ભાગ -4
આખા દિવસના વિરામ બાદ રાત્રે સરદારના ખાટલાની ફરતે પુરૂષો ભેગા થયા.
સરદારના પગનો સોજો વધતો જતો હતો અને પગના તળિયા લીલા પડી ગયા હતાં. “સરદાર દવાખાને
જાંવુ પડશે.” સરદારના સહુથી નજીકનો અને ખાસ મિત્ર એવા જગાએ પૂછ્યું.
“ના, અંહિ નહિ. આજે રાત્રે
આરામ કરી લો આવતીકાલે ઉચાળા ભરીને હળવદના રસ્તે થઈને માળિયા નીકળી જાશું. જરૂર
લાગે તો હળવદ દાક્તરને બતાવી દેશું.” પગના સોજા અને દુઃખાવા વચ્ચે પણ
મક્કમતા પૂર્વક સરદારે કહ્યું.
“અને આ માલનું ?” જગાએ ફરી
પૂછ્યું.
“માળિયામાં વેચી
નાખશું. પછી બીજી વાત.” સરદારે જવાબ આપ્યો.
“સારૂ. લો આ ચલમ
ફુંકી લો ઉંધ આવી જાશે.” જગાએ સરદારને અફીણ મિશ્રીત ચલમ આપી.
સરદારે ચલમના બે ઉંડા દમ ભર્યા અને ધુમાડો બહાર છોડ્યો. તમાકુ અને
અફીણની વાસ વાતાવરણમાં ફેલાઈ ગઈ. થોડીક વારમાં જ અફીણનો કેફ સરદારની આંખોમાં
દેખાવા લાગ્યો અને થોડી વારમાં જ દુઃખાવા વચ્ચે પણ સરદાર શાંતિથી સૂઈ ગયો.
બીજા દિવસે વહેલી સવારે હળવદના રસ્તે કાફલો આગળ વધ્યો. જગાએ હળવદ
શહેર પહેલા કાફલો રોકાવ્યો અને બે સાથીને લઈને મંગાને લઈને હળવદ સરકારી દવાખાને
ગયો. હળવદ સરકારી દવાખાનામાં મંગાનો કેસ કઢાવ્યો અને સરનામું બરવાળાનું લખાવ્યું
કામમાં ખેત મજૂરી. ડોક્ટરે મંગાને તપાસ્યો અને એક્સ-રે કઢાવવા કહ્યું. મંગાનો
એક્સ-રે આવ્યો બંને પગના તળિયામાં હેર ક્રેક અને ઉપરથી પડવાના કારણે પગના મસલ્સ
ફાટી ગયા હતા.
“એલા ક્યાં વંડી
ઠેકી આવ્યો?” ડોક્ટરે પૂછ્યું
“સાહેબ, ઉંટ ઉપરથી
ઠેકીને ઉતર્યો એમાં લાગી ગયું.” મંગાને બદલે જગાએ જવાબ આપ્યો.
“ઉંટ ઉપરથી
ઠેકવામાં આટલું બધું લાગી ગ્યું.?”
“નીચે સાહેબ
લાઈટનો સીમેન્ટનો થાંભલો આડો હતો ઈ જોવામાં ના આયવો અને ઉંટ ઉપરથી ખુલ્લા પગે
ઠેક્યો તે સીધો જ સીમેન્ટના થાંભલા માથે.” મંગાએ જવાબ આપ્યો અને ડોક્ટરને મંગાના
જવાબથી સંતોષ થયો હોય તેવું તેમના ચહેરા ઉપરથી લાગ્યું.
“ઠીક છે. દશ દિવસ
સુધી પગ જમીન માથે નથી મૂકવાનો અને આ દવા લખી આપી છે તે બહાર બારી ઉપરથી લઈ લો અને ખાટું ખાવાનું નથી.” ડોક્ટરે જરૂરી સૂચનાઓ આપી
જગો અને એના સાથીદારો સરદાર મંગાને લઈને ડોક્ટરની કેબીનની બહાર આવ્યા
અને બહારની બારી ઉપરથી દવા લીધી અને જેવી રીતે મંગાને ડોળી કરીને લાવ્યા હતા તેવી
જ રીતે પરત એમને પડાવ તરફ લઈ ગયા. હળવદથી રસાલો માળિયાના રસ્તે આગળ વધ્યો અને
માળિયા પહોંચ્યો. થોરી થાંબાના મુખીના ત્યાંથી જે માલ ઉડાવ્યો હતો તે માળિયાના
વેપારીના ત્યાં વેચી નાખ્યો મોટા ભાગે કપડાં અને દાગીના ઉઠાવ્યા હતા એટલે સરળતાથી
વેચાઈ ગયો. મંગાએ જે રકમ આવી તેમાંથી માતાજીનો ભાગ બાજુએ કાઢીને બાકીના સાથીઓમાં
રકમ વહેંચીનાખી. ડોક્ટરની ના છતાં મંગો આરામ કરતો ન હતો.
માળિયા થઈને રસાલો સામખિયાળી થઈને એમના વતન ગુનેરી ગામ ભેગો થઈ ગયો.
મંગા સરદારની આગેવાની નીચે આ ટોળીએ અનેક જગ્યાએ ચોરી કરી હતી અને કોઈ પકડાયા ન
હતા. મંગાને ચાલવાની તકલીફ થઈ ગઈ હતી એટલે ટોળીના નવા સરદાર તરીકે જગાની નિમણુંક
કરવામાં આવી. બીજા વર્ષે જગાના નેતૃત્વમાં ટોળી સૌરાષ્ટ્રના પંથે પડી. જગાએ ખાસ
કરીને પોતાના દિકરા રધાને અને મંગાની દિકરી બીરજુને સાથે લીધી.જગો જાણતો હતો કે
બીરજુ બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કરે છે અને એની વિચારવાની ક્ષમતા એની ઉંમરના બાળકો
કરતા વધુ તીવ્ર અને તીક્ષ્ણ છે.
આ વર્ષે અષાઢ મન મૂકીને વરસ્યો હતો. ગાંડી ગીરે લીલી થઈને એનું
સોંદર્ય વેર્યું હતું. ખેડુતોની મહેનત ખેતરમાં પાક બનીને લહેરાતી હતી. પવનની લહેરો
સાથે ખેતરમાં પાક લહેરાઈ રહ્યો હતો. છાપરી ઉપરથી ખેડૂત પાકને જોઈ હરખાઈ રહ્યો હતો.
ઉભા પાકમાં ક્યાંય કોઈ સળવળાટ દેખાતો ન હતો. પણ, ખેડૂતની જાણ બહાર બાજરીના ડુંડા
લણાઈ રહ્યા હતા. અનુભવી કુંભાર ચાકડા ઉપરથી હળવે હાથે માટલું ઉતારે એ રીતે બીરજુ
ડોલતા છોડવા ઉપરથી ડુંડા ઉતારી એના સુંડલામાં ભરી રહી હતી. સુંડલો આખો ભરાઈ ગયો
એટલે નીચી નમીને ધીરે ધીરે વાડ તરફ આગળ વધી અને ખેડૂતની નજરમાં આવ્યા વગર નીકળીને
જગાના નેતૃત્વમાં જ્યાં રસાલો રોકાયો હતો ત્યાં પહોંચી. ધોળા દિવસે ખેતરમાંથી આખો
સુંડલો ભરીને બાજરીના ડુંડા લઈ આવેલી બીરજુને જોઈને જગો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો.
“તને આ બધી કળા
કેમની આવડે છે? કોણ શીખવાડે છે તને આ બધું?” જગાએ બીરજુને પૂછયું.
“પ્રકૃતિ અને
આસપાસના માહોલને જોઈએ અને શીખીએ તો બધુ આવડી જાય આ તો આપણામાં કોઈ ભણવા નથી દેતું
નહિતો આવી નાની નાની ચોરી નહિ મોટા જ કામ કરી શકીએ.” પૂરા આત્મવિશ્વાસ સાથે બીરજુએ કહ્યું
અને જગાના મનમાં બીરજુ અને રઘાને તથા તેમની ઉંમરના બાળકોને ભણાવવાનો વિચાર મૂળ
પકડી ગયો.
No comments:
Post a Comment