Sunday, September 25, 2022

બીરજુ- બીરવા ભાગ - 6

 

ભાગ 6

સુમંત પારેખે હેમંત પારેખને ફોન લગાવ્યો. હેમંતે ફોન ઉપાડ્યો..”મોટા, આપણા ત્યાં રેડ પડી, ઈન્કમટેક્ષ વાળા આવ્યા અને લગભગ દશ લાખના દાગીના સીલ કરીને પોતાની જોડે લઈ ગયા. ગભરાયેલા અવાજે સુમંતે હેમંતને ઉતાવળે કહ્યું.

સામે છેડેથી પણ એવો જ ગભરાયેલો જવાબ આવ્યો શું કહે છે.? ક્યારે?”

બસ હમણાં જ રેડ પતી એ લોકો ગયા અને મેં ફોન કનેક્ટ કરીને તને ફોન કર્યો.

તું ધીરજ રાખ અને ગભરાઈશ નહિ હું આજ સાંજ સુધી પાછો આવું છું.

પારેખ જ્વેલર્સમાં આજે ગભરાહટ અને ઉચાટનો માહોલ થઈ ગયો હતો. બપોર પછી જેમ બજારમાં વાત ફેલાતી ગઈ તેમ સોના ચાંદીની પેઢીઓમાં સ્ટાફની પરેડ શરૂ થઈ ગઈ.

સોના ચાંદીના ધંધામાં કાચી ચિઠ્ઠીઓ ઉપર હિસાબ હોય. જેટલી પણ ચિઠ્ઠિઓ હતી તે બધી જ ઉલટાવવાની પ્રક્રિયા પૂર વેગમાં શરૂ થઈ ગઈ હતી. ગુમાસ્તાઓ અને મુનીમો હિસાબના ચોપડા વ્યવસ્થિત કરવા મંડી પડ્યા હતા. ચિઠ્ઠી ઉપર જે દાગીના પોલીશ કામ કરવા કે ઘાટકામ કરવા લીધા હતા તે બધા જ કામ ફટોફટ પૂરા કરીને પેઢીઓ વચ્ચે હિસાબોની પતાવટ કરવામાં આવી રહી હતી. બિલ વગરના જે દાગીના ખરીદ કરવામાં આવ્યા હતા તે બધા જ સગેવગે કરવામાં આવી રહ્યા હતા. ટુંકમાં અમરેલીના સોની બજારમાં દોડાદોડી અને અફડા-તફડીનો માહોલ હતો.

બજારના અફડા તફડીના માહોલ વચ્ચે આશરે 8 આસપાસ હેમંત પારેખ જ્વેલર્સમાં દાખલ થયો. ઓફિસ સ્ટાફ જાણે શોકસભામાં બેઠો હોય તેમ બેઠો હતો અને સુમંત મોં લટકાવીને કાઉન્ટર ઉપર.

શું થયું ? શાંતિથી આખી વાત કર.

બપોરના સમયે સ્ટાફ જમીને પાછો એમના સ્થાને ગોઠવાયો હતો અને.... સુમંતે આખી વાત હેમંતને કરી અને છેલ્લે છેલ્લે તો ડી.વી.આર. પણ લઈ ગયા ઈન્વેસ્ટીગેશન માટે.

શું ડી.વી.આર.? પણ ડી.વી.આર. શા માટે ?” હેમંતને શંકા પડી અને તેણે પોતાના ઈન્કમટેક્ષ લોયરને ફોન લગાવ્યો. વાત સાંભળીને ઈન્કમટેક્ષ લોયર પણ વિચારમાં પડી ગયા કે કોઈ અધિકારી ઈન્કમટેક્ષના ઈન્વેસ્ટીગેશન માટે ડી.વી.આર. શા માટે લઈ ગયા. ઈન્કમટેક્ષ લોયરે હેમંતને ફોન લાઉડ સ્પીકર ઉપર મૂકવા કહ્યું અને પૂછ્યું, સાથે કોઈ લોકલ પોલીસની ગાડી કે સ્ટાફ હતો?” ના સુમંતે જવાબ આપ્યો. કોઈ હિસાબી ચોપડા સીઝ કરીને લઈ ગયા?” ના સુમંતે ફરી નકારમાં જવાબ આપ્યો.

મને કંઈક ગરબડ લાગે છે. ઈન્કમટેક્ષની રેડ હોય તો લોકલ પોલીસ જોડે હોય, ડી.વી.આર. ના લઈ જાય અને હિસાબના ચોપડા સીઝ કરીને લઈ જાય. હેમંત તું પોલીસમાં ફરિયાદ કર તરત જ. સામેથી લોયરે સૂચના આપી.

ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીની ઓળખ આપીને પારેખ જ્વેલર્સમાં ધોળા દિવસે ભરબપોરે ઠગ ટોળકીએ દશલાખના દાગીના ઉડાવી લીધા હતા. બીજા દિવસે દરેક સમાચારપત્રમાં પારેખ જ્વેલર્સની લુંટના સમાચાર મુખ્ય પાના ઉપર પ્રસિધ્ધ થયા હતા.

હિંમતનગર પાસેના એક નાના ગામ હડિયોલમાં હમણાં હમણાં જ એક જ લાઈનમાં ચારેક મકાન ભાડે રાખીને એક મોટો પરિવાર રહેવા આવ્યો હતો. પરિવારના વડીલ એક વૃધ્ધ વ્યક્તિ હતા જેમને ચાલતી વખતે પગ લંગડાતો હતો. એ અને એની જ ઉંમરના એક બીજા વૃધ્ધ સવારનો ચા-નાસ્તો કરી રહ્યા હતા અને સાથે સાથે ચર્ચા પણ. આ છોકરાઓ કામ મોટા કરે છે પણ મને ચિંતા રહે છે.

હા વાત સાચી પણ આપણા કરતા પણ બહુ ઝીંણુ વિચારીને કામ કરે છે. એટલે બહુ ખોટી ચિંતા ન કર.”

બંનેની વાતો ચાલતી હતી એવામાંજ એક મહિન્દ્રા કમાન્ડર જીપ આવીને બહાર ઉભી રહી. અઠ્યાવીસ ત્રીસ વર્ષની ઉંમરની એક યુવતી અને એની જ આસપાસની ઉંમરના ચાર છોકરાઓ ઉતર્યા. દરેક છોકરાના ખભે એક એક થેલા હતા. યુવતી ઘરમાં દાખલ થઈ અને એની પાછળ પાછળ છોકરાઓ. દાખલ થતાની સાથે જ યુવતીએ ખાટલામાં સૂતેલા સહેજ લંગડાતા પગે ચાલતા વૃધ્ધને પગે લાગી કહ્યું, બાપુ કેમ છો.? કેવી તબિયત.” અને પછી સામેના ખાટલામાં બેઠેલા બીજા વૃધ્ધને કહ્યું, અને તમે કેમ છો કાકા.”  અમે તો મજામાં પણ તારી ચિંતા રહે છે. ખાટલામાં સૂતેલા વૃધ્ધે કહ્યું. તમે જરાય ચિંતા ન કરો. તમે જે શીખવ્યું તેમાં જ અમે અમારૂં ભણતર અને આવડત ઉમેરીએ છીએ. કહીને પેલી છોકરીએ એની સાથે આવેલા છોકરાઓની સામે જોયું છોકરાઓએ પોતાના ખભેથી થેલા ઉતારીને બંને વૃધ્ધોની વચ્ચે મૂકી દીધા. આ પચ્ચીસ લાખ છે રોકડા. છાપામાં તમે વાંચી જ લીધું હશે. ખર્ચો બાદ કરતા આટલા વધ્યા હવે હમણાં બે-ત્રણ મહિના શાંતિથી અંડર ગ્રાઉન્ડ થઈ જઈશું. પછી ફરી પાછા નવા કામમાં પરોવાઈ જઈશું.

અબ હી આઈ કે વાર થઈ તને..?” અંદરથી બહાર આવતા એક વૃધ્ધા બોલી અને ખાટલામાં પડેલ વૃધ્ધ સહેજ ગુસ્સા અને કંટાળેલ સ્વરે કહ્યું ,“આખી જીંદગી નીકળી ગઈ પણ તને હજુ બોલતા ન આવડ્યું.

ખાટલામાં પડેલ સહેજ લંગડાતી ચાલે ચાલતો વૃધ્ધ એ બીજો કોઈ નહિ પણ મંગો એની સામે બેઠેલ એની જ ઉમંરનો વૃધ્ધ એટલે જગો અને પેલી યુવતી એટલે બીરજુ...

Sunday, September 18, 2022

બીરજુ- બીરવા ભાગ - પ

 

ભાગ -  5

અમરેલીના સોની બજારમાં પારેખ જ્વેલર્સનું મોટું નામ. જુની અને જામેલી પેઢી ધીકતો ધંધો અને ગ્રાહકોની ભરમાર ભલેને પછી સીઝન હોય કે ન હોય. પારેખ જ્વેલર્સના સ્થાપકનું નામ પિતાંબરદાસ પારેખ, બ્રિટીશ હકુમત વખતે એમને પોતાની સોના ચાંદીની પેઢી શરૂ કરી હતી, પારેખ જ્વેલર્સના નામથી. વેપારની આવડત વાણિયાના દિકરાને લોહીમાં મળેલ હતી. ભારત આઝાદ થયું ત્યારે આખા અમરેલી શહેરમાં પિતાંબરદાસ પારેખે બુંદીના લાડુ વહેંચ્યા હતા. પિતાંબરદાસ પછી એમના દિકરા ભગવાનદાસના હાથમાં પારેખ જ્વેલર્સનું સંચાલન આવ્યું. દિકરો બાપથી સવાયો નીકળ્યો. ભગવાનદાસે અમદાવાદ અને રાજકોટ બંને જગ્યાએ વેપારી સંબંધો મજબૂત બનાવ્યા. અમદાવાદ અને રાજકોટથી જે કોઈ વેપારી અમરેલી વેપાર કરવા આવે એ પારેખ જ્વેલર્સ અચૂક આવે જ અને ભગવાનદાસ પારેખ કાઠિયાવાડની પરંપરા મુજબ, આવનારને તાણ કરીને પોતાના ઘરે લઈ જાય અને જમાડે. વેપારી જગતમાં પારેખ જ્વેલર્સની જે છાપ પિતાંબરદાસ પારેખના સમયમાં હતી તેનાથી પણ વધારે ભગવાનદાસ પારેખના સમયમાં થઈ.  ભગવાનદાસ પારેખની ઉપર કુદરત મહેરબાન હતી. બે જોડીયા પુત્રો હેમંત અને સુમંતનો જન્મ થયો ત્યારે દાદા પિતાંબરદાસ પારેખને જ હરખ થયો હતો તેનાથી વધુ હરખ પિતા ભગવાનદાસ પારેખને થયો જ્યારે, બંને ભાઈઓ હેમંત અને સુમંત દશમા ધોરણમાં જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવ્યા.

બંને ભાઈઓએ દાદા અને પિતાનો વારસો આગળ વધાર્યો અને પારેખ જ્વેલર્સની પ્રતિષ્ઠામાં વધારો કર્યો અને સાથે સાથે ધંધામાં પણ, હેમંતે માર્કેટીંગનું સંભાળી લીધું અને સુમંત પેઢી ઉપર બેસે. સામાન્ય વેપારી જ્યાં 50-100 ગ્રામ સોનામાં ધંધો કરતો હોય ત્યાં પારેખ જ્વેલર્સ બિસ્કીટમાં ધંધો કરે.

ઉનાળાનો સમય હતો. આકાશમાંથી જાણે અગ્નિવર્ષા થઈ રહી હોય તેમ ગરમી પડી રહી હતી. બજારની મોટાભાગની દુકાનો બંધ હતી. પંખીઓ માળામાં જંપી ગયા હતા. પારેખ જ્વેલર્સમાં સુમંત પારેખ પેઢી ઉપર બેઠો હતો અને સ્ટાફ હાલ જ જમીને પાછો તેમના સ્થાને ગોઠવાઈ ગયો હતો. એવા સમયે પારેખ જ્વેલર્સની આગળ એક સાથે ત્રણ સફેદ એમ્બેસડર ગાડી આવીને ઉભી રહી. ત્રણે ગાડીમાં ખાલી ડ્રાઈવરો જ પોતાના સ્થાને રહ્યા અને બાકીના સભ્યો ફટાફટ પારેખ જ્વેલર્સમાં દાખલ થયા. આવનાર બધા જ ફોર્મલ કપડામાં હતા. હાથમાં ફાઈલો એમાંના એકે કાઉન્ટર ઉપરનો ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો અને સુમંતને કીધું, ડોન્ટ મુવ, ઈટ્સ રેડ ફ્રોમ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ. બધા જ પોત પોતાના હાથ ઉપર કરી કાઉન્ટરની બહાર આવી જાવ.એ સાથે જ એક આશરે 28-30 વર્ષની યુવતીએ પારેખ જ્વેલર્સમાં પ્રવેશ કર્યો. રૂઆબદાર ચાલ. બ્લેક પેન્ટ ઉપર ફોર્મલ ક્રીમ શર્ટ. લાંબાવાળને પોની ટેઈલ કરીને વ્યવસ્થિત બાંધ્યા હતા. પારેખ જ્વેલર્સમાં આવીને સુમંતની સામે નજર કરી અને બાજુમાં ઉભા રહેલ સાથીને સંબોધીને કહ્યું, મીસ્ટર સુબ્રમણ્યમ, પ્લીઝ ચેક ધ લેઝર ફ્રોમ લાસ્ટ 7 યર. એન્ડ મીસ્ટર રોહન પ્લીઝ ચેક ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ ઓલ્સો. નો  બડી ઈઝ એલાઉ ટુ મુવ ઓર કોલ એનીવન અનટીલ ધ રેઈડ ઈઝ ઓવર. પારેખ જ્વેલર્સના હિસાબોના ચોપડાનો ખડકલો ઓફિસમાં વચ્ચે કરવામાં આવ્યો હતો. મીસ્ટર સુબ્રમણ્યમ અને બીજા બે - ત્રણ  જણ હિસાબોના ચોપડા ઉથલાવી રહ્યા હતા. અન્ય બે વ્ય્કિતઓ સ્ટાફના નિવેદનો લેવામાં લાગ્યા હતા. સુમંત પારેખને એ.સી.માં પણ પરસેવો વળી ગયો હતો. પારેખ જ્વેલર્સની બહાર જવાની તથા બહારથી અંદર આવવાની કોઈને પરવાનગી ન હતી.

આશરે એક કલાક એમ જ ગયો અને મીસ્ટર સુબ્રમણ્યમ ઉભા થયા અને લેડી ઓફિસર પાસે આવીની કીધું. મેડમ અવર એઝમશન્સ આર રાઈટ. ધે પરચેઝ એન્ડ સેલ ધ ગોલ્ડ વીધાઉટ બિલ એન્ડ ઈવન સ્ટોક ઓફ ગોલ્ડ ઈઝ લાર્જર ધેન ધ સ્ટોક ઈન બુક. સુબ્રમણ્યમની વાત સાંભળીને લેડી ઓફિસરે સુમંત પારેખને શુધ્ધ ગુજરાતીમાં કહ્યું., “મીસ્ટર સુમંત પારેખ, અમારી રેડમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, તમે સોનાની ખરીદી અને વેચાણના તમામ વ્યવહારો બિલથી કરેલ નથી અને તમારી દુકાનમાં જે સોનાનો સ્ટોક છે તે બુકમાં રહેલ સ્ટોક કરતા વધારે છે. અમારે નિયમ મુજબ આ વધારાનો સ્ટોક સીલ કરવો પડશે તમારા જ સ્ટાફના બે વિશ્વાસુ વ્યકિતઓને પંચ તરીકે રાખીને અમે આ કામગીરી કરીશું અને તમને જે સ્ટોક સીલ કરીએ તેનું લીસ્ટ પણ આપીશું. તમે યોગ્ય પૂરાવા રજૂ કરીને અમદાવાદ હેડ ઓફિસમાંથી આ સ્ટોક છોડાવી લેજો. આ મારુ કાર્ડ.” આટલું કહીને પોતાના વોલેટમાંથી એક કાર્ડ કાઢીને સુમંત પારેખના હાથમાં પકડાવી દીધું. સુમંત પારેખે નામ વાંચ્યુ મીસ ફ્લોરીના જાબવાલા આસિ. કમિશ્નર ઈન્કમટેક્ષ વીજીલન્સ સેન્ટ્રલ ગર્વનમેન્ટ ઓફ ઈન્ડિયા.

સુમંત પારેખ કાર્ડ સામું જોઈ રહ્યો હતો તે સમયે મીસ ફ્લોરીનાએ સુબ્રમણ્યમને કહ્યું, મીસ્ટર સુબ્રમણ્યમ હેવ યુ ચેક થરલી યસ મેડમ ધેન સ્ટાર્ટ ધ સીલીંગ પ્રોસેસ.”

યસ મેડમ.”

મીસ્ટર સમુંત પારેખ તમારા જ સ્ટાફના બે વિશ્વાસુ વ્યકિતને આગળ બોલાવો તેમને પંચ તરીકે રાખીને સીલીંગ પ્રોસેસ કરવી છે. રોહન, બ્રિંગ ધ બેગ એન્ડ ટાઈપ રાઈટર. રોહન અને તેની સાથે એક બીજો વ્યક્તિ પારેખ જ્વેલર્સની બહાર ગયો અને પતરાની બે પેટી અને એક ટાઈપરાઈટર લઈને આવ્યો. સુમંત પારેખની સામે જ પારેખ જ્વેલર્સમાંથી કેટલાક દાગીના સીલ પેક કરવામાં આવ્યા, સુમંત પારેખ જાણતો હતો કે આ જે દાગીના પેક થઈ રહ્યા છે તેની બજાર કિંમત સહેજે રૂ।. 30,00,000/- આસપાસ હશે. પારેખ જ્વેલર્સમાંથી દાગીનાની બે પેટી ભરી તેમાં કઈ કઈ ચીજવસ્તુ છે તેની યાદી બે નકલમાં તૈયાર કરી તેના ઉપર પારેખ જ્વેલર્સના બે કર્મચારીની પંચ તરીકે સહિ કરાવવામાં આવી બંને નકલ ઉપર મીસ ફ્લોરીનાએ પોતાની સહિ કરી એ પછી સુબ્રમણ્યમે સિક્કો લગાવ્યો- આસી. કમિશ્નર ઈન્કમ ટેક્ષ વિજિલન્સ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા અને એક નકલ ઉપર સુમંત પારેખને સહિ કરવા કહ્યું. સુમંત પારેખે સહિ કરી એટલે મીસ ફ્લોરીનાએ કહ્યું, સુબ્રમણ્યમ ઓલ્સો સીઝ ધ ડી.વી.આર. વી નીડ ઈટ ટુ ઈન્વેસ્ટીગેટ મોર. યસ મેડમ કહીને સુબ્રમણ્યમે સુમંત પારેખને સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. આપવા કહ્યું અને ઓચિંતી આ રેઈડથી ગભરાઈને શુન્ય મનસ્ક થઈ ગયેલ સુમંતે ડી.વી.આર. ડિસકનેકટ કરીને આપી દીધું. ઈન્કમટેક્ષનો સ્ટાફ પારેખ જ્વેલર્સની બહાર આવ્યો ત્યારે ત્રણે ગાડીઓ રિવર્સ થઈને ઉભી હતી. બંને પેટી ગાડીની ડેકીમાં મૂકવામાં આવી અને સ્ટાફ ગાડીમાં ગોઠવાયો તે સાથે જ ત્રણે ત્રણ ગાડીઓ રવાના થઈ ગઈ. ફોન કનેક્ટ કરીને સુમંતે સહુથી પહેલું કામ હેમંત પારેખને ફોન લગાવવાનું કર્યું

Sunday, September 11, 2022

બીરજુ- બીરવા ભાગ - 4

 

ભાગ -4

આખા દિવસના વિરામ બાદ રાત્રે સરદારના ખાટલાની ફરતે પુરૂષો ભેગા થયા. સરદારના પગનો સોજો વધતો જતો હતો અને પગના તળિયા લીલા પડી ગયા હતાં. સરદાર દવાખાને જાંવુ પડશે. સરદારના સહુથી નજીકનો અને ખાસ મિત્ર એવા જગાએ પૂછ્યું.

ના, અંહિ નહિ. આજે રાત્રે આરામ કરી લો આવતીકાલે ઉચાળા ભરીને હળવદના રસ્તે થઈને માળિયા નીકળી જાશું. જરૂર લાગે તો હળવદ દાક્તરને બતાવી દેશું. પગના સોજા અને દુઃખાવા વચ્ચે પણ મક્કમતા પૂર્વક સરદારે કહ્યું.

અને આ માલનું ?” જગાએ ફરી પૂછ્યું.

માળિયામાં વેચી નાખશું. પછી બીજી વાત. સરદારે જવાબ આપ્યો.

સારૂ. લો આ ચલમ ફુંકી લો ઉંધ આવી જાશે. જગાએ સરદારને અફીણ મિશ્રીત ચલમ આપી.

સરદારે ચલમના બે ઉંડા દમ ભર્યા અને ધુમાડો બહાર છોડ્યો. તમાકુ અને અફીણની વાસ વાતાવરણમાં ફેલાઈ ગઈ. થોડીક વારમાં જ અફીણનો કેફ સરદારની આંખોમાં દેખાવા લાગ્યો અને થોડી વારમાં જ દુઃખાવા વચ્ચે પણ સરદાર શાંતિથી સૂઈ ગયો.

બીજા દિવસે વહેલી સવારે હળવદના રસ્તે કાફલો આગળ વધ્યો. જગાએ હળવદ શહેર પહેલા કાફલો રોકાવ્યો અને બે સાથીને લઈને મંગાને લઈને હળવદ સરકારી દવાખાને ગયો. હળવદ સરકારી દવાખાનામાં મંગાનો કેસ કઢાવ્યો અને સરનામું બરવાળાનું લખાવ્યું કામમાં ખેત મજૂરી. ડોક્ટરે મંગાને તપાસ્યો અને એક્સ-રે કઢાવવા કહ્યું. મંગાનો એક્સ-રે આવ્યો બંને પગના તળિયામાં હેર ક્રેક અને ઉપરથી પડવાના કારણે પગના મસલ્સ ફાટી ગયા હતા.

એલા ક્યાં વંડી ઠેકી આવ્યો?” ડોક્ટરે પૂછ્યું

સાહેબ, ઉંટ ઉપરથી ઠેકીને ઉતર્યો એમાં લાગી ગયું.” મંગાને બદલે જગાએ જવાબ આપ્યો.

ઉંટ ઉપરથી ઠેકવામાં આટલું બધું લાગી ગ્યું.?”

નીચે સાહેબ લાઈટનો સીમેન્ટનો થાંભલો આડો હતો ઈ જોવામાં ના આયવો અને ઉંટ ઉપરથી ખુલ્લા પગે ઠેક્યો તે સીધો જ સીમેન્ટના થાંભલા માથે. મંગાએ જવાબ આપ્યો અને ડોક્ટરને મંગાના જવાબથી સંતોષ થયો હોય તેવું તેમના ચહેરા ઉપરથી લાગ્યું.

ઠીક છે. દશ દિવસ સુધી પગ જમીન માથે નથી મૂકવાનો અને આ દવા લખી આપી છે તે બહાર બારી ઉપરથી લઈ લો અને ખાટું ખાવાનું નથી. ડોક્ટરે જરૂરી સૂચનાઓ આપી

જગો અને એના સાથીદારો સરદાર મંગાને લઈને ડોક્ટરની કેબીનની બહાર આવ્યા અને બહારની બારી ઉપરથી દવા લીધી અને જેવી રીતે મંગાને ડોળી કરીને લાવ્યા હતા તેવી જ રીતે પરત એમને પડાવ તરફ લઈ ગયા. હળવદથી રસાલો માળિયાના રસ્તે આગળ વધ્યો અને માળિયા પહોંચ્યો. થોરી થાંબાના મુખીના ત્યાંથી જે માલ ઉડાવ્યો હતો તે માળિયાના વેપારીના ત્યાં વેચી નાખ્યો મોટા ભાગે કપડાં અને દાગીના ઉઠાવ્યા હતા એટલે સરળતાથી વેચાઈ ગયો. મંગાએ જે રકમ આવી તેમાંથી માતાજીનો ભાગ બાજુએ કાઢીને બાકીના સાથીઓમાં રકમ વહેંચીનાખી. ડોક્ટરની ના છતાં મંગો આરામ કરતો ન હતો.

માળિયા થઈને રસાલો સામખિયાળી થઈને એમના વતન ગુનેરી ગામ ભેગો થઈ ગયો. મંગા સરદારની આગેવાની નીચે આ ટોળીએ અનેક જગ્યાએ ચોરી કરી હતી અને કોઈ પકડાયા ન હતા. મંગાને ચાલવાની તકલીફ થઈ ગઈ હતી એટલે ટોળીના નવા સરદાર તરીકે જગાની નિમણુંક કરવામાં આવી. બીજા વર્ષે જગાના નેતૃત્વમાં ટોળી સૌરાષ્ટ્રના પંથે પડી. જગાએ ખાસ કરીને પોતાના દિકરા રધાને અને મંગાની દિકરી બીરજુને સાથે લીધી.જગો જાણતો હતો કે બીરજુ બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કરે છે અને એની વિચારવાની ક્ષમતા એની ઉંમરના બાળકો કરતા વધુ તીવ્ર અને તીક્ષ્ણ છે.

આ વર્ષે અષાઢ મન મૂકીને વરસ્યો હતો. ગાંડી ગીરે લીલી થઈને એનું સોંદર્ય વેર્યું હતું. ખેડુતોની મહેનત ખેતરમાં પાક બનીને લહેરાતી હતી. પવનની લહેરો સાથે ખેતરમાં પાક લહેરાઈ રહ્યો હતો. છાપરી ઉપરથી ખેડૂત પાકને જોઈ હરખાઈ રહ્યો હતો. ઉભા પાકમાં ક્યાંય કોઈ સળવળાટ દેખાતો ન હતો. પણ, ખેડૂતની જાણ બહાર બાજરીના ડુંડા લણાઈ રહ્યા હતા. અનુભવી કુંભાર ચાકડા ઉપરથી હળવે હાથે માટલું ઉતારે એ રીતે બીરજુ ડોલતા છોડવા ઉપરથી ડુંડા ઉતારી એના સુંડલામાં ભરી રહી હતી. સુંડલો આખો ભરાઈ ગયો એટલે નીચી નમીને ધીરે ધીરે વાડ તરફ આગળ વધી અને ખેડૂતની નજરમાં આવ્યા વગર નીકળીને જગાના નેતૃત્વમાં જ્યાં રસાલો રોકાયો હતો ત્યાં પહોંચી. ધોળા દિવસે ખેતરમાંથી આખો સુંડલો ભરીને બાજરીના ડુંડા લઈ આવેલી બીરજુને જોઈને જગો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો.

તને આ બધી કળા કેમની આવડે છે? કોણ શીખવાડે છે તને આ બધું?” જગાએ બીરજુને પૂછયું.

પ્રકૃતિ અને આસપાસના માહોલને જોઈએ અને શીખીએ તો બધુ આવડી જાય આ તો આપણામાં કોઈ ભણવા નથી દેતું નહિતો આવી નાની નાની ચોરી નહિ મોટા જ કામ કરી શકીએ. પૂરા આત્મવિશ્વાસ સાથે બીરજુએ કહ્યું અને જગાના મનમાં બીરજુ અને રઘાને તથા તેમની ઉંમરના બાળકોને ભણાવવાનો વિચાર મૂળ પકડી ગયો.

Sunday, September 4, 2022

બીરજુ- બીરવા- ભાગ- 3

બીરજુ- બીરવા

ભાગ-3

મંગો એની સાથે બીજા ચાર આદમી અને પાંચ ઔરતોને લઈને આવેલ હતો. મુખીના કીધે બધા જ બોલ્યા વગર કામ કરવા લાગ્યા. જે કામ મુખી ચીંધે તે કામ કરતા. અંદરો અંદર કામ કરતા કોઈ વાતચીત નહિ. હા, બપોરે જમવા બધા ભેગા બેસે એ વખતે એમની બોલીમાં  થોડીક વાતો કરી લેતા અને જમવાનું પતે તરત પાછા કામે લાગી જતા. નાની છોકરી પણ એને ફાવે તે કામ કરતી અને ઘરનું બારીકાઈથી નિરીક્ષણ કરતી.

બે દિવસમાં તો ઘરના બીજા કામ પણ માથે લઈ લીધા હતા, ઔરતોએ મુખીના ઘરેથી જે કામ બતાવે તે બધું જ ઉપાડી લીધું. વાસણ ઉટકવા, ગોઠવવા, કપડાં સંકેલી લેવા, કચરો વાળવો, ફળિયું વાળવું, ઝાપટ-ઝુપટ અને બીજા પણ. એ જ રીતે, મંગાએ પાછળની ગમાણમાં જે ભેંશો બાંધી હતી તેને નીરવાનું, છાણ વાસીદાનું કામ ઉપાડી લીધું અને મંગાની સાથેના એક જણે મુખીની ચલમ ભરવાની સેવા પણ આપવાની માથે લીધી હતી. મંગા અને એના સાથીદારોના આવ્યાના ત્રીજા દિવસે ગમાણના છેલ્લા, ખુણા વાળા ખીલે જે ભેંસને બાંધવામાં આવતી હતી તેની તબિયત બગડતી હોય તેવું લાગ્યું. મંગાએ કહ્યું, મુખી બાપા આને કાંક રોગ લાગુ પડ્યો છે. આ આંય રહેશે તો બીજી ભેંહને પણ રોગ લાગશે આને થોડા દાહડા વાડીએ બાંધીએ તો કેવું રહે? એને પણ જરીક હવાફેર થાય.” મુખીને વિચાર યોગ્ય લાગ્યો અને એ ભેંસને ઘરની ગમાણમાંથી વાડીએ બાંધવા સાથી (ખેતીના કામમાં મદદ કરતો હોય તે)ને જણાવ્યું.

પૂરા દશ દિવસ કામ કર્યું, મુખી અને એના ઘરનાને પણ મંગા અને એની ટુકડીની જાણે આદત થઈ ગઈ. દશ દિવસમાં કામ પૂરું થઈ ગયું. લગ્નનો સામાન ઉપરના માળે ગોઠવાઈ ગયો, ઘરને રંગ રોગાન થઈ ગયું. દિવાલો ઉપર જાત જાતના અને ભાત ભાતના ચિતરામણો થઈ ગયા. કામ પૂરુ થયું એટલે મુખીએ મંગા અને બીજા બધાને બોલાવ્યા અને પૈસા આપ્યા અને મોહનથાળ આપ્યો.

આપનો આભાર મુખી બાપા ભગવાન આપને ઘણું આપે અને આપના થકી અમારા જેવાને અપાવે. મંગાએ આભાર માન્યો અને બધા એ રજા લીધી.

મંગો અને એના સાથીદારોને વિદાય આપી એના બીજા દિવસની રાત્રે જ મુખીના ઘરે ચોરી થઈ હતી. મુખીને મંગો અને એના સાથીદારો પર શંકા ગઈ અને ચોકીદારોને બૂમ પાડી હતી, પાદરમાં પેલા મજૂરો આવ્યા હતા એમને પકડો.. ઝટ..

ચોકીદારો અને ગામના બીજા કેટલાક યુવાનો ઉતાવળા પગલે લાંબી ડાંફો ભરીને (ડાંફ- જલ્દી જલ્દી મોટા પગલા ભરવા તે) પાદરમાં પહોંચ્યા તો ત્યાં કોઈ ન હતું. કામચલાઉ ઝુંપડા, ઉંટ, ધેટાં બકરાં બધું જ જાણે હવામાં ગાયબ થઈ ગયું હોય તેમ. ક્યાં ચાલ્યા ગયા તેની કોઈ નિશાની પણ નતી રહી.

--------------------------------------------------------------

રાતના ત્રીજા પહોરે શરૂ થયેલી મુસાફરી હજુ ચાલુ જ હતી. પૂર્વમાં સૂર્ય નારાયણના આગમનની જાણ કરતા રાતા કિરણો દેખાવા લાગ્યા હતા. ઉંટ એમની ઉપર ગોઠવેલા સામાન સહિત ચાલી રહ્યા હતા અને એની સાથોસાથ, ઘેટા બકરાં સહિત પાંચ સાત પરિવારોનો સમૂદાય પણ.

સરદાર હવે કઈ બાજુ જવું છે.? ધ્રાંગધ્રા જતું રહ્યું. ખાટલા ઉપર સુતેલા આદમીને એક બીજા આદમીએ પૂછ્યું.

આગળ વગડામાં પડાવ નાખો અને પછી વિચારીએ. ખાટલામાં સૂતા સતા સરદારે કહ્યું.

આગળ તળાવના કિનારે ખુલ્લી જગ્યામાં પડાવ નાખ્યો અને ઉંટ ઉપર બાંધેલા ખાટલામાંથી સરદારને સાચવીને બીજા ખાટલામાં સુવાડવામાં આવ્યા.

સરદારના બંને પગ ઢીંચણ સુધી સુજી ગયા હતા. દશ-બાર વર્ષની એક નાની છોકરીએ ખાટલાની નજીક આવી સરદારને કીધું, બાપુ, ઉપરથી તમે ઠેકયા એમાં વાગ્યું ને. તમે આખી યોજના બનાવી પણ  તમે ભૂલી ગયા કે મેડીની પછીતે આપણે જ દિવાલને મજબૂત કરવા રોડા ટીચીને ભર્યા હતા અને ઉપર માટી પાથરી હતી. તમે ઉપરથી બિલાડી છોડીને કૂદીને ઉતરવાની વાત કરી હતી ત્યારે તમે જ ભૂલી ગયા કે પંદર –અઢાર ફૂટ ઉપરથી નીચે રોડા ઉપર કૂદવામાં પગે વાગવાની શક્યતા રહે. મેં બા ને કીધું હતું કે બાપુની યોજનામાં ભૂલ છે.

એ સરદાર એટલે મંગો અને નાની છોકરી એટલે એની છોકરી બીરજુ. મંગાએ અને એની ટોળકીએ જ મુખીના ત્યાં ચોરી કરી હતી.