ફોરમનો અર્થ થાય સુગંધ..
“અંત્યોદય ઉત્થાન
યોજના”, રાજકીય પાર્ટી દ્વારા આવી એક યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તેના
પ્રચાર અને પ્રસારની જવાબદારી વોર્ડમાં વી.એસ.ને સોંપવામાં આવી. વી.એસ.ની જોડે
જોડે જ હું જતો હતો. મારા જ વિસ્તારની ઘણી બધી સોસાયટી, શેરીઓ અને ફ્લેટ જે મેં
જોયા તો ન હતા પણ તેના નામ પણ મને ખબર ન હતી તે તમામથી ધીમે ધીમે હું રાજકીય
પ્રવૃત્તિના કારણે પરિચીત થતો ગયો હતો. પટેલ વાસ, જે વિસ્તારમાં હું રહેતો હતો
તેના ગામતળનો એક વાસ, હાલ તો મોટે ભાગે ત્યાં ભાડુઆત રહે છે. ફોરમ આવી જ એક
ભાડુઆત. વી.એસ.ને એક સ્થાનીક આગેવાને એના વિશે માહિતી આપી, “જરૂરીયાત વાળી
સ્ત્રી છે, એકલી રહે છે અને નોકરી કરી જીવન પસાર કરે છે. સારા વર્ણની (જ્ઞાતિની)
છે એટલે સામે ચાલીને માંગશે નહિ પણ જો તમારાથી કંઈ થઈ શકતું હોય તો...” જમાનાના ખાધેલ
વી.એસ. એ એના વિશેની બાકીની માહિતી જાણી અને પછી મને કીધું, “હું દર મહિને
તને રાશન કીટ અને જીવન જરૂરી વસ્તુઓની કીટ આપીશ. આ બેન તારા સમાજની છે એટલે તું જઈને
એને સમાજ વતીથી આપી આવજે. તારે કેવી રીતે આપવી તે તારો પ્રશ્ન?” પહેલી વખત એને
કીટ આપવા એને ઘરે ગયો એને બહુ જ સમજાવવી પડી કે “આ કોઈ ઉપકાર નથી. આપણા સમાજના લોકોએ
સર્વે કર્યો અને સમાજની યોજના મુજબ આ કીટ આપી રહ્યો છું.” ઘણી સમજાવટ પછી
એણે કીટ લીધી. એ હતી અમારી વાતચીતની શરૂઆત.
એ પછી દર મહિને એને મળવાનું થયું. સ્ત્રીના એક બીજા સ્વરૂપનો પરિચય
થયો. ફોરમે પોતાની જાતની આસપાસ કડક વર્તનનું એક એવું આવરણ બનાવી લીધું હતું કે એની
સાથે કામ સિવાય કોઈ વાતચીત કરતું ન હતું. પણ એ આવરણની અંદર એક કોમળ, લાગણીશીલ અને
પતિથી પીડીત સ્ત્રી છુપાઈને બેઠી હતી. એક સ્ત્રી જે કોઈના ખભે માથું મૂકીને રડીને
મન હળવું કરવા માંગતી હતી પણ એના પોતાના લોહીના સંબંધોના તમામ ખભા પારકા થઈને ઉભા
હતા.
ફોરમ સાથેના પરિચયનો એ લગભગ ચોથો કે પાંચમો મહિનો હશે. હું એના ઘરે રાશનકીટ
આપવા ગયો હતો. એ દિવસે એના ઘરે દરવાજો ખખડાવ્યો ખાસી વાર પછી દરવાજો ખૂલ્યો ફોરમનો
ચહેરો કહી આપતો હતો કે એ રડી રહી હતી અને મોઢું ધોઈને સ્વસ્થ થવામાં વાર લાગી એટલે
દરવાજો ખોલવામાં સમય લાગ્યો.
“બધું બરાબર તો
છે ને.?” અનાયાસે મારાથી પૂછાઈ ગયું.
આવો બેસો પછી વાત... પહેલી વખત એના ઘરે ગયો જુના જમાનાનું મકાન એટલે
રોડ ઉપરથી સીધું જ દેખાય એ રીતે હું ચોકમાં બેઠો. ફોરમે એની જીવન કહાની કહી.
સંસારમાં દુઃખ સામે ઝઝુમતા લોકોની કમી નથી. ફોરમ એમાંની જ એક હતી. બસ એક વિચાર આવ્યો......
.... વધુ આવતા અંકે...
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment