Sunday, October 9, 2022

બીરજુ- બીરવા ભાગ - 8

 

ભાગ- 8

સમારકામના અભાવે પડવા જેવા થઈ ચૂકેલા અને રીનોવેશન માટે તરફડી રહેલા મકાનના બેડરૂમમાં ઠેર ઠેર પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા હતા. એક જૂના જમાનાના પલંગમાં એક દુબળું પાતળું શરીર શ્વસી રહ્યું હતું.

આધેડ વયની મહિલાએ પોલીસની હાંસી ઉડાવતા હોય તે રીતે કહ્યું, લઈ જાવ સાહેબ આ જ છે. જ્હોન્સન વિલિયમ.

વિલિયમના ઘરનું બારણું ખખડાવતા સમયે પી.એસ.આઈ. સંજયની આંખોમાં જે ચમક હતી, પી.આઈ. મેરાજના ચહેરા ઉપર ગુનો ઉકેલી નાખવાનું જે ગુમાન હતું તે બધું જ ગાયબ થઈ ગયું અને પોલીસ ટીમની આંખોમાં એક આશ્ચર્યના ભાવ ઉભરી આવ્યા.

આપનો પરિચય પી.આઈ. મેરાજે પૂછ્યું

 હું માર્થા, તમે મને આની કેર ટેકર ગણી શકો છો. જ્હોન્સન વિલિયમનું આ સંસારમાં કોઈ નથી. એ જયારે કમાતો હતો ત્યારે પોતાના ખર્ચની રકમ પોતાની જોડે રાખીને બાકીની રકમ ડોનેટ કરતો હતો એટલે ફાધરે મને જ્હોન્સન વિલિયમના કેરટેકર તરીકેની જવાબદારી આપી છે. હું છેલ્લા સાત-આઠ મહિનાથી અંહિયા જ રહું છું. માર્થાએ પોતાનો પરિચય અને જ્હોન્સન વિલિયમની ટુંકમાં માહિતી આપી.

જ્હોન્સન વિલિયમ, પથારીમાંથી જાતે ઉઠી પણ શકે તેવી પરિસ્થીતીમાં ન હતો. શંકાનો કીડો પોલીસ દિમાગમાં સળવળી રહ્યો હતો એટલે પી.આઈ. મેરાજે લોકલ જમાદારની મદદથી સિવીલ હોસ્પિટલના ડોક્ટરને અનઓફિશીયલી વિઝીટમાં બોલાવ્યા. જમાદારને વિલિયમના ઘરે બેસાડી બાકીનો પોલીસ કાફલો ફ્લેટના કોમન પ્લોટમાં ગયો. જ્હોન્સન વિલિયમના મકાનના આજુબાજુના લોકોએ પોલીસ ટીમને જોઈ પછી જ્યારે જાણ્યું કે, અમરેલી લુંટ કેસમાં જ્હોન્સન વિલિયમને પકડવા આવ્યા છે ત્યારે આજુ બાજુના લોકોએ અંદરો અંદર હસી મજાક શરૂ કરી. એકે તો કહ્યું કે, લો બોલો આ વિલિયમ છ મહિનાથી પથારીમાંથી પેશાબ કરવા પણ ઉભો નથી થયો અને આ આપણી પોલીસ કહે છે કે, આણે અમરેલીમાં લુંટ કરી. ભાઈ આવી પોલીસ તો આપણા દેશમાં જ મળે... ગુનેગારને પકડે નહિ અને જેને પકડવા હોય તેને ગુનેગાર બનાવી લે. નીચે ઉભેલી પોલીસ ટીમને શરમ પણ આવતી હતી અને ગુસ્સો પણ. થોડી વારમાં સિવીલ હોસ્પિટલના ડોક્ટર આવ્યા. જ્હોન્સન વિલિયમનું મેડીકલ એક્ઝામીનેશન કર્યું અને ગુસ્સામાં કહ્યું વ્હોટ નોન્સેન્સ ઓફિસર, આ વ્યક્તિ લુંટના ગુનામાં હોય એવું તમે કહો છો? આ વ્યક્તિ છેલ્લા આઠ મહિનાથી પથારીવશ છે અને હવે એ પથારીમાંથી ઉઠી શકે તેમ નથી. અને જેવી ઉતાવળે આવ્યા હતા તેટલી જ ઉતાવળથી જતા પણ રહ્યા. પોલીસ ટીમ નક્કર કોઈ પૂરાવા કે તપાસના પરિણામ વગર ખાલી હાથે પાછી અમરેલી ફરી.

અમરેલીની લુંટ છાપાના હેડલાઈન તરીકે ચમકી ગઈ હતી અને પોલીસ ફીફા ખાંડે છે તેવા આરોપો થઈ રહ્યા હતા. મુદ્દો વિધાનસભામાં પણ ઉછળ્યો અને વિપક્ષે પ્રશાસનની કામગીરી ઉપર માછલાં ધોયા. છેવટે ગૃહ ખાતાએ લોકલ પોલીસ પાસેથી તપાસ લઈને ક્રાઈમ બ્રાંચને સોંપી. ક્રાઈમ બ્રાંચે તપાસ સોંપી એ.સી.પી. અજય શેલતને. અજય શેલતને આ કામ માટે ફ્રી હેન્ડ આપવામાં આવ્યા અને એ.સી.પી. અજયે પોતાની ટીમ પોતાની રીતે પસંદ કરી અને અમરેલી જવા રવાના થયા.

---------------------------------

સુરત શહેર.... દક્ષિણ ગુજરાતનું ધમધમતું શહેર.

સુરત જેટલું હિરા ઉદ્યોગ માટે જાણીતું છે એટલું  જ એની વાનગી ઘારી માટે અને એથી વધુ સુરતી બોલી અને સુરતી લાલાઓ માટે..

ભારતમાં સહુથી વધુ કાચા હિરા પોલીશ થવા અને ઘાટ માટે સુરત આવે અને સુરતમાં હિરાની ઘંટી અને પેઢી સતત ધમ ધમતી રહે.

સુરતના કતારગામ વિસ્તારમાં ધરમશી કરમશીની પેઢી બહુ જુની અને જાણીતી. ધરમશી કરમશીની પેઢીમાં આશરે અઢીસો ઘંટી ઉપર ત્રણ પાલીમાં થઈને એક હજાર કારીગરો કામ કરે. ધરમશી કરમશીની પેઢીનો રોજ બરોજનો વહીવટ ધરમશી પટેલના મોટા દિકરા કેતનના હાથમાં અને માર્કેટીંગ અને બોમ્બે વેપારી ડીલ કરવાની જવાબદારી ધરમશી પટેલની. કેતન ધરમશીનો દિકરો સ્નેહ બાપ દાદાનો ધંધો શીખી રહ્યો હતો. કેતનથી નાનો દિકરો ભાવિન પોતાની અલગ પેઢી ચલાવતો હતો. નાના પાયે પણ ધીમેથી સફળતાની સીડી ચઢી રહ્યો હતો.

કતાર ગામના છેવાડાની સોસાયટીમાં હાલ રોડ ઉપરના બે બંગલા બોમ્બેના શેઠે ભાડે રાખ્યા હતા. બંગલાના આંગણે બે એસ.યુ.વી. પાર્ક થયેલી હતી અને દરવાજે એક ગેટમેન. સોસાયટીના ચેરમેનને એટલી માહિતી હતી કે આ બંગલા બોમ્બેના કોઈ સંજય શાહ નામના હિરાના વેપારીએ ભાડે રાખેલ છે. સંજય શાહ જ્યારે પણ બંગલાની બહાર નીકળે ત્યારે તેની સાથે તેની સેક્રેટરી હોય જ. રોજ કેટલાય લોકો બંગલામાં મળવા આવે અને જાય.

ધરમશી કરમશીની પેઢીમાં એક તરવરીયો યુવાન નોકરી માટે આવ્યો હતો. ધરમશી પોતે મૂળ કાઠિયાવાડના એટલે કાઠિયાવાડ તરફથી કોઈ નોકરી માટે આવે તો તેનો ઈન્ટરવ્યુ એક વખત તો કરે જ. ધરમશી કરમશીની પેઢીની ઓફિસમાં ધરમશી પટેલ પોતાની ચેમ્બરમાં બેઠા હતા અને બાજુમાં એમનો મોટો દિકરો કેતન અને દિકરાનો દિકરો સ્નેહ.

શું નામ તારું?”

હેમંત જગજીવન ધોકિયા.”

ક્યાંના છો?”

ચરાડા, અમરેલી.”

આ ધંધામાં શું આવડે છે.?”

હિરાની પરખ નથી પણ હિસાબ-કિતાબનું કામ કરી શકું છું અને નાનું મોટું મશીન રીપેરીંગનું કામ પણ કરી શકું છું.

કેટલું ભણેલો તું ભાઈ?”

બારમું પાસ છું.”

આગળ કેમ ન ભણ્યો?”

બાપુજીથી કામ થતું નતું અને ઘરની જવાબદારી નિભાવવા એક એન્જીનીયરીંગ પેઢીમાં નોકરી લાગ્યો તે પછીથી જાતે ટેલીનો કોર્સ કર્યો અને એકાઉન્ટ શીખ્યો. એટલે હિસાબ કિતાબ અને નાનું મોટું મશીનનું રીપેરીંગ કામ કરી જાણું છું.

ધરમશી પટેલ ઈન્ટરવ્યુ લઈ રહ્યા હતા અને હેમંત શાંત ચિત્તે સ્વસ્થતા પૂર્વક તમામ સવાલોનો જવાબ આપી રહ્યો હતો.

ધરમશીએ કેતન સામું જોયું અને બાપની આંખો દિકરાએ વાંચી લીધી.

કેતને કહ્યું, આવતીકાલ, રવિવાર સવારે 10.00 વાગ્યાથી કામ ઉપર આવી જજો. સ્નેહ તમને કામ અને હિસાબી કામકાજ માટે મુનીમજીને મળાવી દેશે અને હાલ તમને મહિને 8,000/- પગાર આપીશું.પછી તમારું કામ જોઈને નક્કી કરીશું.

આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. જય શ્રી કૃષ્ણ.”

બે હાથ નમસ્તેની મુદ્રામાં જોડીને હેમંત ઉભો થઈને ટટ્ટાર ચાલે નીકળ્યો અને દરવાજા સુધી જઈને પાછો આવ્યો. સાહેબ આપે મારા આઈ.ડી. પ્રુફ તો લીધા જ નહિ.” આટલું કહી પોતાના આઈ.ડી. પ્રુફની ઝેરોક્ષ ટેબલ ઉપર મૂકી. કેતને ઝેરોક્ષ ઉઠાવી અને સ્નેહને ફાઈલ કરવા કહ્યું.

હેમંત ઓફિસમાંથી બહાર નીકળી ગયો એના ચહેરા ઉપર નોકરી મળવાની ખુશી હતી.

બીજા દિવસે સવારે હેમંત ધરમશી કરમશીની પેઢી ઉપર પોણા દશ વાગે આવી ગયો. સ્નેહ સાથે મુનીમને મળવા પહોંચી ગયો. ધરમશીના મોબાઈલમાં રીંગ વાગી નંબર અજાણ્યો હતો.

ધરમશીએ ફોન ઉઠાવ્યો, હેલો

જય શ્રી કૃષ્ણ ધરમશી શેઠ.” એક મૃદુ સ્ત્રી સ્વર સંભળાયો

જે શ્રી કૃષ્ણ.” ધરમશી શેઠે સામે પ્રત્યુત્તર આપ્યો

શેઠ હું બીરવા વાત કરૂ છું. અમારા શેઠ સંજય શાહ સાહેબને આપને મળવું છે. હીરાના ધંધા માટે.

ઉડતી ઉડતી વાત ધરમશીના કાને પહોંચી હતી કે, બોમ્બેના કોઈ મોટા શેઠિયાએ કતારગામમાં બે બંગલા હાલ ભાડે રાખ્યા છે. નામ પાકુ ખબર ન હતી પણ વાત ધંધાની આવી એટલે ધરમશીએ કહ્યું, તમારા શેઠને ક્યારે ફાવે અમારા ત્યાં પગલાં કરવાનું એમને અનુકૂળ હોય તે સમય જણાવશો.

વન મિનીટ સર કહી ફોન હોલ્ડ ઉપર મૂકાયો

થોડી ક્ષણના વિરામ બાદ ફરીથી એ જ મૃદુ સ્ત્રી સ્વર સંભળાયો.

સર આપને આ શુક્રવારે સાંજે 6.00 વાગે ફાવશે.?”

સારૂ આવી જજો.

ધરમશીની પેઢીમાં રવિવારથી કામ ઉપર લાગેલો હેમંત ચાર દિવસમાં તો ઘણું કામ શીખી ગયો. એક વખત એક ઘંટી બંધ પડી ગઈ. હેમંતે મિકેનીકની રાહ જોયા વગર પોતાની આવડત અને કુનેહથી ઘંટી ચાલુ કરી દીધી. હિસાબ કિતાબ માટે ઓફિસના ડેસ્કટોપમાં કેટલાક નવા પ્રોગ્રામ ઈન્સ્ટોલ કર્યા અને દરેક કારીગરની એક વર્કશીટ બનાવી દીધી. નવા જમાનાના સ્નેહને આ પધ્ધતિ વધુ સરળ લાગી. કેતનને પેઢીના રોજે રોજના હિસાબો એક ઓર્ગેનાઈઝ શીટમાં મળવા લાગ્યા. એમાં પણ, નોકરીના બીજા જ દિવસે, હેમંતે કેતન ને એક મુદ્દો આપ્યો કે, આ દરેક કારીગર ચા બીડી કરવા ફેક્ટરનીની બહાર જાય છે તેના કરતા જો ફેક્ટરીમાં જ એક નાની કેન્ટીન બનાવીએ તો કેન્ટીન ચલાવનારને પણ રોજી મળી રહે, કારીગરોને બહાર જવા-આવવાનો સમય ન બગડે અને હીરાના પેકેટ આધા-પાછા થવાની શક્યતા પણ ઓછી થઈ જાય. કેતનને આ વિચાર ગમી ગયો એટલે એણે ધરમશી શેઠને વાત કરી. ધરમશી શેઠને પણ વિચાર યોગ્ય લાગ્યો.

શુક્રવારની સાંજે 6.00 વાગે ધરમશી કરમશીની પેઢીના કંપાઉન્ડમાં એક ફોર્ચ્યુનર દાખલ થઈ.

No comments:

Post a Comment