બીરજુ બીરવા ભાગ-19
બીરજુને પોતાની યોજના જણાવ્યે એક મહિનાનો સમય પસાર થઈ ગયો હતો.
સામખિયાળીમાં ઉદય નામના ટ્રસ્ટની ઓફિસનું ઓપનીંગ થઈ રહ્યું હતું. મુખ્ય ટ્રસ્ટી
તરીકે બીરવા પરિહાર અને રઘુનંદન પરિહાર હતા. સ્થાનીક રાજકીય વ્યક્તિઓ ઉપસ્થિત
હતા. ઉદય ટ્રસ્ટની ઓફિસે બે વડીલો નિયમિત
બેસતા મંગળદાસ પરિહાર અને જગજીવન પરિહાર.
ઉદય ટ્રસ્ટની પ્રવૃત્તિ ધીમે ધીમે વિસ્તરી રહી હતી. વંદિતા પરિહાર
અને તેની સહેલીઓ કચ્છના નાનામાં નાના ગામડા સુધી પહોંચી ગઈ હતી. કચ્છી ભરતકામ કરતી
સ્ત્રીઓને તેમના ભરતકામની કળા બદલ સારી એવી રકમ મળતી થઈ ગઈ હતી. ઉદય ટ્રસ્ટ દ્વારા
કચ્છી ભરતકામ વાળી ચીજ વસ્તુઓ ભારત બહાર પણ અન્ય દેશોમાં વેચાવા લાગી હતી. ઘીમે
ધીમે કચ્છી ભરતકામની ચીજ વસ્તુઓ સાથે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ઉદય ટ્રસ્ટ દ્વારા
શરૂ કરવામાં આવી હતી.
સમય પસાર થતો ગયો અને ઉદય ટ્રસ્ટની ખ્યાતિ અને પ્રસિધ્ધિ પણ વધતી ગઈ
સાથે સાથે આવક પણ. આખરે ભાડાની ઓફિસના બદલે ઉદય ટ્રસ્ટની પોતાની માલિકીની ઓફિસના
બિલ્ડીંગનું ઉદ્ઘાટન થવાનું હતું. કચ્છના સ્થાનિક ધારાસભ્યના હાથે દિપ પ્રાગટ્ય
કરાવવાનું હતું.
--------------------
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી ગેટ પાસે એક વેગન આર કાર
આવીને ઉભી રહી. એન્ટ્રી ગેટ ઉપરના હવાલદારે આવનારનું નામ અને કારણ પૂછ્યું,
ગાડીમાં ડ્રાઈવીંગ સીટ ઉપર બેઠેલ યુવતી નીચે ઉતરી અને પોતાનું કાર્ડ આપ્યું બીરવા
પરિહાર ટ્રસ્ટી ઉદય ટ્રસ્ટ અને જણાવ્યું કે, “એ.સી.પી. અજય શેલત સરને ઈન્વીટેશન
કાર્ડ આપવા માટે મળવું છે.” ઈન્ટરકોમ ઉપર એ.સી.પી. અજય શેલતને જાણ કરવામાં આવી. ફોન ઉપરની
સૂચનાને અનુસરીને, ગેટ ઉપરના હવાલદારે ગાડી પાર્ક કરવાની સૂચના આપી, આવનારને ચેક
કરીને વેઈટીંગ રૂમમાં બેસાડ્યા. થોડીવારમાં જ એ.સી.પી. અજય શેલત વેઈટીંગ રૂમમાં
આવ્યા. પ્રભાવશાળી વ્યક્તિત્વને પરિચયની જરૂર નથી હોતી. એ.સી.પી. અજય શેલતની પ્રતિભા જ એમનો પરિચય આપી રહી હતી. આમંત્રણ
આપવા આવનાર પોતાની ચેર ઉપરથી ઉભા થઈ ગયા અને આદર પૂર્વક નમસ્કાર કર્યા. “બોલો શું લેશો
ચા કે કોફી?” એ.સી.પી. અજય શેલતે પૂછ્યું “ના સર કંઈ જ નહિ. આપને આ આમંત્રણ કાર્ડ
આપવાનું છે.” કહીને યુવતીએ પોતાના હાથમાં રહેલ કાર્ડ એ.સી.પી. અજય શેલત તરફ
લંબાવ્યું. “મારું નામ બીરવા પરિહાર અને આ રઘુનંદન પરિહાર. અમે, કચ્છના સામખિયાળીમાં
ઉદય ટ્રસ્ટ ચલાવીએ છીએ.” કહીને બીરવાએ પોતાનો અને પોતાના ટ્રસ્ટનો તથા ટ્રસ્ટની કામગીરીનો
સંક્ષિપ્તમાં પરિચય આપ્યો. “ઓકે આઈ વીલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ એટેન્ડ ધ ફંકશન એન્ડ થેન્ક્સ ફોર
ઈન્વાઈટીંગ મી.” કહીને એ.સી.પી. અજય શેલત ઉભા થયા એટલે બીરવા અને રઘુનંદન પણ ઉભા
થઈને રજા લીધી. નિયત દિવસે ઉદય ટ્રસ્ટની
પોતાની માલિકીની ઓફિસના ઉદ્ઘાટનનો પ્રસંગ ખૂબ જ સરસ રીતે શરૂ થયો. સ્થાનિક રાજકીય
વ્યક્તિઓ, પોલીસ અધિકારીઓ, ટ્રસ્ટ સાથે એક યા બીજી રીતે સંકળાયેલ વ્યક્તિઓ અને
ટ્રસ્ટના લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આખા સમારંભ દરમ્યાન બીરવાનું
ધ્યાન વારેવારે મેઈન ગેટ તરફ જતું હતું જાણે કે કોઈની રાહ જોઈ રહી હોય. જગજીવન
પરિહાર ઉર્ફે જગો અને મંગળદાસ પરિહાર ઉર્ફે મંગો એક બાજુ શાંતિથી બેઠા હતા એમના
ચહેરા ઉપર આનંદ દેખાઈ આવતો હતો. આખો પ્રસંગ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયો. બીરવાના
ચહેરા ઉપર આનંદના ભાવ હતા સાથે સાથે એનો ચહેરો થાકની ચાડી પણ ખાતો હતો પણ એની
આંખોમાં એક અજબ નારાજગી દેખાઈ આવતી હતી.
સામખિયાળીમાં ઉદય ટ્રસ્ટનું નામ અને પ્રતિષ્ઠાની સુવાસ ફેલાઈ રહી
હતી. જગજીવન પરિહાર અને મંગળદાસ પરિહારે પણ નવી ઓળખ મુજબના નામોથી સંબોધવાની આદત
પાડી દીધેલ હતી. ઉદય ટ્રસ્ટની એક્ટીવીટી સરસ રીતે ચાલી રહેલ હતી. જગજીવન ઉર્ફે જગો
અને મંગળદાસ ઉર્ફે મંગો પોતાની નવા નામ અને સમાજમાં ઉભી થયેલી નવી ઓળખાણથી ખુશ પણ
થતા હતા અને નવી પેઢીની સારી કામગીરી જોઈને હરખાતા પણ હતા. એક સાંજે જગજીવન અને
મંગળદાસ એમના મકાનના ફળિયામાં સામ સામે બેઠા નિરાંતની પળો માણી રહ્યા હતા. કંઈક
કામસર બીરવા એમની સામેથી પસાર થઈ બીરવાને જોઈને એકાએક મંગો ઉર્ફે મંગળદાસ કંઈક
વિચારે ચઢી ગયો. “શું વિચારે છે.?” “યાર, આ બીરવાને સારૂ ઠેકાણું મળશે.?” “હા, તારી વાત તો સાચી છે. મારે પણ રઘાને
પરણાવવો છે. પણ હવે આ છોકરાઓને પૂછ્યા વગર તો કંઈ કરાશે નહિ. એક કામ કરીએ સાંજે
બધાને પૂછી લઈએ કોઈનું મન ક્યાંય માન્યુ હોય તો એમની મરજી એ આપણી મરજી.” નવી
વિચારધારાને અનુરૂપ જગજીવન ઉર્ફે જગાએ પોતાનો મત રજૂ કર્યો.
