બીરજુ- બીરવા ભાગ-17
રાજસ્થાનના સિરોહીથી અમદાવાદ તરફ આવતી બસોમાં સિરોહીથી એક મજૂર
પરિવાર ચઢયો આશરે દશેક માણસોનું ટોળું હશે. પોતાના સામાનના પોટલા બાંધેલા હતા અને
પોટલામાંથી એમના જૂના પૂરાણા કપડા અને જરૂરીયાતના વાસણો બહાર ડોકિયું કરી રહ્યા
હતા. બસના કંડક્ટરે આટલો સામાન બસમાં લઈ જવાની ના પાડતા, એ લોકો કગરી ઉઠ્યા છેલ્લે
રસ્તો કાઢવામાં આવ્યો કે રાજસ્થાન બોર્ડર ક્રોસ કર્યા બાદ જે પહેલું સ્ટેશન આવે
ત્યાં આ લોકોએ ઉતરી જવાનું. પેલા મજૂરો લાચારીથી સંમત થયા. એમને અમદાવાદ સુધીની
ટિકીટ આપવામાં આવી અને ટિકિટ જેટલા જ પૈસા સામાનના કંડક્ટરે લીધા ગુજરાતની
બોર્ડરમાં બસ દાખલ થઈ અને અમીરગઢ સ્ટેશન આવતા જ બસ કંડક્ટરે મજૂરોને તેમના સામાન
સહિત નીચે ઉતારી દીધા. લાચાર મજૂરોએ પોટલા માથે ઉચકીને ચાલવાનું શરૂ કર્યું.
પંજાબ, ગુરૂઓની ધરતી, દિલદાર અને ભલી કોમ તરીકે ઓળખાતા શીખ લોકોની
ધરતી. પંજાબ પાસીંગની એક ટ્રક આ મજૂરોની આગળ થોડાક અંતરે ઉભી રહી ગઈ. “ઓય કીથે જાણા હૈ?” પંજાબી
લહેકામાં કંડક્ટર સાઈડ બેઠેલ સરદારજીએ પાછળ આવતા મજૂરોને પૂછયું., “અમારે હિંમતનગર
જાવું છે. બસ વાળાએ અંહિ ઉતારી દીધા.” લાચાર અવાજમાં મજૂરોના આગેવાન જેવા
લાગતા એક વ્યક્તિએ કહ્યું. કંડક્ટર સાઈડ બેઠેલ સરદારજીએ ડ્રાઈવર સાઈડ બેઠેલ
સરદારજીની સામે જોયું જાણે આંખો વાંચી લીધી હોય તેમ ડ્રાઈવર સાઈડના સરદારજીએ માથું
હકારમાં હલાવ્યું એટલે કંડકટર સાઈડ વાળા સરદારજીએ ટ્રકની નજીક આવીને ઉભેલા મજૂરોને
કહ્યું, “ઓય બાદશાહો પીછે બેઠ જાઓ. હિંમતનગર સે પહેલે છ્ડ દેંગે.” “આભાર, મારા વીરા
ભગવાન તને ઘણું આપે.” મજૂરોના ટોળામાં રહેલી એક સ્ત્રીએ સરદારજીને કહ્યું અને બધા જ મજૂરો
ટ્રકમાં પાછળની તરફ તેમના સામાન સાથે ગોઠવાઈ ગયા. હિંમત નગરથી બે કિલોમીટર પહેલા
ટ્રક સાઈડ ઉપર ઉભી રહી અને કંડક્ટરે બુમ મારી, “ઓય ઈથે ઉતર જાવ સબ લોગ.” એટલે પેલા
મજૂરો તેમના સામાન સાથે ઉતરી ગયા. મજૂરોના આગેવાન જેવા લાગતા એક વૃધ્ધ વ્યક્તિએ
પૈસા આપવા પૂછતા સરદારજીએ ના પાડી અને ટ્રક લઈને આગળ વધી ગયા. આસપાસ કોઈ જોતું નથી
તેની પૂરતી ખાતરી કર્યા બાદ ટોળામાંની સ્ત્રીએ મોબાઈલ કાઢી એક નંબર ડાયલ કર્યો અને
કંઈક સૂચના આપી. થોડી જ વારમાં એક જીપ આવી અને મજૂરો એમના સામાન સહિત જીપમાં
ગોઠવાઈ ગયા અને જીપ રવાના થઈ. સીધા જ હડિયોલ ખાતેના ઘરે જવાના બદલે, બીરજુએ જીપ એક
હોટલ પાસે ઉભી કરાવી હોટલમાં બનાવટી આઈ ડી ઉપર એક રૂમ રાખ્યો અને મજૂરોને વેશ બદલી
અને સામાન્ય પહેરવેશ ધારણ કર્યો અને રોકડ રકમ પોટલામાંથી અલગ અલગ બેગમાં શીફ્ટ કરી
દરેકને એક એક બેગ આપી અડધા અડધા કલાકના અંતરે હોટલમાંથી હડિયોલ ખાતેના મકાનમાં
રવાના કર્યા અને છેલ્લે પોતે ચેક આઉટ કર્યું.
બે મહિનાથી લગભગ શાંત રહેલ મકાનમાં આજે ચહલ પહલ હતી. અલગ અલગ જગ્યાએ
નોકરી કરતા, ઘરના બધા જ યુવાનો આજે પોતાના ઘરે પરત આવ્યા હતા. સફરનો થાક ઉતારી,
બધા ફ્રેશ થયા. બીરજુ એ સાંજે જમ્યા પછી ભેગા થવાની સૂચના આપી.
સાંજે જમવાનું પરવારીને ચોકમાં મંગો, જગો, બીરજુ અને બીજા સાથીઓ
ગોઠવાઈ ગયા. બીરજુએ સીધી જ મુદ્દાની વાત કરી, “હવે આગળ આ ધંધો નથી કરવો.” બીરજુના આવા
નિર્ણયથી હાજર દરેકના ચહેરા બદલાઈ ગયા અને ઘણા ચહેરાઓ ઉપર અણગમાના ભાવ ઉપસી આવ્યા.
“મારા આ નિર્ણય
સાથે જે કોઈ સંમત ન હોય તે સરદારને જણાવી શકે છે. આ નિર્ણય મારો છે વ્યક્તિગત છે.
સરદારનો નહિ.”
ટોળીના સરદાર તરીકે જગાની નિયુક્તિ થઈ ચૂકી હતી તો પણ જગાએ મંગાની
સામે જોયું. પછી મંગાએ કહ્યું, “બેટા તારા આ નિર્ણય પાછળનું કારણ..?”
----------------------
“સર, હિંમતનગર પાસે
એક નાનકડું ગામ છે હડિયોલ ત્યાં છેવાડાના મકાનમાં શંકાસ્પદ એક્ટીવીટી જોવામાં આવી
છે. ખાસિયત એ છે કે, અમરેલી, સુરત અને હાલમાં રાજસ્થાનની ઘટના, આ ત્રણે ઘટના
પછી થોડા દિવસો આ મકાનમાં ચહલ પહલ રહેતી હોય છે. મને મારા નેટવર્કથી માહિતી મળી.” કેતવે પોતાને
મળેલી માહિતી એ.સી.પી. અજય શેલતને આપી.
“તારી માહિતી અને
અનુમાન બંને સાચા હોઈ શકે છે પણ માત્ર આટલી માહિતી ઉપરથી કોર્ટ ટ્રાન્સફર વોરંટ કે
સર્ચ વોરંટ નહિ આપે. આખો જિલ્લો બદલાઈ જાય છે.” પોતાના અનુભવનો નીચોડ દર્શાવતા
એ.સી.પી. અજય શેલતે કહ્યું.
“સર, ઓફિશીયલી તપાસ
ન થઈ શકે પણ અનઓફિશીયલી તપાસ કરીએ તો શક્ય છે કે, કોઈ નક્કર પૂરાવો અથવા સ્કેચને
મળતા આવતા વ્યક્તિઓ મળી જાય પછી લોકલ પોલીસની મદદથી એરેસ્ટ કરી શકાય અને આગળ વધી
શકાય.” કેતવે પોતાનો અભિગમ રજૂ કર્યો.
“હમમ, વાત સાચી છે એક
કામ કર તું એક અઠવાડિયાની રજા લઈ લે અને એ બાજુ ફરતો આવ. સિવીલ ડ્રેસમાં જજે એટલે
બહુ કોઈને ખ્યાલ ન આવે.” એ.સી.પી. અજય શેલતે કેતવને સૂચના આપી.
“યસ સર, જયહિંદ.” કહી સેલ્યુટ
કરીને કેતવ એ.સી.પી. અજય શેલતની ઓફિસમાંથી બહાર નીકળ્યો.
કેતવના નીકળ્યા પછી, એ.સી.પી. અજય શેલતે પોતાની બેગમાંથી એક સાદો
કી-પેડ વાળો ફોન કાઢ્યો એમાં બેટરી ઈનસર્ટ કરી ફોન સ્વીચઓન કર્યો અને એક નંબર ઉપર
મેસેજ કર્યો મેસેજ સેન્ડ થઈ ગયાની ખાતરી કરીને ફોન સ્વીચઓફ કર્યો અને બેટરી કાઢીને
પાછો હતો તેમ બેગમાં મૂકી દીધો.
No comments:
Post a Comment