Sunday, September 25, 2022

બીરજુ- બીરવા ભાગ - 6

 

ભાગ 6

સુમંત પારેખે હેમંત પારેખને ફોન લગાવ્યો. હેમંતે ફોન ઉપાડ્યો..”મોટા, આપણા ત્યાં રેડ પડી, ઈન્કમટેક્ષ વાળા આવ્યા અને લગભગ દશ લાખના દાગીના સીલ કરીને પોતાની જોડે લઈ ગયા. ગભરાયેલા અવાજે સુમંતે હેમંતને ઉતાવળે કહ્યું.

સામે છેડેથી પણ એવો જ ગભરાયેલો જવાબ આવ્યો શું કહે છે.? ક્યારે?”

બસ હમણાં જ રેડ પતી એ લોકો ગયા અને મેં ફોન કનેક્ટ કરીને તને ફોન કર્યો.

તું ધીરજ રાખ અને ગભરાઈશ નહિ હું આજ સાંજ સુધી પાછો આવું છું.

પારેખ જ્વેલર્સમાં આજે ગભરાહટ અને ઉચાટનો માહોલ થઈ ગયો હતો. બપોર પછી જેમ બજારમાં વાત ફેલાતી ગઈ તેમ સોના ચાંદીની પેઢીઓમાં સ્ટાફની પરેડ શરૂ થઈ ગઈ.

સોના ચાંદીના ધંધામાં કાચી ચિઠ્ઠીઓ ઉપર હિસાબ હોય. જેટલી પણ ચિઠ્ઠિઓ હતી તે બધી જ ઉલટાવવાની પ્રક્રિયા પૂર વેગમાં શરૂ થઈ ગઈ હતી. ગુમાસ્તાઓ અને મુનીમો હિસાબના ચોપડા વ્યવસ્થિત કરવા મંડી પડ્યા હતા. ચિઠ્ઠી ઉપર જે દાગીના પોલીશ કામ કરવા કે ઘાટકામ કરવા લીધા હતા તે બધા જ કામ ફટોફટ પૂરા કરીને પેઢીઓ વચ્ચે હિસાબોની પતાવટ કરવામાં આવી રહી હતી. બિલ વગરના જે દાગીના ખરીદ કરવામાં આવ્યા હતા તે બધા જ સગેવગે કરવામાં આવી રહ્યા હતા. ટુંકમાં અમરેલીના સોની બજારમાં દોડાદોડી અને અફડા-તફડીનો માહોલ હતો.

બજારના અફડા તફડીના માહોલ વચ્ચે આશરે 8 આસપાસ હેમંત પારેખ જ્વેલર્સમાં દાખલ થયો. ઓફિસ સ્ટાફ જાણે શોકસભામાં બેઠો હોય તેમ બેઠો હતો અને સુમંત મોં લટકાવીને કાઉન્ટર ઉપર.

શું થયું ? શાંતિથી આખી વાત કર.

બપોરના સમયે સ્ટાફ જમીને પાછો એમના સ્થાને ગોઠવાયો હતો અને.... સુમંતે આખી વાત હેમંતને કરી અને છેલ્લે છેલ્લે તો ડી.વી.આર. પણ લઈ ગયા ઈન્વેસ્ટીગેશન માટે.

શું ડી.વી.આર.? પણ ડી.વી.આર. શા માટે ?” હેમંતને શંકા પડી અને તેણે પોતાના ઈન્કમટેક્ષ લોયરને ફોન લગાવ્યો. વાત સાંભળીને ઈન્કમટેક્ષ લોયર પણ વિચારમાં પડી ગયા કે કોઈ અધિકારી ઈન્કમટેક્ષના ઈન્વેસ્ટીગેશન માટે ડી.વી.આર. શા માટે લઈ ગયા. ઈન્કમટેક્ષ લોયરે હેમંતને ફોન લાઉડ સ્પીકર ઉપર મૂકવા કહ્યું અને પૂછ્યું, સાથે કોઈ લોકલ પોલીસની ગાડી કે સ્ટાફ હતો?” ના સુમંતે જવાબ આપ્યો. કોઈ હિસાબી ચોપડા સીઝ કરીને લઈ ગયા?” ના સુમંતે ફરી નકારમાં જવાબ આપ્યો.

મને કંઈક ગરબડ લાગે છે. ઈન્કમટેક્ષની રેડ હોય તો લોકલ પોલીસ જોડે હોય, ડી.વી.આર. ના લઈ જાય અને હિસાબના ચોપડા સીઝ કરીને લઈ જાય. હેમંત તું પોલીસમાં ફરિયાદ કર તરત જ. સામેથી લોયરે સૂચના આપી.

ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીની ઓળખ આપીને પારેખ જ્વેલર્સમાં ધોળા દિવસે ભરબપોરે ઠગ ટોળકીએ દશલાખના દાગીના ઉડાવી લીધા હતા. બીજા દિવસે દરેક સમાચારપત્રમાં પારેખ જ્વેલર્સની લુંટના સમાચાર મુખ્ય પાના ઉપર પ્રસિધ્ધ થયા હતા.

હિંમતનગર પાસેના એક નાના ગામ હડિયોલમાં હમણાં હમણાં જ એક જ લાઈનમાં ચારેક મકાન ભાડે રાખીને એક મોટો પરિવાર રહેવા આવ્યો હતો. પરિવારના વડીલ એક વૃધ્ધ વ્યક્તિ હતા જેમને ચાલતી વખતે પગ લંગડાતો હતો. એ અને એની જ ઉંમરના એક બીજા વૃધ્ધ સવારનો ચા-નાસ્તો કરી રહ્યા હતા અને સાથે સાથે ચર્ચા પણ. આ છોકરાઓ કામ મોટા કરે છે પણ મને ચિંતા રહે છે.

હા વાત સાચી પણ આપણા કરતા પણ બહુ ઝીંણુ વિચારીને કામ કરે છે. એટલે બહુ ખોટી ચિંતા ન કર.”

બંનેની વાતો ચાલતી હતી એવામાંજ એક મહિન્દ્રા કમાન્ડર જીપ આવીને બહાર ઉભી રહી. અઠ્યાવીસ ત્રીસ વર્ષની ઉંમરની એક યુવતી અને એની જ આસપાસની ઉંમરના ચાર છોકરાઓ ઉતર્યા. દરેક છોકરાના ખભે એક એક થેલા હતા. યુવતી ઘરમાં દાખલ થઈ અને એની પાછળ પાછળ છોકરાઓ. દાખલ થતાની સાથે જ યુવતીએ ખાટલામાં સૂતેલા સહેજ લંગડાતા પગે ચાલતા વૃધ્ધને પગે લાગી કહ્યું, બાપુ કેમ છો.? કેવી તબિયત.” અને પછી સામેના ખાટલામાં બેઠેલા બીજા વૃધ્ધને કહ્યું, અને તમે કેમ છો કાકા.”  અમે તો મજામાં પણ તારી ચિંતા રહે છે. ખાટલામાં સૂતેલા વૃધ્ધે કહ્યું. તમે જરાય ચિંતા ન કરો. તમે જે શીખવ્યું તેમાં જ અમે અમારૂં ભણતર અને આવડત ઉમેરીએ છીએ. કહીને પેલી છોકરીએ એની સાથે આવેલા છોકરાઓની સામે જોયું છોકરાઓએ પોતાના ખભેથી થેલા ઉતારીને બંને વૃધ્ધોની વચ્ચે મૂકી દીધા. આ પચ્ચીસ લાખ છે રોકડા. છાપામાં તમે વાંચી જ લીધું હશે. ખર્ચો બાદ કરતા આટલા વધ્યા હવે હમણાં બે-ત્રણ મહિના શાંતિથી અંડર ગ્રાઉન્ડ થઈ જઈશું. પછી ફરી પાછા નવા કામમાં પરોવાઈ જઈશું.

અબ હી આઈ કે વાર થઈ તને..?” અંદરથી બહાર આવતા એક વૃધ્ધા બોલી અને ખાટલામાં પડેલ વૃધ્ધ સહેજ ગુસ્સા અને કંટાળેલ સ્વરે કહ્યું ,“આખી જીંદગી નીકળી ગઈ પણ તને હજુ બોલતા ન આવડ્યું.

ખાટલામાં પડેલ સહેજ લંગડાતી ચાલે ચાલતો વૃધ્ધ એ બીજો કોઈ નહિ પણ મંગો એની સામે બેઠેલ એની જ ઉમંરનો વૃધ્ધ એટલે જગો અને પેલી યુવતી એટલે બીરજુ...

No comments:

Post a Comment