એ સાંજે સામખિયાળીના મકાનના ફળિયામાં બધા જ ભેગા બેઠા હતા. જગા અને
મંગાના ચહેરા ઉપર વધતી જતી ઉંમર સ્પષ્ટ દેખાઈ રહી હતી. વધતી જતી ઉંમરના કારણે
શરીરની શક્તિ ઘટી રહી હતી. જગા અને મંગાની પેઢીના કેટલાક વ્યક્તિઓ પંચમહાભૂતમાં
વિલીન થઈ ગયા હતા. એમની સામે, એમની જ નવી પેઢી બેઠી હતી. એ પેઢી કે જેણે અભ્યાસ
અને આવડતથી હાલમાં સમાજમાં એક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી, નામના મેળવી હતી. જગો
અને મંગો એટલે જગજીવન અને મંગળદાસ મૌન બેઠા સામે બેઠેલ નવી પેઢીને જોઈ રહ્યા હતા
અને પોતાનો ભૂતકાળ જોઈ રહ્યા હતા. આખરે, જગાએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું, “બાળકો, આજે
અમારે અમારા મનની વાત તમને કરવી છે. આમ તો અમારી ચિંતા તમને કહેવી છે. અમે હવે
ખર્યા પાન કહેવાઈએ. અમારી પેઢીના ઘણા બધા જતા રહ્યા અને અમે પણ વહેલા કે મોડા
ચાલ્યા જવાના. જો જૂના ધંધામાં અને જૂની પરંપરામાં હોત તો તમને પૂછ્યા વગર જ તમારા
સગપણ નક્કી કરી નાખ્યા હોત. પણ બીરજુ એટલે બીરવાની આવડત જોઈ, એની માંગણી મુજબ એને
અને રઘાને અને પછી તમને બધાને ભણાવ્યા. તમે તમારૂં ભણતર અને પેઢી દર પેઢી લોહીમાં
રહેલી કળા બંનેનું પ્રમાણ અનેક વખત અમને આપ્યું. એટલે આજે તમને જ સીધું પૂછી લઈએ
કે તમારામાંથી જેનું મન જ્યાં માન્યું હોય તે કોઈ સંકોચ વગર જણાવો તો અમને આનંદ
થશે અને અમે બેઠા છીએ ત્યાં સુધી અવસર પ્રસંગ લઈ લઈએ.”
બીરવા સહિત લગભગ દરેક માટે આ વાત આશ્ચર્યજનક હતી. એક સમયના ખૂંખાર ઠગ
આટલી લાગણીશીલ ભાષામાં વાત કરે એ માનવું એમના માટે થોડું અધરું હતું. જગાની વાત
સાંભળી બીરજુ ઉર્ફે બીરવાએ રઘુ ઉર્ફે રઘુનંદનની સામે જોયું બંનેના ચહેરા ઉપર સ્મિત
આવી ગયું. જગા અને મંગાની નજરોથી એમના સંતાનોના ચહેરા ઉપર આવેલ સ્મિત છાનું ન
રહ્યું બંનેએ એકબીજાની સામે જોયું અને એ બંનેના ચહેરા ઉપર પણ સ્મિત આવી ગયું.
જાહેરમાં તો બંનેમાંથી કોઈએ પોતાના સંતાનોને કંઈ જ ન કહ્યું કે પૂછ્યું પણ બીજા દિવસે
સવારે મંગળદાસ ઉર્ફે મંગાએ બીરવા ઉર્ફે બીરજુને પૂછ્યું બેટા રઘુને લઈને તારો શું
અભિપ્રાય છે. શેના માટે બાપુ પોતે જાણે સમજી નથી એવા ભાવ સાથે બીરજુએ પોતાના
પિતાને સામે પૂછ્યું. બેટા તું ભલે ભણીને હોંશિયાર થઈ ગઈ પણ તારા બાપુને બુધ્ધુ
બનાવી શકે તેટલી પણ હોશિયાર નથી થઈ. બીરજુ શરમાઈ ગઈ અને મંગાને પોતાનો જવાબ મળી
ગયો. બીજી બાજુ, જગા અને રઘા વચ્ચે પણ કંઈક આવો જ સંવાદ થઈ રહ્યો હતો અને એ
સંવાદના અંતે જગાને પણ પોતાનો જવાબ મળી ગયો.
No comments:
Post a Comment