આનંદના ઘરની નજીકના કોર્પોરેશનના એક હોલમાં એની શોકસભા યોજાઈ ગઈ.
આનંદે એના નામ મુજબ આનંદ વહેંચવાનું જ કામ કર્યું હતું એટલે ઘણા બધા લોકો આવીને
પુષ્પાંજલી અર્પણ કરી ગયા. આનંદના ફુલ સાઈઝના ફોટાની એક બાજુ એના કાકા, એની બાજુમાં
ડોક્ટર સમીર, એ પછી કર્મણ, એ પછી સ્થાનીક રાજકીય આગેવાનો બેઠા હતા. તો આનંદના ફોટાની
બીજી બાજુ આનંદના કાકી, ડોક્ટર સમીરની પત્ની શિલ્પા, એની બાજુમાં કર્મણની પત્ની
કાજલ એ રીતે બેઠા હતા. શોકસભા પૂર્ણ થયા બાદ વિધી-વિધાનમાં ડોક્ટર સમીર અને
શિલ્પાનો પુત્ર – યશ અને કર્મણ અને કાજલનો પુત્ર રાજ બંને બેઠા. ઘરમેળે બારમા-તેરમાની
વિધી પૂર્ણ કરી.
રીત-રિવાજની વિધી પૂર્ણ થયા બાદ, આનંદના ઘરે સમીર અને કર્મણ એક બપોરે
ભેગા થયા. આનંદની સુચના મુજબ, એણે હોસ્પિટલમાં ડોક્ટર સમીરને આપેલ સી.ડી. આનંદના
હોમ થીયેટરમાં પ્લે કરી અને સી.ડી.માં શું હશે એ અંગે વિચારતા, અનુમાનો લગાવતા,
સમીરે કર્મણની સામે જોયું અને એ જ ક્ષણે અવાજ આવ્યો,
“અલ્યા, કેમ આમ
સોગિયા મોઢા કરીને બેઠા છો? હું જતો રહ્યો છું, તમે નહિ... મોજ કરો ને.... અને નક્કી જ હતું ને કે
આપણા ત્રણમાંથી મારે જ પહેલા જવાનું.”
આનંદના હોમ થીયેટરમાંથી રૂમના ચારે તરફ લગાવેલ સ્પીકરમાંથી આનંદનો અવાજ રૂમમાં ગુંજી ઉઠ્યો અને ટી.વી.ના સ્ક્રીન ઉપર આનંદનો હસતો ચહેરો દેખાઈ ઉઠ્યો. ટી.વી.ના સ્ક્રીન ઉપર આનંદ હાલ જ્યાં કર્મણ બેઠો હતો તે જ ખુરશીમાં બેઠેલ દેખાઈ રહ્યો હતો.
આનંદનું એ જ નિખાલસ હાસ્ય રૂમમાં ફરી ગુંજી ઉઠ્યું.
“અલ્યા, તમે બંને
આમ મૂડલેસ ના રહેશો. તમારા ઉતરેલા મોઢા જોવા મને નથી ગમતા.”
ટી.વી.ના સ્ક્રીન ઉપરથી આનંદ બોલી રહ્યો હતો. કર્મણ અને સમીર સમજી
શકતા ન હતા કે આ રેકોર્ડીંગ છે કે આનંદ લાઈવ બોલી રહ્યો છે.
“યાર, જીવનનું આ
પરમ સત્ય છે. જવાનું તો આપણે બધા એ જ છે. હું પહેલા જતો રહ્યો અને એ પણ નક્કી
હતું, હું કહેતો જ હતો ને કે મારે પહેલા જવાનું છે તો આટલું દુઃખ શેનું? હવે તમે બંને
હસો તો જે વાત કહેવાની છે એ કહી દઉ.”
ખરેખર, કોઈકે કીધું છે ને કે , બહુ ઓછા વ્યક્તિઓના જીવનમાં એ ક્ષણ
આવે છે જ્યારે આંખમાં આંસુ હોય અને ચહેરા પર સ્મિત હોય. સમીર અને કર્મણ બંનેના
જીવનની આવી જ ક્ષણ ચાલી રહી હતી.
“ચાલો, આટલા સ્મિતથી પણ હાલ કામ ચલાવી લેવું પડશે. જો સાંભળો, આ મારું લાઈવ રેકોર્ડીંગ મેં જાતે પૂરી સ્વસ્થતાથી કર્યું છે. હું જાણું છું કે મારી પાસે હવે બહુ દિવસો નથી, એટલે મારી અંતિમ ઈચ્છાઓ આ રેકોર્ડીંગ દ્વારા તમને કહી રહ્યો છું. મારી કાર મેં કર્મણના નામે ટ્રાન્સફર કરવા આપી દીધી છે. તમે આ રેકોર્ડીંગ જોતા હશો ત્યારે અથવા એની નજીકના દિવસોમાં કારની આર.સી. બુક કર્મણના ઘરે પહોંચી ગઈ હશે. આ મકાનનું વેચાણ થઈ ગયું છે અને એનો વેચાણ દસ્તાવેજ પણ. ડોક્ટર સાહેબ, આટલા નવાઈ ન પામશો. મારા અવસાનના સમાચાર જે વ્યક્તિને તમે ફોનથી આપેલા તેના નામ ઉપર જ આ મકાનનો દસ્તાવેજ છે. તમારે બંને જણાએ આ મકાનનો કબજો મારી પ્રથમ માસિક પુણ્યતિથીએ એને આપવાનો છે. આ રેકોર્ડીંગની એક સી.ડી. એની પાસે પણ છે. એ મારા રાજકીય ગુરૂ-માર્ગદર્શક છે. આ મકાનના જે પૈસા આવ્યા તે મારા બંને બેંક ખાતામાં સરખા હિસ્સે ભરાવી દીધા છે. બંને બેંક ખાતાની માહિતી તમને છે જ. કર્મણ અને સમીર, બેંક ખાતામાં જે રકમ છે તે યશ અને રાજ માટે છે.
અને હવે જે વાત તમારે જાણવી હતી તે માટે આ ટી.વી. ની નીચેના કેબિનેટનું પહેલું ડ્રોઅર ખોલો. એમાં ડાયરી છે. વાંચી લેજો. આવજો."
ટી.વી. સ્ક્રીન બંધ થઈ ગઈ અને રૂમમાં ફરીથી શાંતિ પ્રસરાઈ ગઈ.
કર્મણે ઉભા થઈને આનંદના બતાવ્યા મુજબ ટી.વી. કેબીનેટની નીચેનું
ડ્રોઅર ખોલ્યું. એમાં એક ડાયરી હતી, સામાન્ય ડાયરી કરતા કદમાં થોડી મોટી...
.... વધુ આવતા અંકે...
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment