Sunday, December 11, 2022

બીરજુ બીરવા ભાગ -20

 

 બીરજુ બીરવા ભાગ -20

એક જ સમાજ હતો અને બધા જ એક બીજાને સારી રીતે ઓળખતા હતા એટલે બીરવા અને રધુનંદનના લગ્ન થાય એમાં કોઈને કોઈ વાંધો કે વિરોધ ન હતો. બે ખાસ મિત્રો જગો ઉર્ફે જગજીવનદાસ અને મંગો ઉર્ફે મંગળદાસ વેવાઈ બનવાના હતા. સારા ચોઘડિયામાં ગોળધાણા ખવાઈ ગયા, જગજીવનદાસની પત્ની શારદાએ બીરવાને ચુંદડી ઓઢાડી. સગપણનો પ્રસંગ સારી રીતે પૂર્ણ થયો. ઉદય ટ્રસ્ટના મુખ્ય તમામ કાર્યકર્તાઓએ પ્રસંગ માણ્યો હતો. દરેકના ચહેરા ઉપર ખુશી હતી. પ્રસંગ બાદ જગજીવન અનં મંગળદાસ બંને ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા હતા. એમના સમાજમાં આટલી સારી રીતે ધામધુમથી કોઈ જ પ્રસંગ થયો ન હતો. ક્યાંથી થયો હોય? ભૂતકાળમાં એમની પ્રવૃત્તિઓ જ એવી હતી કે કોઈ એક સ્થાને લાંબો સમય રોકાઈ શકાય તેવું હોય જ નહિ. બીરવા ઉર્ફે બીરજુની ભણવાની માંગણી સ્વીકારી અને નવી પેઢીના બાળકોને ભણાવ્યા એ જ બાળકોએ આજે મોટા થઈને પોતાની વંશપરંપરાગત આવડત જાળવી રાખીને માન્યામાં ન આવે એવા કારસ્તાનો કરી બતાવ્યા હતા અને હવે શાંતિથી એક પ્રતિષ્ઠિત જીવન જીવી રહ્યા હતા અને પોતાના સમગ્ર સમાજ – કબીલાને પણ એક પ્રતિષ્ઠિત જીવન આપ્યું હતું.

-----------------------

અમરેલીની ઘટનાને પાંચ વર્ષ થઈ ગયા હતા અને પોલીસ ચોપડે પણ આ ફાઈલ બંધ કરી દેવામાં આવી હતી. તે જ રીતે સુરતની ઘટનાને પણ ચાર વર્ષ ઉપર સમય થઈ ગયો હતો. જયપુરની ઘટના થોડો સમય ચર્ચામાં રહી પણ એની વાતો પણ ધીમે ધીમે ઠંડી પડી અને બંધ થઈ ગઈ. આ પાંચ વર્ષના સમયગાળામાં એ.સી.પી. અજય શેલતે આ ત્રણ કેસ સિવાયના લગભગ બધા જ કેસ સોલ્વ કર્યા હતા. જેમાં બળાત્કાર, હત્યા, લૂંટ અને તેના જેવા ગંભીર ગુનાનો સમાવેશ થતો હતો. એ.સી.પી. અજય શેલતની કામગીરીની પ્રશંસા કરતા રાજયપાલ શ્રીના હસ્તે પોલીસ ગેલન્ટ્રી મેડલ એ.સી.પી. અજય શેલતને આપવામાં આવ્યો. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. પોલીસ મેડલની સાથે સાથે એ.સી.પી. અજય શેલતને પ્રમોશન અને ટ્રાન્સફર બંને આપવામાં આવી. એ.સી.પી.માંથી સી.પી.  અને ટ્રાન્સફર અમદાવાદથી રાજકોટ.

--------------------------------

બીરવા અને રધુનંદનના લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી. આમંત્રણ પત્રિકા લખાઈ ગઈ હતી. ઉદય ટ્રસ્ટની સાથે સંકળાયેલ મહત્વના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના લગ્નની કેટલીક પત્રિકાઓ બીરવા અને રઘુનંદને જાતે આપવા જવાનું નક્કી કર્યું હતું અને આવી જ એક પત્રિકા લઈ તેઓ રાજકોટ જવા રવાના થયા. એક સવારે, રાજકોટ પોલીસ કમિશ્નરની કચેરીના મેઈન ગેટ ઉપર આવીને એક ગાડી ઉભી રહી. ગેટ ઉપરના સંત્રીએ નામ પૂછ્યું, બીરવા અને રઘુનંદને પોતાના નામ જણાવી પોતાના આઈ.ડી.કાર્ડ આપ્યા. સંત્રીએ જરૂરી વિગતો નોંધી ગાડી ચેક કરી અંદર પાર્કિંગમાં ગાડી પાર્ક કરાવી. બીરવા અને રઘુનંદને વેઈટીંગ લોન્જમાં થોડી વાર રાહ જોઈ લગભગ પાંચેક મીનીટમાં વેઈટીંગ લોન્જનો લેન્ડ લાઈન રણકી ઉઠ્યો. ફરજ પરના સાર્જન્ટે ફોન રીસીવ કર્યો અને સામે છેડેથી આપવામાં આવેલ સૂચના પૂરી થતા યસ સર કહીને ફોનનું રીસીવર ક્રેડલ ઉપર મૂકી બીરવા અને રઘુનંદનની સામે જોઈ કહ્યું, આપને સર બોલાવે છે. ફર્સ્ટ ફ્લોર, લેફ્ટ હેન્ડ સાઈડ સેકન્ડ કેબીન. ઓકે સર કહી બીરવા અને રઘુનંદન ઉભા થયા અને સાર્જન્ટે દર્શાવેલ ચેમ્બરનો દરવાજો નોક કર્યો અંદરથી અવાજ આવ્યો કમ ઈન અને બીરવા અને રઘુનંદન બંને ચેમ્બરમાં દાખલ થયા. સી.પી. રાજકોટ, અજય શેલત એમની ઓફિસ ચેરમાં બેઠા બેઠા બીરવા અને રઘુનંદનને જોઈ રહ્યા હતા.થોડીક ક્ષણો પછી એમના ચહેરા ઉપરની કરડાકીના સ્થાને કિશોરાવસ્થાનું સ્મિત આવી ગયું અને એ જોઈ બીરવા બોલી ઉઠી, શું ભાઈ, તું પણ આમ ડર લાગે એવી રીતે જોઈ રહ્યો હતો.

No comments:

Post a Comment