ભાગ -15
જયપુર પીંક સીટી, રાજસ્થાનના ખૂબસુરત શહેરો પૈકીનું એક. હવા મહેલની
બાંધણી અને અને કારીગરી જોવા માટે દેશવિદેશથી સહેલાણીઓ અંહિ આવે છે. જયપુરની એક
જુના રાજવી ઢબે બાંધવામાં આવેલ મકાનમાં કુંદનસિંહ ચંપાવત બેઠા હતા, બોમ્બેથી
રહેમતઉલ્લા નામનો કોઈ વેપારી એમને સતત મળવાના પ્રયત્નમાં હતા. એમનો જ એક માણસ
આજે કુંદનસિંહ ચંપાવતને મળવા આવ્યો હતો. પ્રારંભિક વાતચીત પછી કુંદનસિંહે કહ્યું “મુદ્દાની વાત
કરવી હોય અને એક જ મીટીંગમાં નિર્ણય કરવો હોય તો તમારા શેઠને કહેજો. મીટીંગ મારી
ટીમ જોડે અને હું કહું ત્યાં થશે તમારો ફોન નંબર આપી દો મારે કુંવર સાહેબના બીજા
પણ કામ છે.” સામે બેઠેલ માણસે કહ્યું, “એક ફોન કરી લઉ જો આપને વાંધો ન હોય તો
અને પછી જણાવું.” કુંદનસિંહે હાથથી બહાર જઈ વાત કરવાનો ઈશારો કરતા તે માણસ ઉભો થઈને
બહાર ગયો અને લગભગ દશેક મિનીટ પછી અંદર આવ્યો. “સર, આપ જ્યારે કહો ત્યારે અને જ્યાં
કહો ત્યારે મીટીંગમાં શેઠ આવવા તૈયાર છે. પણ પાર્સલ તમારે લેતા આવવું પડશે.” “સારૂ વાંધો નહિ
પણ સામે તમારે પણ તમારું પાર્સલ લેતા આવવાનું થશે. ઉપરના પછી જોઈ લઈશું. ઓકે બાય.” કહીને
કુંદનસિંહ ઉભા થઈ ગયા અને સામે બેઠેલ વ્યક્તિ પણ ઉભો થઈ ગયો.
દશેક દિવસ બાદ જયપુરના રેલવે સ્ટેશનના એક પબ્લિક ફોન ઉપરથી એક
સામાન્ય માણસે એક ચિઠ્ઠીમાં લખેલ નંબર ડાયલ કર્યો. સામે છેડેથી ફોન રીસીવ થયો
એટલે, આ છેડેથી સુચના આપવામાં આવી. “બે દિવસ પછી સવારે 10.00 વાગે સિરોહી
સ્ટેશનની સામે હોટલ રાજપૂતાના રૂમ નંબર 105 પાર્સલ લેતા આવજો તમારૂ પાર્સલ સિરોહી
જ મળી જશે. રીપીટ, બે દિવસ પછી સવારે 10.00 વાગે સિરોહી સ્ટેશનની સામે હોટલ
રાજપૂતાના રૂમ નંબર 105.” ફોન કટ થઈ ગયો અને સામા છેડે રહેલ વ્યક્તિએ આ માહિતી રહેમતુલ્લાને આપી.
ફોન કર્યાના બીજા દિવસે સિરોહીમાં રેલવે સ્ટેશનની સામેની હોટલ
રાજપૂતાનામાં પહેલા માળ ઉપરના પાંચ રૂમ અને બીજા માળ ઉપરના ત્રણ રૂમ એક ગુજરાતી
વેપારીએ બુક કર્યા હતા. કુલ આઠ રૂમમાં વીસ જણ રોકાયા હતા. મોટા ભાગના તો પોતપોતાના
રૂમમાં જ રહેતા પણ રૂમ નંબર 105માંથી એક વ્યક્તિનું આવન-જાવન ચાલુ હતું.
બીજા દિવસે, હોટલ
રાજપૂતાનાના પાર્કિંગમાં બે કાર આવીને ઉભી રહી એમાંથી કુલ આઠ વ્યક્તિઓ ઉતર્યા,
હોટલના રીસેપ્શન કાઉન્ટર ઉપર આવીને રૂમ નં. 105 વિશે પૂછ્યું. રૂમ બુક હતો. એટલે
આવનારા મુંઝાયા. એ જ સમયે રૂમ નં. 105માંથી રીસેપ્શન ઉપર ફોન આવ્યો, “આજે અમારા
કેટલાક મહેમાન આવશે અમારા રૂમમાં આવવાનું કહે તો અમને જાણ કરજો.” “યસ સર.” એ જ સમયે ઉપરના
રૂમમાંથી એક વ્યક્તિ નીચે આવ્યો અને રીસેપ્શન સામે રહેલા વ્યક્તિઓને કહ્યું, “આવો શેઠ, અમારા
શેઠ રાહ જોઈ રહ્યા છે.” રીસેપ્શન કાઉન્ટર પાસે રહેલ આઠે વ્યક્તિઓ આવનારની સાથે ઉપરના માળ
ઉપર ગયા.
ઉપરના માળે રૂમ નં. 105માં આવનાર આઠ વ્યક્તિઓ દાખલ થયા અને રૂમનો
દરવાજો અંદરથી બંધ કર્યો. આવનાર દરેકનું રૂમમાં રહેલ વ્યક્તિએ ચેકિંગ કર્યું કશું
જ વાંધા જનક લાગ્યું નહિ. કોઈ હથિયાર, હથિયાર તરીકે વાપરી શકાય તેવી ચીજ કે
સ્પાયેકેમ કે રેકોર્ડર કોઈ જ શંકાસ્પદ ચીજ વસ્તુ નથી તેની પાકી ખાતરી કર્યા બાદ
શાંતિથી બેસવાની સૂચના આપી. થોડા સમય બાદ રૂમનો દરવાજો એક ખાસ પધ્ધતિથી નોક થયો.
અંદરના વ્યક્તિએ પણ સામેથી એક ખાસ પ્રકારે નોક કર્યું અને પછી દરવાજો ખોલ્યો.
રૂમમાં એક સ્ત્રી અને ત્રણ પુરૂષ દાખલ થયા. બધાએ ટીપીકલ ગુજરાતી ડ્રેસ પહેર્યો
હતો. આવનાર પૈકી સ્ત્રીએ રૂમમાં બેઠેલ આઠે વ્યક્તિઓને આવકાર્યા અને કહ્યુ, “આવવામાં કોઈ
તકલીફ નથી પડીને.?” “ના કોઈ ખાસ નહિ. કુંદનસિંહજી ને મળવું છે.”
“કુંદનસિંહજી
થોડી વારમાં મળવા આવશે. આપ, આપનું પાર્સલ વેરીફાઈ કરાવી દો.”
આવનાર રહેમતઉલ્લાહ તથા તેના માણસોએ એક બીજાની સામે જોયું. એમના ચહેરા
ઉપર શંકા અને ભયની મિશ્રીત લાગણીઓ સ્પષ્ટ દેખાઈ આવતી હતી.
“રિલેક્સ, ચિંતા ન કરો.
આપના પાર્સલનું માત્ર વેરીફીકેશન કરવા જ મને કુંદનસિંહજીએ મોકલી છે. એ ઉપરના માળે
આપના પાર્સલ સાથે બેઠા છે.”
રહેમતઉલ્લાહએ બાકીના વ્યક્તિઓની સામે જોયું અને પોતાની બેગ આગળ કરી
અને કહ્યું, “કુલ આઠ બેગમાં કપડાની નીચે રોકડા છે. પૂરા સાત ખોખા મોટી નોટોના બંડલ
આપ ગણાવી લો.” સામેની ખુરશીમાં બેઠેલ સ્ત્રીએ હાથથી ઈશારો કરતા અંદરના રૂમમાંથી
નોટો ગણવાનું મશીન બહાર લાવવામાં આવ્યું અને ગણતરી શરૂ કરી. રકમ પૂરી હતી એટલે એણે
હાથનો ઈશારો કર્યો એટલે સાથેનો એક માણસ રૂમમાંથી બહાર ગયો. થોડી વારમાં અંદર આવીને
એણે સોફામાં બેઠેલ સ્ત્રીના કાનમાં કંઈક કહ્યું. પેલી સ્ત્રીએ હકારમાં માથુ
હલાવ્યું અને સામે બેઠેલ વ્યક્તિઓને કહ્યું, “કુંદનસિંહજી માત્ર રહેમતઉલ્લા સાહેબને
જ મળશે આપના સામાન સહિત હું અને તમે બધા અંહિયા જ રોકાઈએ છીએ.”
રહેમતઉલ્લા ઉભો થયો એટલે જે વ્યક્તિ ઉપરથી સંદેશો લઈને આવેલ તે તેની
સાથે ઉપરના માળ ઉપર ગયો. રૂમ નં. 205ના દરવાજે એક ખાસ પધ્ધતિથી નોક કર્યું અને
અંદરથી કમ ઈનનો અવાજ આવતા દરવાજો ખોલીને રહેમતઉલ્લા સહિત બંને રૂમમાં દાખલ થયા.
No comments:
Post a Comment