બીરજુ - બીરવા
ભાગ-1
“એડી છોરીમેં
કન્ને અક્લ આવેગી?”
એક આધેડ વયની સ્ત્રી ગુસ્સામાં એક નાની બાળકીને ધમકાવી રહી હતી અને એ
આગળ કંઈ બોલે એ પહેલાં એના ઘરવાળાએ એને ધમકાવી
“તને કેટલી વખત
કીધું કે જે ભાષામાં બોલ એ એક જ ભાષામાં બોલ બધા જ પ્રાંતની બોલી ભેગી કરી નાખે
છે. તારી આ રીત તું નહિ સુધારે તો વહેલી પકડાઈ જઈશ અને અમને પણ પકડાવી નાખીશ.”
“બાપુ તમે બી
લાંબુ નથી વિચારતા આવી બોલી આપણા અભણ અને વિચરતી જાતીના હોવાનો પૂરાવો પણ બની શકે
ને.” અત્યાર સુધી મૌન બનીને ઉભી રહેલી બાળકીએ પેલી સ્ત્રીને ધમકાવતા એના
ઘરવાળાને કીધું
“કામ પર લાગો
રાતનો ઉજાગરો કરવાનો છે.” પેલા પુરૂષે
કીધું.
અમદાવાદ જિલ્લો પૂરો થાય અને
સુરેન્દ્રનગર જિલ્લો શરૂ થાય તેવા અમદાવાદ જિલ્લાના છેવાડાના ગામ થોરી થાંબાના
પાદરમાં છેલ્લા કેટલાક દિવસથી વિચરતી જાતીના હોય તેવા લોકોએ પડાવ નાખ્યો હતો. પાંચ
છ કામચલાઉ ઝુંપડા ઉભા કર્યા હતા. તાડપત્રી બે ત્રણ ઉંટ અને થોડા ઘેટાં બકરાં હતા.
થોડા તુટેલા ખાટલા અને જરૂરી સામાન. પહેલી નજરે જ વિચરતી જતી જાતીના લોકોએ પડાવ
નાખ્યો હોય તેવું પ્રતિત થતુ હતું.
પાણાની ગોઠવણી કરીને આધેડ વયની સ્ત્રીએ ચૂલો બનાવ્યો અને આજુબાજુના
વિસ્તારમાંથી સૂકાયેલા ડાળી-ડાળખાં પેટાવી ચૂલા ઉપર પાવડાનું પાનું ધોઈને તાવડી
તરીકે મૂકી રોટલા ટીપવા લાગી. આ સમયે આ સ્ત્રીને થોડી વાર પહેલા ધમકાવતો તેનો ધણી
થોડે દૂર ખાટલામાં બેસીને ચલમ ફૂંકી રહ્યો હતો અને એની આસપાસ બીજા સાત-આઠ જણ ટોળું
વળીને બેઠા હતા અને કોઈ ચર્ચા કરી રહ્યા હતા. એ પુરૂષની બાજુમાં જ બેઠી હતી પેલી
નાની બાળકી.
”બીરજુ અટે આ. વા થારો કોઈ કામ ની હૈ.” રોટલા ઘડતી સ્ત્રીએ પેલી નાની છોકરીને
બુમ પાડીને બોલાવી.
અને બીરજુ પિતાની જોડેથી
ઉઠીને એની મા પાસે ગઈ.
”મા પિતાજીની યોજના આમ સારી છે પણ મને ઠીક નથી લાગતી. બાપુ એક વાત
ભૂલી ગયા છે.” નાની બીરજુએ એની મા ને
કહ્યું.
“થારો બાપ સમાજ
રો મુખી વે. વો જો કરે સોચ સમજીને કરે છે.” ફરીથી અલગ અલગ પ્રાંતની મિશ્ર ભાષામાં
સ્ત્રીએ નાની છોકરીને સમજાવી.
“રાત્રે જાગવાનું
છે એટલે ખપ પૂરતું જ જમજો અને ઔરતોને કહી દો કે રાત્રે ઉચાળા ભરવાના છે.” મુખી એ કહ્યું
અને સહુ છુટા પડ્યા.
શિયાળો ચાલી રહ્યો હતો. તાપણું દૂરથી જ દેખાઈ રહ્યું હતું. કૃષ્ણ
પક્ષની રાત્રી હતી એટલે સમય પસાર થાય તેમ અંધકાર વધુને વધુ ગાઢ થઈ રહ્યો હતો.
જમવાનું પતાવીને પુરૂષ વર્ગના લોકોએ ટુંકી પોતડી ધારણ કરી ઉપર બંડી
માથે ફાળિયું બાંધ્યુ અને પોતાના કમરપટ્ટામાં વિવિધ ઔજાર, ગણેશિયો (દરવાજા કે
તિજોરીનું તાળું કે નકુચો તોડવા વપરાતું સાધન), બિલાડી (દિવાલ ઉપર ચઢવા કે
કુવામાંથી કોઈ વસ્તુ ખેંચીને બહાર કાઢવા વપરાતું સાધન) ખાતરીયો (દિવાલ તોડવાનું
સાધન) લીધો, હાથ પર તેલ લગાવ્યું અને ચહેરા ઉપર મેશ અને માતાજીની મૂર્તિને પગે લાગીને અંધકારમાં
ઓગળી ગયા. એ સાથે જ એ સમાજની સ્ત્રીઓ પોતાના ત્યાં હોવાના તમામ પૂરાવા નષ્ટ કરવા
લાગી. હજુ હમણાં જ જ્યાં ચૂલો સળગાવ્યો હતો ત્યાં પણ હાલ જાણે કશું જ થયું નથી
તેવું લાગી રહ્યું હતું. કામચલાઉ તંબુ ખુલવા લાગ્યા સામાન બધો ફટાફટ ભરાઈ ગયો અને
ઉંટ ઉપર ગોઠવાઈ ગયો. ઉંટોને ચારે બાજુ બેસાડી વચ્ચે સ્ત્રીઓ અને બાળકો ગોઠવાઈ ગયા
હતા. ઘેટાં બકરાને પણ ઉંટની વચ્ચે બેસાડી દીધા હતા.
રાતનો ત્રીજો પહોર અડધો પત્યો હતો અને અંધકાર સળવળી ઉઠ્યો એ સમાજના
પુરૂષો જે પહેલા પહોરે નીકળ્યા હતા તે પરત આવ્યા એમની સાથે મોટી ગાંસળીઓ હતી જે
ઉંટ ઉપર મૂકીને બધા જ ત્યાંથી રવાના થઈ ગયા. પણ એ પુરૂષોમાં એક પુરૂષ સહેજ
લંગડાઈને ચાલતો હતો એટલે એને બાકીનાએ ભેગા થઈને એક ઉંટ ઉપર ઉંધા બાંધેલા ખાટલામાં
સુવડાવી દીધો.
“બાપુ તમે ઠીક તો
છો ને?” બીરજુ-પેલી નાની બાળકીએ પૂછયું
“અવાજ ન કર સવારે
વાત.” ખાટલામાં સૂતેલા મુખીએ કડક અવાજમાં કીધું.
No comments:
Post a Comment