બીરજુ - બીરવા
ભાગ – ર
બીજા દિવસની સવારે જે ગામના પાદરમાં ધામા નાખ્યા હતા તે ગામમાં હો હા
થઈ ગઈ. ગામના મુખીના ત્યાં ચોરી થઈ હતી. ચોર ઘરની પછીતે આવેલી ગમાણમાંથી દિવાલ
કોચીને ઘુસ્યા હતા. મુખીના ઘરે અવસર આંગણે આવીને ઉભો હતો. આવતા અઠવાડિયે છોકરાની
જાન બાજુના ગામમાં જવાની હતી. હજુ હમણાં જ ઘરને ધોળાવવામાં આવ્યું હતુ અને જાત
જાતના મોર-ચકલા-પોપટના ચિતરામણથી સજાવવામાં આવ્યું હતું. ઘરમાં જુના તાંબા
પિત્તળના વાસણો હતા એમને ઘસી ઘસીને ચમકાવવામાં આવ્યા હતા. ઉપરના મેડા ઉપર
પહેરામણીનો સામાન, વહુને આપવાના દાગીના અને બીજી જે ખરીદી કરી હતી તે વ્યવસ્થિત
ગોઠવીને મૂકવામાં આવી હતી. મેડાની પાછળની તરફની ડોકાબારી અંદરથી બંધ કરવામાં આવી
હતી. મેડા ઉપર આવવું હોય તો એક જ રસ્તો હતો, દાદર ચઢીને જ ઉપર આવી શકાય. ચોરીની
રાત્રે બે ચોકીયાત ઘરના મુખ્ય દરવાજાની આજુ બાજુમાં બેસાડવામાં આવ્યા હતા. મુખી
પોતે ફળિયામાં ખાટલો નાખીને સૂતા હતા અને એની બીજી બાજુ એનો છોકરો. ઘરના નીચેના
ઓરડામાં મુખીની પત્ની અને દિકરી. ઉપર જવાના દાદરાની આગળનો કમાડ બરાબર બંધ કરવામાં આવ્યો હતો. વહેલી
સવારે પસાયતો ગમાણમાં નીરવા ગયો ત્યારે દિવાલ કોચાયેલી જોઈ અને બૂમરાણ મચાવી દીધી.
મુખી અને એનો દિકરો જાગીને ગમાણ તરફ દોડ્યા ગમાણની દિવાલ જે પાછળની તરફ પડતી હતી
તેમાં એક જગ્યાએ બાકોરૂં હતું. હજુ ત્રણ દિવસ પહેલા જ ત્યાં જે ભેંસને બાંધવામાં
આવતી હતી તેને વાડીએ બાંધવાનું શરૂ કર્યું હતું. એ જ જગ્યાએ બાકોરૂં પાડ્યું હતું.
ત્યાંથી ઘરની પાછળની દિવાલના મોભનો લાગ લઈને મેડાની પાછળની બારી ખોલવામાં આવી હતી
અને લગ્ન પ્રસંગના સામાનમાંથી જે સરળતાથી લઈ જઈ શકાય તેમ હોય તે બધી જ વસ્તુઓ ગાયબ
હતી. મુખીના ઘરે કાગારોડ મચી ગઈ. ગામમાં ધીરે ધીરે ખબર પડી અને માણસ ભેગા થવા
લાગ્યા. જે રીતે ચોરી થઈ હતી તે સ્પષ્ટ કરી રહી હતી કે, ચોર ચોરી કરતા
પહેલા પણ મુખીના ઘરે આવીને ક્યાં શું છે? તેનો અભ્યાસ કરી ગયેલ છે.? પણ કોણ આવ્યું
હતું તેનો અંદાજ કોઈને આવતો ન હતો. મેડા ઉપરની પાછળની બાજુની બારીનો દરવાજો મુખીએ ધ્યાનથી જોયો
ત્યારે ખ્યાલ આવ્યો કે એક બાજુના દરવાજાના નકુચાની નીચે આંગળી જાય તેટલું કાણું
પાડવામાં આવ્યું હતુ અને કાણું દેખાય નહિ એટલે એ જ લાકડાનો ડટ્ટો ત્યાં પરોવી
દેવામાં આવ્યો હતો. અચાનક મુખીએ ચોકીદારને બૂમ પાડી, “પાદરમાં પેલા મજૂરો
આવ્યા હતા એમને પકડો.. ઝટ..”
મુખીના ઘરે અવસર હતો, એટલે કામની ભરમાર હતી. ઘરના સભ્યો અને નોકરો
કામમાં પહોંચી વળતા ન હતા એવામાં વાડીએથી પરત આવતા મુખીના પત્નીએ ગામના પાદરમાં
વિચરતી જાતિના કાચા ઝુંપડા જોયા. ઘરે કામ અને પાદરમાં કામની શોધમાં નીકળેલ માણસો.
ઘરે આવીને મુખીને વાત કરી કે પાદરમાં વણઝારા આવ્યા છે એમને દહાડી મજૂરીએ બોલાવો તો
કામ જલ્દી પતે અને એ બચારા માણસોને કંઈક રૂપિયા મળે. મુખીએ પાદરમાં પડાવ નાખી
બેઠેલા વિચરતી જાતિના લોકોના આગેવાનને ડેલીએ બોલાવ્યો અને પૂછ્યું
“એલા ક્યાંથી આવો
છો અને શું નામ તારૂં?”
“મુખી બાપા,
કચ્છથી આવીએ છીએ મું મંગો, કામની શોધમાં છય.” આવનારે પોતાની ઓળખાણ આપી.
“મારા ઘર્યે કામ
કરશો. બે ટંકના રોટલા મળી જાશે અને કામ પતે પછી રોકડા પણ.” મુખીએ
આદેશાત્મક અવાજમાં કીધું.
“આપની મહેરબાની
બાપા, બૈરા અને અમે આદમીઓ હંધાય આવી જાશું અને તમે ચીંધો તે હંધુય કરશું.” મંગાએ જવાબ
આપ્યો.
“હારુ કાલ સવારથી
આવી જાવ.” મુખીએ ખુમારીથી કીધું.
બીજા દિવસે સવારે પાંચેક આદમી અને પાંચેક સ્ત્રીઓ મુખીના ઘર આંગણે
આવીને ઉભા રહી ગયા. સાથે હતી એક દશ બાર વર્ષની નાની છોકરી.
No comments:
Post a Comment