કર્મણે ડાયરી ઉઠાવી અને સમીરને બતાવી. સામાન્ય ડાયરી કરતા કદમાં સહેજ મોટી ડાયરી હતી.
“યાર, આ માણસને
શું કહેવું?” ડોક્ટર સમીરે સહેજ અકળામણ સહિત કહ્યું, “એની પાસે સમય
બહુ નથી એ એણે મને પણ જણાવ્યું નહતું. બધી જ વ્યવસ્થા કરતો ગયો અને છેલ્લે આ ડાઈંગ
ડેકલેરેશન-કમ-વીલની સી.ડી.”
“સાચી વાત છે, પણ એક
વાત માનવી પડે. એ એની મસ્તીથી જીવ્યો એના નામ મુજબ જ. જીવ્યો ત્યારે પણ આનંદમાં
અને જીંદગીના છેલ્લા દિવસો પણ એણે આનંદીત રહીને જ પસાર કર્યા.” કર્મણે કહ્યું.
“એક કામ કરીએ. આ
ડાયરી મારા ઘરે લઈ જઈએ અને આનંદે જેને આ ફ્લેટ વેચ્યો છે તેને ફ્લેટનું પઝેશન
લેવા અંગે જાણ કરી દઈએ.” ડોક્ટર સમીરે કહ્યું.
“ના, ઉતાવળ ન
કરીશ. પહેલાં આનંદની ડાયરી વાંચી લઈએ. આનંદની બીજી ચીજ-વસ્તુઓનું શું કરવું તેની આનંદે
કોઈ સ્પષ્ટતા સી.ડી.માં નથી કરી.”
કર્મણે કહ્યું.
“હમ્મમ, સાચી વાત છે.
તારું વેપારી દિમાગ બરાબર જ વિચારે છે. એક કામ કરીએ, હાલ ડાયરી મારા ઘરે લેતા જઈએ
અને પછી આગળની વાત.” ડોક્ટર સમીરે કહ્યું.
આનંદનું ઘર વ્યવસ્થિત બંધ કરી બંને ડોક્ટર
સમીરના ઘરે આવ્યા ત્યારે સાંજના લગભગ 4.00 વાગ્યા હતા. બંનેના ધર્મપત્નીઓ શિલ્પા
અને કાજલ બંને ડોક્ટર સમીરના ઘરે જ હતા. ડોક્ટર સમીરના બંગલાના ડ્રોઈંગ રૂમમાં
ચારે જણા બેઠા હતા. મહારાજે આવીને ચારે જણ માટે ચા ટીપોઈ ઉપર મૂકી. કર્મણના હાથમાં
ડાયરી જોઈ કાજલે પૂછયું., “આ ડાયરી આનંદની છે?”
“હા, એણે જે વાતો
અમને નથી કીધી એ આ ડાયરીમાં છે એવું એ કહીને ગયો છે. આનંદના ઘરે એની સી.ડી. જોઈ. તમે
બંને પણ એ સી.ડી. પછીથી જોઈ લેજો.”
કર્મણે ટુંકમાં જવાબ આપ્યો અને ચાનો કપ ટીપોઈ
ઉપરથી ઉઠાવી સી.ડી. ટીપોઈ ઉપર મૂકી.
બાકીના ત્રણેએ પણ ચા ના કપ ઉઠાવ્યા.
પહેલાં આ ડાયરી અમે બે જણ વાંચીશુ અને જો તમને જણાવવા જેવું હશે તો જ
કહીશું. કર્મણે આદેશાત્મક સ્વરે કહી દીધું અને સમીર, કર્મણ અને આનંદની મિત્રતાથી
પરિચીત શિલ્પા અને કાજલે કોઈ જ વિરોધ કે દલીલ વગર પોતાની સંમતિ દર્શાવી દીધી.
ડોક્ટર સમીર ચા પીને સાંજના ઓ.પી.ડી. માટે હોસ્પિટલ ગયો અને કર્મણ આખા દિવસના બિઝનસનું રીપોર્ટીંગ લેવા એની ઓફિસે ગયો.
ડોક્ટર સમીરના ત્યાં શિલ્પા અને કાજલ બંને રહ્યા. શિલ્પાએ સાંજની
રસોઈ અંગે મહારાજને જરૂરી સૂચનાઓ આપી.
--------------------------------------
રાત્રે આશરે 9.00 વાગે ડોક્ટર સમીરના ઘરે ડાઈનીંગ ટેબલ ઉપર ડોક્ટર
સમીર, કર્મણ, શિલ્પા, કાજલ, યશ અને રાજ જમવા બેઠા. કોઈ જ ખાસ વાત નહીં. જમવાનું
પતાવીને ડોક્ટર સમીર અને કર્મણ, ડોક્ટર સમીરના રૂમમાં આનંદની ડાયરી લઈને બેઠા.
ડોક્ટર સમીરે કહ્યું, “કર્મણ, તું જ વાંચ. મારુ કામ નથી આ વાંચવાનું.”
કર્મણે ડાયરી હાથમાં લીધી
અને પહેલું પાનું ખોલ્યું
પહેલા પાના ઉપર મરોડદાર અક્ષરે લખેલું હતું.
“શ્રી ગણેશાય નમઃ” અને બાકીનું
પાનું કોરૂં હતું.
બીજા પાને તારીખ લખેલી હતીઃ તારીખઃ 01-03-2021
હું આનંદ, જ્યારે તમે આ ડાયરી વાંચતા હશો ત્યારે આપણે ત્રણમાંથી તમે બે જ રહ્યા
હશો. મારી પાસે હવે લગભગ વધીને ત્રણ થી ચાર મહિના છે. મારા રીપોર્ટ્સ મેં મારી
રીતે કરાવી લીધા છે. મને બોનમેરોનું કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેજનું. જીવનની સાથે જ
જે નિશ્ચિત છે તે મૃત્યુની નજીક હું જઈ રહ્યો છું. નામ આનંદ છે અને આનંદથી જીવ્યો
છું.
હું અને તમે બંને, આપણે ત્રણે, આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે પહેલી વખત
મળ્યા અને ઈશ્વરકૃપાથી સારા મિત્રો તરીકે આજ સુધી સાથે જ રહ્યા. તમે બંને મને
પૂછતા રહ્યા કે, મારી પ્રિયતમા કોણ અને હું વાતને હસી નાખતો હતો. આજે તમને મારા
જીવનપથમાં આવેલ સ્ત્રી કે જેને મેં ચાહી છે, પૂજી છે, જેનું સર્વદા કલ્યાણ અને હિત
ઈચ્છયું છે તે તમામ વિશે જણાવું છું. યા તો એમ કહો કે મારી પ્રેમગાથા લખી રહ્યો
છું. તો વાંચો આનંદની જીવન કહાની આનંદની કલમે... આનંદપ્રિયા..
.... વધુ આવતા અંકે...
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment