ભાગ -10
“શું લાગે છે
કેતન ધંધો કરવા જેવો કે નહિ?” ધરમશીએ એના દિકરા કેતનને પૂછયું.
“આમ તો શું વાંધો
આવે? રફ હીરા એ આપશે એને આપણે પોલીશ કરવાના અને પછી વેચવાના. આપણે પણ આપણા
હીરા વેચીએ જ છીએ તો જોડે એમના પણ વેચીશું અને કમીશન મળે એ અલગથી આપણે અલગ કોઈ
ખર્ચો પડવાનો નથી. રફ ડાયમંડ પોલીશનો ખર્ચો એ આપશે જ ને.” કેતને સંજય શાહ
જોડે ધંધો કરવા અંગેનો હકારાત્મક અભિપ્રાય આપ્યો.
બીજા દિવસે સવારે કેતન પટેલે સંજય શાહના કાર્ડમાં લખેલ નંબર ઉપર રીંગ
કરી. બે એક રીંગ વાગ્યા પછી સામેથી ફોન રીસીવ થયો. “યસ કેતન સર, બીરવા હિયર જય શ્રી કૃષ્ણ.” “સંજય ભાઈ જોડે
વાત થશે.?” “યસ સર, વેઈટ અ મીનીટ.” બીરવાએ કહ્યું.
એક મીનીટના હોલ્ડ બાદ સંજય શાહનો ફોનમાં અવાજ આવ્યો, “જી કેતનભાઈ કેમ
છો. જય શ્રી કૃષ્ણ.” “જે શ્રી કૃષ્ણ સંજયભાઈ. ગઈકાલે પપ્પા અને મેં વિચાર્યું અને પછી અમને
એવું લાગ્યું કે તમારી સાથે ધંધાકીય સંબંધ વધારવામાં કોઈ વાંધો નથી. આપ કહો ત્યારે
વેપારી શરતો નક્કી કરવા બેસી જઈએ.” “શુભ કામમાં વિલંબ શા માટે આજે સાંજે જ મળીએ આપની ઓફિસ બાય.” કહી સંજય શાહે
ફોન કટ કર્યો અને બીરવાની સામે જોયું. સંજય, બીરવા અને સંજયના બોડીગાર્ડના ચહેરા
ઉપર એક સ્મિત આવી ગયું.
સાંજે 4.00 વાગે ધરમશી કરમશીની પેઢીમાં ધરમશી શેઠની ચેમ્બરમાં સંજય
શાહ, બીરવા, ધરમશી શેઠ, કેતન અને કેતનનો દિકરો સ્નેહ બેઠા હતા.
“ચા ફાવશે કે
કોફી?” ધરમશી શેઠે પૂછ્યું. “આપ જેમાં કંપની આપવા માંગતા હોવ તે.” સંજય શાહે જવાબ આપ્યો એટલે ધરમશીએ ચા
મંગાવવાનું કહેતા કેતને ઈન્ટર કોમ ઉપર ચા લાવવાની સૂચના આપી. ચા નો કપ હાથમાં લેતા
સંજય શાહે પૂછ્યું, “બોલો શેઠ આપ કેવી રીતે કામ કરવા ઈચ્છો છો.?” “રફ ડાયમંડની
પોલીશનો ખર્ચ તમારો અને તૈયાર માલ જે ભાવે વેચીએ તેમાં 1 ટકો કમીશન.”
“સારૂ મંજૂર છે.
પણ હું તમને જે રફ હીરા આપું તેની સામે તમારે તરત જ હિસાબ કરીને મને ફીનીશ ડાયમંડ
આપવાના એવું કરીએ તો કેવું રહે.?’ સંજયે જવાબની સાથે જ કાઉન્ટર ઓફર આપી.
હીરાના બજારમાં આ એક નવો ટ્રેન્ડ હતો. અનુભવી વેપારીને ખ્યાલ આવી જાય
કે રફ હીરાને ફીનીશ હીરા તરીકે તૈયાર કરીએ તો તેનો કેટલો બજાર ભાવ આવે અંહિયા
ધરમશી અને કેતન સંજયની સામે જોઈ રહ્યા હતા. સંજયની ઓફર માન્ય રાખવામાં આવે તો
એક જ દિવસમાં સારો એવો ધંધો થઈ જાય.
ધરમશીએ કહ્યું, “જો એ રીતે પેમેન્ટ કરવું હોય તો કમીશન 2 ટકા કારણ કે નાણાં અમારા
રોકાઈ રહેશે.” “શેઠ દોઢ ટકો રાખો મને પણ પરવડે.” સંજયે જવાબ આપ્યો. “ઓકે ચાલો દોઢ
ટકો અને રફ હીરા પોલીશનો ખર્ચ નંગ દીઠ બજાર ભાવે. ચાલશે.?” “ચાલશે શેઠ” કહી સંજયે
હીરાનું કવર બ્લ્યુ વેલવેટ ટ્રેમાં ખાલી કર્યું. આગળની પ્રક્રિયાનું પુનરાવર્તન
થતું હોય તેમ ધરમશીએ લાઈટ ચાલુ કરી આઈ ગ્લાસથી હીરા પારખવાના શરૂ કર્યા. પૂરા એક સો હીરા હતા. ધરમશી અને કેતને આંકડાઓની
લખાપટ્ટી કરી. થોડી વાર પછી કહ્યું, “સંજયભાઈ તમારા રફ હીરાની કિંમત સાઈઠ લાખ જેવી થાય છે તેને ફીનીશ હીરા
તરીકે કન્વર્ટ કરીએ તો વેસ્ટેજ અને ખર્ચો બાદ કરતા સો નંગમાંથી સિત્તેર નંગ હીરા
તૈયાર થાય તેની બજાર કિંમત એક કરોડ દશ લાખ ગણાય તો તેમાં દોઢ ટકો ખર્ચ બાદ કરીએ તો
એક કરોડ આઠ લાખ પાંત્રીસ હજાર આપવાના થાય.” કેતન અને ધરમશી પટેલ બંને જાણતા હતા
કે સો નંગ કાચા હીરામાંથી વેસ્ટેજ બાદ કરતા 78 થી 80 નંગ હીરા તૈયાર થશે અને સવા
કરોડ ઉપરના ભાવથી વેચી શકાશે.
“ઠીક છે શેઠ.
આપની ગણતરી બહુ જ સચોટ છે.” કહી સંજયે સ્મિત કર્યું.
કેતન અને ધરમશી પટેલ બંને પણ મનમાં હરખાઈ રહ્યા હતા. જ્યારે હજુ ધંધો
શીખી રહેલ સ્નેહ આ આખા વ્યવહારને સમજવાની કોશીશ કરી રહ્યો હતો.
“તો આપને મારે એક
કરોડ આઠ લાખ પાંત્રીસ હજારની કિંમતના ફિનીશ હિરા આપવાના થાય. બરાબરને.!” ધરમશી પટેલે
સંજયને કહ્યું.
“હા શેઠ બરાબર.”
પછી કેતન પટેલ સામે જોઈ કહ્યું, “જા ભાઈ શેઠને હિરા બતાવી દે અને એમને
જે કિંમતના હિરા આપવાના થાય છે તે આપી દે અને એકાઉન્ટમાં પેલો નવો છોકરો રાખ્યો છે
ને શું નામ છે એનું? હા, હેમંત ધોકિયા એને આ આખો વ્યવહાર સમજાવી એન્ટ્રી નાખવાનું કહી દે
અને સંજયભાઈનું મોઢું મીઠું કરાવવાનું કંઈક કરો.”
“જી” કહી કેતન ઉભો
થયો અને ચેમ્બરની બહાર ગયો. ધરમશીએ સંજય શાહ પાસેથી લીધેલા કાચા હિરા સાચવીને
પેકેટમાં મૂકી પેકેટ ડ્રોઅરમાં મૂક્યું. કેતન પટેલે ચેમ્બરની બહાર નીકળી પોતાના
સહિત ચેમ્બરમાં બેઠેલ દરેક વ્યક્તિ માટે ફાલુદા ઓર્ડર કર્યો અને એકાઉન્ટ વિભાગમાં
હેમંત ધોકિયાને મળવા ગયો અને હેમંતને સંજય શાહ સાથેનો આખો સોદો સમજાવ્યો એટલે
હેમંતે કહ્યું, “શેઠ, આ આખા વ્યવહારમાં ટેક્ષ મોટો આવશે કારણ કે સાઈઠ લાખનો માલ ખરીદ
કર્યો, અને એક કરોડ આઠ લાખ પાંત્રીસ હજારનો માલ વેચ્યો તો કુલ એક કરોડ અડસઠ લાખ
પાંત્રીસ હજાર ઉપર ટેક્ષ ભરવાનો થાય.”
કેતન પટેલ પણ વિચારમાં પડી ગયો કે આટલી મોટી રકમ ઉપર ટેક્ષ ભરવાનો
આવે એ વાત તો એણે વિચારી પણ ન હતી.
કેતનને મુંઝવણમાં પડેલો જોઈને હેમંતે આગળ કહ્યું, “એક રસ્તો થાય
આપણી પાસે રોકડ પડી છે જે ચોપડે નથી. તો જો સામેવાળી પાર્ટીને વાંધો ન હોય તો આ
રોકડ એમને આપી દઈએ અને સાઈઠ લાખના કાચા હિરાની સામે એટલી જ રકમના ફિનીશ ડાયમંડ આપી
દઈએ અને ચોપડે એવું બતાવાય કે રફ હિરા ફિનીશ કરીને આપ્યા અને એની જે મજૂરી થઈ તે
આવક થઈ તો તેના ઉપર બહુ મોટો ટેક્ષ ભરવાનો નહિ આવે.”
કેતનના મગજમાં આ વાત બેસી ગઈ. આમ પણ એ ધંધામાં ચોપડે નહિ લીધેલી રોકડ
ઠેકાણે પાડવા માંગતો હતો.
No comments:
Post a Comment