Sunday, October 30, 2022

બીરજુ - બીરવા ભાગ - 12

 

ભાગ – 12

એ.સી.પી. અજય શેલત ગાંધીનગરના ઓક્સનની સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા હતા. કોઈપણ ચહેરો એમાં શંકાસ્પદ લાગ્યો નહિ. બીડ દરમ્યાન જે વ્યક્તિએ પોતાની ઓળખ જ્હોન્સન વિલિયમ તરીકેની આપી હતી તેનો ચહેરો એકપણ કેમેરામાં સ્પષ્ટ દેખાતો ન હતો. ઓક્શન સમયે આપેલ ફોટો આઈ ડી જોવામાં આવ્યા, ફોટો આઈ ડી જ્હોન્સન વિલિયમના જ હતા પણ મોર્ફ કરીને ફોટો બદલવામાં આવેલ હતો જે ક્લિયર ન હતો સાવ ડલ હતો.. મોર્ફ કરેલ ફોટો જ્હોન્સન વિલિયમનો ન હતો એ નક્કી. ફોટો આઈ ડી ને લેબમાં મોકલવામાં આવ્યો ફોટો એન્લાર્જ કરીને જોવા માટે. પરિણામ આવ્યું, ફોટો આશરે 55 થી 60 ની ઉંમરના કોઈ વ્યક્તિનો છે પણ બહુ જ ડલ છે એટલે ક્લિયર ચહેરો આવે એવી શક્યતા નથી. એ.સી.પી. અજય શેલતના સબ ઓર્ડિનેટે અજયભાઈને જણાવ્યું. જેટલો ક્લીયર ચહેરો આવે એટલો મને જોઈએ અને આ ચહેરાને અમરેલી લુંટના ચહેરા સાથે સરખાવો કંઈક ક્લુ મળી આવશે.

ધરમશી કરમશીની પેઢીમાં કોઈ સંજય શાહ નામના વ્યક્તિએ પોતાની બોમ્બેના હિરાના વેપારી તરીકેની ઓળખ આપીને છેતરપીંડી કરી હોવાની હવા સુરતના બજારમાં ફેલાવા લાગી હતી. સૌરાષ્ટ્રના ઘણઆ બધા યુવાનો હિરા ધસવા અને પોતાની રોજી રોટી રળવા સુરત શીફ્ટ થયેલા છે. એવાજ વ્યક્તિઓ મારફતે સુરતમાં થયેલ કાંડની માહિતી અમરેલીના બજારમાં પહોંચી હતી. સુમંત પારેખના કાને પણ આ વાત આવી અને પી.આઈ. મેરાજના કાને પણ. પી.આઈ. મેરાજે આ વાત એ.સી.પી. અજય શેલતને આ વાત જણાવી. આમ તો પ્રથમ નજરે બંને ઘટનાઓમાં કોઈ જ સમાનતા ન હતી. સુરતની ઘટનાની તો એફ.આઈ.આર. પણ લખાવવામાં આવી ન હતી. પણ અનુભવી એ.સી.પી. અજય શેલતના ધ્યાને એક વાત આવી કે બંને ઘટનાઓમાં કોમન એ છે કે, બંને ઘટનાઓ આયોજનબધ્ધ પૂર્ણ કરવામાં આવી હતી. એ.સી.પી. અજય શેલત પોતાની ટીમ સાથે સુરત જવા રવાના થયા.

----------------------------

હિંમતનગરના બસ સ્ટેન્ડ ઉપર હમણાં જ આવેલી એસ.ટી. બસમાંથી બે પુરૂષો અને એક સ્ત્રી ઉતર્યા દરેકની ઉંમર ત્રીસની આસપાસની જણાઈ આવતી હતી. પહેરવેશ ઉપરથી સાવ સામાન્ય જણાતા એ દરેક પાસે એક એક ટ્રાવેલ બેગ હતી. બસ સ્ટેન્ડની બહાર એક જીપ ઉભી હતી. તેમાં ત્રણેક વ્યક્તિઓ પહેલેથી જ ગોઠવાયેલ હતા. બસમાંથી ઉતરેલા ત્રણે વ્યક્તિઓ જીપમાં ગોઠવાઈ ગયા. જીપ સ્ટાર્ટ થઈ અને હિંમત નગર સર્કલથી મોતીપુરા સર્કલ થઈને આગળ વધી હડિયોલ ગામ તરફ. ગામની બહાર છેવાડે બનેલા મકાનના દરવાજે આવીને જીપ ઉભી રહી અને જીપમાં સવાર છ એ વ્યક્તિઓ ઉતરીને આસપાસ નજર કરી કંઈ જ શંકાસ્પદ ન લાગતા એક બીજાની સામું જોઈને ખડખડાટ હસી પડી. એમનો સંયુક્ત રીતે હસવાનો અવાજ સાંભળીને ઘરના બંધ દરવાજા ખોલીને જગો બહાર આવીને ઉભો રહ્યો અને બોલ્યો, આવી ગયા છોકરાઓ.

હા કાકા, આ વખતે તો આણે બહુ મહેનત કરાવી. રઘાએ બીરજુની સામે જોઈને કહ્યું. હા તો મહેનત વધુ પડી તો સામે માલ પણ મોટો મળ્યો જ ને. બીરજુએ કહ્યું હમણાં થોડો આરામ કરી લો આગળ મોટું એસાઈનમેન્ટ કરવાનું છે. કહીને બીરજુ ઉભી થઈને અંદર ચાલી ગઈ. આ છોકરી, ખબર નહિ શું વિચારે છે. જગા ક્યારેક તો મને આની ચિંતા થાય છે. લંગડાતા પગે ચાલીને આવેલ મંગાએ જગાને કીધું. બાપુ ચિંતા ન કરો. એ જ બેફિકરાઈથી બીરજુએ કહ્યું.

-----------------------------------------------

ધરમશી કરમશીની પેઢીના કંપાઉન્ડમાં એ.સી.પી. અજય શેલતની ગાડી પ્રવેશી. પોલીસની ટીમ આવેલી જોઈને કેતન પટેલ સહેજ ગભરાઈ ગયો. એ.સી.પી. અજય શેલત સીધા જ ધરમશી પટેલની ચેમ્બરમાં દાખલ થયા અને પોતાનું આઈ.ડી.કાર્ડ બતાવી પોતાની ઓળખાણ આપી. એ.સી.પી. અજય શેલત ક્રાઈમ બ્રાંચ. શેઠજી, આપની સાથે છેતરપીંડી થઈ છે એ વાત હવે છૂપી નથી. સીધી રીતે આખી વાત કહી દો કદાચ અમે  તમારી મદદ કરી શકીએ. પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ ધરમશીએ પોતાની સાથે સંજય શાહ નામની વ્યક્તિએ કેવી રીતે છેતરપીંડી આચરી તેની તમામ માહિતી કહી. એ.સી.પી. અજય શેલતે ધરમશી કરમશીની પેઢીના સી.સી.ટી.વી. ફુટેજની સી.ડી. માંગી. કેતન પટેલની ચેમ્બરમાં બેસીને એ.સી.પી. અજય શેલતે સંજય શાહ અન બીરવાનો ચહેરો ધ્યાનથી જોયો. બંનેનો ચહેરો ક્યાંક જોયો હોય તેવું લાગ્યું. પણ ક્યાં એ યાદ નતું આવતું. સી.સી.ટી.વી. ફુટેજની સીડી લઈને એ.સી.પી. અજય શેલત એમની ટીમ સાથે નીકળ્યા. સુરતથી નીકળીને પરત આવતા વડોદરા ચોકડી પાસેની એક હોટલમાં એ.સી.પી. અજય શેલતની ગાડી ચા-નાસ્તા માટે ઉભી રહી. એ.સી.પી. અજય શેલતે પોતાના મોબાઈલમાંથી સંજય શાહનો ફોટો કાઢ્યો અને પોતાના સબ ઓર્ડિનેટને અમરેલીની લુંટના શકમંદ સુબ્રમણ્યમનો ફોટો કાઢવા કહ્યું. પ્રથમ દ્રષ્ટિએ બંને ફોટો અલગ અલગ દેખાતા હતા. પણ એ.સી.પી. અજય શેલતનું અંતર મન કહી રહ્યું હતું કે આ બંને વચ્ચે કંઈક તો કોમન છે જ...

----------------------------------

આ લો એસાઈનમેન્ટ દરેક પોત પોતાનો રોલ બરાબર સમજી  લો અને તૈયારી શરૂ કરી દો.

સુરતની ઘટનાના બે મહિના બાદ એક સાંજે બીરજુએ કેટલાક પ્રિન્ટ આઉટ રઘાને અને તેના બીજા સાથીઓને આપી. પાછુ નવું કોઈ મિશન... જગાએ બીરજુને પૂછ્યું.

હા.” બીરજુએ ટુંકમાં જવાબ આપ્યો.

-------------------------

એ.સી.પી. અજય શેલત, અમદાવાદ ગાયકવાડ હવેલી ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં બેઠા હતા. ક્રાઈમ બ્રાંચમાં નવો નવો જ જોડાયેલ ઓફિસર એ.સી.પી. અજય શેલતને સેલ્યુટ મારીને તેની સામે ઉભો હતો. જય હિંદ સર, માય સેલ્ફ કેતવ પટેલ. આઈ એમ ઓર્ડર્ડ ટુ આસીસ્ટ યુ. ઓહ વેલકમ ટુ માય ટીમ.” કહી એ.સી.પી. અજય શેલતે કેતવ સાથે હેન્ડ શેક કર્યા. સર, આઈ વુડ લાઈક ટુ ડ્રો યોર એટેન્શન ઓન એ સ્પેશ્યલ પોઈન્ટ કહી.” એણે પોતાની સાથેનું લેપટોપ ઓન કર્યું. કેટલીક ક્લીક બાદ એણે સ્ક્રીન એ.સી.પી. અજય શેલતની તરફ ફેરવી. સ્ક્રીન ઉપર બે ફોટોગ્રાફ હતા એક સંજય શાહનો અને બીજો સુબ્રમણ્યમના જે સ્કેચ અમરેલીના સ્કેચ આર્ટિસ્ટે તૈયાર કર્યો હતો તેનો. સર, આ બંને એક જ વ્યક્તિ છે. વ્હોટ?” એ.સી.પી. અજય શેલત બોલી ઉઠ્યા. યસ સર, લુક એટ ધીસ, ઈફ આઈ એપ્લાય ધીસ સ્પેશીયલ સોફ્ટવેર ટુ ધ ફોટોગ્રાફ ઓફ સુબ્રમણ્યમ ઈટ શુડ બી લુક લાઈક ધીસ. આટલું કહીને કેતવે કેટલીક ક્લીક કરી અને સુબ્રમણ્યમનો ફોટોગ્રાફ લગભગ સંજય શાહ જેવો દેખાવા લાગ્યો. ઈટ મીન્સ, સુબ્રમણ્યમ એ જ સંજય શાહ છે. યસ સર. વેરી ગુડ કેતવ, કેન યુ ડુ વન મોર થીંગ ફોર મી.” કહીને એ.સી.પી. અજય શેલતે ગાંધીનગરના ઓક્શનમાં જ્હોન્સન વિલિયમના આઈ.ડી.ની ઝેરોક્ષ નકલ આપી. આમાં જે ફોટોગ્રાફ છે એને ક્લીયર કરી શકાય?” ફોટો ડલ છે એટલે ટાઈમ લાગશે પણ થઈ જશે.

--------------------

સર મારે નોકરી છોડવી પડશે. મારા વતનથી ફોન હતો મારા બા બાપુ બંને બીમાર છે અને એમને દાખલ કર્યા છે. હેમંત ધોકિયાએ ધરમશી પટેલને કહ્યું.

તો એમાં નોકરી છોડવાની જરૂર નથી રજા મૂકી દો અને નાણાંની જરરૂ હોય તો બોલો. ધરમશી પટેલે કહ્યું.

સર, હાલ પુરતી રજા  મૂકી છે, પંદર દિવસની. જો વધુ સમય લાગે તો રાજીનામું ગણી લેશો પાછો આવીશ એટલે નોકરી લાગી જઈશ. પૈસાની હાલ જરૂર નથી. સાહેબ આપનો આભાર જય શ્રી કૃષ્ણ.” કહીને હેમંતે રજા લીધી. રાતની બસ પકડી હેમંત સુરતથી ગાંધીનગર આવી ગયો અને પછી તરત જ હિંમતનગરની બસ પકડી. સુરત છોડતા પહેલા, એણે પોતો ત્યાં હોવાના બધા જ પૂરાવા નષ્ટ કર્યા હતા. બીજા દિવસે સવારે હિંમત નગર બસ સ્ટેન્ડે ગાંધીનગરથી આવતી બસ ઉભી રહી અને કંઈક ઉતાવળ સાથે એક વ્યક્તિ બસમાંથી નીચે ઉતર્યો અને એક શટલ જીપ પકડી હડિયોલ જવા સુચના આપી.  થોડીવારમાં જીપ હડિયોલ ગામની ભાગોળ પાસે ઉભી રહી અને હિંમતનગરથી બેઠેલ વ્યક્તિ ઝડપથી જીપમાંથી ઉતરી એક ચોક્કસ મકાન તરફ આગળ વધ્યો. ઝડપથી એક ચોક્કસ પધ્ધતિથી મકાનનો દરવાજો એણે નોક કર્યો અને અંદરથી જગાએ દરવાજો ખોલ્યો. સરદાર બીરજુ ક્યાં છે.?” એ અંદર જ છે પણ તું કેમ આ રીતે વાત કરે છે.?” સરદાર, સુરત ધરમશીની પેઢી ઉપરથી પોલીસ રધાનો અને બીરજુનો ફોટો અને સીસીટીવી ફુટેજ લઈ ગઈ છે. બીરજુ જગાએ બુમ પાડી. હા કાકા,  આ સરમણ સુરતથી તારા માટે સમાચાર લઈને આવ્યો છે.  હેમંત ઉર્ફે સરમણે સુરત એ.સી.પી. અજય શેલત અને તેની ટીમ આવીને જે માહિતી લઈ ગઈ તે તમામ  જાણકારી બીરજુને આપી.

બીરજુએ તાત્કાલીક રઘા અને એની ઉમંમરના બીજા સાથીઓને બોલાવી  હાલ પૂરતા અન્ડર ગ્રાઉન્ડ થવાની સૂચના આપી અને હાલ પૂરતો નવો પ્લાન અમલમાં મૂકવાનો નથી તેવું જણાવ્યું. એ રાતે જ ઉદેપુર રવાના થતી બસમાં બધા ગોઠવાઈ ગયા.

Saturday, October 29, 2022

બીરજુ- બીરવા ભાગ - 11

 

ભાગ-11

એ.સી.પી. અજય શેલત એની ટીમ સાથે અમરેલી પહોંચી ગયા હતા. પારેખ જ્વેલર્સમાં જઈને સહુથી પહેલું કામ, હાજર દરેક સ્ટાફની સાથે પૂછપરછ કરવાનું કર્યું અને દરેકને અલગ અલગ બેસાડી, પોતાને ઈન્કમટેક્ષ ઓફિસર તરીકે ઓળખાવતા વ્યક્તિઓના સ્કેચ દોરાવવાનું શરૂ કર્યું. સુમંત પારેખ પાસેથી મીસ ફ્લોરીના જાબવાલાનું વીઝીટીંગ કાર્ડ લીધું. સમય ઘણો જ વ્યતિત થઈ ગયો હતો એટલે એના ઉપર ઘણા બધાના ફીંગર પ્રિન્ટ હતા તો પણ શક્ય તેટલા ફીંગર પ્રિન્ટ મેળવવા માટે કાર્ડને એફ.એસ.એલ.માં મોકલવાની સૂચના આપી. પારેખ જ્વેલર્સના સ્ટાફ અને સુમંત પારેખની પૂછપરછથી એટલી વાત ઉપર એ.સી.પી. અજય શેલત આવ્યા કે, આખી ઘટનાની માસ્ટરમાઈન્ડ કોઈ ત્રીસ વર્ષની આસપાસની, કદાચ એનાથી ઓછી ઉંમરની એક સ્ત્રી છે.

અમરેલીથી જરૂરી માહિતી અને પી.આઈ. મેરાજે તૈયાર કરેલ કેસ પેપર્સ લઈને પોલીસ ટીમ ફરીથી મણિનગર ઈડલી ચાર રસ્તા પાસે જ્હોન્સન વિલિયમના ઘરે આવી. જ્હોન્સન વિલિયમના ઘરે તાળુ જોઈ પોલીસે આસપાસ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, બે દિવસ પહેલા જ જ્હોનસન વિલિયમનું અવસાન થઈ ગયું હતું. અડોશ-પડોશમાં પૂછપરછ કરતા એ.સી.પી. અજય શેલતને માહિતી મળી કે, જ્હોન્સન વિલિયમ, એની તબિયત સારી હતી ત્યાં રવાના થઈ.

ફાધર આલફ્રેડ, સી.એન.આઈ. ચર્ચના હેડ અને સર્વે સર્વા, એ.સી.પી. અજય શેલત પોતાની ટીમ સાથે ચર્ચ પરિસરમાં દાખલ થયા ત્યારે  ચર્ચના બગીચામાં આંટા મારી રહ્યા હતા. પોલીસ જીપને આવેલી જોઈને સહેજ ચમક્યા. પણ માર્થાએ જ્હોન્સન વિલિયમના ઘરે પોલીસ, અમરેલી લુંટ કેસમાં તપાસ કરવા આવી હતી તે યાદ આવતા સહેજ સ્વસ્થ થયા. એ.સી.પી. અજય શેલતે પોલીસ કારનો દરવાજો ખોલ્યો અને બહાર આવ્યા ત્યાં સુધીમાં ફાધર આલ્ફ્રેડ એમની નજીક આવી ગયા હતા.

હેલો ફાધર, માય સેલ્ફ એ.સી.પી. અજય શેલત ફ્રોમ ક્રાઈમ બ્રાંચ એન્ડ ધીઝ ઈઝ માય ટીમ.”

ગોડ બ્લેસ યુ માય ચાઈલ્ડ અત્યંત મૃદુ અવાજે ફાધર આલ્ફ્રેડે પોલીસ ટીમનું સ્વાગત કર્યું અને આગળ કહ્યું, વ્હોટ કેન આઈ હેલ્પ યુ?”

ફાધર, આપને જાણ હશે જ કે, અમરેલી લુંટ કેસમાં જે ગાડી વપરાઈ હતી તે ગાડી, ઓક્સનમાં જ્હોન્સન વિલિયમના નામ ઉપર ખરીદ કરવામાં આવી હતી અને જ્હોન્સન વિલિયમ ઈઝ નાઉ નો મોર. સો, અમે એના વિશે તમારી પાસેથી કેટલીક માહિતી મેળવવા આવ્યા છીએ.

હા, માર્થાએ મને આખી વાત કરી હતી. જ્હોન્સન બહુ ભલો માણસ હતો. ખબર નહિ કોને એનું નામ વાપરીને આ ગાડી ખરીદી.” એ.સી.પી. અજય શેલતે ફાધર સાથે વાત કરી પણ કોઈ નક્કર માહિતી ન મળતા પોતાની ટીમ સાથે ચર્ચમાંથી નીકળી ગયા. યાર, સખત માથુ દુઃખે છે. ક્યાંક સારી ચા પીવડાવ.” પોતાના ડ્રાઈવરને સૂચના આપતા, ડ્રાઈવરે ગાડી આસ્ટોડિયા લકી ટી સ્ટોલ તરફ લીધી. ટી સ્ટોલ ઉપર ચા પીતા એક સામાન્ય ઘટના બની અને એ.સી.પી. અજય શેલતની આંખોમાં ચમક આવી. બન્યું એવું કે, એક ટાબરીયું ચા પાર્સલ લેવા આવ્યું અને કાઉન્ટર ઉપર બેઠેલ વ્યક્તિએ એટલું જ પૂછ્યું કે, કોની ચા છે?” ટાબરીયાએ કહ્યું, અહેમદભાઈની. સામાન્ય કહી શકાય એવી ઘટનામાંથી એ.સી.પી. અજય શેલતને એક ક્લુ મળી ગયો. ચા પી લીધા પછી એમણે ગાડી ગાંધીનગર લેવાની સૂચના આપી અને ગાંધીનગર સરકારી ગાડીઓના ઓક્શનની સીસીટીવી ફૂટેજ મેળવવા અંગે પોતાના સબ ઓર્ડિનેટને જાણ કરી. .

-----------------------------

હેમંત ધોકિયા સાથે થયેલી વાત કેતને પોતાની ચેમ્બરના ઈન્ટરકોમ ઉપરથી ધરમશી પટેલની ચેમ્બરના ઈન્ટરકોમ ઉપર કરી. વાત સાંભળીને ધરમશી પટેલ પણ વિચારમાં પડી ગયા અને કેતનને પોતાની ચેમ્બરમાં આવવા કહ્યું.

ધરમશીની ચેમ્બરમાં બેઠેલા તમામ ફાલુદાનો આનંદ લઈ રહ્યા હતા. ધરમશી પટેલના ચહેરાની બદલાયેલી રેખાઓ જોઈને બીરવા અને સંજયના ચહેરાના હાવભાવ પણ સહેજ બદલાયા પણ તરત જ સંજયે સ્વસ્થતા કેળવીને પૂછ્યું, શું વાત છે શેઠ કંઈ મુંઝવણ?”

અરે ના આ તો અમારા એકાઉન્ટન્ટે ટેક્ષની વાત કરી એટલે સહેજ વિચારે ચઢી ગયો.”

અરે શેઠ જો આ ટેક્ષની વાત આપણી વચ્ચેના હાલના સોદા સાથે સંકળાયેલી હોય તો વિના સંકોચે જણાવો. ધંધો કરવો જ છે તો જોડે કંઈક રસ્તો કાઢીશું.

સંજય શાહનો આવો હકારાત્મક પ્રત્યાભાવ જોઈ ધરમશી પટેલના ચહેરા ઉપર રોનક પાછી આવી.

શેઠ વાત એમ છે કે, અમારા ચોપડે જે રોકડ અમે બતાવી નથી તે અમે ઠેકાણે પાડવા માંગીએ છીએ અને એક જ દિવસમાં આટલી મોટી રકમની ખરીદી અને સામે વેચાણનો વ્યવહાર ચોપડે બતાવીએ તો સરકારી તંત્રની આંખે ચઢી જવાય એટલે એકાઉન્ટન્ટનું કહેવું એમ છે કે, જો આપને વાંધો ન હોય તો સાઈઠ લાખના ફિનીશ ડાયમંડ આપીએ અને બાકીના ઉપરના રોકડા આપીએ.

વાહ શેઠ, તમે તો મારી મુંઝવણ દૂર કરી દીધી. હું શરમમાં કહી ન હતો શકતો કે મને રોકડા આપો તો વધુ સારૂ રહેશે. ભગવાનનો આભાર કે આપને આપના એકાઉન્ટન્ટે આ ટેક્ષની વાત કરી. આ રીતે તો તમારો અને મારો બંનેનો પ્રશ્ન હલ થઈ જશે.

 ધરમશીના ચહેરા ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ અને એ જ સમયે કેતન પટેલે ચેમ્બરમાં પ્રવેશ કર્યો. ધરમશીએ કેતનને કહ્યું કે, શેઠને કાચા હિરાની કિંમત જેટલા જ ફીનીશ ડાયમંડ આપો અને બાકીની કેશ આપી દો. શેઠને વાંધો નથી. કેતન પટેલના ચહેરા ઉપર પણ પ્રસન્નતા વ્યાપી ગઈ. ફાલુદા પૂરો કરી કેતને સંજય શાહને પોતાની ચેમ્બરમાં આવવા કહ્યું કારણ, ધરમશીની ચેમ્બરમાં રહેલ છૂપા લોકરમાં ફીનીશ હિરા રાખવામાં આવતા હતા અને ફિનીશ હિરાનું લોકર, પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈની પણ હાજરીમાં ખોલવામાં આવતું ન હતું. કેતનની ચેમ્બરમાં સંજય શાહ, બીરવા અને ચેમ્બરની બહાર એનો બોડીગાર્ડ ઉભો રહ્યો. કેતન પટેલની ચેમ્બર પણ લગભગ લગભગ ધરમશી પટેલની ચેમ્બર જેવી જ હતી. માત્ર સાઈઝમાં થોડીક નાની હતી. લગભગ પંદરેક મિનીટ પછી, ધરમશી પટેલ કેતન પટેલની ચેમ્બરમાં દાખલ થયા એના હાથમાં એક રેડ વેલ્વેટનો બટવો હતો. કેતન પટેલના ટેબલ ઉપરની બ્લ્યુ વેલ્વેટ ટ્રેમાં રેડ વેલ્વેટનો બટવો ખાલી કર્યો. ફિનીશ ડાયમંડની ચમક ચેમ્બરમાં રેલાઈ ઉઠી. આ સાઈઠ લાખના ફિનીશ હિરા અને આ ચિઠ્ઠી, *** આંગડિયામાંથી ચાલીસ લાખ પાંત્રીસ હજાર તમને મળી જશે. સંજય શાહે બીરવા સામે હાથ લંબાવ્યો અને બીરવાએ આઈ ગ્લાસ કાઢીને સંજય શાહને આપ્યો. સંજય શાહે અનુભવી હિરા પારખુની અદાથી ટ્રે માં રહેલ હિરા પરખવાના શરૂ કર્યા. હિરા પારખીને પાછા રેડ વેલ્વેટના બટવામાં મૂકીને સંજય શાહે કહ્યું, આભાર શેઠ, આપની સાથે વેપાર કરવામાં આનંદ આવ્યો. ચાલો રજા લઉં. ફરી મળીશું. કહીને સંજય શાહ ચેરમાંથી ઉભો થયો અને એની સાથે જ બીરવા પણ.

ધરમશી પટેલે સંજય પાસેથી લીધેલ હિરા વર્ક માટે આપ્યા અને કેતનને કીધું, આને આવતીકાલના જોબમાં લઈ લો. સંજય શાહના નીકળ્યાની પંદરેક મિનીટમાં જ ધરમશી પટેલના મોબાઈલમાંથી આંગળિયા પેઢીમાંથી ફોન આવ્યો. ધરમશી પટેલે નાણાં ચૂકવણીનું કન્ફર્મેશન આપતા સંજય શાહને બાકીનું પેમેન્ટ મળી ગયું. બીજા દિવસે સવારે ધરમશી પટેલની પેઢીમાં સંજય શાહ પાસેથી લીધેલ રફ હિરા ફીનીશ જોબમાં આપવામાં આવ્યા અને થોડી જ વારમાં પ્રોડક્શન મેનેજરે જણાવ્યું કે, શેઠ રફ હિરાને કટ કરતા હિરામાં ક્રેક પડે છે. આ હિરાને સાઈઝમાં નાના નાના ફિનીશ ડાયમંડ તરીકે જ ઘાટ આપી શકાય તેમ છે. સીધો અર્થ એ કે, આ હિરા વેચતા એની પડતર કિંમત મળી રહે તો પણ ઘણું. ધરમશી પટેલ અને કેતન બંને એક બીજા સામું જોઈ રહ્યા. આંગળિયા પેઢી દ્વારા ચૂકવેલ રકમનું ચોખ્ખું નુકશાન અને હજુ બીજુ જે થાય તે. સંજય શાહના બતાવેલ સરનામે કેતન પટેલ અને સ્નેહ જાતે તપાસ કરવા ગયા તો બંગલો બંધ મળ્યો આસપાસ પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે, આ બંગલો તો ત્રણ દિવસ પહેલા જ ખાલી કરી નાખવામાં આવ્યો છે. ધરમશી પટેલ સાથે સરસ પ્લાનીંગ પૂર્વકની છેતરપીંડી થઈ હતી.

Sunday, October 23, 2022

બીરજુ- બીરવા ભાગ - 10

 

ભાગ -10

શું લાગે છે કેતન ધંધો કરવા જેવો કે નહિ?” ધરમશીએ એના દિકરા કેતનને પૂછયું.

આમ તો શું વાંધો આવે? રફ હીરા એ આપશે એને આપણે પોલીશ કરવાના અને પછી વેચવાના. આપણે પણ આપણા હીરા વેચીએ જ છીએ તો જોડે એમના પણ વેચીશું અને કમીશન મળે એ અલગથી આપણે અલગ કોઈ ખર્ચો પડવાનો નથી. રફ ડાયમંડ પોલીશનો ખર્ચો એ આપશે જ ને.” કેતને સંજય શાહ જોડે ધંધો કરવા અંગેનો હકારાત્મક અભિપ્રાય આપ્યો.

બીજા દિવસે સવારે કેતન પટેલે સંજય શાહના કાર્ડમાં લખેલ નંબર ઉપર રીંગ કરી. બે એક રીંગ વાગ્યા પછી સામેથી ફોન રીસીવ થયો. યસ કેતન સર, બીરવા હિયર જય શ્રી કૃષ્ણ.” સંજય ભાઈ જોડે વાત થશે.?”  યસ સર, વેઈટ અ મીનીટ.” બીરવાએ કહ્યું. એક મીનીટના હોલ્ડ બાદ સંજય શાહનો ફોનમાં અવાજ આવ્યો, જી કેતનભાઈ કેમ છો. જય શ્રી કૃષ્ણ.” જે શ્રી કૃષ્ણ સંજયભાઈ. ગઈકાલે પપ્પા અને મેં વિચાર્યું અને પછી અમને એવું લાગ્યું કે તમારી સાથે ધંધાકીય સંબંધ વધારવામાં કોઈ વાંધો નથી. આપ કહો ત્યારે વેપારી શરતો નક્કી કરવા બેસી જઈએ. શુભ કામમાં વિલંબ શા માટે આજે સાંજે જ મળીએ આપની ઓફિસ બાય.” કહી સંજય શાહે ફોન કટ કર્યો અને બીરવાની સામે જોયું. સંજય, બીરવા અને સંજયના બોડીગાર્ડના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું.

સાંજે 4.00 વાગે ધરમશી કરમશીની પેઢીમાં ધરમશી શેઠની ચેમ્બરમાં સંજય શાહ, બીરવા, ધરમશી શેઠ, કેતન અને કેતનનો દિકરો સ્નેહ બેઠા હતા.

ચા ફાવશે કે કોફી?” ધરમશી શેઠે પૂછ્યું. આપ જેમાં કંપની આપવા માંગતા હોવ તે.” સંજય શાહે જવાબ આપ્યો એટલે ધરમશીએ ચા મંગાવવાનું કહેતા કેતને ઈન્ટર કોમ ઉપર ચા લાવવાની સૂચના આપી. ચા નો કપ હાથમાં લેતા સંજય શાહે પૂછ્યું, બોલો શેઠ આપ કેવી રીતે કામ કરવા ઈચ્છો છો.?” રફ ડાયમંડની પોલીશનો ખર્ચ તમારો અને તૈયાર માલ જે ભાવે વેચીએ તેમાં 1 ટકો કમીશન.

સારૂ મંજૂર છે. પણ હું તમને જે રફ હીરા આપું તેની સામે તમારે તરત જ હિસાબ કરીને મને ફીનીશ ડાયમંડ આપવાના એવું કરીએ તો કેવું રહે.?’ સંજયે જવાબની સાથે જ કાઉન્ટર ઓફર આપી.

હીરાના બજારમાં આ એક નવો ટ્રેન્ડ હતો. અનુભવી વેપારીને ખ્યાલ આવી જાય કે રફ હીરાને ફીનીશ હીરા તરીકે તૈયાર કરીએ તો તેનો કેટલો બજાર ભાવ આવે અંહિયા ધરમશી અને કેતન સંજયની સામે જોઈ રહ્યા હતા. સંજયની ઓફર માન્ય રાખવામાં આવે તો એક  જ દિવસમાં સારો એવો ધંધો થઈ જાય. ધરમશીએ કહ્યું, જો એ રીતે પેમેન્ટ કરવું હોય તો કમીશન 2 ટકા કારણ કે નાણાં અમારા રોકાઈ રહેશે.” શેઠ દોઢ ટકો રાખો મને પણ પરવડે.” સંજયે જવાબ આપ્યો. ઓકે ચાલો દોઢ ટકો અને રફ હીરા પોલીશનો ખર્ચ નંગ દીઠ બજાર ભાવે. ચાલશે.?” ચાલશે શેઠ કહી સંજયે હીરાનું કવર બ્લ્યુ વેલવેટ ટ્રેમાં ખાલી કર્યું. આગળની પ્રક્રિયાનું પુનરાવર્તન થતું હોય તેમ ધરમશીએ લાઈટ ચાલુ કરી આઈ ગ્લાસથી હીરા પારખવાના શરૂ કર્યા.  પૂરા એક સો હીરા હતા. ધરમશી અને કેતને આંકડાઓની લખાપટ્ટી કરી. થોડી વાર પછી કહ્યું, સંજયભાઈ તમારા રફ હીરાની કિંમત સાઈઠ લાખ જેવી થાય છે તેને ફીનીશ હીરા તરીકે કન્વર્ટ કરીએ તો વેસ્ટેજ અને ખર્ચો બાદ કરતા સો નંગમાંથી સિત્તેર નંગ હીરા તૈયાર થાય તેની બજાર કિંમત એક કરોડ દશ લાખ ગણાય તો તેમાં દોઢ ટકો ખર્ચ બાદ કરીએ તો એક કરોડ આઠ લાખ પાંત્રીસ હજાર આપવાના થાય. કેતન અને ધરમશી પટેલ બંને જાણતા હતા કે સો નંગ કાચા હીરામાંથી વેસ્ટેજ બાદ કરતા 78 થી 80 નંગ હીરા તૈયાર થશે અને સવા કરોડ ઉપરના ભાવથી વેચી શકાશે.

ઠીક છે શેઠ. આપની ગણતરી બહુ જ સચોટ છે. કહી સંજયે સ્મિત કર્યું.  

કેતન અને ધરમશી પટેલ બંને પણ મનમાં હરખાઈ રહ્યા હતા. જ્યારે હજુ ધંધો શીખી રહેલ સ્નેહ આ આખા વ્યવહારને સમજવાની કોશીશ કરી રહ્યો હતો.

તો આપને મારે એક કરોડ આઠ લાખ પાંત્રીસ હજારની કિંમતના ફિનીશ હિરા આપવાના થાય. બરાબરને.!” ધરમશી પટેલે સંજયને કહ્યું.

હા શેઠ બરાબર.”

પછી કેતન પટેલ સામે જોઈ કહ્યું, જા ભાઈ શેઠને હિરા બતાવી દે અને એમને જે કિંમતના હિરા આપવાના થાય છે તે આપી દે અને એકાઉન્ટમાં પેલો નવો છોકરો રાખ્યો છે ને શું નામ છે એનું? હા, હેમંત ધોકિયા એને આ આખો વ્યવહાર સમજાવી એન્ટ્રી નાખવાનું કહી દે અને સંજયભાઈનું મોઢું મીઠું કરાવવાનું કંઈક કરો.

જી કહી કેતન ઉભો થયો અને ચેમ્બરની બહાર ગયો. ધરમશીએ સંજય શાહ પાસેથી લીધેલા કાચા હિરા સાચવીને પેકેટમાં મૂકી પેકેટ ડ્રોઅરમાં મૂક્યું. કેતન પટેલે ચેમ્બરની બહાર નીકળી પોતાના સહિત ચેમ્બરમાં બેઠેલ દરેક વ્યક્તિ માટે ફાલુદા ઓર્ડર કર્યો અને એકાઉન્ટ વિભાગમાં હેમંત ધોકિયાને મળવા ગયો અને હેમંતને સંજય શાહ સાથેનો આખો સોદો સમજાવ્યો એટલે હેમંતે કહ્યું, “શેઠ, આ આખા વ્યવહારમાં ટેક્ષ મોટો આવશે કારણ કે સાઈઠ લાખનો માલ ખરીદ કર્યો, અને એક કરોડ આઠ લાખ પાંત્રીસ હજારનો માલ વેચ્યો તો કુલ એક કરોડ અડસઠ લાખ પાંત્રીસ હજાર ઉપર ટેક્ષ ભરવાનો થાય.

કેતન પટેલ પણ વિચારમાં પડી ગયો કે આટલી મોટી રકમ ઉપર ટેક્ષ ભરવાનો આવે એ વાત તો એણે વિચારી પણ ન હતી.

કેતનને મુંઝવણમાં પડેલો જોઈને હેમંતે આગળ કહ્યું, એક રસ્તો થાય આપણી પાસે રોકડ પડી છે જે ચોપડે નથી. તો જો સામેવાળી પાર્ટીને વાંધો ન હોય તો આ રોકડ એમને આપી દઈએ અને સાઈઠ લાખના કાચા હિરાની સામે એટલી જ રકમના ફિનીશ ડાયમંડ આપી દઈએ અને ચોપડે એવું બતાવાય કે રફ હિરા ફિનીશ કરીને આપ્યા અને એની જે મજૂરી થઈ તે આવક થઈ તો તેના ઉપર બહુ મોટો ટેક્ષ ભરવાનો નહિ આવે.

કેતનના મગજમાં આ વાત બેસી ગઈ. આમ પણ એ ધંધામાં ચોપડે નહિ લીધેલી રોકડ ઠેકાણે પાડવા માંગતો હતો.

Sunday, October 16, 2022

બીરજુ- બીરવા ભાગ - 9

 

ભાગ- 9

 

શુક્રવારની સાંજે 6.00 વાગે ધરમશી કરમશીની પેઢીના કંપાઉન્ડમાં એક ફોર્ચ્યુનર દાખલ થઈ. વોચમેને ગાડીનો નંબર નોંધ્યો, ડ્રાઈવર સાઈડનો કાચ અડધો નીચે ઉતર્યો અને ડ્રાઈવરે વોચમેનને કહ્યું. સંજયભાઈ શેઠ, એપોઈન્ટમેન્ટ છે. વોચમેને સલામ કરી અને ગાડીને અંદર પાર્ક કરાવી. પેરેલલ બીજા વોચમેને ઈન્ટરકોમ ઉપર કેતનભાઈને સંજયભાઈ શેઠ કરીને કોઈ આવેલ હોવાની જાણ કરી.

ફોર્ચ્યુનરના ડ્રાઈવર સાઈડની પાછળનો અને ડ્રાઈવર સાઈડની બીજી તરફનો દરવાજો લગભગ સાથે જ ખુલ્યા. ડ્રાઈવર સાઈડની બાજુના દરવાજામાંથી એક છ ફૂટ બે ઈંચની પડછંદ કસાયેલી કાયા બહાર આવી. બ્લેક સફારી, ગોગલ્સ, ક્રુ કટ વાળ, મીલેટ્રી શુઝ, ક્લીન શેવ, કઠોર ચહેરા ઉપર શીળીના ચાઠા ચહેરાને વધારે ક્રુરતા આપતા હતા. ઉતરીને એણે ચારે તરફ એક નજર ફેરવી. ડ્રાઈવરની પાછળની  બાજુમાંથી એક પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ વાળો નારી દેહ ઉતર્યો, કોઈ મલ્ટીનેશનલ કંપનીના એક્ઝીક્યુટીવનો હોય તેવા ફોર્મલ પેન્ટ-શર્ટની ઉપર કોટ પહેરેલો હતો. આંખે ગોગલ્સ, ખભા સુધીના વાળ ખુલ્લા હતા. પગમાં બ્લેક સહેજ પોઈન્ટેડ સેન્ડલ અને હાથમાં એક બ્લેક બ્રીફકેસ હતી. દરવાજામાંથી ઉતરીને એણે પોતાની તરફનો દરવાજો તરત જ બંધ કરી દીધો અને એણે પણ ચારે તરફ એક નજર નાખી. ડ્રાઈવરની બાજુના દરવાજામાંથી ઉતરેલ વ્યક્તિને બે એક મિનીટના ઓબ્ઝર્વેશનથી સંતોષ થતા એણે પાછળની સાઈડનો દરવાજો ખોલ્યો અને એ દરવાજામાંથી આશરે 50 વર્ષની આસપાસની ઉંમરનો, પોણા છ ફૂટ ઉંચાઈનો, પેટ સહેજ વધારે પણ એને બાદ કરતા કસાયેલા શરીર વાળો સફેદ પેન્ટ-શર્ટ પહેરેલો દેહ સ્ફૂર્તીથી બહાર આવ્યો. બંને હાથની બધી જ આંગળીઓમાં વીંટી પહેરેલી હતી. એના હાથમાં એક બ્રીફકેસ હતી જે એણે ઉતરીને એના બોડીગાર્ડને આપી અને કોઈ ગર્ભ શ્રીમંત વ્યક્તિની ચાલથી એણે ચાલવાનું શરૂ કર્યું અને એની બાજુમાં એના બોડીગાર્ડ જેવા લાગતા વ્યક્તિએ અને પાછળ એની સેક્રેટરી જેવી લાગતી વ્યક્તિ ચાલવા લાગ્યા. ધરમશી કરમશીની પેઢીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રીસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલ વ્યક્તિ આવનારના પ્રભાવમાં આવી ગયો હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું હતું. બોડીગાર્ડે સીધુ જ પૂછી લીધું, શેઠની એપોઈન્ટમેન્ટ છે, ધરમશી શેઠ જોડે કયા માળ ઉપર જવાનું?” પહેલા માળે લીફ્ટથી જમણી બાજુ ત્રીજી કેબીન સાહેબ. રીસેપ્શન ઉપર બેઠેલ વ્યક્તિએ જવાબ આપ્યો. થેંક્યુ કહીને ત્રણે જણ લીફ્ટ તરફ આગળ વધ્યા. બોડીગાર્ડે અપ સાઈડનું બટન પ્રેસ કર્યું લીફટનો દરવાજો ખૂલ્યો અને ત્રણે જણ લીફ્ટમાં દાખલ થયા. પહેલા માળ ઉપર લીફ્ટ ઉભી રહી પછી ત્રણે જણ ધરમશીની કેબીન તરફ આગળ વધ્યા અને આ આખી ઘટના કોર્નર સાઈડની પોતાની કેબીનના ગ્લાસમાંથી જોઈ રહેલ કેતન ધરમશી આવનારને લેવા માટે લીફ્ટના દરવાજા તરફ આગળ વધ્યો. 

આવો શેઠ જે શ્રી કૃષ્ણ.” કેતન ધરમશીએ આવનારને આવકારો આપ્યો.

જય શ્રી કૃષ્ણ કેતનભાઈ કેમ છો.?” સફેદ પેન્ટ શર્ટમાં રહેલ વ્યક્તિએ નિખાલસ હાસ્ય સાથે પ્રત્યુત્તર આપ્યો.

બસ પ્રભુ કૃપા છે. કહીને કેતન ધરમશીએ ધરમશી કરમશીની ચેમ્બરનો ગ્લાસ ડોર ખોલ્યો. પહેલા સફેદ પેન્ટ-શર્ટ વાળા શેઠ એની પાછળ સેક્રેટરી પાછળ બોડીગાર્ડ અને એ પછી કેતન ધરમશીની ચેમ્બરમાં દાખલ થયા. સફેદ પેન્ટ શર્ટ વાળી વ્યક્તિએ આંખો ઉપરથી ગોગલ્સ ઉતારી ખીસામાં મૂક્યા અને ધરમશી કરમશીને બે હાથ જોડીને કહ્યું, જય શ્રી કૃષ્ણ શેઠ કેમ છો.? આ સંજય શાહના સ્નેહ વંદન સ્વીકાર કરો.

ધરમશી, જમાનાના અનુભવી વ્યક્તિ, આવનારના પહેરવેશ અને બોલવાની શૈલીથી અંજાઈ ગયા, એક પળ માટે વિચાર આવ્યો કે, પહેલી વખત મળનાર વ્યક્તિ આટલી આત્મીયતાથી શા માટે બોલે છે અને એ પણ આટલી મીઠાશથી પણ તરત જ વિચાર બદલાયો કે ગર્ભ શ્રીમંત વ્યક્તિઓને પૈસાનું અભિમાન નથી હોતું. એટલે એણે પણ તરત જ સામે હાથ જોડીને જે શ્રી કૃષ્ણ કર્યા.

ધરમશી એમની ખુરશીમાં ગોઠવાયા અને ટેબલની સામેની તરફ એમની બરાબર સામેની ખુરશીમાં સંજય શાહ એની પાછળ એની સેક્રેટરી ઉભી રહી અને સંજય શાહની ડાબી બાજુમાં કેતન ધરમશીએ બેઠક લીધી. સંજય શાહે એના બોડીગાર્ડ પાસેથી બ્રીફકેસ લીધી અને બોડીગાર્ડને ઈશારો કર્યો એટલે એ ચેમ્બરની બહાર જઈને ઉભો રહી ગયો. સંજયે એની સેક્રેટરીને એની બાજુમાં બેસવાનું ઈશારાથી કહ્યું એટલે સંજય શાહની જમણી તરફની ખુરશીમાં એની સેક્રેટરીએ બેઠક લીધી.

ધરમશી આ બધી જ ઘટના ધ્યાનથી જોઈ રહ્યા હતા. સર, આપ છે સંજય શાહ, બોમ્બેમાં હીરાનો કારોબાર છે. કાચા હીરા એન્ટેવર્પથી આયાત કરી રફ ડાયમંડમાંથી પોલીશ અને પ્રોસેસ કરી વાયા હોંગકોંગ ઈન્ટરનેશનલ માર્કેટમાં ડીલ કરે છે. હું એમની સેક્રેટરી બીરવા. સંજય શાહનો પરિચય આપતા બીરવાએ કહ્યું અને આગળ કહ્યું, આપ શેઠ શ્રી ધરમશી કરમશી પટેલ. સુરતના હીરા બજારમાં મોટું, જાણીતું અને વિશ્વાસપાત્ર નામ, રફ હીરાને આ ફેક્ટરીમાં પોલીશ કરવામાં આવે છે અને તે પછી, શેઠ પોતે તેનું વેચાણ કરે છે. બીરવાએ ટુંકમાં બંને શેઠનો શાબ્દિક પરિચય આપ્યો.  એ પછી ધરમશી શેઠે કહ્યું, બોલો શેઠ અમારું શું કામ પડ્યું.?” સંજય શાહે કહ્યું, શેઠ આપનો હીરા લાઈનમાં વર્ષોના અનુભવી છો. આપનાથી પડદો રાખીને શું વાત કરવી. મારા છેલ્લા બે સોદામાં મીડીયેટરે માલનો બદલો કરી નાખ્યો અને મને ફાઈનાન્સીયલ લોસ થયો. ફાઈનાન્સથી મોટુ માર્કેટમાં મારુ નામ બગડ્યું તે મને ના ગમ્યું એટલે હવે મેં એવું વિચાર્યું કે કોઈ પ્રતિષ્ઠિત મીડીયેટર પેઢી દ્વારા ધંધો કરવો. આટલું કહી એણે એની બ્રીફકેસ ખોલી એક કવર કાઢ્યું અને કેતનની આગળ પડેલ બ્લ્યુ વેલવેટ મઢેળી ટ્રે પોતાની નજીક લઈને એમાં કવર ઠાલવ્યું. કાચા હીરા ટ્રેમાં ખાલી થયા. આ 100 નંગ રફ ડાયમંડ છે. આપ ચકાસી લો શેઠ આને ફેર કરી વેચવા માટે આપની સહાયની જરૂર છે. કહી સંજય શાહે ટ્રે ધરમશી પટેલની તરફ સરકાવી.

ધરમશીએ ટેબલની ઉપરની વ્હાઈટ લાઈટ ચાલુ કરી ડ્રોઅરમાંથી આઈ ગ્લાસ કાઢ્યો અને કાચા હીરાને એક પછી એક તપાસવા લાગ્યા. બધા જ હીરા સાચા હતા અને પૂરા 100 નંગ હતા. ધરમશી પટેલને અંદાજ મુજબ આશરે સાઈઠ લાખ ઊપરની કિંમતના કાચા હીરા હશે.

હીરા તપાસીને ધરમશીએ સંજય શાહની સામે જોયું અને કહ્યું, બોમ્બેમાં પણ ઘણી સારી પેઢીઓ છે તો પછી શેઠ સંજય શાહે સુરતના આ નાના વેપારીને કેમ પસંદ કર્યો?”

આપનો તર્ક અને શંકા બંને સાચી છે શેઠ સુરતમાં આવ્યા પછી મેં ઘણા વેપારીઓનો સંપર્ક કર્યો પણ કોઈનાથી મને સંતોષ નથી થયો. બોમ્બે લાઈનમાં હવે ધંધો કરવો નથી. આપના વિશે મને જે કોઈ માહિતી મળી એ પરથી મને આપની સાથે ધંધો કરવાનું સેફ વાજબી લાગ્યું એટલે આપનો સંપર્ક કરી આજે મળવા આવ્યો. આગળ આપની ઈચ્છા શેઠ. સંજય શાહે પોતાની વાત પૂરી કરી. ધરમશી શેઠે ડાયમંડ ટ્રે સંજય શાહની તરફ પરત સરકાવી અને કેતનની સામે જોયું અને કહ્યું કે, સારૂ શેઠ વિચારવાનો સમય આપો પછી તમને કહીએ. સારૂ શેઠ તમારા જવાબની રાહ જોઈશ.” કહી સંજય શાહે ડાયમંડની ટ્રે બીરવા તરફ ધકેલી. બીરવાએ સાચવીને બધા જ ડાયમંડ કવરમાં પરત મૂકીને કવર સંજય શાહની બ્રીફકેસમાં મૂક્યું અને બ્રીફકેસ બંધ કરી. સંજય શાહ ખુરશીમાંથી ઉભો થયો અને એ જ ક્ષણે ગ્લાસ ડોરની બહાર ઉભેલો બોડીગાર્ડ અંદર આવ્યો એણે સંજય શાહની બ્રીફકેસ ઉઠાવી અને સંજય શાહનું કાર્ડ બીરવાએ કેતનને આપ્યું અને સંજય શાહે જય શ્રી કૃષ્ણ કહી રજા લીધી.

સંજય શાહે વિદાય લીધી અને કેતન અને ધમશી પટેલ બંને વિચારમાં પડ્યા.