કર્મણ અને સમીર બંને વી.એસ.ને સાંભળી રહ્યા હતા. વી.એસ. એ રીતે વાત કરી રહ્યા હતા જાણે કે એ આનંદના બાળપણનાઅંગત મિત્ર હોય અને આનંદ વિશે એ કર્મણ અને સમીરને જણાવી રહ્યા હોય.
સમીર અને કર્મણ બંનેને ભીતરથી એ સવાલ ઉઠી રહ્યો હતો કે, “આનંદના બાળપણના
અંગત મિત્ર આપણે કે આ વી.એસ.?”
સમીર અને કર્મણ વી.એસ.ની વાત સાંભળી રહ્યા હતા અને વી.એસ.એ બંનેના
ચહેરા તરફ જોયું અને વાત આગળ ચલાવી.
“આનંદ અને હું
છેલ્લા લગભગ 8-10 વર્ષથી પરિચયમાં હતા. મારે ગાડી ભાડે જોઈતી હતી અને એ વખતે
આનંદના પરિચયમાં આવ્યો. એનો હસમુખો સ્વભાવ મને ગમી ગયો. ધીમે ધીમે અમારી મિત્રતા
ગાઢ બનતી ગઈ અને લગભગ રોજ અમે મળવા લાગ્યા. આનંદના હસતા ચહેરા પાછળનું દર્દ ધીમે
ધીમે મારી સામે આનંદ ખોલતો ગયો. એ તમને બંનેને લગભગ રોજ યાદ કરતો. ડોક્ટર જે સીડી
તમને આનંદે આપી છે એની જ એક નકલ ઈને મને પણ આપી છે અને જે ડાયરી તમે વાંચી લીધી
હશે અથવા વાંચી રહ્યા હશો એમાં જે વાત ઈને નથી લખી તે મારે તમને કહેવાની છે.”
ડોક્ટર સમીર અને કર્મણ બંને પોતાની ચેરમાં આંચકો ખાઈ ગયા.
“ઈને તમને નહિ
કીધું હોય કે જમીનના ધંધામાં અમે ભાગીદાર છીએ.” જાણે સમીર અને કર્મણનો ચહેરો વાંચી
રહ્યા હોય એ રીતે વી.એસ. એક વાક્ય બોલીને ઉભા રહી ગયા.
સહેજ હસીને આગળ બોલ્યા, “ઈ તમારા બંનેને તમારા કરતા પણ વધુ સારી
રીતે ઓળખતો હતો. મારી સાથેના પરિચયમાં આવ્યા બાદ અમે ઘણા બધા સેવાના કામ જોડે
કર્યા. આનંદ એના સ્વભાવના કારણે અમારા વિસ્તારમાં આનંદ -108 તરીકે ઓળખાવા લાગ્યો
હતો. કોઈનું રાશનકાર્ડ કઢાવવાનું હોય, આવકનો દાખલો કે અન્ય સરકારી યોજનાના કામ
આનંદ હર હંમેશ તૈયાર હોય. એ દોડતો હતો. એના ભીતરના ખાલીપાને ભરવા માટે, એ દોડતો
હતો એ બતાવવા માટે કે એ અંદરથી પણ મજબૂત છે. પણ હકીકતમાં એ અંદરથી તૂટી ગયો હતો,
એકલો પડી ગયો હતો, એ સંસાર સજાવવા માંગતો હતો અને એને એનો પ્રેમ મળ્યો પણ ખરો પણ
ત્યારે બહુ મોડુ થઈ ચૂક્યું હતું. એને બોનમરોનું કેન્સર ચોથા સ્ટેજમાં ડિકેક્ટ
થયું અને એ પણ જ્યારે સતત એની તબિયત ખરાબ રહેવા લાગી અને લોકલ ડોક્ટરની દવાથી કોઈ
ફેર ના પડ્યો ત્યારે એનો ફુલ બોડી ચેક અપ કરાવ્યો ત્યારે.” વી.એસ. એક વિરામ લેવા અટક્યા અને સમીર અને
કર્મણ બંને જાણે આનંદના નવા રૂપને જોઈ રહ્યા હોય તેમ એકીટશે વી. એસ.ને જોઈ રહ્યા
હતા. અચાનક કર્મણને કંઈક યાદ આવ્યું અને ઈન્ટરકોમ ઉપર એણે ત્રણ કોફી અને પાણી
લાવવા જણાવ્યું અને પૂછ્યું, “શું નાસ્તો લેશો
સાહેબ?”
