“પ્રેમ શબ્દની વ્યાખ્યા મારા માટે બહુ વિશાળ છે. પ્રેમ એટલે પામવું નહીં, પરંતુ પ્રેમ એટલે ત્યાગ, સમર્પણ. જેને તમે પ્રેમ કરો છો એને હરહંમેશ ખુશ જોવાની તાલાવેલી, હ્રદયના ઉંડાણથી જેની ખુશી માટે સતત અવિરત પ્રાર્થના થતી રહે તે પ્રેમ. પ્રેમ માત્ર વ્યક્તિ સાથે નહીં, તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલો હોવો જોઈએ તેવું હું માનું છું. મારા જીવનકાળમાં અનેક સ્ત્રીઓનો પ્રેમ મને મળ્યો અને આ બધી જ સ્ત્રીઓને મેં દિલથી ચાહી છે. આ તમામ સ્ત્રીઓ વિશે તમને આ ડાયરીના માધ્યમથી જણાવીશ. મારા જીવનકાળના પ્રવાહમાં આવેલી આ સ્ત્રીઓ એ જ આનંદપ્રિયા...
સ્ત્રી, નારી, કેટલા અઢળક વિશેષણોની સ્વામિની.. કોમલાંગી,
વાત્સલ્યમૂર્તિ, સહનશીલતાની દેવી.. નારાયણી, શક્તિ સ્વરૂપા... અને બીજા કેટલાય..
એક પુરૂષના જીવનના દરેક તબક્કામાં કેટકેટલા વિવિધ સ્વરૂપે સ્ત્રી
સંકળાયેલી અને રહેલી છે. આ સંસારમાં કર્મના લેખાજોખા પૂરા કરવા આવવાનું સ્ત્રી
વગર શક્ય જ નથી. બાળકને સહુથી પહેલા અનુભવ જે સ્ત્રીનો થાય છે તે છે એની
જન્મદાત્રી, એની માતા. ગર્ભમાં રહેલ બાળકને અંદાજ પણ નથી હોતો કે એની જન્મદાત્રી
એની કેટકેટલી કાળજી કરે છે. બાળકને સહુથી પહેલો જે અવાજ સંભળાય છે તે હોય છે એની
જનેતાના હ્રદયના ધબકારાનો. મારા જીવનમાં આવેલી સહુથી પહેલી સ્ત્રી એટલે મારી માતા.
હું ખુશનસીબ છું કે મને માતાનો પ્રેમ મળ્યો. ઘણા બધા લોકો આ સંસારમાં એવા છે જેમને જન્મ પછી માતાનો સ્નેહ, વાત્સલ્યભાવ ગુમાવી દેવો પડે છે. આમાં કદાચ એ માતાનો પણ વાંક નહિ હોય, મજબૂરી હશે. પણ જવા દો એ વાત. મારી માતા શૈલ્યા. એનો જેટલો આભાર માનું તેટલો ઓછો. એક મધ્યમ વર્ગીય પરિવારની દિકરી અને એક મધ્યમ વર્ગીય પરિવારમાં પરણીને પુત્રવધુ તરીકે આવી. મારી માતા શૈલ્યા અને પિતા કૌશલના લગ્નના પાંચ વર્ષ પછી મારો જન્મ થયો. પિતા કૌશલનો ટુર્સ એન્ડ ટ્રાવેલનો ધંધો, નાના પાયા ઉપર. માતા-પિતાએ બંનેએ પૂરા લાડ-કોડથી મને ભણાવ્યો મોટો કર્યો. મને હજુ પણ યાદ છે શાળાના એ દિવસો... શાળાએથી ઘરે આવી બહાર રમવા જવાનું, પછી ઘરે આવીએ ત્યારે મા કહે, “હાથપગ ધોઈને જમવા બેસી જા. પછી તારે ભણી-ગણીને મોટા સાહેબ બનવાનું છે.”
આજે આ લખતા વિચાર આવે છે કે એવા પણ બાળકો હશેને જેમને આવા પ્રેમાળ
વાક્યો સાંભળ્યા જ નહીં હોય. એવા પણ બાળકો હશે કે જેમને સાવકી માતા મળી હશે જે
કદાચ કટુ વાક્યોનો અસ્ખલિત પ્રવાહ વર્ષાવતી હશે. એવા પણ બાળકો હશે કે જેઓ ઘરની
પરિસ્થીતીના કારણે શાળાએ ભણવા માટે પણ નહીં જઈ શક્યા હોય અને એવા પણ બાળકો હશે કે જેમને
એમની માતા પ્રેમ તો કરતી હશે પણ આખો દિવસ કાળી મજૂરી કરીને સાંજે ઘરે આવતી હોય
ત્યારે પ્રેમની અભિવ્યક્તિની શક્તિ જ એ માતામાં નહીં રહી હોય.
કન્સ્ટ્રકશન સાઈટ ઉપર, ઝાડના છાંયે કાથીના દોરડા ઉપર ફાટેલા કપડાના
ઝુલામાં કુદરતના ખોળે સૂતેલા બાળકો, જેમની માતા દિવસભર પેટનો ખાડો પૂરવા મજૂરી કરી
રહી હોય તેમના કરતા તો હું ખૂબ જ નસીબદાર છું અને આ બાબત અંગે હું ઉપરવાળાનો આભાર
માનું છું કે મને માતા મળી, માતાનો સ્નેહ મળ્યો અને પ્રેમ પણ..
તો એક સ્ત્રી પાત્ર જેને હું ચાહું છું તેમાં સહુથી પહેલું નામ આવે મારી માતાનું કે જેના કારણે જ મારૂં અસ્તિત્વ છે. હું વિચારૂં છું કે જો મારા માતા-પિતાએ મને આ દુનિયામાં આવવા જ ન દીધો હોત તો?"
“આપણે એની મજાક ઉડાવતા રહ્યા કે આનંદ, તું કેટલાના ચક્કરમાં છે? એ તો કહે. પણ એના આ વિચારો વાંચ્યા પછી મને પોતાને હું વામણો લાગી રહ્યો છું.” કર્મણે ડોક્ટર સમીરને કહ્યું.
ડોક્ટર સમીરની આંખો વરસી રહી હતી.
“આનંદ, બહુ ઉંડો
નીકળ્યો. આપણી જોડે હસી-મજાક કરતો. આપણે બંને જણ આનંદને પૂછતા રહ્યા કે, “તું કોના
પ્રેમમાં છે?” ત્યારે એ હંમેશા કહેતો કે, “કેટલા નામ આપું...?” અને આપણે હસી
પડતા. પણ, આ વાંચ્યા પછી અફસોસ થાય છે કે આપણે એને ખોટો હેરાન કરતા હતા. કર્મણે
વાતનો દોર આગળ ચલાવતા ડોક્ટર સમીરને કહ્યું.”
દરવાજે ટકોરા પડ્યા અને ઘડિયાળમાં રાત્રીના 11.30 નો એક ટકોરો પડ્યો.
કર્મણે દરવાજો ખોલ્યો. શિલ્પા અને કાજલ બંને દરવાજે ઊભા હતા. ડોક્ટર
સમીરને રડતો અને કર્મણને પરાણે રડવું અટકાવી રાખેલ જોઈ આનંદ સાથેની મિત્રતાને
સમજતી બંને સખીઓએ તેમના જીવનસાથીને કહ્યું, “બાકીનું પછી વાંચજો.”
.... વધુ આવતા અંકે...
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment