ભાગ-16
રૂમ નં. 205માં દરવાજાની સામેની દિવાલે ગોઠવેલા સોફામાં એક રાજવી
પરિવારનો દેખાતો વ્યક્તિ બેઠો હતો. માથે રાજસ્થાની ઢબની પાઘડી, સફેદ કુરતો અને
પાયજામો મોઢા ઉપર રાજવી ઠાઠ એના ચહેરા ઉપર દેખાતો હતો. રહેમતઉલ્લાને આવેલ જોઈ એણે
ઉભા થઈને કહ્યું, “વેલકમ રહેમતઉલ્લાજી, આશા છે કે આપને કોઈ તકલીફ નહિ પડી હોય.
ના ખાસ કોઈ તકલીફ નથી પડી. બસ આપ પાર્સલ આપો એટલે વેરીફાઈ કરીને અમો
પરત નીકળીએ.
જરૂર કહી એણે હાથથી ઈશારો કર્યો એટલે એક વ્યક્તિ અંદર જઈને હાથમાં એક
થાળ સાથે પરત આવ્યો થાળ ઉપર કપડું ઢાંકેલું હતું. કુંદનસિંહે કપડું હટાવ્યું
કપડાની નીચે આશરે ચાડા-ચાર ફૂટની ઉંચાઈની પંચધાતુની એક જુની એન્ટીક મૂર્તિ હતી.
મૂર્તિની બનાવટ કહી આપતી હતી કે મૂર્તિ આશરે છ સો વર્ષથી વધુ જૂની હોવી જોઈએ. આ
આપનું પાર્સલ અને આ આપના પાર્સલનું સર્ટીફીકેટ કહીને કુંદનસિંહે એક ફોટા સહિતનું
સર્ટીફીકેટ રહેમતઉલ્લાને આપ્યું. રહેમતઉલ્લાએ પોતાના પર્સમાંથી એક ફોટોગ્રાફ
કાઢીને મૂર્તિ સાથે સરખાવવા લાગ્યો. ફોટોગ્રાફની પાછળની બાજુમાં મૂર્તિનો ડેટા
લખેલો હતો તે ડેટાને સર્ટીફીકેટ સાથે સરખાવ્યો. બંને ડેટા મેચ થતા હતા અને
ફોટોગ્રાફમાં રહેલ મૂર્તિ અને કુંદનસિંહના માણસના હાથમાં રહેલ મૂર્તિ બંને સરખી જ
હતી. તો પણ રહેમતઉલ્લાના ચહેરા ઉપર સંતોષની ભાવના દેખાતી ન હતી એટલે, કુંદનસિંહે
કહ્યું, આપને આ મૂર્તિની એક ખાસ વાત કહું કહીને મૂર્તિ હાથમાં લીધી અને ઉંધી કરી
મૂર્તિની બેઠકનો ભાગ રહેમતઉલ્લાની સામે કર્યો, આ રાજપરિવારની ખાસ મુદ્રા છે કહીને
બેઠકના ભાગે એક કમળ અને એક કટારના નિશાન તરફ આંગળી કરી. આ ખાસ મુદ્રા અંગે કોઈપણ
જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી. માત્ર રાજ પરિવારના અને રાજપરિવાર સાથે સંકળાયેલા
વ્યક્તિઓને જ આ અંગેની જાણ છે. રહેમતઉલ્લાના ચહેરા ઉપર ખુશીની લકીર આવી ગઈ. એક
સ્પેશીયલ ડિઝાઈન બેગમાં રહેમતઉલ્લાની સામે જ મૂર્તિ પેક કરવામાં આવી અને તે બેગને
લોક કરી તેની ચાવી રહેમતઉલ્લાને આપવામાં આવી. રહેમતઉલ્લાએ ચાવી પોતાના પોકેટમાં
મૂકીને બેગ લીધી પરસ્પર અભિવાદન કરીને રહેમતઉલ્લાએ રજા લીધી. નીચેના માળ ઉપર આવીને
રૂમ નં. 105ના દરવાજાને કુંદનસિંહના માણસે એ જ ખાસ પધ્ધતિથી નોક કર્યો અને અંદરથી
દરવાજો ખૂલ્યો. રહેમતઉલ્લાએ પોતાના સાથીઓને બહાર આવવા કહ્યું એટલે પેલી સ્ત્રીએ
કહ્યું તમે બધા જ પોતપોતાની બેગ લઈને આવ્યા હતા અને અંહિથી જો બધા પોતાની બેગ લીધા
વગર જશો તો નીચે રીસેપ્શન ઉપર જ શંકા પડશે. એક કામ કરો. તમારી બેગમાંથી તમારા કપડા
કાઢી લો બાકીના પાર્સલ અમે લઈ લઈએ અને બેગમાં તમને આ મીઠાઈના બોક્ષ ભરી આપીએ જેની
ઉપર તમારા કપડા ગોઠવી દો એટલે બેગના આકારમાં પણ ખાસ ફેરબદલ ન થાય. વિચાર ગમી ગયો.