“કંઈ જ નહિ,” વી.એસ.એ કહ્યું અને આગળ વાત ચલાવી
“એક વખત જમીનના
એક સોદામાં હું આનંદને મારી ભેળા મારા વતન લઈ ગયો હતો. મને ઉંડે ઉંડે એવું જ હતું
કે આ સોદો નહિ જ થાય અને ઈય પાછો મારા ભાવથી તો નહિ જ. સામે ખેડૂતો
વચ્ચે વિખવાદ હતો. આનંદ સાથે રસ્તામાં ચર્ચા થઈ અને અમે સ્થળ ઉપર પહોંચ્યા. વાત
શરૂ થઈ મેં કહેવા ખાતર એવું કીધું કે, “આ મારા ભાગીદાર છે અને મારે જો અમારા
ભાવમાં મલતી હોય તો જમીન લેવી છે.” એ પછી ખેડૂતોએ આનંદ જોડે વાત કરવાનો આગ્રહ રાખ્યો આનંદે એવી આવડતથી
વાત કરી કે મને મારા ભાવથી પણ ઓછા ભાવમાં જમીન અપાવી. એ જમીન મેં બારોબાર નફો લઈને
વેચી અને આનંદને નફામાં 10 પૈસાનો ભાગ આપ્યો ઈને જો સોદો કરાવ્યો ન હોત તો મને પણ
કમાવા મળ્યું ન હોત. બસ એ પછી મારા દરેક સોદામાં હું ઈને ભેળો લઈ જાતો. મારી પાસે
આનંદના હિસ્સાના બે ખોખા આસપાસ છે. આનંદની ઈચ્છા હતી કે ઈ ફોરમ માટે એક સારો ફ્લેટ
ખરીદે પણ એ ફોરમને કહી ન શક્યો. હવે એ ઈચ્છા આપણે તઈણે જણે પૂરી કરવાની છે અને
બાકી જે રકમ વધે તેની ગોઠવણ તમારે બંને જણાએ કરવાની છે.”
વી. એસ.એ વાતને વિરામ આપ્યો, કર્મણની ચેમ્બરમાં પીનડ્રોપ સાયલન્સ
પથરાઈ ગયું હતું. કોફીના કપ ખાલી થઈ ગયા હતા અને મગજ સુન્ન થઈ ગયા હતા.
કર્મણ વિચારી રહ્યો હતો, “આનંદના બે ખોખા આ માણસ પાસે છે. આનંદને
આ માણસ ઉપર કેટલો વિશ્વાસ હશે.”
બીજી વાત, આનંદનો આગ્રહ હતો કે એના મકાનનો દસ્તાવેજ મારા નામ ઉપર હું
કરાવી લઉ. એટલે એના મકાનનો દસ્તાવેજ મારા નામ ઉપર કર્યો છે. હવે તમે જણાવો ત્યારે
તમારી હાજરીમાં એના કપડાં અને વાસણો જરૂરીયાત વાળા લોકોને દાનમાં આપી દઈએ.
વી.એસ.ની વાતો સાંભળીને કર્મણ અને સમીર બંને વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા.
થોડીક સ્વસ્થથા કેળવીને સમીરે કહ્યું એક બે દિવસનો સમય આપો તમને સમય
ગોઠવીને જણાવીએ.
તો હું રજા લઉં. વી.એસ.એ કહ્યું અને ખુરશીમાંથી ઉભા થયા. બાય ધ વે,
તમારા બંનેના ઘરના અને ઓફિસના તમામ સરનામા આનંદે મને આપી રાખ્યા છે. આવજો.
શૂન્યમનસ્ક કર્મણ અને સમીર વી.એસ.ને જતા જોઈ રહ્યા હતા.
આજે એમણે એ આનંદને જાણ્યો હતો જે આનંદને એ ક્યારેય જાણી નહતા શક્યા.
એક પ્રેમી તરીકે, એક સમાજ સેવક તરીકે અને એક જમીનના વેપારી તરીકેના આનંદને.
.... વધુ આવતા અંકે...
આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
No comments:
Post a Comment