Sunday, September 4, 2022

બીરજુ- બીરવા- ભાગ- 3

બીરજુ- બીરવા

ભાગ-3

મંગો એની સાથે બીજા ચાર આદમી અને પાંચ ઔરતોને લઈને આવેલ હતો. મુખીના કીધે બધા જ બોલ્યા વગર કામ કરવા લાગ્યા. જે કામ મુખી ચીંધે તે કામ કરતા. અંદરો અંદર કામ કરતા કોઈ વાતચીત નહિ. હા, બપોરે જમવા બધા ભેગા બેસે એ વખતે એમની બોલીમાં  થોડીક વાતો કરી લેતા અને જમવાનું પતે તરત પાછા કામે લાગી જતા. નાની છોકરી પણ એને ફાવે તે કામ કરતી અને ઘરનું બારીકાઈથી નિરીક્ષણ કરતી.

બે દિવસમાં તો ઘરના બીજા કામ પણ માથે લઈ લીધા હતા, ઔરતોએ મુખીના ઘરેથી જે કામ બતાવે તે બધું જ ઉપાડી લીધું. વાસણ ઉટકવા, ગોઠવવા, કપડાં સંકેલી લેવા, કચરો વાળવો, ફળિયું વાળવું, ઝાપટ-ઝુપટ અને બીજા પણ. એ જ રીતે, મંગાએ પાછળની ગમાણમાં જે ભેંશો બાંધી હતી તેને નીરવાનું, છાણ વાસીદાનું કામ ઉપાડી લીધું અને મંગાની સાથેના એક જણે મુખીની ચલમ ભરવાની સેવા પણ આપવાની માથે લીધી હતી. મંગા અને એના સાથીદારોના આવ્યાના ત્રીજા દિવસે ગમાણના છેલ્લા, ખુણા વાળા ખીલે જે ભેંસને બાંધવામાં આવતી હતી તેની તબિયત બગડતી હોય તેવું લાગ્યું. મંગાએ કહ્યું, મુખી બાપા આને કાંક રોગ લાગુ પડ્યો છે. આ આંય રહેશે તો બીજી ભેંહને પણ રોગ લાગશે આને થોડા દાહડા વાડીએ બાંધીએ તો કેવું રહે? એને પણ જરીક હવાફેર થાય.” મુખીને વિચાર યોગ્ય લાગ્યો અને એ ભેંસને ઘરની ગમાણમાંથી વાડીએ બાંધવા સાથી (ખેતીના કામમાં મદદ કરતો હોય તે)ને જણાવ્યું.

પૂરા દશ દિવસ કામ કર્યું, મુખી અને એના ઘરનાને પણ મંગા અને એની ટુકડીની જાણે આદત થઈ ગઈ. દશ દિવસમાં કામ પૂરું થઈ ગયું. લગ્નનો સામાન ઉપરના માળે ગોઠવાઈ ગયો, ઘરને રંગ રોગાન થઈ ગયું. દિવાલો ઉપર જાત જાતના અને ભાત ભાતના ચિતરામણો થઈ ગયા. કામ પૂરુ થયું એટલે મુખીએ મંગા અને બીજા બધાને બોલાવ્યા અને પૈસા આપ્યા અને મોહનથાળ આપ્યો.

આપનો આભાર મુખી બાપા ભગવાન આપને ઘણું આપે અને આપના થકી અમારા જેવાને અપાવે. મંગાએ આભાર માન્યો અને બધા એ રજા લીધી.

મંગો અને એના સાથીદારોને વિદાય આપી એના બીજા દિવસની રાત્રે જ મુખીના ઘરે ચોરી થઈ હતી. મુખીને મંગો અને એના સાથીદારો પર શંકા ગઈ અને ચોકીદારોને બૂમ પાડી હતી, પાદરમાં પેલા મજૂરો આવ્યા હતા એમને પકડો.. ઝટ..

ચોકીદારો અને ગામના બીજા કેટલાક યુવાનો ઉતાવળા પગલે લાંબી ડાંફો ભરીને (ડાંફ- જલ્દી જલ્દી મોટા પગલા ભરવા તે) પાદરમાં પહોંચ્યા તો ત્યાં કોઈ ન હતું. કામચલાઉ ઝુંપડા, ઉંટ, ધેટાં બકરાં બધું જ જાણે હવામાં ગાયબ થઈ ગયું હોય તેમ. ક્યાં ચાલ્યા ગયા તેની કોઈ નિશાની પણ નતી રહી.

--------------------------------------------------------------

રાતના ત્રીજા પહોરે શરૂ થયેલી મુસાફરી હજુ ચાલુ જ હતી. પૂર્વમાં સૂર્ય નારાયણના આગમનની જાણ કરતા રાતા કિરણો દેખાવા લાગ્યા હતા. ઉંટ એમની ઉપર ગોઠવેલા સામાન સહિત ચાલી રહ્યા હતા અને એની સાથોસાથ, ઘેટા બકરાં સહિત પાંચ સાત પરિવારોનો સમૂદાય પણ.

સરદાર હવે કઈ બાજુ જવું છે.? ધ્રાંગધ્રા જતું રહ્યું. ખાટલા ઉપર સુતેલા આદમીને એક બીજા આદમીએ પૂછ્યું.

આગળ વગડામાં પડાવ નાખો અને પછી વિચારીએ. ખાટલામાં સૂતા સતા સરદારે કહ્યું.

આગળ તળાવના કિનારે ખુલ્લી જગ્યામાં પડાવ નાખ્યો અને ઉંટ ઉપર બાંધેલા ખાટલામાંથી સરદારને સાચવીને બીજા ખાટલામાં સુવાડવામાં આવ્યા.

સરદારના બંને પગ ઢીંચણ સુધી સુજી ગયા હતા. દશ-બાર વર્ષની એક નાની છોકરીએ ખાટલાની નજીક આવી સરદારને કીધું, બાપુ, ઉપરથી તમે ઠેકયા એમાં વાગ્યું ને. તમે આખી યોજના બનાવી પણ  તમે ભૂલી ગયા કે મેડીની પછીતે આપણે જ દિવાલને મજબૂત કરવા રોડા ટીચીને ભર્યા હતા અને ઉપર માટી પાથરી હતી. તમે ઉપરથી બિલાડી છોડીને કૂદીને ઉતરવાની વાત કરી હતી ત્યારે તમે જ ભૂલી ગયા કે પંદર –અઢાર ફૂટ ઉપરથી નીચે રોડા ઉપર કૂદવામાં પગે વાગવાની શક્યતા રહે. મેં બા ને કીધું હતું કે બાપુની યોજનામાં ભૂલ છે.

એ સરદાર એટલે મંગો અને નાની છોકરી એટલે એની છોકરી બીરજુ. મંગાએ અને એની ટોળકીએ જ મુખીના ત્યાં ચોરી કરી હતી.

No comments:

Post a Comment