રહેમતઉલ્લાએ મૂર્તિવાળી બેગ પોતાની જોડે પોતાના હાથમાં જ રાખી અને બાકીનાઓએ
બેગમાંથી રોકડ કાઢી તેના બદલે મીઠાઈના બોક્ષ ગોઠવી દીધા. સોફામાં બેસેલ સ્ત્રીએ
ઈશારો કરતા, એના માણસોએ રોકડ પોતાની બેગોમાં ભરવાની શરૂ કરી. આખી કામગીરી પૂરી થઈ એટલે રહેમતઉલ્લાની સાથે
આવેલ માણસો તેમની બેગ સાથે રવાના થયા. એના આશરે એક કલાક બાદ ગુજરાતી વેપારી પોતાના
પરિવાર સાથે હોટલમાંથી ચેક આઉટ કરી ગયો. ગુજરાતી વેપારીએ રીસેપ્શન ઉપર ટીપ આપી અને
રૂમ સર્વિસ બોયને પણ.
એના એક દિવસ પહેલાં જ જગરૂપસિંહે વિજય પેલેસ હોટલના મેનેજરને પોતાના
ગામડે પ્રસંગ હોઈ જવાની રજા માંગી. નવી નોકરી હતી એટલે મેનેજર માટે રજા આપવી નિયમ
મુજબ શક્ય ન હતું એટલે જગરૂપસિંહને નોકરીમાંથી એનો હિસાબ કરીને છૂટો કરવામાં આવ્યો
હતો.
--------------------------
મુંબઈ પોલીસને મડઆઈલેન્ડ ઉપરથી એક ડેડબોડી મળી આવી હતી. લાશની ઓળખ થઈ
ચૂકી હતી મરણજનારનું નામ હતું રહેમતઉલ્લા. અંડરવર્લ્ડ સાથે સંકળાયેલ હોવાનું
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારવામાં આવી
હતી. વાડીયા એન્ડ સન્સની ઓફિસમાં રઉફ ઉભો ઉભો ધ્રુજી રહ્યો હતો. પોતે જે કમાયો હતો
એમાંથી સાત કરોડ વાડિયા એન્ડ સન્સમાં નૂકશાન પેટે જમા કરાવી દીધા હતા અને પોતાનો
એક માણસ પણ ગુમાવ્યો હતો. રઉફની પાસે કોઈ જવાબ ન હતો કે આટલી બધી તકેદારી રાખવા
છતા પણ એની સાથે આવી રમત કેમ રમાઈ ગઈ. સિરોહીથી પાર્સલ લઈને સહિ-સલામત મુંબઈ આવી
ગયા હતા અને વાડિયા એન્ડ સન્સની પ્રાઈવેટ લેબમાં પાર્સલ ચેકિંગ માટે આપ્યું ત્યારે
પોલ ખૂલી કે, આ મૂર્તિ છ સો વર્ષ નહિ માત્ર કેટલાક મહિના પહેલા જ મોલ્ડ કરીને
બનાવી છે અને આ પંચધાતુની નહિ પણ પિત્તળ, તાંબુ અને કાંસાના મિશ્રણની છે. જેના ઉપર
એસિડવોશ કર્યા બાદ લેકર પોલીશ કરી તેને જૂની બનાવવામાં આવી હતી. માત્ર મૂર્તિ જ
નહિ પણ એની સાથે આપવામાં આવેલ સર્ટીફીકેટ પણ બનાવટી હતું. વાડિયા એન્ડ સન્સને તો
કોઈ નુકશાન ગયું ન હતું પણ રઉફની આખી જીંદગીની બચત જતી રહી હતી.
રહેમતઉલ્લાની હત્યાના સમાચાર એ.સી.પી. અજય શેલતે જાણ્યા. હાથમાં રહેલ
ચા ની ચૂસકી લેતા એમના મનમાં એક વિચાર આવ્યો કે આ હત્યા સુરત અને અમરેલીની ઘટના
સાથે સંકળાયેલી હશે કે કેમ અને એ જ સમયે કેતવ એ.સી.પી. અજય શેલતની ચેમ્બરમાં
દરવાજો નોક કરીને દાખલ થયો એના લેપટોપની સ્ક્રીન એ.સી.પી. અજય શેલતની સામે કરી. “સર, આ જુઓ, કોઈ
કુંદનસિંહના નામથી સોશીયલ મીડીયા ઉપર એક પ્રોફાઈલ બનાવવામાં આવી હતી જેમાં ઘણી બધી
એક્ટીવીટી થઈ અને હાલમાં આ પ્રોફાઈલ બંધ થઈ ગઈ છે.”
“તો એમાં આપણે
શું કરી શકીએ?” એ.સી.પી. અજય શેલતે પૂછ્યું.
“સર, આ
પ્રોફાઈલમાં રાજઘરાનાની ચીજ વસ્તુઓની માહિતી જ મૂકવામાં આવી હતી અને હાલ આ
પ્રોફાઈલ બંધ થઈ ગઈ છે એટલે મારુ માનવું છે કે, કોઈ એન્ટીક વસ્તુની ગેરકાયદેસર
હેરફેર થઈ છે. બની શકે આ સુરત અને અમરેલી ઘટના વાળી ગેંગનું જ કામ હોય.” કેતવે પોતાનું
મંતવ્ય રજૂ કર્યું.
“હમમ, પણ કોઈ સબૂત
મળે પછી આગળ વધી શકાય. આગળની કોઈ જ ઘટનાના કોઈ નક્કર પૂરાવા, શકમંદ કે સબૂત કંઈ જ
નથી મળ્યા. આપણી પાસે છે તો ચાર પાંચ ફોટોગ્રાફ બસ.” એ.સી.પી. અજય શેલતે કંઈક અંશે નિરાશાથી કહ્યું.
No comments:
Post a Comment