું ડેડ?”
જવાબ આપવાના બદલે સ્મિત કરીને મનમાં ચૂકાદો લખી નાખ્યો, “આરોપી પ્રોફેસર
આયુષી આચાર્ય દ્વારા આચરવામાં આવેલ ગુનો તે ઈરાદાપૂર્વકનો નહિ, પરંતુ, ફરીયાદીના
સતત માનસિક ત્રાસ અને મહેણાંના કારણે તેમજ પોતાના નાના બાળક કૈરવને માર મારતા
જોવાના કારણે આવેશમાં આવીને કરવામાં આવેલ કાર્ય છે. જેના બદલે તેમને ગંભીર ગુનાના
ગુનેગાર ઠેરવી શકાય તેમ નથી. તેમ છતાં આરોપીએ પોતે જાતે પોતાનો ગુનો કબૂલ કરેલ છે તથા હાલ તેમના સાસુ એટલે ફરીયાદી બાઈ હોસ્પિટલમાં છે જેમની સેવા કરનાર અન્ય કોઈ
નથી એટલે આરોપી પ્રોફેસર આયુષી આચાર્યને ..... દિવસની સાદી કેદની સજા ફરમાવવામાં
આવે છે.”
ચહેરા ઉપર નિરાંતનો ભાવ આવ્યો અને જસ્ટિસ મહેતા તેમના શયનખંડમાં
ચાલ્યા ગયા.
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment