“એક સવાલ પૂછવો છે. તમે કહો તો પૂછું.” ડોક્ટર સમીરના ઘરે સમીરના રૂમમાંથી બહાર આવીને સામે હાલ પૂરતા પોતાના કહી શકાય તે રૂમમાં કર્મણ હજુ હમણાં જ આવ્યો હતો. ફ્રેશ થઈને નાઈટસુટમાં એણે પલંગ ઉપર લંબાવ્યું અને કર્મણ, સમીર અને આનંદની મિત્રતાથી પરિચીત અને આનંદની ડાયરી વાંચ્યા બાદ રોજે રોજ કંઈક અંશે ગંભીર થતા જતા કર્મણને તેની પત્ની કાજલે પૂછ્યું.
“હમમ” કર્મણે ટુંકમાં
સંમતિ આપી અને વર્ષોના સાથથી પતિના એકાક્ષરી જવાબનો અર્થ સમજી ગયેલી કાજલે પૂછ્યું
“આનંદભાઈએ કંઈ ગંભીર લખ્યું છે ? એ કોઈ મોટી મુસીબતમાં હતા? તમે રોજ ડાયરી
વાંચીને આવો છો તે પછી ચિંતામાં હોવ તેવું મને લાગે છે. આનંદભાઈને કોઈ પૈસા
ચૂકવવાના હતા કે એવું કંઈ ટેન્શન હતું.?”
“આ એક સવાલ છે કે
સવાલોનો નિબંધ.?”
કાજલનો હાથ પકડી પોતાની નજીક ખેંચી લેતા કર્મણે પૂછ્યુ અને આગળ
કહ્યું.
“હા તારી વાત
સાચી છે. આનંદની ડાયરી વાંચીને રોજે રોજ માત્ર હું જ નહિ પણ સમીર પણ ગંભીર થઈ જાય
છે. પણ આનંદ કોઈ મુસીબતમાં કે ચિંતામાં કે ટેન્શનમાં ન હતો. આનંદની ડાયરી દ્વારા
અમે એના વિચારો જાણી રહ્યા છીએ અને ત્યારે આનંદની સાથે અમે જે રીતે મજાક મસ્તી
કરતા હતા એના એકલા રહેવા વિશે જે કોમેન્ટ્સ કરતા હતા તે યાદ કરીને આનંદની સામે અમે
કેટલા વામણાં હતા તેની સરખામણી કરી રહ્યા છીએ એટલે મન ઉદાસ થઈ જાય છે. કાજુ,
આનંદના હસતા ચહેરા પાછળનું દર્દ આનંદની ડાયરીમાં વંચાય છે. સ્ત્રી દાક્ષિણ્યની
વાતો કરનારાઓએ આનંદની ડાયરી અને એના વિચારો વાંચવા જોઈએ.” કર્મણે જવાબ આપ્યો.
બરાબર તે જ સમયે સામેના બેડરૂમમાં ડોક્ટર સમીર અને શિલ્પા વચ્ચે પણ
કંઈક આવો જ સંવાદ થઈ રહ્યો હતો.
“મારે પણ આનંદભાઈ
ડાયરી વાંચવી છે.” ડોક્ટર સમીરની છાતી ઉપર માથુ ઢાળીને સૂતેલી શિલ્પાએ સમીરના વાળમાં
હાથ ફેરવતા ડોક્ટર સમીરને કહ્યું.
“કર્મણ જોડે
નક્કી કરીને પછી આપીશ જો એ હા પાડશે તો.” ડોક્ટર સમીરે કીધું અને શિલ્પાને
બાહુપાશમાં સમાવી લીધી.
બીજા દિવસે સવારે બ્રેક ફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ ઉપર સમીર અને કર્મણ
ગોઠવાઈ ગયા હતા. ગરમા ગરમ કોફીની એરોમા પ્રસરી રહી હતી. મહારાજે બનાવેલા ગરમ
મેથીના થેપલા પીરસાઈ રહ્યા હતા. નાસ્તો કરીને ડોક્ટર સમીર તેના ક્લીનીક જવા અને
કર્મણ એની ઓફિસ જવા જોડે જ રવાના થયા અને સમીરે કહ્યું “પેલામાં વાંચવા
આપી દઈશું આપણે વંચાઈ જાય પછી.” સામે કર્મણે “સારૂ રાત્રે આપીએ.”
ટુંકી
વાતચીત પણ અર્થપૂર્ણ બંને વિદાય થયા.
રાત્રે જમ્યા પછી સમીરના રૂમમાં કર્મણે આનંદની ડાયરી આગળ વાંચવાની
શરૂ કરી.
આજે તારીખઃ 30-06-2021..
ડાયરી લખવાની શરૂઆત કરે આજે ત્રણ મહિના પૂરા થયા..
સતત બેસાતું નથી. શ્વાસ ચઢે છે અને લખતા હાથ પણ ધ્રુજે છે. જીવન એના
અંત તરફ જલ્દીથી આગળ વધી રહ્યું છે. કદાચ હવે વધુમાં વધુ 15 દિવસ એ પછી ડોક્ટર
તારા ત્યાં જ મારા ધામા હશે.
કૌશલ્યા ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરી વી.એસ. અને ફોરમે સંભાળી લીધેલ
છે. મારો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો સારો ચાલી રહેલ છે ભગવાનની કૃપા છે. કર્મણ
મારી ગેર હયાતી બાદ મારો ધંધો શિલ્પા અને કાજલના નામ ઉપર કરવાનો છે. જે ડ્રોઅરમાં
આ ડાયરી હતી તેની નીચેના જ ડ્રોઅરમાં એક ફાઈલ છે તેમાં ધંધાની ફાઈલ છે અને સી.એ.
નો નંબર પણ તમે સી.એ.ને મળીને નામ તબદીલ કરાવી લેશો. તમને આ વાંચીને વિચાર આવશે કે
શિલ્પા અને કાજલના નામે કેમ ?
તો સાંભળો મિત્રો, તમારા જેવા વ્યસ્ત માણસ સાથે જીવન જીવવું એ કંઈ
નાની અમથી વાત છે.!? શિક્ષિત અને ક્રિએટીવ માઈન્ડ વાળી સ્ત્રી ગૃહિણી તરીકે વર, ઘર અને
સંસાર બહુ જ સરળતાથી સંભાળી લે છે. પણ પતિ,
એના ધંધા વ્યવાસયમાં ગળાડૂબ લાગી જાય, બાળકો મોટા થઈ જાય ત્યારે સ્ત્રીનું મન કોઈ
પ્રવૃત્તિ તરફ સહજ ભાવે આકર્ષાય છે. સામાન્ય રીતે સ્ત્રીઓ આવો સ્પેર ટાઈમ, મોબાઈલ,
ટી.વી. અને કિટી પાર્ટીમાં બરબાદ કરી નાખે છે પણ જો એક શિક્ષિત અને સમજદાર
સ્ત્રીને કંઈક ચેલેન્જીંગ ક્રિએટીવ વર્ક આપવામાં આવે તો સ્ત્રી આવા વર્કને
ચેલેન્જની જેમ સ્વીકારીને પૂર્ણ કરી બતાવે છે. મારો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો જામેલો
બિઝનસ કોને સોંપવો તે હું નક્કી કરી નહતો શકતો. પણ એપ્રિલમાં રાજની બર્થ ડે
પાર્ટીનું આયોજન, જે રીતે શિલ્પા અને કાજલે સંયુક્ત રીતે મળીને કર્યું તરત જ મને
મારા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા માટે યોગ્ય વ્યક્તિઓ મળી ગયા.
અને આમ પણ, તમે બંને મારાથી ઉંમરમાં નાના છો અને તમારી ધર્મપત્નીઓ
મારા માટે મારાનાના ભાઈઓની જીવનસંગીની એટલે મારી પુત્રીઓ તરીકે ગણાય – સાલાઓ હસસો
નહિ તમે જ મને વડીલ વડીલ કહીને બોલવાતા હતા... હા હા હા ..
--------------------
આટલા લખાણ પછી પાનું ગંદુ હતું.
કર્મણે ડોક્ટર સમીરને એ ગંદુ થયેલું પાનું બતાવ્યું અને પૂછ્યું “આ શું છે.?”
“કંઈ ખબર નથી
પડતી. લાગે છે કંઈક ઢળ્યું હશે જે સાફ કરવામાં આવ્યું હશે.” ડોક્ટર સમીરે
કીધું. આગળના પાના જો કદાચ કોઈ ક્લુ મળી આવે. ડોક્ટર સમીરે આગળ કીધું.
પાછળના બે પાના ઉપર પણ આવા જ ડાઘા હતા એ પછીના પાના ઉપર ફરીથી લખાણ
હતું.
સોરી યાર, હસવું આવ્યું એમાં ઉધરસ ચઢી અને બ્લડ નીકળ્યું એટલે આ પાના
ગંદા થયા...
થાય એટલા સાફ કર્યા છે.
આખી ડાયરી હવે ફરીથી લખી શકાય તેમ નથી. એટલે અંહિથી આગળ લખું છું.
તો મને એવો વિશ્વાસ છે કે મારો ધંધો શિલ્પા અને કાજલ સંભાળી લેશે અને
આગળ પછી એમની મરજી, જે ફાઈલમાં ધંધાના પેપર્સ છે એની જ જોડે મારા ધંધાના તમામ
કોન્ટેક્ટસ, કેટરર્સ, હોટલ્સ, મેનેજર્સ, ટ્રાવેલ ઓપરેટર્સ વગેરે તમામના નામ નંબરો
છે અને સાથે સાથે જેમની ટુર હું નિયમીત લઈ જતો હતો તે તમામ કસ્ટમર્સના નામ નંબર
પણ. એટલે રૂટિન ધંધામાં એમને બહુ વાંધો નહિ આવે.
હમણાં થોડા જ દિવસો પહેલા જીવનના 48 વર્ષ પૂર્ણ થવા બદલ તમે લોકોએ
શુભેચ્છા આપી હતી. તે સમયે તમને અંદાજ નહતો કે આ છેલ્લી બર્થ ડે વીશ તમે મને આપી
રહ્યા છો. પણ હું જાણતો હતો એટલે જ મેં આગ્રહ પૂર્વક તમને બંનેને વીથ ફેમીલી ડીનર
પાર્ટી આપેલ.
યારો, રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ આનંદનો એક ડાયલોગ મેં પચાવવાનો
પ્રયત્ન કર્યો. “બાબુમોશાઈ, જીંદગી લંબી નહિ બડી હોની ચાહિયે.” મારા જન્મ
પહેલા જે નક્કી થયું હતું તે મારૂ ભવિષ્ય હતું. મારા કર્મોને આધિન. મને મારા જીવનથી કોઈ અફસોસ નથી કે એ બદલ કોઈ
ફરીયાદ પણ નથી. મારા કિસ્મતમાં હતો ત્યાં સુધી મા-બાપનો સ્નેહ મળ્યો, સ્કુલ લાઈફથી
તમારા જેવા અંગત મિત્રો મળ્યા, વી. એસ. જેવા વડીલ માર્ગદર્શક મિત્ર મળ્યા. હા જો
કે એક વાત ચોક્કસ સ્વીકારીશ કે જો જીવન થોડુંક વધુ મળ્યું હોત અને સંસાર સુખરૂપ
ચાલ્યો હોત તો સ્ત્રીના બે સ્વરૂપને નજીકથી જોવા જાણવા મળત એક પુત્રી સ્વરૂપ અને
એક પુત્રવધુ સ્વરૂપ પણ ઈશ્વર ઈચ્છા...
હવે હાથ ધ્રુજે છે. આગળ બહુ નહિ લખી શકાય..
-----------------
ડાયરીનું પાનું પૂરુ થયું, કર્મણે પાછળના પાના ઉલટાવીને જોયા, હજુ
કેટલાક પાના લખેલા હતા. એણે ડોક્ટર સમીરની સામે જોયું.
“કોફી પીવી છે? સમીરે પૂછયું અને કર્મણની રાહ જોયા વગર જ દરવાજો ખોલી બહાર
નીકળીને સામેના રૂમમાં બેઠેલ શિલ્પાને કહ્યું. “મહારાજને કહેને મારા અને કર્મણ માટે
કોફી આપી જાય.”
એટલું કહીને રૂમમાં પરત આવ્યો.
રૂમનું વાતાવરણ ગંભીર હતું તેમાં પણ કર્મણ જાણે સામેની દિવાલ ઉપર
કોઈકને જોઈ રહ્યો હોય તેમ અપલક નયને જોઈ રહ્યો હતો.
“શું થયું?” સમીરે પૂછ્યું
“કંઈ નહિ યાર
આનંદની વાતો એણે બધી જ વ્યવસ્થા કરી રાખી હતી. બધાના માટે એણે કંઈ ને કંઈ
વિચાર્યું હતું. મને અફસોસ થાય છે કે હું એના માટે કંઈ ન કરી શક્યો એક વાત કહું, જુન-જુલાઈ માં
એણે મને ફોન કર્યા હતા અને કીધું હતું કે ફ્રી હોવ તો આવને બેસીએ પણ હું બિઝનસ
મીટીંગ્સમાં એને મળવા ન જઈ શક્યો અને તને તો એ ભાગ્યે જ ફોન કરતો એટલે તને તો ફોન
પણ નહિ જ કર્યો હોય” કર્મણના મુખમાંથી શબ્દોની સાથે સાથે આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહી
રહ્યો હતો.
મહારાજ આવીને કોફી સર્વ કરીને જતા રહ્યા.
ફ્રેશ થઈને કર્મણે મન મક્કમ કરીને આગળના પાના વાંચવાના શરૂ કર્યા.
તારીખઃ 07-07-2021
ડોક્ટરના ત્યાં મહેમાનગતિએ જવાનો સમય નજીક આવી ગયો છે. સીડી તૈયાર
કરીને રાખી છે. ગઈકાલે એક કોપી વી.એસ.ને પણ આપી દીધી.
સંસારમાંથી વિદાય થવાનો સમય નજીક આવતો જાય છે.
પાછલા દિવસોમાં ગીતાજી વાંચી, અભ્યાસ કર્યો એવું તો નહિ કહું પણ
સમજવાનો પ્રયત્ન કર્યો. કર્મ યોગ મને ખૂબ ગમ્યો. કર્મ કરો.. આ બધું શાળામાંથી
વાંચ્યુ હોત તો આજે જેટલો માનસિક સ્વસ્થ છું તેના કરતા પણ વધુ સ્વસ્થ હોત.
જવા દો આ બધી વાતો..
મારું નામ આનંદ રાખ્યું ત્યારે મને પણ ખ્યાલ ન હતો કે મારા નામ
મુજબના ગુણ હં કેળવી શકીશ. જેટલું પણ જીવ્યો આનંદથી જીવ્યો... અનેક અનુભવોથી
ઘડાયો, શીખ્યો .. મારી ઈચ્છા મુજબ મારી મિલકતોનો વહીવટ થઈ ગયો છે વ્યવસ્થા કરી
નાખી છે અને આ ડાયરીમાં અને સીડીમાં લખી નાખ્યું છે.
મિત્રો બસ હવે લખવાનું બંધ કરુ છું.
કોઈ ભૂલચુક થઈ હોય, તમને કંઈ કહેવાઈ ગયું હોય તો ક્ષમા યાચું છું અને
આશા રાખું છું કે તમે બનતી ત્વરાએ મારી મિલકતોનો વહીવટ મારી ઈચ્છા મુજબ કરશો.
આવજો.. આવતીકાલથી કદાચ ડોક્ટરની મહેમાનગતિ કરવી પડશે. આજે તો બ્લડની
વોમિટ પણ થઈ, પેશાબમાં પણ બ્લડ પડયું છે. મારા રીપોર્ટ અને મારી બીમારી વિશે જે
મને જાણ છે તે મુજબ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા. યશ અને રાજને મારો સ્નેહ...
અને મારા જવાનો બહુ અફસોસ ન કરતા તમે આનંદમાં રહેશો તો માનજો કે હું
તમારી સાથે આનંદ તરીકે જ છું. ...
અને તમારે જાણવુ હતું ને કે મેં કોને પ્રેમ કર્યો તો મારા જીવનની બધી
જ આનંદ પ્રિયા વીશે તમને જણાવી દીધું....
આવજો તમારૂ અને તમારા પરિવારનું ધ્યાન રાખજો
આનંદના આનંદ પૂર્વક જય શ્રી કૃષ્ણ
-------------
ડાયરી પૂરી થઈ પાછળના પાના કોરા હતા.
.... વધુ આવતા અંકે...
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment