ભાગ- 9
શુક્રવારની સાંજે 6.00 વાગે ધરમશી કરમશીની પેઢીના કંપાઉન્ડમાં એક
ફોર્ચ્યુનર દાખલ થઈ. વોચમેને ગાડીનો નંબર નોંધ્યો, ડ્રાઈવર સાઈડનો કાચ અડધો નીચે
ઉતર્યો અને ડ્રાઈવરે વોચમેનને કહ્યું. “સંજયભાઈ શેઠ, એપોઈન્ટમેન્ટ છે.” વોચમેને સલામ
કરી અને ગાડીને અંદર પાર્ક કરાવી. પેરેલલ બીજા વોચમેને ઈન્ટરકોમ ઉપર કેતનભાઈને
સંજયભાઈ શેઠ કરીને કોઈ આવેલ હોવાની જાણ કરી.
ફોર્ચ્યુનરના ડ્રાઈવર સાઈડની પાછળનો અને ડ્રાઈવર સાઈડની બીજી તરફનો
દરવાજો લગભગ સાથે જ ખુલ્યા. ડ્રાઈવર સાઈડની બાજુના દરવાજામાંથી એક છ ફૂટ બે ઈંચની
પડછંદ કસાયેલી કાયા બહાર આવી. બ્લેક સફારી, ગોગલ્સ, ક્રુ કટ વાળ, મીલેટ્રી શુઝ,
ક્લીન શેવ, કઠોર ચહેરા ઉપર શીળીના ચાઠા ચહેરાને વધારે ક્રુરતા આપતા હતા. ઉતરીને
એણે ચારે તરફ એક નજર ફેરવી. ડ્રાઈવરની પાછળની
બાજુમાંથી એક પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ વાળો નારી દેહ ઉતર્યો, કોઈ
મલ્ટીનેશનલ કંપનીના એક્ઝીક્યુટીવનો હોય તેવા ફોર્મલ પેન્ટ-શર્ટની ઉપર કોટ પહેરેલો
હતો. આંખે ગોગલ્સ, ખભા સુધીના વાળ ખુલ્લા હતા. પગમાં બ્લેક સહેજ પોઈન્ટેડ સેન્ડલ
અને હાથમાં એક બ્લેક બ્રીફકેસ હતી. દરવાજામાંથી ઉતરીને એણે પોતાની તરફનો દરવાજો
તરત જ બંધ કરી દીધો અને એણે પણ ચારે તરફ એક નજર નાખી. ડ્રાઈવરની બાજુના
દરવાજામાંથી ઉતરેલ વ્યક્તિને બે એક મિનીટના ઓબ્ઝર્વેશનથી સંતોષ થતા એણે પાછળની
સાઈડનો દરવાજો ખોલ્યો અને એ દરવાજામાંથી આશરે 50 વર્ષની આસપાસની ઉંમરનો, પોણા છ
ફૂટ ઉંચાઈનો, પેટ સહેજ વધારે પણ એને બાદ કરતા કસાયેલા શરીર વાળો સફેદ પેન્ટ-શર્ટ
પહેરેલો દેહ સ્ફૂર્તીથી બહાર આવ્યો. બંને હાથની બધી જ આંગળીઓમાં વીંટી પહેરેલી
હતી. એના હાથમાં એક બ્રીફકેસ હતી જે એણે ઉતરીને એના બોડીગાર્ડને આપી અને કોઈ ગર્ભ
શ્રીમંત વ્યક્તિની ચાલથી એણે ચાલવાનું શરૂ કર્યું અને એની બાજુમાં એના બોડીગાર્ડ
જેવા લાગતા વ્યક્તિએ અને પાછળ એની સેક્રેટરી જેવી લાગતી વ્યક્તિ ચાલવા લાગ્યા.
ધરમશી કરમશીની પેઢીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રીસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલ વ્યક્તિ
આવનારના પ્રભાવમાં આવી ગયો હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું હતું. બોડીગાર્ડે સીધુ જ
પૂછી લીધું, “શેઠની એપોઈન્ટમેન્ટ છે, ધરમશી શેઠ જોડે કયા માળ ઉપર જવાનું?” “પહેલા માળે
લીફ્ટથી જમણી બાજુ ત્રીજી કેબીન સાહેબ.” રીસેપ્શન ઉપર બેઠેલ વ્યક્તિએ જવાબ
આપ્યો. “થેંક્યુ” કહીને ત્રણે જણ લીફ્ટ તરફ આગળ વધ્યા. બોડીગાર્ડે અપ સાઈડનું બટન
પ્રેસ કર્યું લીફટનો દરવાજો ખૂલ્યો અને ત્રણે જણ લીફ્ટમાં દાખલ થયા. પહેલા માળ ઉપર
લીફ્ટ ઉભી રહી પછી ત્રણે જણ ધરમશીની કેબીન તરફ આગળ વધ્યા અને આ આખી ઘટના કોર્નર
સાઈડની પોતાની કેબીનના ગ્લાસમાંથી જોઈ રહેલ કેતન ધરમશી આવનારને લેવા માટે લીફ્ટના
દરવાજા તરફ આગળ વધ્યો.
“આવો શેઠ જે શ્રી
કૃષ્ણ.” કેતન ધરમશીએ આવનારને આવકારો આપ્યો.
“જય શ્રી કૃષ્ણ
કેતનભાઈ કેમ છો.?” સફેદ પેન્ટ શર્ટમાં રહેલ વ્યક્તિએ નિખાલસ હાસ્ય સાથે પ્રત્યુત્તર
આપ્યો.
“બસ પ્રભુ કૃપા
છે.” કહીને કેતન ધરમશીએ ધરમશી કરમશીની ચેમ્બરનો ગ્લાસ ડોર ખોલ્યો. પહેલા
સફેદ પેન્ટ-શર્ટ વાળા શેઠ એની પાછળ સેક્રેટરી પાછળ બોડીગાર્ડ અને એ પછી કેતન
ધરમશીની ચેમ્બરમાં દાખલ થયા. સફેદ પેન્ટ શર્ટ વાળી વ્યક્તિએ આંખો ઉપરથી ગોગલ્સ
ઉતારી ખીસામાં મૂક્યા અને ધરમશી કરમશીને બે હાથ જોડીને કહ્યું, “જય શ્રી કૃષ્ણ
શેઠ કેમ છો.? આ સંજય શાહના સ્નેહ વંદન સ્વીકાર કરો.”
ધરમશી, જમાનાના અનુભવી વ્યક્તિ, આવનારના પહેરવેશ અને બોલવાની શૈલીથી
અંજાઈ ગયા, એક પળ માટે વિચાર આવ્યો કે, “પહેલી વખત મળનાર વ્યક્તિ આટલી
આત્મીયતાથી શા માટે બોલે છે અને એ પણ આટલી મીઠાશથી પણ તરત જ વિચાર બદલાયો કે ગર્ભ
શ્રીમંત વ્યક્તિઓને પૈસાનું અભિમાન નથી હોતું. “એટલે એણે પણ તરત જ સામે હાથ જોડીને “જે શ્રી કૃષ્ણ” કર્યા.
ધરમશી એમની ખુરશીમાં ગોઠવાયા અને ટેબલની સામેની તરફ એમની બરાબર
સામેની ખુરશીમાં સંજય શાહ એની પાછળ એની સેક્રેટરી ઉભી રહી અને સંજય શાહની ડાબી
બાજુમાં કેતન ધરમશીએ બેઠક લીધી. સંજય શાહે એના બોડીગાર્ડ પાસેથી બ્રીફકેસ લીધી અને
બોડીગાર્ડને ઈશારો કર્યો એટલે એ ચેમ્બરની બહાર જઈને ઉભો રહી ગયો. સંજયે એની
સેક્રેટરીને એની બાજુમાં બેસવાનું ઈશારાથી કહ્યું એટલે સંજય શાહની જમણી તરફની
ખુરશીમાં એની સેક્રેટરીએ બેઠક લીધી.
ધરમશી આ બધી જ ઘટના ધ્યાનથી જોઈ રહ્યા હતા. “સર, આપ છે સંજય
શાહ, બોમ્બેમાં હીરાનો કારોબાર છે. કાચા હીરા એન્ટેવર્પથી આયાત કરી રફ ડાયમંડમાંથી
પોલીશ અને પ્રોસેસ કરી વાયા હોંગકોંગ ઈન્ટરનેશનલ માર્કેટમાં ડીલ કરે છે. હું એમની
સેક્રેટરી બીરવા.” સંજય શાહનો પરિચય આપતા બીરવાએ કહ્યું અને આગળ કહ્યું, “આપ શેઠ શ્રી
ધરમશી કરમશી પટેલ. સુરતના હીરા બજારમાં મોટું, જાણીતું અને વિશ્વાસપાત્ર નામ, રફ
હીરાને આ ફેક્ટરીમાં પોલીશ કરવામાં આવે છે અને તે પછી, શેઠ પોતે તેનું વેચાણ કરે
છે.” બીરવાએ ટુંકમાં બંને શેઠનો શાબ્દિક પરિચય આપ્યો. એ પછી ધરમશી શેઠે કહ્યું, “બોલો શેઠ અમારું
શું કામ પડ્યું.?” સંજય શાહે કહ્યું, “શેઠ આપનો હીરા લાઈનમાં વર્ષોના અનુભવી છો. આપનાથી પડદો રાખીને શું
વાત કરવી. મારા છેલ્લા બે સોદામાં મીડીયેટરે માલનો બદલો કરી નાખ્યો અને મને
ફાઈનાન્સીયલ લોસ થયો. ફાઈનાન્સથી મોટુ માર્કેટમાં મારુ નામ બગડ્યું તે મને ના
ગમ્યું એટલે હવે મેં એવું વિચાર્યું કે કોઈ પ્રતિષ્ઠિત મીડીયેટર પેઢી દ્વારા ધંધો
કરવો.” આટલું કહી એણે એની બ્રીફકેસ ખોલી એક કવર કાઢ્યું અને કેતનની આગળ
પડેલ બ્લ્યુ વેલવેટ મઢેળી ટ્રે પોતાની નજીક લઈને એમાં કવર ઠાલવ્યું. કાચા હીરા
ટ્રેમાં ખાલી થયા. આ 100 નંગ રફ ડાયમંડ છે. આપ ચકાસી લો શેઠ આને ફેર કરી વેચવા
માટે આપની સહાયની જરૂર છે. કહી સંજય શાહે ટ્રે ધરમશી પટેલની તરફ સરકાવી.
ધરમશીએ ટેબલની ઉપરની વ્હાઈટ લાઈટ ચાલુ કરી ડ્રોઅરમાંથી આઈ ગ્લાસ
કાઢ્યો અને કાચા હીરાને એક પછી એક તપાસવા લાગ્યા. બધા જ હીરા સાચા હતા અને પૂરા
100 નંગ હતા. ધરમશી પટેલને અંદાજ મુજબ આશરે સાઈઠ લાખ ઊપરની કિંમતના કાચા હીરા હશે.
હીરા તપાસીને ધરમશીએ સંજય શાહની સામે જોયું અને કહ્યું, “બોમ્બેમાં પણ
ઘણી સારી પેઢીઓ છે તો પછી શેઠ સંજય શાહે સુરતના આ નાના વેપારીને કેમ પસંદ કર્યો?”
“આપનો તર્ક અને
શંકા બંને સાચી છે શેઠ સુરતમાં આવ્યા પછી મેં ઘણા વેપારીઓનો સંપર્ક કર્યો પણ કોઈનાથી
મને સંતોષ નથી થયો. બોમ્બે લાઈનમાં હવે ધંધો કરવો નથી. આપના વિશે મને જે કોઈ
માહિતી મળી એ પરથી મને આપની સાથે ધંધો કરવાનું સેફ વાજબી લાગ્યું એટલે આપનો સંપર્ક
કરી આજે મળવા આવ્યો. આગળ આપની ઈચ્છા શેઠ.” સંજય શાહે પોતાની વાત પૂરી કરી. ધરમશી
શેઠે ડાયમંડ ટ્રે સંજય શાહની તરફ પરત સરકાવી અને કેતનની સામે જોયું અને કહ્યું કે, “સારૂ શેઠ
વિચારવાનો સમય આપો પછી તમને કહીએ.” “સારૂ શેઠ તમારા જવાબની રાહ જોઈશ.” કહી સંજય શાહે ડાયમંડની ટ્રે બીરવા
તરફ ધકેલી. બીરવાએ સાચવીને બધા જ ડાયમંડ કવરમાં પરત મૂકીને કવર સંજય શાહની
બ્રીફકેસમાં મૂક્યું અને બ્રીફકેસ બંધ કરી. સંજય શાહ ખુરશીમાંથી ઉભો થયો અને એ જ
ક્ષણે ગ્લાસ ડોરની બહાર ઉભેલો બોડીગાર્ડ અંદર આવ્યો એણે સંજય શાહની બ્રીફકેસ ઉઠાવી
અને સંજય શાહનું કાર્ડ બીરવાએ કેતનને આપ્યું અને સંજય શાહે જય શ્રી કૃષ્ણ કહી રજા
લીધી.
સંજય શાહે વિદાય લીધી અને કેતન અને ધમશી પટેલ બંને વિચારમાં પડ્યા.
No comments:
Post a Comment